ત્યારે મને મારી જિંદગી જન્નત લાગે છે ~ જયશ્રી વિનુ મરચંટ ~ કટાર: જિંંદગી ગુલઝાર હૈ

અમારા લગ્ન પછી જામનગર સ્થિત કુળદેવીના સ્થાનક પર રિવાજ પ્રમાણે પગે લાગવા જવાનું બન્યું નહોતું, તે ઠેઠ ૨૦૦૫માં, લગ્નના તેંત્રીસ વર્ષ પછી બન્યું. અમારા કુળગોર જામનગરના એરપોર્ટ પર અમને લેવા હાજર હતા. સવારના સાડા અગિયાર થયા હતાં. અમે સીધા જ દેવીના સ્થાનક પર પહોંચ્યા, પૂજા પૂર્ણ કરી દોઢ વાગ્યા સુધીમાં ફ્રી થઈ ગયાં.

લંચનો સમય હતો. અમારા કુળગોર કહે, “આપની જમવાની વ્યવસ્થા વીશી-લોજ ચલાવતાં કુટુંબમાં કરી છે. ભાઈ પોતે પણ સરસ રસોઈ બનાવે છે અને ઘરની જેમ પ્રેમથી, તાજી રસોઈ જમાડે છે.”

અમે ત્યાં પહોંચ્યા. ગેટ પર બોર્ડ હતું, “જસુ વીશી”. આગળ નાનકડી વાડીમાં ટામેટાં, મરચાં, કાકડી, ભીંડા, મેથી અને કોથમીરના છોડોની સુગંધથી, વિશાળ પણ ખૂબ જ સ્વચ્છ આંગણું મઘમઘતું હતું. એનક્લોઝ્ડ આંગણાંમાં ડાબી બાજુ જમાડવાની વ્યવસ્થા હતી.

જમણી બાજુ રસોઈની ચોકડી હતી. ચોકડીમાં લાકડાના ઘોડા પર તાંબા-પિત્તળના, ચકચકિત વાસણો સરસ રીતે ગોઠવીને રાખ્યા હતાં, જે આવનારાની આંખો આંજી નાખતાં. મેં તરત જ કેમેરો કાઢીને ફોટો લીધો. બે માણસો ચોકડીમાં રસોઈયાને મદદ કરી રહ્યા હતા. આખાયે દ્રશ્યમાં, સ્વચ્છતા આંખે ઊડીને વળગતી હતી. રસોઈ કરનાર ભાઈનું ધ્યાન અમારા તરફ ગયું અને મારા પતિ વિનુ એમના સ્વભાવ વિરુધ્ધ એકદમ જ ચમકી ગયા. હું એ નોટિસ કર્યા વિના રહી ન શકી. સામે રસોઈયાભાઈએ એક મ્લાન આવકારભર્યું સ્મિત અમને આપ્યું. રસોઈ કરનાર ભાઈ, પોતે જમાડવા માટે હાજર હતા.

જતાં પહેલાં, એક મર્માળું સ્મિત કરીને વિનુને એમણે એટલું જ કહ્યું, “વિનુ, ભાઈ, રાતના ભાભીને લઈ, અહીં જ જમવા માટે આવજો.” આ સાંભળીને હું એકદમ જ આશ્ચર્યચકિત થઈ ગઈ અને વિનુ સામે પ્રશ્નાર્થ નજરે જોયું. એમણે મારી નજર ત્યારે ચૂકવી દીધી. અમે જ્યારે ઊભાં થતાં હતાં ત્યારે વિનુને પૂછ્યું, “તમે આ ભાઈને જાણો છો?” વિનુ સ્વભાવ પ્રમાણે બોલ્યાં, “પછી કહું છું.” અને પૈસા ટેબલ પર મૂકી, અમે બહાર નીકળી ગયાં. મેં પાછું એમને પૂછ્યું તો, એમણે એટલું કહ્યું, “પછી વાત.”

