રખડપટ્ટી (સત્યઘટના) ~ જયશ્રી વીનુ મરચંટ ~ કટાર: જિંદગી ગુલઝાર હૈ

(નોંધ: સ્થળ અને કેટલાંક પાત્રોના નામ બદલ્યાં છે.)

મારા પતિ અને હું રાતના અમારું રુટિન પરવારીને ટીવી જોતાં બેઠાં હતાં. એમણે ઓચિંતું જ પૂછ્યું, “આજે ઓગસ્ટ ૧૯, ૨૦૧૦, ગુરુવાર, પારસી ન્યુ ઈયર છે. પરીનાઝ ખંભાતાને આ નિમિત્તે હેપ્પી ન્યુ ઈયરનું કાર્ડ તેં મોકલ્યું તો છે ને?”

“ઓફ કોર્સ મોકલ્યું છે. કેમ અચાનક જ પારસી ન્યુ ઈયર અને પરી યાદ આવી?” મેં પૂછ્યું.

“અરે, મારી ઓફિસમાં આજે અમારા એક પારસી ક્લાયન્ટ એમના કામ માટે આવ્યા હતા તો એમણે વાતવાતમાં જણાવ્યું. તે એકદમ યાદ આવ્યું.” 

“મને પણ સવારથી પરી યાદ આવે છે. એનું નવું વર્ષ હોય ત્યારે હંમેશ આપણા સવારના પહોરમાં એનો ફોન રણકે. કાર્ડ મળ્યું હોય કે ન મળ્યું હોય. મેં જોબ પર જતાં પહેલાં એને ફોન કરી જોયો હતો પણ નો લક..! કોને ખબર, મેમસા’બ એમના ટ્રાવેલના ચસકાને કારણે કોણ જાણે ક્યા દેશમાં પહોંચી ગયા હોય!” અને અમે પાછાં ટીવી જોવામાં તલ્લીન થઈ ગયાં.
*****
બીજે દિવસે સવારથી મને તાલાવેલી રહી કે ક્યારે પરીનાઝનો ફોન આવે! મેં એના ઘરના નંબર પર ફોન કર્યો. ન તો આન્સરીંગ મશીન આવ્યું કે ન તો કોઈ રેકોર્ડિંગ. આથી એટલું ચોક્કસ જ હતું કે મેડમે ઘર નથી બદલ્યું. મેં એના સેલ પર ફોન કર્યો તો ‘સબસ્ક્રાઈબર ઇઝ આઉટ ઓફ નેટવર્ક”નો મેસેજ આવ્યો. 

પરીને ટ્રાવેલિંગનો શોખ હતો. મને થયું, નક્કી ક્યાંક ઉપડી હશે પરીની સવારી! એકાદ અઠવાડિયામાં તો પાછી આવી જશે ત્યારે એને આ વખતે તો ખખડાવવી પડશે કે આમ કહ્યાં કારવ્યાં વિના તે ભાગી જવાતું હશે?  

એ મને હંમેશા કહેતી’ “જો’ની, જે બી થાય તે સારા સાટુ થાય. ઈફ આઈ વોઝ મેરીડ, આઈ વુ’ડ નોટ હેવ લીવ્ડ લાઈફ ઓન કમ્પલીટલી માય ટર્મસ!” 
****

પરી અને હું, નેબરથી પણ વિશેષ, બહેનો જેવા હતાં. પરી ફિલાડેલ્ફિયામાં બિલકુલ અમારી બાજુના ઘરમાં, લિટરલી નેક્સ્ટ ડોર, ૨૨ વરસો સુધી રહી હતી. ૨૦૦૦ એપ્રિલમાં વિનુને ત્રણ દિવસમાં ચાર  એટેક આવી હયાં અને બે તો ઈમરજન્સી રૂમમાં જ આવી ગયા પછી એમના હાર્ટના મેજર ઓપરેશન પછી અમે અમારા સંતાનો પાસે કેલિફોર્નિયા રહેવાનું નક્કી કર્યું. મને પણ જોબ મળી ગઈ હતી આથી હેલ્થ ઈન્સ્યોરન્સનો પ્રશ્ન પણ ઉકલી ગયો હતો.  ૨૦૦૦માં સાન ફ્રાન્સિસ્કો મુવ થયાં હતાં પછી પરી કાયમ કહેતી કે એને અમે ગયા પછી એના ઘરમાં એકલું એકલું લાગે છે. મેં અને વિનુ બેઉએ એને કહેલું કે તું પણ જોબ શોધીને સાન ફ્રાન્સિસ્કો આવી જા તો એ કહે, “નહીં રે બાબા એ મને ના પોષાય! ઘનું જ મોંઘુ સીટી…! અને આ ઉંમરે મુને તે કોન આપવાનું નોકરું?” આમ ને આમ બે વર્ષો વીતવા આવ્યાં હતાં. એટલામાં એની જ કંપનીની ટોરાન્ટોની હેડઓફિસમાં પ્રમોશનની ઓફર આવી. ટોરાન્ટોમાં એના બેત્રણ કઝીન રહેતાં હતાં તો બહુ વિચાર કરીને  એણે સાચે જ, ૨૦૦૧માં એની કંપનીની હેડ ઓફિસ, ટોરાન્ટો – કેનેડામાં ટ્રાન્સફર લઈ લીધી હતી.  

