હું ઊભી છું મૂળમાં (આસ્વાદ લેખ) ~ હિતેન આનંદપરા ~ અર્ઝ કિયા હૈ ~ ગુજરાતી મિડ-ડે

૧૫ ઓગસ્ટે આઝાદી મળ્યાને ૭૫ વર્ષ થયાં. પોણી સદી વીતી ગઈ છે અને દેશ એક નવા મુકામ પર ઊભો છે. અંગ્રેજોની ગુલામીથી અફઘાનિસ્તાન ૧૯૧૯માં આઝાદ થયું. કુવેત ૧૯૬૧, મોરેશિયસ ૧૯૬૮, કતાર ૧૯૭૧, ઝિમ્બામ્બવે છેક ૧૯૮૦માં આઝાદી પામ્યા. વિવિધ કાળખંડમાં ૬૦થી વધુ દેશોમાં બ્રિટિશ સામ્રાજ્ય હતું જેમાં અમેરિકા, કેનેડા, ન્યુઝીલૅન્ડ, મલેશિયા, લિબિયા, ઈઝરાયલ, ઈજિપ્ત, ઑસ્ટ્રેલિયા જેવા મહત્ત્વના દેશો સમાવિષ્ટ છે. ગુલામીના મૂળ આથમ્યા પછી ખીલતા ગુલાબી ફૂલો દેશને પોતીકી ઓળખ આપે છે. રાકેશ સાગર ‘સગર’ની પંક્તિઓ સાથે આજે મૂળનું કુળ તપાસીએ…
હું ગગનમાં પ્રસારું છું પાંખો
પણ, ધરા પર પડાવ રાખું છું
મૂળ માફક વધું છું ભીતરમાં
માટી સાથે નિભાવ રાખું છું
વૃક્ષ ગમે એટલું ઊંચું જાય તે પોતાના મૂળિયાં નથી છોડતું. એને ખ્યાલ છે કે આકાશ સાથેની તેની વાતો મૂળને આભારી છે. વ્યક્તિના, સમાજના, રાજ્યના, દેશના પોતાના મૂળ હોય છે. આ મૂળથી સંસ્કૃતિ વિકસતી જાય અને ઓળખ સ્થાપિત થતી જાય. રોમન, પર્શિયન, ગ્રીક, ચાઇનીઝ, ભારતીય વગેરે કેટલીક સંસ્કૃતિઓના મૂળ અત્યંત પ્રાચીન છે. દિનેશ ડોંગરે ‘નાદાન’ તેના પ્રભાવની વાત કરે છે…
ભલે સારું કે નરસું પણ, દરેકનું કુળ રહેવાનું
બધાંને પોતપોતાનું અહીં વર્તુળ રહેવાનું
તણખલું કે ઘેઘૂર વડ, કદી ગુણધર્મ નહીં છોડે
ધરા પર વૃક્ષ ફેલાશે, ભીતર તો મૂળ રહેવાનું
મૂળ શબ્દની અનેક અર્થછાયાઓ મળી આવે. કજિયાનું મૂળ હાંસી, રોગનું મૂળ ખાંસી. સત્તાવીસ નક્ષત્રોમાંથી ઓગણીસમું નક્ષત્ર મૂળ નક્ષત્ર છે. નદીનું મૂળ અને ઋષિનું કુળ ન પૂછાય. આપણી ભાષામાં છેત્તાલીસ મૂળાક્ષરો છે. આપણા શરીરના સાત ચક્રોમાંથી એક ચક્ર મૂળાધાર છે. રવિસાહેબનું પ્રખ્યાત પદ છેઃ મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે જી. અમિત વ્યાસ જે મૂળની વાત કરે છે તેમાં તમને જાણીતા સૂર સંભળાશે…
ધીમે-ધીમે એ સ્વયં વિકસી જશે
એટલાં ઊંડાં તો એનાં મૂળ છે
સ્થાનનો મહિમા જ અંતે સાંપડ્યો 
કૈં નથી ને તોય ત્યાં ગોકુળ છે
મૂળની તાસીર ઊંડે ઉતરીને ફેલાવાની છે જેથી તે તળમાં જળ પામી શકે અને વાવાઝોડા સામે ટક્કર લઈ શકે. ક્યારેક મૂળને પણ ઊડતા પંખી જોવાની, માળામાં ઉછરતાં તેનાં બચ્ચાને રમાડવાની, રંગબેરંગી આ સૃષ્ટિ નિહાળવાની ખેવના થતી હશે. પણ આ બધી ઇચ્છાઓ મૂળમાં જ દાબી દેવી પડે અન્યથા વૃક્ષ વિકસી જ ન શકે. પરિવારમાં પણ સ્વજનો સારી જિંદગી જીવી શકે એ માટે એકાદ જણે તો પોતાનાં સપનાં ન્યોચ્છાવર કરવા જ પડે. આ પણ એક પ્રકારનું તપ જ કહેવાય. ગોપાલ શાસ્ત્રી તેને બિરદાવે છે…
મૂળ સાથે ઊખડી ક્યાં જાય છે?
આ હવા તારા જ ગીતો ગાય છે
સ્વપ્ન જેવું કૈંક તૂટે પણ ખરું
સ્વપ્ન છેઃ આવે ને ચાલી જાય છે