બપોરે અમે જામનગરની ટૂર લીધી. સાડા છ વાગ્યે, અમે હોટલમાં ગયા અને ફ્રેશ થઈને થોડો આરામ કર્યો. કુળગોર રાતના આઠ વાગ્યે લેવા આવવાના હતાં. મને એકદમ લંચ સમયની વાત યાદ આવી અને મેં વિનુને પૂછ્યું, “તમે પેલા રસોઈયાભાઈને જોઈને થોડાક ચમકી ગયા હતા. એ ભાઈએ પણ તમને નામથી બોલાવીને, રાતના સમય લઈ આવવા કહ્યું. તમે એમને ઓળખો છો?”

વિનુ બોલ્યા, “ક્યાંક મળ્યાં હઈશું.” એમનું બોલવાનું હંમેશાં સીમિત રહેતું, આથી મને એમના જવાબમાં કંઈ નવું ન લાગ્યું. અમે સાડા આઠ વાગ્યે પાછા વીશી પર પહોંચ્યાં. ત્યારે રસોઈ કોઈ બીજા ભાઈ કરી રહ્યા હતા. સવારવાળા ભાઈ, સહુને આગ્રહ કરીને જમાડતા હતા. અમારી વ્યવસ્થા આ ટાણે, અંદરના બેઠકખંડમાં કરવામાં આવી હતી.

સવારવાળા ભાઈ અમને મળવા આવ્યા. વિનુની સાથે હાથ મિલાવીને કહે, “ઓળખાણ પડી?” વિનુએ પણ હસીને કહ્યું, “કેમ નહીં, હમી….” અને વિનુને અધવચ્ચે જ અટકાવીને કહ્યું, “હમીર સેઠ.” વિનુ પણ એકદમ જ સચેત થઈને બોલ્યાં, “ઓફ કોર્સ, હમીર સેઠ.”

હમીરભાઈએ મને હાથ જોડી પૂછ્યું, “કેમ છો ભાભી? હું અને વિનુ મોર્ડન સ્કૂલમાં એક જ ક્લાસમાં ભણતા હતા. અમે સ્વિમિંગ કોમ્પિટિશનમાં પણ સાથે જ ભાગ લેતા.” અમે જમતાં હતાં ત્યાં સુધી હમીરભાઈ વિનુ સાથે વાત કરતા બેઠા હતા. મને એક મૂંઝવણ થયા કરતી હતી કે સવારે એ ભાઈ કેમ કશું ન બોલ્યા? પણ, તે ઘડીએ હું કશુંયે કહ્યા વિના, વાતોના પ્રવાહમાં વહેતી રહી. જમ્યા પછી, હમીરભાઈએ કુળગોરને કહ્યુ, “આપ જાઓ, હું વિનુ અને ભાભીને મૂકી આવીશ.” 

જમવાનું પત્યા પછી, હમીરભાઈ અમને અંદરના એક ખંડમાં લઈ ગયા.

ત્યાં વ્હીલ ચેરમાં એક બહેન હતાં. હમીરભાઈ એમની નજીક જઈ બોલ્યાં, “જસુ, ઓળખ તો… કોણ આવ્યું છે?” એ બહેને વિનુની સામે જોયું અને એમની આંખમાં એક ચમક આવી ગઈ. મારા પર પણ એ ચમકના રંગ-છાટણાં ઊડ્યાં. મેં વિનુની સામે જોયું તો વિનુના મોઢા પર પણ આનંદ અને ઉદાસી મિશ્રિત ભાવ હતા, ને એ સાથે જ વિનુ બોલ્યા, “હું ઓળખુ છું, તને, જાસ્મીન મહેતા.”

જાસ્મીનબહેનનાં મોઢા પર એક પ્રકારનું અદભૂત સુખ વર્તાતું હતું. વિનુનો હાથ એમણે એમના ડાબા હાથમાં પકડી રાખ્યો અને એમની આંખોમાંથી દડદડ આંસું વહેતાં હતાં. વિનુના ગળામાં પણ ડૂમો હતો અને માંડ બોલી શક્યા, “ઈટ ઇઝ ઓકે.”