અમે પ્રેક્ટીકલી અઠવાડિયામાં એક-બે વાર તો ફોન પર નક્કી વાતો કરતાં. પરી ૨૦૦૭ માં રિટાયર થઈ હતી અને પછી તો એના ઘોડા બિલકુલ છુટ્ટા થયા હતા. ન જાણે એ કેટલા દેશો ફરી હતી અને હજુએ ફરશે..! પણ, એક નિયમ એણે રાખ્યો હતો કે એ જ્યારે પણ દેશની બહાર જાય તો મને હંમેશા જ ફોન કરે કે ઈ-મેલ મોકલે જ!

આજે એ આમ “આઉટ ઓફ નેટવર્ક” આવે છે તે ક્યાં ગઈ હશે? મેં ઘરના ફોન પર અને સેલ પર વોઈસ મેસેજિસ ચેક કર્યા અને ટેક્સ્ટ મેસેજીસ પણ ચેક કરી જોયાં કે કદાચ આગળ એણે મેસેજ માં કંઈક લખ્યું હોય અને હું ભૂલી ગઈ હોઉં! પછી મારી ઈ-મેલ ચેક કરી, મારા વર્ક પરની પણ ઈ-મેલ ચેક કરી. એમાંયે કઈં મેસેજ નહોતા. ફેસબુક હજુ મેં હમણાં જોઈન કરી હતી. પરી ફેસબુક પર મારી ફ્રેન્ડ હતી. મેં ફેસબુકમાં ચેક કર્યું કે એમાં કંઈ નવા ફોટા છે કે નહીં, પણ એમાંથીયે કઈં જ ક્લુ ન મળી. મેં પતિદેવને કહ્યું, “આઈ હોપ કે પરી ઇઝ ઓકે. આવી રીતે તો ક્યારેય ગઈ નથી.”

એ તો એમની કાયમની શાંતિથી બોલ્યા, “ચિંતા નહીં કર. બધું બરાબર થઈ રહેશે.” મારા મનમાંથી પરીનાઝ ખસતી નહોતી. અમે કદી એકમેકને કહ્યા વિના ન તો આઉટ ઓફ સ્ટેટ ગયા હતાં કે ન તો આઉટ ઓફ કન્ટ્રી! અરે, સાન ફ્રીન્સિસ્કો આવી ગયાં પછી પણ હું જો ઈન્ડિયા જવાની હોઉં તો એક ફોન જરૂર કરી દેતી.

ક્યાં હતી પરીનાઝ ખંભાતા? આ સાથે, મને કેટલી બધી જૂની વાતો યાદ આવતી હતી!

પરીનાઝને અમે ૧૯૭૫માં મુંબઈમાં મળ્યા હતાં. અમે, મુંબઈની જસલોક હોસ્પિટલની સામેના બિલ્ડિંગમાં રહેતાં હતાં, એના છઠ્ઠા માળે, એક બેડરૂમના ફ્લેટમાં પરીનાઝ છેલ્લા ત્રણ મહિનાથી ભાડૂત તરીકે રહેવા આવી હતી. એવું કહેવાતું હતું કે એ કોઈ પંજાબી પાયલોટ સાથે, ત્યારે, એ સમયે, લીવ-ઈન રિલેશનશીપમાં હતી. પરી ચાર્ટડ એકાઉન્ટટન્ટ હતી અને ગોદરેજ ઈન્ડસ્ટ્રીસમાં ઉચ્ચ પદ પર કામ કરતી હતી. 

