એક સાંજે (નિબંધ ) ~ ગુલાબ દેઢિયા
આંગણાંમાં પગ મૂકતાં જ હું અવાચક થઇ ગયો. આ શું, આખું આંગણું ભરાઈ ગયું હતું. સાંજે નિશાળેથી ઘરે આવીને, ઘરનું આવું રૂપ જોઇને હું તો હેબતાઇ ગયો હતો.
અમારો લીમડો ઢળી પડ્યો હતો. જ્યાં આખા આંગણામાં એનો છાંયડો પથરાતો હતો ત્યાં આજે એ પોતે પથરાઇને પડ્યો હતો.
બહારનાઓ માટે એ ભલે જોણું હતું પણ અમારા માટે તો આઘાત. જે ટોચની ડાળીએ ચડવાની ઘણી વાર મનસૂબા કર્યા હતા એ ડાળીએ આજે હું સહેજે ચડી શકતો હતો. વર્ષોથી એને જે રીતે ઊભેલો જોયો હતો, મનમાં જે એનું ચિત્ર સ્થિર થયેલું હતું તે છિન્નભિન્ન થઈ ગયું હતું. વૃક્ષો આમેય સૂતેલાં કદી જોવા નથી ગમતાં હોતાં..
સાંજ વસમી થતી જતી હતી. અસ્તાચળે જતા સૂર્યને આવો તેજતરાર કદી જોયો ન હતો. નીચે અફડાતો તડકો કાચના વાસણની જેમ ફૂટી જતો હતો અને એની કરચો આંખમાં ખૂંચતી હતી.
કોણ જાણે કેમ મને કુરુક્ષેત્રની ધરતી પર બાણશય્યા પર સૂતેલા ભીષ્મ પિતામહનું સ્મરણ થઇ આવ્યું. લીમડો પણ આજાનબાહુ હતો. પોતાની જ શાખાઓનું ઓશિકું કરીને માથું ઊંચું રાખી ઢળ્યો હતો. મને થાય છે કે પહેલાં એણે ધરતી માતાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા હશે પછી પોતાની જ બાણશય્યા પર વિશ્રાંતિ લેતો ચરણનું કળતર ઉતારતો હશે. ભીષ્મ પિતામહની ફરફરતી દાઢીની જેમ એની પણ નાની નાની પાંદડીઓ ફરફરી રહી હતી. એ તો લીલીછમ જીવંત હતી. હજી એમને ધ્વંસની ક્યાં જાણ થઈ હતી ?
દાદાજી અને લીમડો બેઉની છત્રછાયામાં હું મોટો થયો હતો. દાદાજીના જતાં એ અમારા પરિવારનો વડીલ હતો. આંગણાની વચ્ચે નહિ પણ નૈઋત્યમાં પડખે ઊભો હતો. જે એની આસપાસના હતા તે સૌની એ પડખે હતો. માગે કશું નહિ, પોતાની પાસે હોય તે આપે.
ઋતુઓ અમારે ત્યાં પચાંગે ચિતરેલી નહોતી પણ લીમડા પર આવીને બેસતી. હવે પાનખર ખાલી થાળ લઈને જશે અને ગ્રીષ્મ પોતાનો ભર્યો થાળ એમ ને એમ પાછો લઇ જશે.
સાંજે અમારા મોટા રસોડામાં ભોજનના ખાનપાનમાં કોઇ વાનગી બદલાય પણ એક વસ્તુ અફર રહેતી. સાંજે નિશાળેથી આવીને સૂર્યાસ્ત પહેલાં વાળું કરતાં ખીચડી અને છાશની સાથોસાથ લીમડાની જાળીદાર છાયા પીધાનું યાદ છે. સાંજુકા કોમળ તડકાના બુટા એવા તો રમતિયાળ કે જોયા જ કરીએ. વધુ વાર જોયા કરવાથી અતીતમાં ખોવાઈ જવાતું. હવે વાળુમાં સ્વાદની ઓછપ દેખાઈ આવશે.
લીમડાની પ્રશાખા, ઉપશાખા, શાખા, થડ વગેરેને સ્પર્શ કરતો નજીકથી નિહાળતો ગયો ત્યાં મૂળ બહાર ખેંચાઈ આવેલાં દેખાયાં, લીમડાની તીવ્ર ગંધ મૂળિયાંમાંથી આવતી હતી. ભીની માટી બહાર આવી ગઇ હતી. મૂળિયાં તૂટ્યાં હતાં એટલે બધું જ તૂટ્યું હતું. કદી કોઇને પોતાનું મોં ન દેખાડતા લાજાળુ મરજાદી મૂળ ઉઘાડે મોઢે વિવશ થઇ ગયાં હતાં.