જાસ્મીનબહેનને જમણા અંગનું પેરેલિસિસ થયું હતું. અને ઊભા થવા કે સ્પષ્ટ બોલવા માટે અસમર્થ હતાં. અમે થોડી વાર અંદર બેઠાં. હમીરભાઈ, વિનુ અને જાસ્મીનબહેન એકમેકના સંગાથનો આનંદ અનુભવી રહ્યાં હતાં, એ એમને જોનાર કોઈ અજાણ્યો માણસ પણ પામી શકે એટલું બોલકું દ્રશ્ય હતું. મેં કેમેરો કાઢી ત્રણેયને પૂછ્યું કે હું ફોટો લઈ શકું તો હમીરભાઈ બોલ્યા, “શું ભાભી, ખરા છો! મારા વાસણોનો ફોટો લીધો ત્યારે તો પૂછ્યું નહીં અને હવે માણસોના ફોટા વખતે પૂછો છો!” હું થોડીક ઓઝપાઈ પણ, વાત તો સાચી હતી.

આટલા બધા વર્ષો પછી પણ અકબંધ રહેલા પોતાપણાને કારણે, “કહેવાતા અમેરિકન મેનર્સ”માં, ભારતના લોકોને દોઢ ડહાપણ લાગે એમાં નવાઈ નહોતી. મેં ફોટા પાડ્યાં. જાસ્મીનબહેનને “આવજો” કહીને અંદરના રૂમમાંથી બહાર આવતાં જ મેં કહ્યું, “હમીરભાઈ, ખૂબ મોડું થઈ ગયું છે. તમારો અને જાસ્મીનબહેનનો સૂવાનો સમય પણ થઈ ગયો હશે. અમે તો ટેક્સી કે રિક્ષામાં જતાં રહીશું.” વિનુએ પણ કહ્યુ, “તું જાસ્મીન સાથે બેસ. હેરાન ન થા.”

હમીરભાઈ સહજતા બોલી ગયા, “એને ક્યાં ઊંઘ આવે છે! છેલ્લા કેટલાયે વરસોથી જાસ્મીન અનિદ્રાના રોગથી પીડાય છે.” વિનુ અને હું આગળ શું બોલીએ એની અસંમજસમાં ચૂપ રહ્યાં.

હવે અમે બહાર આંગણમાં આવી ગયાં હતાં. હમીરભાઈના કંપાઉન્ડમાં બે-ત્રણ રીક્ષા અને ટેક્સી ઊભી હતી. અમને બહાર બાંકડા પર બેસાડીને કહ્યું, “તમે બસ એક દસ મિનિટ આપો તો રીક્ષા ને ટેક્સી ડ્રાઈવરોનો હિસાબ લઈ, એમને છૂટા કરી દઉં.” કામ પતાવી, હમીરભાઈ પાછા આવી ગયા અને એક ટેક્સીમાં ડ્રાઈવરની સીટ પર બેઠા.  હું અને વિનુ એમની બાજુમાં બેઠાં. હમીરભાઈ વિનુ તરફ જોઈ, હસીને બોલ્યા, “ભાભી, વિનુ એવો ને એવો જ રહ્યો! કેટલાયે સવાલો થતા હોય પણ કદી, સામા માણસને સવાલો કરી મૂંઝવવાનું એના સ્વભાવમાં નહોતું અને આજેય નથી. મને નથી લાગતું, વિનુ આજે પણ કંઈ પૂછશે. હું જ કહું શું થયું અને હું અને જાસ્મીન અહીં કેવી રીતે આવ્યા.

વિનુ, તને યાદ હશે કે નહીં પણ, જાસ્મીન એના મામા-મામીના ઘરે રહીને મોટી થઈ હતી. એનાં માતા-પિતા તો કાર અક્સ્માતમાં એ ત્રણ વરસની હતી ત્યારે ગુજરી ગયાં હતાં. જાસ્મીનના એસ.એસ.સી. પાસ થતાં જ, એના મામા-મામીએ એનાં લગ્ન કોઈ ૫૦-૫૫ વરસના વિધુર સાથે કરી નાખ્યા હતા. એમ સમજોને એને વેચી જ નાખી હતી. આથી મા-બાપ વિનાની ભાણજીનો બોજો ઊતરી જાય!