નવરાત્રિના ફંકશનમાં અમે બિલ્ડિંગના ટેરેસ પર મળ્યા હતાં. બધા હળીભળી રહ્યા હતાં. માથાથી પગ સુધી ફૂલી “ડેક્કડ અપ,” પરીનાઝે પોતાની ઓળખાણ આપી. મારા પતિ ત્યારે સી.એ. ની પ્રેક્ટીસ કરતા હતા. એવું મેં જ્યારે પરીને કહ્યું તો એ ખૂબ ખુશ થઈને કહે, “ચાલો, મારા ફિલ્ડનું કોઈ તો મલ્યું, પણ બે અઠવાડિયામાં હું તો ચાલી જવસ. અમેરિકા, કાયમ માટે… પણ તમોને કાગળ લખતી રે’વસ! મજા પડી ભાભી, તમોની જોડે વાતો કરવાની!” મેં પરીનાઝને તરત જ જવાબ આપ્યો, ”અમારા ગ્રીન કાર્ડની એપ્રુવલ આવી છે, અને, અમે પણ અમેરિકા જવાનો વિચાર કરીએ છીએ!” 

એ તરત જ બોલી, “અરે વાહ, ચલો, આઈ વીલ કમ ટુ યોર પ્લેસ ટુમોરો એન્ડ વી વીલ ટોક મોર એબાઉટ ઈટ.”

બીજે દિવસે રવિવાર હતો. પરીનાઝ આવી. અમારા સહુ સાથે એવી રીતે મળી કે જાણે અમને કેટલાયે લાંબા ગાળાથી જાણે છે. પરીએ તે દિવસે અમને એ પણ કહ્યું કે એનો બોયફ્રેન્ડ શમશેરસીંગ પાયલોટ છે અને પંજાબી શીખ છે. એના મા-બાપે અને ભાઈએ એને “ડીસઓન” કરી હતી. એમણે એને પોતાના મા-બાપ-ભાઈ અને શીખ બોયફ્રેન્ડ વચ્ચે પસંદગી કરવાનું કહ્યું. આથી પરીએ ઘર છોડી દીધું. એનો પ્લાન અમેરિકા સેટલ થઈને, એના બોયફ્રેન્ડને બોલાવી લેવાનો હતો. પરીને પણ વિનુની જેમ, તે સમયના કાયદા પ્રમાણે, ચાર્ટડ એકાઉન્ટન્ટના ક્વૉલિફિકેશનને કારણે, થર્ડ પ્રેફરન્સની કેટેગરીમાં ગ્રીન કાર્ડની એપ્રુવલ મળી ગઈ હતી. આથી સેટલ થવામાં કોઈ પણ મુશ્કેલી આવવાનો સંભવ નહોતો. 

અમારા ઘરેથી પાછાં જતાં પરીએ કહ્યું, “તમોને હું “તું” કહું અને “જયશ્રીબેન”ને બદલે “જયુ” કહું તો ચાલશે? મને નાની બેનનો ખૂબ જ શોખ હતો.” મેં હસીને બેઉ હાથ ફેલાવીને કહ્યું, “અરે, ચોક્કસ જ!” અને અમે ભેટીને છુટ્ટા ડ્યાં. 
******
પરી અમેરિકા આવી ગઈ. એનો બોયફ્રેન્ડ પણ મુવ થઈ ગયો અને બેઉએ અમેરિકન કોર્ટમાં લગ્ન પણ કરી લીધાં હતાં. પરીના માતા-પિતા-ભાઈ અને અન્ય સગાવહાલાંઓએ, પરીનાઝ સાથેના બધા જ સંબંધો કાપી નાખ્યા હતા. પરી, અમેરિકાથી પત્ર નિયમિત લખતી અને સમય મળે બે-ત્રણ મહિને એકાદ વાર ફોન પણ કરી લેતી.