કોઈકે તો કહ્યું સારું થયું કે લીમડો તમારા છાપરા પર ન પડ્યો નહિ તો નળિયાં તો ભૂકો બોલાવી દેત. અમને તો એવો વિચાર ન આવી શકે. જેણે જીવનભર અમારી આંચ ટાળી હોય તે કેમ આંચ આવવા દે, એ પડ્યો નહોતો, ઢળ્યો હતો. જાણે આઠ-દશ ગાઉનો પંથ કરીને દાદાજી ખાટલા પર પાંગતથી બહાર જાય એમ પગ લાંબા કરીને સૂઈ ન ગયા હોય !
ક્યાંકથી ઊડતા આવીને વિસામો લેવો એ કાગડાઓની ટેવ હતી. હવે હાશ કરી પાંખો સમેટવા જશે પણ વૃક્ષ વગર પાંખો ભોંઠી પડી જશે.
રાતે તારા કોની સાથે કાનમાં વાત કરશે ? પવન પોતાના વહાણ બીજે વાળી જશે. ડાળીએ ડાળીએ દોડી જતી ખિસકોલી હવે નવી ડાળીઓ શોધશે. એની આવજાવ ઘટી જશે.
ઉનાળાની તપ્ત નીરવ બપોરે ક્યાંક રેડિયો પરથી વિવિધ ભારતીના ગીતો સંભળાય છે ત્યારે એ છાંયડો મનમાં લહેરાય છે. બપોરે સૂતાં સૂતાં નવલકથાઓ તો વાંચું છું પણ મંજરીની પુષ્પવૃષ્ટિ થતી હોય અને લૂની વચ્ચે લહેરખી આવી જતી હોય એ વૈભવ ક્યાં ! હાઈસ્કૂલના વર્ષોનું એ કામણ ક્યાં ! મનની મુગ્ધતા ક્યાં !
અમે ઓટલે ઊભા રહી કાગળના ટુકડા કે જૂની તારીખો ઉડાડતા ત્યારે લીમડોય પાંદડા ઉડાડતો હતો. ઝાકળ હવે ધૂળમાં મળી જશે, પર્ણગુચ્છમાં ચમકતાં મોતી ગયાં.
અમારું આંગણું, અમારું આકાશ અને અમારા અભાવ ખુલ્લાં પડી ગયાં છે. અમારા લીલાછમ લીમડામાં જે ઢંકાઇ જતું હતું તે પાધરું થઇ ગયું છે. કોઇની ગેરહાજરી આપણને કેવા ગરીબ કરી દે છે ! એવું કેમ છે ભલા કે ગેરહાજરી થાય ત્યારે જ હાજરીનું મૂલ્ય પરખાય!
જેના ખરબચડા થડને હું બાથ નહોતો ભરી શકતો એ લીમડો આખેઆખો મારા સપનામાં ક્યારેક લહેરાય છે. ઓર્ચિતી હવા બદલાય છે. હવામાં ઠંડક ભળે છે. વંટોળ જેવું વરતાય છે. વાદળ રૂપ બદલે છે અને લીમડો ચમકી જાય છે ! શહેરની સડકોની ભીડ, ધુમાડો અને કાળઝાળ તડકા વચ્ચે લીમડો સ્મરણે ચડે છે ને પછી તો બાકીનું બધું છૂ ! દરેક વૃક્ષનું બીજું નામ અશોક વૃક્ષ હોય છે. શોક હરવો એ એનો સ્વભાવ હોય છે.
(નિબંધસંગ્રહ: ઓસરીમાં તડકો)

🙏आंगन की सुंदर शोभा,घनी छाया देनवाला नीम का पेड अचानक गिर गया,बालक… लेखक… व्याकुल हो उठा.
पेडके साथ जुडा प्रेम भरा, भावभरा रिश्ता यकायक टूट गया…घर 🏡 और मन सुना हो गया , बहोत सजीव तासे भरा.. चित्रमयी लेख…
प्रतिभा संपन्नता पुरे निबंध में छान गयी है.. खूब धन्यवाद, प्रणाम 🙏👍💐
વાહ, ખૂબ સરસ.
સરસ
સરસ નિબંધ
એક સાંજે સ રસ નિબંધ
વેદના અને સંવેદનાની નવી અનુભૂતિ કરાવે છે
ખૂબજ સરસ નિબંધ છે. લીંબડો માત્ર સ્થૂળ નથી પરંતુ જીવનની સંવેદનાઓમાં વણાઈ ગયો છે. એક વડીલની ગરજ સારે છે. માત્ર પંખી કે ખિસકોલી જ નહિ પણ ઋતુઓને પણ બેસવાનું અને મહોરવાનું સ્થાન હતું.
Very nice