હું તો એટલો ભણવામાં હોશિયાર નહોતો. માંડ ૩૭% માર્ક્સ સાથે, એસ.એસ.સી.માં પાસ થયો, એમાં જ ખુશ હતો. ચાચા-ચાચીએ મને મોટો કર્યો હતો. એમનેય મારા સિવાય કોઈ છોકરા નહોતા. હું એસ.એસ.સી. પાસ થયો કે મને એમની બટાટાવડા-સેન્ડવીચની લારી અને ચાલની રૂમ સોંપી, એ બેઉ ગામ જતા રહ્યાં. 

એક દિવસ, હું મારી રોજની જગા પર લારી લઈને મારું કામ કરતો હતો ને મેં રસ્તાની સામે બાજુ જાસ્મીનને મેં ફાટેલી સાડીમાં, મોઢું છુપાવી, એક પગ ઘસડીને ભીખ માંગતી જોઈ. હું માની જ ન શક્યો, જે હું ત્યારે જોઈ રહ્યો હતો! હું લારી છોડીને એની પાસે દોડી ગયો. મારા હાથોમાં એ ઢળી પડી. હું એને ઘરે લઈ આવ્યો. જાસ્મીનના ધણીએ એને ઢોરમાર મારી, ઘરમાંથી કાઢી મૂકી હતી. જાસ્મીનનું રુપ એનું દુશ્મન બની ગયું. એના મોટી વયના પતિને વહેમ હતો કે એની બીજીવારની આટલી દેખાવડી, નાની વયની પત્નીને જો દાબમાં નહીં રાખે તો એ ખરાબ ચાલચલગતની થઈ જશે!

લગ્ન પછી એ જાસ્મીનને પોતાના કાબુમાં રાખવા લગભગ કોઈ ને કોઈ બહાનું કરીને મારતો હતો. તે સમયે તો જાસ્મીનનો ઈલાજ કરાવવા ડૉક્ટર પાસે લઈ ગયો તો ખબર પડી કે બેસુમાર મૂઢમારથી જમણા હાથ અને પગના જ્ઞાનતંતુઓ મરી ચૂક્યા હતા. ટૂંકમાં, એને કદીયે સારો ન થાય એવો પેરેલિસિસ થયો હતો. ડોક્ટરે ચારેક અઠવાડિયાં સુધી એને નર્સિંગ હોમમાં રાખવાનું કહ્યું. આપણા ક્લાસમાં તો તમને બધાને ખબર હતી કે હું જાસ્મીનને કેટલો ચાહતો હતો, પણ બોલી શક્યો નહોતો. જ્ઞાતિ, ધરમ, સ્ટેટસ અને ક્લાસ બધું જ વચ્ચે આવતું હતું.

જસુને ભાન જ્યારે આવ્યું ત્યારે મેં એને પૂછ્યું કે શું એને એના પતિને ત્યાં એ સાજી થાય પછી મૂકી આવું તો એણે કહ્યું કે એને કોઈ ત્યક્તાના આશ્રમમાં મૂકી દેવી પણ પતિને ત્યાં હવે એની કોઈ જગા નહોતી. મેં એને પૂછ્યું કે મારી પાસે એ રહેશે? તો એણે આંસુભરી આંખે કહ્યું, “હું તારા પર બોજ બનીને કઈ રીતે રહું? અને હવે હું તારા કોઈ કામની પણ નથી રહી. મને ખબર છે કે તું મને ચાહતો હતો અને હું પણ મનોમન તને ચાહતી હતી.”

જસુના આ છેલ્લાં વાક્યો સાંભળીને મને થયું કે ઉપરવાળાને મારા પર એકદમ જ રહમ આવી ગયો કે શું? એણે તો મારો પ્યાર આમ ઓચિંતો જ મારી ઝોળીમાં નાખ્યો હતો એની મને અનહદ ખુશી હતી. મારે હવે જે કરવાનું હતું તે જલદી કરવાનું હતું અને એ પણ જસુને નર્સિંગ હોમમાંથી રજા મળે એ પહેલાં જ બધા નિર્ણયો લઈને અમલમાં મૂકવાના હતાં.