અચાનક જ ૧૯૭૭માં એનો એક પત્ર આવ્યો, “જયુ, હું અને શમશેર અલગ થઈ ગયા છીએ. એણે મારી સાથે લગ્ન કર્યા ગ્રીન કાર્ડ માટે! અહીં આવીને બે વરસમાં જ એની કેટલી અફેર્સ અને કેટલી ચીટિંગ! મારા માટે ફર્ગીવિંગની લિમિટ આવી ગઈ હતી. હું ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયામાં મુવ થઈ ગઈ છું. મારું એડ્રેસ નોટ કરી લેજે. હું થોડા દિવસોમાં ફોન કરસ. જયુ, કદાચ, મારા નસીબમાં મારું પોતાનું કોઈ હોય એવું કદીયે થવાનું નથી. મને માણસો પર હવે ભરોસો નથી રહ્યો. મેં આ વાત જનાવતો લેટર લખ્યો પેરેન્ટ અને ભાઈને..! માફી પણ માગી…! નો રિસ્પોન્સ…! ફોન કરિયો તોએવણે ફોન પન મૂકી દીધો…! વાત જ નઈ કરી…! મા-બાપ જ જો એક પળમાં પરાયા કરી નાખે તો બીજાની વાત શી?” આમ પરી સાથે અમારો પત્રવ્યવહાર નિયમિત ચાલુ હતો.
******
પછી તો, અમારું પણ અમેરિકા જવાનું નક્કી થયું.  જોગાનુજોગ, અમે પણ ફિલામાં સેટલ થયાં. પરીએ એના કોમ્પ્લેક્સમાં શરુઆતમાં એપાર્ટમેન્ટ અપાવવામાં મદદ કરી. બે વરસમાં અમે બાજુબાજુમાં ઘર લઈ લીધાં અને પછી તો બીજા વીસ વરસો સુધી પડોશી બનીને રહ્યાં. પરીનાઝ ખંભાતાની આ સમય દરમિયાન અનેક રીલેશનશીપ થઈ પણ ક્યાંયે કશું વર્ક આઉટ ન થયું. ૧૯૯૮ પછી એણે બધાં જ પ્રયત્નો છોડી દીધાં અને ત્યાર પછી, પરીનાઝ માત્ર ‘આજ’ માં જ જીવતી હતી, ખુશી-ખુશી. અમારી સાથે એના સ્નેહમાં જરા પણ ફરક નહોતો પડ્યો. 

અમે કેલિફોર્નિયા મુવ થતાં હતાં ત્યારે પરીનાઝે કહ્યું, “હું હવે આય ઘરમાં નઈ રહેવસ! હું તો તમારી યાદ કરતી રે’વસ અને રડતી રે’વસ! એના કરતાં તો અમારી કંપનીની હેડ ઓફિસ ટોરાન્ટો, કેનેડામાં  છે. મારા બેત્રણ કઝીન્સ પણ તંઈ છે, તો હું તંઈ જ મુવ થઈ જવસ. કદાચ, નવી જગાએ નવું નસીબ! કોઈ મલી પન જાય!” અને પરીએ આંખ મીંચકારી.

પરીનાઝને મેં કદી ભૂતકાળને વાગોળીને “દુઃખી મન મેરે” બનીને, હારીને બેસી પડતી જોઈ નહોતી. એ કાયમ ઉત્સાહ અને જીવંતતાથી છલોછલ જીવતી. એ નવરાત્રિમાં ફિલામાં થતાં ગરબા-રાસમાં ઉત્સાહથી ભાગ લેતી. ક્રિસમસમાં, દિવાળીમાં, જૈન દેરાસરના ઉત્સવોમાં, બધા જ ફેસ્ટિવલની ઉજવણીમાં ઉમંગથી ભાગ લેતી. પરીને લેટેસ્ટ ફેશનના, નવી ઢબના કપડાં પહેરવાનો, મેચિંગ ઘરેણાં, મેચિંગ શુઝનો ખૂબ શોખ હતો. તહેવાર કોઈનો પણ હોય, પાર્ટી કોઈની પણ હોય, પરી એકદમ જ સરસ તૈયાર થઈને આવતી.