ધારો કે મૂળને સપનાં આવતા હોય તો શું આવે? એને પણ ડોકું ઊચું કરી ડાળીઓ પર બાંધેલા ઘોડિયામાં સૂતેલાં બાળકને ચૂમવાનું મન થઈ આવે. ધરતી નીચે દૂર સુધી જતાં મૂળ હવામાં બાહુપાશ ફેલાવી નથી શકતા એની લાચારી અનુભવાતી હશે. વૃક્ષના છાંયે બેઠેલા ઋષિ સાથે ગુફ્તેગુ કરવાનું સપનું પણ તેને આવતું હશે. થડ સાથે માથું ઘસતી ગાયના રમતિયાળ છતાં દિવ્ય હાવભાવની કલ્પના એ સપનામાં જ કરી લેતું હશે. ત્રિલોક મહેતાની વાત એ સમગ્ર માણસજાતને કહેતું હશે…
લાવ, તારો હાથ આપી જો મને
તું હૃદયમાં ક્યાંક સ્થાપી જો મને
પ્રેમ જેનું મૂળ છે એ વૃક્ષ છું
લે, ઉખેડી કે ઉથાપી જો મને
વૃક્ષનું દૈવત મૂળને કારણે છે. વૃક્ષને ખબર નથી કે એ ભગવાનનું રૂપ છે. આપણને ખબર છે છતાં પણ આ ભગવાન સચવાતા નથી. માનવીય ઉપેક્ષા કે કુદરતી સમસ્યા તેના નિકંદનમાં કારણરૂપ બને છે. મસમોટા જંગલમાં લાગતી આગમાં દેહને ખાખ થતો અનુભવી મૂળ વિષાદગ્રસ્ત બની જાય. માતૃત્વ ઠાલવવાની કોઈ જગ્યા ન મળે એ સ્ત્રી જેવી હાલત મૂળની થઈ જાય. હવે ગ્લોબલ વોર્મિંગને કારણે વાવાઝોડામાં તૂટી જવાની અને પૂરમાં વહી જવાની નિયતિ તેમના ભાગે લખાઈ છે. ડૉ. મહેશ રાવલનો પ્રશ્ન પારખાં કરે છે…
ક્યાં સુધી ટકશે, ખબર ક્યાં હોય છે?
ગાંઠ જ્યાં બંધાય ત્યાં પ્રશ્નાર્થ છે
મૂળ રસ્તાથી અજાણ્યું કોણ છે?
માર્ગ જ્યાં ફંટાય ત્યાં પ્રશ્નાર્થ છે
ઘણી વાર એમ થાય કે દુકાળના ઓછાયા કરતાં પાણીનો પ્રકોપ સારો. ધરતીના દેહમાં ચીરા જોવા ખેડૂતો માટે સહેલા નથી તો પૂરમાં પોતાનાં ઘર તણાઈ કે તૂટી જતાં જોવાં નિવાસીઓ માટે સહેલું નથી. આવી અંતિમ સ્થિતિ હયાતીને યતીમ બનાવતી જાય. રમેશ પારેખની વેદના સ્પર્શે તો સમજવું કે તમારા મૂળ હજી સાબૂત છે…
ચહેરો વીંછળતી જેના વડે મારી જિંદગી
એ જળને મૂળસોતાં સૂરજ પી ગયેલ છે
પહોંચ્યા છે તરસ્યા પ્રાણ સરોવર સુધી, રમેશ
કોને કહું કે એ બધું જળ ચીતરેલ છે
આઝાદી પર્વ નિમિત્તે જે લોકોએ સ્વાતંત્ર્યયજ્ઞમાં આહુતિ આપી છે અને જે લોકોએ દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે તેમને સલામ પાઠવીએ. ૭૫ વર્ષના સરવૈયામાં હર્ષ પણ છે અને શોક પણ છે, સ્મિત પણ છે અને રુદન પણ છે. સોસાયટીમાં માત્ર વીસ સભ્યો હોય તોય સંભાળવા ભારી પડે ત્યારે આવડા મોટા દેશને ચલાવવો એ હાલતાચાલતા વડાપાઉં ખાવા જેટલું સહજ કામ તો નથી જ. ગુલામ અબ્બાસ ‘નાશાદ’ આ સફરની તારવણી અધ્યાહાર રાખે છે…
થાક નિષ્ફળતાનો છે બસ જાગરણનાં મૂળમાં
ક્યાંય શહઝાદો નથી ને ક્યાંયે શહઝાદી નથી
કોઈ પૂછે કે સફર કેવી રહી તો કહેવું શું?
ઠોકરો ક્યાં ક્યાં મળી છે એની કંઈ યાદી નથી

ક્યા બાત હૈ

છું ભલે ઉપર છતાં અંદર વધી છું મૂળમાં
નાખશો ક્યાં ક્યાં નજર ભીતર વસી છું મૂળમાં

હું નર્યા નીંદણ  વઢાવી, પ્રેમના ખાતર ભરી
સૌ સંબંધોને અહીં સીંચી રહી છું મૂળમાં

આજ ઘરમાંથી બન્યા જુઓ, મકાનો કેટલા
ત્યારથી પાયો બની હું પણ ખસી છું મૂળમાં

હોય છે માણસ તરસનું નામ બીજું એટલે
હું નથી રણ કે પછી મૃગજળ, નદી છું મૂળમાં

ધૂળમાં રમતું બહુ ગમતું, મને આ બાળપણ
વય અહીં આગળ વધી છે હું ઊભી છું મૂળમાં

~ રેખા જોષી
ગઝલસંગ્રહ : સારથી હું 

આપનો પ્રતિભાવ આપો..

5 Comments

  1. ખૂબ ખૂબ આભાર,હિતેનભાઈ
    સૌની પંક્તિઓ ખૂબ સરસ…

  2. ખૂબ સુંદર લેખ, અભિનંદન હિતેનભાઈ