મેં ચાલીની જગ્યા કાઢી નાખી. મારી લારી વેચી દીધી. નાનપણથી જ ચાચા-ચાચીને ઘરકામમાં મદદ કરતો હતો એમાં મને રસોઈનો શોખ પણ લાગ્યો હતો. તેથી રસોઈનું કામ તો મને ક્યાંય પણ મળશે એવી ખાતરી હતી. આમ કામની મને ચિંતા નહોતી. જ્યાં કોઈ અમને ઓળખતું ન હોય ત્યાં મારે જસુને લઈને વસવું હતું. મારા ચાચા-ચાચી જામનગર પાસે માધવપુર ગામમાં રહેતા હતાં. આથી મેં જામનગરમાં વસવાનું નક્કી કર્યું.

મુંબઈમાં જાસ્મીનનો પતિ સહેલાઈથી છૂટાછેડા આપવાનો નહોતો. જાસ્મીન તન-મનથી સાવ મૂરઝાઈ ગઈ હતી અને હવે કદી સાજી પણ થવાની નહોતી. મને એની ખબર હતી. મારે તો મારી બાકીની જિંદગી મારા પ્યારની સેવા કરવામાં જ વીતાવવાની હતી. મને મારી જિંદગીનો મક્સદ મળી ગયો હોય એવું લાગતું હતું. ચાચા-ચાચી જીવતાં હતાં ત્યારે ક્યારેક વચ્ચે-વચ્ચે હું એમને માધવપુર જઈને મળી આવતો હતો. એમણે મને ઘણો સમજાવ્યો કે આમ પરાયાની બીબીને ઘરમાં ન રખાય. મેં ઘણી મથામણ ને મહેનત કરીને જાસ્મીનના ડિવોર્સ પણ કરાવી લીધાં.

અહીં આવીને પણ, શરૂઆત બટાટાવડા અને મુંબઈ સેન્ડવીચની લારીથી કરી હતી. આજે આ લોજ અને બીજું જે પણ કઈં છે, આ ટેક્સી-રીક્ષા વગેરે, તે જાસ્મીનના નસીબની યારી છે. જાસ્મીન બોલી નથી શકતી અને વ્હીલચેર પર જ રહે છે. પણ એની સેવા કરવામાં મને બહુ જ ખુશી મળે છે. વિનુ, એના મોઢા પર સ્મિત જોઉં છું ત્યારે મને મારી જિંદગી જન્નત લાગે છે.

સવારના મારા કર્મચારીને કઈંક ઈમરજન્સી આવવાથી હું રસોઈ કરતો હતો, બાકી હું રસોઈ હવે નથી કરતો. વિનુ, તને આટલા વર્ષો પછી મળીને મને અને જાસ્મીનને ખૂબ સારું લાગ્યું. જાસ્મીનના ચહેરા ઉપર મેં આટલી ખુશી વર્ષો પછી જોઈ છે. થેંક યુ યાર.”

હમીરભાઈની વાત પૂરી થઈ, ત્યાં સુધી અમારી હોટલ પણ આવી ગઈ. અમે નીચે ઊતર્યા. હમીરભાઈ પણ ઊતર્યા. વિનુનો હાથ પકડીને ગળગળા અવાજે ફરી કહે, “દોસ્ત, થેન્ક યુ! પાછાં ક્યારે મળીશું કોને ખબર!”

વિનુએ કહ્યું, “અરે, થેન્ક યુ શેને માટે? આઈ એમ વેરી હેપ્પી ટુ સી યુ બોથ. દોસ્ત, તેં જે કામ કર્યું છે એને માટે તો મારે ભગવાનને થેન્ક યુ  કહેવું જોઈએ કે તારા જેવો સેલ્ફલેસ મારો ફ્રેન્ડ છે.” હવે હું થોડીક ચમકી. વિનુ આટલું બધું એક સાથે બોલીને એક્સપ્રેસ પણ કરે છે એની મને નવાઈ લાગી.   