મેં એને ફૂલ ઓન મેક-અપ વિના કદી ઘરની બહાર જતાં ન તો ઈન્ડિયામાં જોઈ હતી કે ન તો અહીં અમેરિકામાં. પછી ભલેને લગ્નમાં જવાનું હોય કે ગેસ સ્ટેશન પર ગેસ ભરાવવા. એ જ્યારે તૈયાર થતી, ત્યારે, હું એને કહેતી, “તું પરી જેવી દેખાય છે, નાઝ!” એ હસીને કહેતી, “થેંક યુ જય! પન, હું કોઈ મેનને નથી લાગતી સુંદર, એનું કાય કરસ? ટુ બેડ કે યુ આર નોટ મેન!” અને હું પણ હસી પડતી. પરીનાઝ અને હું એક્મેક પર ગુસ્સે હોઈએ ત્યારે અથવા બહુ હેત ઊભરાય ત્યારે, હું એને “નાઝ” કહેતી અને એ મને “જય” કહી બોલાવતી. 

અમારા, જુવાનીના દિવસોમાં એકબીજા સાથે મતભેદ પણ થતાં અને દલીલબાજી પણ થતી. તે છતાં, અમારા મન એકબીજા સાથે મળેલાં હતાં. અમે ફોન પર પંદરેક મિનિટ વાત કરીએ પછી પરીનાઝ કહેતી, “પાછલનો દરવાજો ખોલ ની’, હું ઘરમાં આવસ. મારે, બચ્ચાઓને જોવા છે.”

મારા પતિ અમને બન્નેને હંમેશાં ટોકતાં, ”ફોન પર સમય બરબાદ કરીને પછી મળો છો તો પહેલેથી જ આવી મળોને!” પરી વિનુને કહેતી, “તમે લકી છો કે જય તમારી વાઈફ છે, જે તમારી “સડુનેસ” ને બરદાસ્ત કરે છે!.” આમ, અમારા મીઠ્ઠા ઝઘડા થતાં રહેતાં. 
*****
૨૦૧૧ના છ મહિના પણ વિતી ગયા હતા. મને હવે પરીની ફિકર થતી હતી. રોજ જ હું ઈ-મેલ, વોઈસ મેલ અને ફેસબુક જોતી રહેતી. મારી ઈ-મેલનો કોઈ જવાબ પણ નહોતો! હું કેનેડામાં પરીને ઘરે જઈ શકી નહોતી આથી ત્યાંના એના મિત્ર-વર્તુળથી પણ અજાણ હતી. પરી રિટાયર થઈ ચૂકી હતી આથી એને કોન્ટેક્ટ કરવાનો કોઈ બીજો એવેન્યુ પણ નહોતો. મારા સંતાનો પણ પૂછતાં રહેતાં, “વી હોપ ધેટ પરી આન્ટી ઈઝ સેફ.”

… અને, એક દિવસ સાંજે પરીનો ફોન આવ્યો. હું તો ખુશીથી પાગલ થઈ ગઈ. મેં પહેલાં તો એને ધમકાવી કે આમ તે કોઈ ડિસઅપીયર થતું હશે? આટલો સમય તું ક્યાં હતી અને શું કરતી હતી? તું ઠીક તો છે ને? કેટલી ફિકર થતી હતી, એનું તને કંઈ ભાન પડે કે નહીં? જ્યાં હોત ત્યાંથી એક ફોન કરત તો શું થઈ જાત?” 

એ હસી અને કહે, “અરે કા’મ ડાઉન! મલીને બધું કે’વસ. મારે જાણવું હતું કે વ્હેર ડુ આઈ બીલોન્ગ! મને મારા પાસ્ટને છોડીને મારું ‘કોલિંગ’ (જીવનનો પરપઝ) પામવું ‘તું! માન કે ન માન, આ આઠ મહિનામાં હું લગભગ આખી દુનિયા ફરી આવી છું. આફ્રિકા, રશિયા, બીજા બધાં જ યુરોપિયન દેશો, રોમ, તિબેટ, ચાઈના, નેપાલ, હિમાલય, એન્ટાર્ટિકા, મક્કાથી માંડીને બધાં જ મિડલ ઈસ્ટર્ન કન્ટ્રીસ, યુ નેઈમ ઈટ.” 

મેં પૂછ્યું, “કેમ ઓચિંતા જ? તારું ‘કોલિંગ’ શોધવા જો કહીને ગઈ હોત તો કંઈ એમાં મણા રહી જાત? માણસ કઈં કહીને તો જાયને કે આમ હું ઓચિંતી જ ગાયબ થવાનો પ્લાન કરું છું? એવી તે શી જરુર પડી ?” 

