અફસોસ છે ~ ગઝલ ~ શ્યામ ઠાકોર
ડાળ છે પણ ડાળ પર ટહુકો નથી એ વાતનો અફસોસ છે
ઝાડ મારું સીમનો હિસ્સો નથી એ વાતનો અફસોસ છે
સંતો તો પ્યાલો ભરી ચાલ્યા ગયા પાછા અગમના દેશમાં
ઘૂંટ મેં એકાદ પણ પીધો નથી એ વાતનો અફસોસ છે
આવનારા સેંકડો અટવાઈને પાછા વળી બોલી પડ્યા
માર્ગ તારા ગામનો સીધો નથી એ વાતનો અફસોસ છે
સૂર્ય તો ઊગી ગયો છે ક્યારનો આકાશમાં જો તો ખરી
આપણી આ ભોંય પર તડકો નથી એ વાતનો અફસોસ છે
ફોજ લઈ આવી ચડે છે દુશ્મનો ઘમરોળવા ક્યારેય પણ
એક પણ જો ભીતરે કિલ્લો નથી એ વાતનો અફસોસ છે
જૂઠના ઘોંઘાટ વચ્ચે એકલો હું સત્ય બોલ્યો છું છતાં
ક્યાંય મારા શબ્દનો પડઘો નથી એ વાતનો અફસોસ છે
~ શ્યામ ઠાકોર (ગોધરા)
એસોસિએટ પ્રોફેસર: સંસ્કૃત વિભાગ
ગઝલસંગ્રહ: દ્વાર ખખડાવે હવા

સુંદર રચના !!👍
વાહ
ખૂબ સરસ રચના
સરસ ગઝલ
વાહહ ,, રચના ખૂબ ગમી
Superb!