સ્વથી આગળ અને ઉપર ~ નંદિતા ઠાકોર ~ કટાર: ફિલ્ટર કૉફી

 
એક સમય એવો હતો કે જયારે કોઈ વ્યક્તિ પોતે પોતાની વાત કરે, બણગા ફૂંકે, સ્વપ્રચાર કરે અથવા પોતે કરતા હોય એવાં  કોઈ ખાસ કાર્યો વિશે જાતે જ ઢોલ પીટે તો એ બધું સામાન્યપણે બહુ આવકાર્ય નહોતું ગણાતું. મોટે ભાગે આપણે એ સમજ લઈને ઉછર્યાં છીએ કે આપણા ગુણ આપણે જાતે ન ગાઈએ. કશુંક ખાસ નોંધપાત્ર કે વિશિષ્ટ કાર્ય આપણે કરતાં હોઈએ તો એની વાતો આપણે જ કરીએ એ બહુ શોભનીય ન લાગે. પણ આજે પરિસ્થિતિ કેવી પલટાઈ ગઈ છે?  

સોશિયલ મિડિયાએ કદાચ એ માટે મોટો ભાગ પણ ભજવ્યો હશે પણ મૂળ તો માણસની પોતાની ઝંખનાઓ. પોતાની તરસને જાણે હવે કોઈ અંત જ નથી એમ માણસ વર્તે છે. નાનામાં નાનું કાર્ય કરીને પણ એને શાબાશી, વખાણ જોઈએ છે! 

એક વાત તો ખરી કે કોઈકના કોઈ નાનકડા પણ સુયોગ્ય કાર્યને બિરદાવીએ તો એ વ્યક્તિને આનંદ તો થાય જ, પણ વધુ સરસ કામ કરવાની પ્રેરણા પણ મળે, ઉત્સાહ પણ વધે. આપણે કોઈ સંત કે યોગી નથી એટલે નાની નાની અપેક્ષાઓથી આપણે મુક્ત નથી. ખરે વખતે, સાચી અને સારી વસ્તુ માટે મળતી શાબાશી ચોક્કસ જરૂરી છે, પણ આજકાલ આ બધું સાવ જુદું જ રૂપ લઈને સામે આવી રહ્યું છે. 

પોતાની પ્રોડ્કટની યોગ્ય જાહેરાત જરૂરી તો ખરી જ, પણ આપણે જ ઉત્તમ અને આપણે જ સાચા એવી રીતની જે રજૂઆતો આજકાલ જોવા મળે છે એનાથી નવાઈ પણ લાગે છે, ક્યારેક ચીડ પણ ચડે છે અને વ્યથિત પણ થવાય છે.  

અજ્ઞાન અને અધૂરું જ્ઞાન-બંને ખરાબ. આપણે ઓછું અને નબળું બધું જ માથે ચડાવીશું, બિરદાવીશું તો સારું અને સાચું ક્યાંથી બહાર આવશે? દુઃખ માત્ર એ વાતનું નથી કે ઓછું અને અધૂરું બિરદાવાય છે. ખાટલે મોટી ખોડ જ એ છે કે સાચા અને ઉણા વચ્ચેનો ભેદ પારખવાની આપણી ક્ષમતાને લૂણો લાગી ગયો છે. આપણે સપાટી પર રહીને ખુશ છીએ. ઊંડે ડૂબકી મારીને મોતી શોધવાની આપણે જરૂર જ નથી લાગતી!

સોશિયલ મિડિયાની મહેરબાનીથી આપણને એક તરફ અંદરની ક્ષમતાઓને ઓળખવાની, વિકસાવવાની અને વહેંચવાની સુવિધા મળી, તો બીજી બાજુ દરેકને એમ થઈ ગયું કે પોતે જે કરે છે તે સર્વશ્રેષ્ઠ જ છે! સૂંઠને ગાંગડે ગાંધી થઈ ગયા આપણે. 