પરી હસીને બોલી, “જય, હું મને શોધવા નીકળી હતી. મારું કઈંક શોધવા નીકળી હતી.  મારા મનમાં આ કીડો ક્યારનોયે સળવળી રહ્યો હતો કે હું મને જાણું કે હું કોણ છું અને વ્હેર ડુ આઈ બિલોન્ગ? મેં તને જતાં પહેલાં કહ્યું હોત ને કે મારે મને શોધવા આમ રખડપટ્ટી કરવી છે તો તું મને સાન ફ્રાન્સિસ્કો બોલાવી લેત અને કારણ વગર આમ રખડવા ન જવા દેત.”

મેં રીસથી કહ્યું, “તારું જે છે એને તું એમ જ છોડીને ચાલી જાય અને પછી કહેવું કે મારું કોઈક શોધવા નીકળી હતી, મને શોધવા નીકળી હતી. અન-બીલીવેબલ!” 

પરી હસીને બોલી, “હવે મને ધમકાવવાનું છોડ અને સાંભળ, કાલે સાન ફ્રાન્સિસ્કોમાં ફક્ત એક જ દિવસ છું. તું મને મળી શકે? ઘરે આવવાનું કહેતી જ નહીં. આ ફેરે ટાઈમ નથી. આ સાંભળીને તું વધુ ગુસ્સો કરે એ પહેલાં કહી દઉં કે બચ્ચાઓને અને તમને બેઉને મલવા ફરી આવસ. પ્લીઝ, જય, વધુ ઈન્સીસ્ટ ન કરતી. આ ફેરે હું મારા ગ્રુપ સાથે આવી છું અને મને બિલકુલ ટાઈમ નથી.”

“આ વળી ‘ગ્રુપ’ની કઈ નવી ‘બલા’ પાળીને બેઠી છે? તારા જેવા રખડુઓની ટોળી જોઈન કરી?” મારો ગુસ્સો શમ્યો નહોતો.  

પરી હસી અને કહે, “ગુસ્સો છોડ અને તું કાલે મલ. બધું જ કે’વસ.”

અમે જગા નક્કી કરી. બીજે દિવસે, સાન ફ્રાન્સિસ્કોના એક પાર્કમાં, બપોરના ત્રણ વાગે અમે મળવાના હતાં.  પરીએ લંચ માટે મળવાની ના પાડી હતી. હું બીજે દિવસે જોબ પરથી વહેલી નીકળીને નક્કી કરેલા પાર્ક પર પહોંચી. અમે પાર્કના નોર્થ એન્ટ્રન્સ પર મળવાનું નક્કી કર્યું હતું. હું એની રાહ જોતી ઊભી હતી. મારી નજર આજુબાજુ એને શોધતી હતી.

… ત્યાં જ મારી પાછળથી એ જાણીતો અવાજ આવ્યો, “જય!” અને પાછળ ફર્યા વિના મારા મોંમાંથી નીકળી ગયું, “નાઝ!” અને મેં ખુશીથી ઊછળીને પાછળ જોયું, ત્યાં તો એક નન મારી આગળ આવી, મારો હાથ મિલાવીને કહે, “કોલ મી નેન્સી, સિસ્ટર નેન્સી પેરી!”

….ને, …….પરીને મળીને હું પાછી ફરી રહી હતી. સાંજના પાંચ વાગી ગયા હતા.  હું સાન ફ્રાન્સિસ્કોના વેનાસના ટ્રેન સ્ટેશન પર, ફ્રિમોન્ટની ટ્રેનની રાહ જોતી ઊભી હતી. થોડી વારમાં જ બસ મળી ગઈ. શું પરીને મળી ગઈ હશે પોતાની જિંદગી?

~ જયશ્રી વીનુ મરચંટ

આપનો પ્રતિભાવ આપો..

6 Comments

  1. વાર્તા રસપ્રદ. પરંતુ અંત સમજાયો નહીં..!! એક નન મારી આગળ આવી.. કૉલ મી નેન્સી પેરી.. એટલે ??

  2. પરીનું સંવેદનાયુક્ત રેખાચિત્ર
    સરસ ઘટનાયુક્ત વાર્તા

  3. છેક સુધી પકડી રાખે એવી સત્ય ઘટનાત્મક વાર્તા… પરીનું ચિત્ર સરસ ઉપસ્યું છે.

  4. પરી જેવું જ મોહક રેખાચિત્ર. સંવેદનાઓ જીવંત બને છે.