હમીરભાઈ કહે, “મને ખબર છે કે તું સવારના મને ઓળખી ગયો હતો છતાં કંઈ ન બોલ્યો, એટલા માટે એકવાર વધુ થેન્ક્સ!” પછી આંખોમાં આંસુ સાથે વિનુને ભેટી પડ્યા.

હમીરભાઈ ગયા. અમે હોટલમાં પ્રવેશતાં હતાં ત્યારે મેં વિનુને પૂછ્યું, “હું બપોરથી પૂછ-પૂછ કરતી હતી. તમે પણ તમારા મિત્રને ઓળખી ગયા હતા છતાંયે તમે મને પણ કશું કહ્યું નહીં?” મારા સ્વરમાં, પત્નીના અધિકારની અવગણના થઈ હતી એનો વિરોધ હતો કે રોષ, કોને ખબર! પણ વિનુ જેનું નામ, એક વાક્ય જ બોલ્યા, “તું પણ શું પકડીને બેઠી છે? તું ક્યાં કોઈને પણ ઓળખતી હતી? કેવી રીતે તને ઓળખાણ આપું? આથી જ ન બોલ્યો કંઈ પણ.”

મેં સહેજ રીસથી કહ્યું, “કમ સે કમ તમે મને એમનાં નામ-ઠામ આપી શક્યા હોત! તમે ત્યારે કશું જ ન કહ્યું તે ન જ કહ્યું!” વિનુ નોન જજમેન્ટલ અવાજે સાવ સરળતાથી કહે, “તો લે, હવે કહું છું. એનું નામ હમીદ સૈફ છે!” ને, હું અવાક થઈ ગઈ!

આટલું કહીને, સાવ સ્વાભાવિક રીતે વિનુ હોટલની લોબીમાં રાહ જોઈ રહેલા અમારા કુળગોર પાસે કાલનો પ્રોગ્રામ નક્કી કરવા ગયા. હું લોબીમાં રાખેલા સોફા પર બેઠી.

લોબીમાં રાખેલા બીગ સ્ક્રીન ટીવી પર, પ્રદીપકુમાર અને મીનાકુમારી અભિનિત, જૂની બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ, “આરતી”નું ગીત આવી રહ્યું હતું, “કભી તો મિલેગી, કહીં તો મિલેગી, બહારોં કી મંઝિલ, રાહી!”

~જયશ્રી વિનુ મરચંટ

(સત્યઘટના પર આધારિત – ગોપનીયતા જાળવવા પાત્રોના નામ, સ્થળ, સમય અને ઘટનાક્રમમાં યથોચિત ફેરફાર કરવામાં આવ્યાં છે.)

આપનો પ્રતિભાવ આપો..

7 Comments

 1. I read this at night and fell asleep. In my dream I went to Jasu Vishi and had a satisfying meal.
  I asked him, if he knew Vinybhai
  He said, “ who? What are you taking about.
  Then I was about to catch a cab and suddenly woke up with sweat!
  Kya such hai, kya sap a?

 2. હૃદયસ્પર્શી સચ્ચાઈ! એકધારો પ્રવાહ. સુંદર આલેખન જયશ્રીબહેન બધાં પાત્રો જીવંત થઈ ગયાં આટલીવારમાં તો!

 3. હ્રદયસ્પર્શી
  અજીબ દાસ્તાં હૈ યે, કહાં શુરુ કહાં ખતમ,
  યે મંજિલે હૈ કૌન સી, ન વો સમજ શકે ન હમ.

 4. Beautifully written and moving story. Brought tears to my eyes. I am care partner for my wife of 47 years who has Alzheimer’s disease for the last 8 years.

  The story reminded me of Sant Kabir’s Doha..,,,

  Pothi Padh Padh Jag Mua, Pandit Bhaya Na Koi
  Dhai Aakhar Prem Ke, Padhe So Pandit Hoye

 5. અત્યંત ઉમદા અને હ્રદયસ્પર્શી…જિંદગીની દાસ્તાન કેવી અજબ હોય છે ને !!!