આ તો માણસની માણસને મળવાની વાત ~ નંદિતા ઠાકોર ~ કટાર: ફિલ્ટર કૉફી

ગયા વખતે પત્રલેખનની વાત કરી હતી એના જ અનુસંધાનમાં એ જ વિષય પર હજુ થોડી વાત કરવી છે. પત્રો તો આપણે સહુએ લખ્યા જ છે. જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આપણે સૌએ પ્રેમપત્રો ય લખ્યા હશે. કાં તો પોતાના પ્રિય પાત્રને કે કાં તો કોઈ કાલ્પનિક પાત્રને. કોઈએ વળી લખાણની ઓછી આવડતવાળા મિત્રોને આવા પત્રો લખી પણ આપ્યા હશે. પણ સાવ અજાણ્યા લોકોને પત્ર કે પ્રેમપત્ર લખવાની વાત કયારેય વિચારી છે?

અહીં ‘પ્રેમ’ શબ્દનો અર્થ જરા વિસ્તૃત રીતે લેવો પડે એમ છે. માણસના હૃદયમાં રહેલ પરમ તત્વ એવા પ્રેમની વાત અહીં અભિપ્રેત છે. પરિચિત ન હોય તેવા વિશ્વનાં અન્ય મનુષ્યો તરફ અનુભવાતા સહજ પ્રેમની વાત છે. એટલે જ ક્યારેય પણ સાવ અજાણ્યા એવા કોઈકને પત્ર લખવાની વાત વિચારી છે? અને અજાણ્યા એટલે એવા અજાણ્યા કે ક્યારેક તો એમનું સાચું નામ પણ ન ખબર હોય અને ભવિષ્યમાં એ વ્યક્તિ સાથે કોઈ વધુ પરિચયની સંભાવના પણ ન  હોય! છતાં એવી વ્યક્તિને પત્ર લખવાનું થયું હોય. કોઈ અપેક્ષા વગર, કશા ય સંબંધ વગર. 

આની પહેલાના લેખમાં ઉલ્લેખ કર્યો હતો એવા પત્રો તો હજુ ય લખી કે મેળવી શકાય છે. કોઈકના કોઈક કાર્યને બિરદાવવા, કે આપણને જે તે વ્યક્તિનું  કોઈક કાર્ય સ્પર્શ્યું છે એ લાગણી એના સુધી પહોંચાડવા પત્રો લખાતા હોય છે જ. અને એવા પ્રસંગે સામેની વ્યક્તિ સાથે સંબંધનો સેતુ સર્જાવાની સંભાવનાઓ પુરેપુરી હોય છે. પણ સાવ અજાણ્યા લોકો માટે આવાં પત્રો લખાય ત્યારે કેવી અનુભૂતિ થાય?   

કેટલીક સંસ્થાઓ, ઓનલાઇન પ્રોજેક્ટ્સ તથા વૉલન્ટિયર ગ્રુપ આવું કામ કરે છે. ઘર પરિવારથી વિખુટા પડેલા લોકો, એકલા રહેતા વૃદ્ધો, હોસ્પિટલના દર્દીઓ કે રોજિંદા જીવનની વિષમતાઓને વેઠતા કોઈ પણ સામાન્ય લોકો હોય, જો એમના વિષે ક્યાંકથી માહિતી મળે તો આવાં સંગઠનો એમને હકારાત્મક પત્રો પાઠવે. કોઈક અજાણ્યા તરફથી મળેલા આવા પત્રો, જેમાં માત્ર અને માત્ર પોઝિટિવ વાતો લખી હોય એ મેળવીને કોઈનું પણ મન પ્રફુલ્લિત થઇ જાય.

વિચાર કરો કે કોઈક હોસ્પિટલમાં કોઈક બાળક કશીક બીમારીનો ભોગ બનીને પીડા વેઠી રહ્યો છે અને એને સરસ મઝાનું ચિતરામણ કરેલો, રંગીન, એની ઉંમરને અનુરૂપ લખાણ કે ચિત્રવાળો નાનકડો પત્ર કે કાર્ડ મળે તો એનો આનંદ કેવો હોય?  તમે કોઈ પણ પરિસ્થિતિમાં હો, તમારી પાસે કોઈ નિકટનું સ્વજન હોય કે ના હોય, તમે સાવ એકલા અટૂલા નથી ને આ વિશાળ પૃથ્વીના પટ પર કોઈક તમારો વિચાર કરે છે અને તમને સુંદર શુભેચ્છાઓ મોકલે છે એનો અનુભવ જ કેટલો રોમાંચક હોય! 

આવાં સંગઠનો પાસે વૉલન્ટિયર્સ તો હોય છે જ જે જરૂરત મુજબ પત્રો લખે, પણ દુનિયાના કોઈ પણ ખૂણેથી કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનો પત્ર લખીને એક નિશ્ચિત સરનામે મોકલે જ્યાંથી  જે તે વ્યક્તિને એ પહોંચાડવામાં આવે. સંસ્થા કે સંગઠન કેટલાંક સામાન્ય નિયમોનું પાલન કરાય એનું ધ્યાન રાખે અને વિષમ પરિસ્થિતિમાં હોય એવી વ્યક્તિઓની વિગતો મર્યાદામાં રહીને જાહેર કરે. આવાં થોડાક વ્યક્તિઓમાંથી તમે જેને ઈચ્છો તેને પત્ર લખી શકો.    

હું પોતે પણ ઘણીવાર આવાં પત્રો લખું છું, મારાં કેટલાક મિત્રો પણ લખે છે. પત્ર મેળવનાર વ્યક્તિની અમુક પરિસ્થિતિ સિવાયની કોઈ વિગતોની અમને જાણ નથી હોતી કે નથી હોતી એ વ્યક્તિને અમારી કશી ઓળખ. એ એકાદ પત્રથી આગળ સંબંધનો કોઈ સેતુ જોડવાનો પણ નથી હોતો.  પણ કોઈકના ઝાંખા સમયમાં ઉજાસનું એક સ્મિત પ્રગટાવવાનું નિમિત્ત બન્યાનો આનંદ અમને સતત અનુભવાય છે.

કશી અપેક્ષા કે ગણતરી વગરના આવાં કેટલાંય આનંદ આપણને હાથવગા હોય છે. એને માણવાનું અને વહેંચવાનું ચૂકી જાઉં એવી  હું તો નથી. તમે છો?  

~ નંદિતા ઠાકોર 
~ શીર્ષક પંક્તિ: સ્વ.વિનોદ અધ્વર્યુ 

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. ‘કશી અપેક્ષા કે ગણતરી વગરના આવાં કેટલાંય આનંદ આપણને હાથવગા હોય છે. એને માણવાનું અને વહેંચવાનું ચૂકી જાઉં એવી હું તો નથી’પ્રેરણાદાયી વાત ધન્યવાદ