એક સમય હતો કે વ્યક્તિને સજ્જ થતાં અને એ સજ્જતા પૂરવાર કરતાં વર્ષો વીતી જતાં. જે તે ક્ષેત્રના નીવડેલાં નામો તરફથી મળતી શાબાશીની એક કિંમત હતી. હવે આપણી સજ્જતા એ માત્ર સોશિયલ મિડિયા પર ફોલોઅર્સ કે લાઈક્સના આધારે નક્કી થાય છે. પોતે કેવા અદભૂત છે એ વિશે પોતે જાતે જ નગારાં વગાડવાના હોય છે.

જેને એ કરતાં ન આવડે તેમનું કામ ગમે તેટલું સરસ હોય,પણ એ લોકો પોતાના નાનકડા વિશ્વમાં જ સીમિત રહી જાય.      

કવિતા, રસોઈ, નૃત્ય,સંગીત…. દરેક જણને દરેક વસ્તુ હવે બસ આવડે જ છે, એટલું જ નહીં તેઓ સહુ અદભૂત જ હોય છે! સપાટી પર બાઝેલી લીલની નીચે ખરેખર ચોખ્ખું પાણી છે કે નહીં એ પરખાતું નથી કે ચોખ્ખા જળ સુધી પહોંચાતું  જ નથી. અધકચરા, અપૂર્ણ કે અયોગ્યને માથે ચડાવવાની અને એમાં જ ખુશ થઈ  જવાની આ મૂર્ખાઈ અને મિથ્યા ગુમાન આપણને સાચા અને સારાથી વંચિત ન રાખે અને સજ્જ થતાં અટકાવી ન દે તો સારું.

મારી કોઈ  સુયોગ્ય ક્ષમતાઓને આવકાર મળે તેવું  હું પણ જરૂર ઈચ્છું, પણ માત્ર એવા આવકારની તરસમાં પોતાને વધુ સજ્જ અને સક્ષમ બનાવવાનું અવગણતી રહું એવી હું તો નથી. તમે છો? 

~ નંદિતા ઠાકોર 

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. નંદિતાજી, તમે ખરેખર તમારા આ લેખમાં બહુ જ સુંદર વાત કરી છે. કદાચ, ઘણાં લોકો આ બાબત અનુભવે છે પરંતુ એની સામે બીજો પ્રવાહ એટલો મોટો છે કે આમાં આપણે સુધારો લાવવો હોય તો પણ કેવી રીતે લાવી શકીએ. જે કાંઈ સામાજિક મિડીયા દ્વારા પ્રસારિત થતું હોય છે તે બધું જ ખરાબ છે તેવું કહેવાનો મારો આશય નથી પરંતુ વાંચીએ છીએ ત્યારે અંદર કાંઈક ખટકે છે અને એવું લાગે છે કે સર્જનાત્મકતા ક્યાંક ચાલી ગઈ છે. અને સાચી વાત એ પણ છે કે સમાજમાં આજે જેવા વિષયો અને જે વાતો થવી જોઈએ તે આ પાનાંઓ પર પ્રકાશિત થાય છે ત્યારે તેને વાંચનારો વર્ગ બહુ નાનો છે અથવા તો નહીંવત્ છે.
    આજે સવારે જ હું એક વક્તવ્ય સાંભળી રહી હતી અને તેમાં પણ આવી જ કાંઈક વાતને પ્રશ્નાર્થથી રજૂ કરવામાં આવી હતી. મને બહુ ગમ્યું કે જે વ્યક્તિને ખરેખર સચ્ચાઈથી પોતાનું સર્જનકામ કરતાં રહેવું છે તેને માટે લાઈક કે શેર કે કોમેન્ટ્સ એટલાં અગત્યનાં નથી રહેતાં, જો તેનો કામ પ્રત્યેનો અભિગમ સાચો હોય, યોગ્ય હોય, તો પછી તેની કાબેલિયત તે ગમે ત્યારે પણ સાબિત કરીને જ રહેશે. તમે જે નક્કી કર્યું છે તે કોઈપણ મુશ્કેલી વચ્ચે પણ કરો, કરો ને કરો. આ Attitude રાખવો એ જ કામનું છે. અસ્તુ.