પ્રયાણ (વાર્તા) ~ ગીતા ત્રિવેદી

(નોંધ: વાર્તાને અંતે લેખિકા દ્વારા આ જ વાર્તાને આધારે તૈયાર કરેલી એકોક્તિનો ઓડિયો સાંભળવા વિનંતી)

નીરા ચાનો કપ લઈને બાલકનીમાં આવી. રોજની ટેવ મુજબ તેણે છાપું ખોલ્યું. મલ્ટીનેશન કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતી નીરાને ચા સાથે અખબાર વાંચવાનું ગમતું હતું.

‘બૈરાઓએ વળી સવારે છાપું શેનું વાંચવાનું ?’ તેનો પતિ મયંક એવું દ્રઢપણે માનતો તેથી કોઈ ને કોઈ કામ બતાવી તેને અખબાર વાંચવા ન દેતો. મયંકથી છૂટા પડ્યા પછી ફરી પાછું અખબાર વાંચવાનું શરૂ થઈ ગયું. નીરાએ હેડલાઇન વાંચી પાના ફેરવવા માંડ્યા. ત્રીજા પાને ખૂણાના એક સમાચાર વાંચીને તે ચોંકી. તેણે તે સમાચાર ફરી ધ્યાનથી વાંચ્યા. ફોટા પર નજર પડતાં શંકાને કોઈ સ્થાન રહ્યું નહીં. તે એમ જ બેસી રહી.

‘કૉલેજ જાઉં છું. સાંજે મોડું થશે.’ બંસરીનો અવાજ સંભળાયો. દીકરી પાસેથી મમ્મી સંબોધન સાંભળે વર્ષો વીતી ગયાં. કદાચ હવે કોઈ ફરક પડતો નથી. છતાંય અવળચંડું મન, વિચાર તો આવી જ જાય છે ને !

‘ઊભી રહે.’ નીરાએ બૂમ પાડી. ‘શું છે ? જલદી કહે. મારે મોડું થાય છે.’ બંસરીએ અણગમાથી પાછળ જોયા વિના ચાલવા માંડ્યું.

‘તું જેને મળવા જઈ રહી છે તેના વિશે કંઈક કહેવું છે.’ નીરાએ મોટેથી કહ્યું. ‘મારે કંઈ જ સાંભળવું નથી.’ બંસરી પગ પછાડતી બારણા તરફ આગળ વધી. નીરાએ દોડીને છાપાના એ સમાચાર બંસરીને પરાણે વંચાવ્યા.

‘ઓહ નો.’ હવે ચોંકવાનો વારો બંસરીનો હતો. જે પિતાની પાસે જવા માટે તે થનગની રહી હતી તેની ડ્રગ્સની હેરાફેરી કરતા ધરપકડ થઈ હતી. અખબારમાં ફોટો હતો. પોતાના સપનાં ચકનાચૂર થતાં તેણે નીરા સામે ગુસ્સાથી જોયું. ‘આ, મેં નથી છપાવ્યું સમજી?’ કડવાશથી નીરાએ કહ્યું.

બંસરીને યાદ આવ્યું. કાલ રાતથી પપ્પાનો મોબાઇલ બંધ આવતો હતો. તે સિવાય બીજો કોઈ નંબર તેની પાસે નહોતો જેથી તે સંપર્ક કરી શકે. તે માથું પકડીને સોફા પર બેસી ગઈ. નીરાને બંસરીની દયા આવતી હતી. તેણે પાણીનો ગ્લાસ બંસરીને આપ્યો. તે એકીટશે નીરાને જોઈ રહી. ‘તને કેવી રીતે ખબર પડી કે હું…’ આગળ શું બોલવું તે બંસરીને સૂઝ્યું નહીં.

‘થોડા મહિના પહેલા તારા રૂમમાં બામની ડબ્બી લેવા આવી હતી. તારું લેપટોપ ખુલ્લું હતું ને તું સુઈ ગઈ હતી. ફેસબુક પર તારી અને તેની ચેટીંગ મેં જોઈ.’ નીરાએ ‘તારા પિતા’ બોલવાનું ટાળ્યું. ‘તને પિતાના પ્રેમની જરૂર હતી. તેણે તારી તરફ લાગણી બતાવી ને તું તેના તરફ ઢળી ગઈ. તારી મારા માટેની નફરતનો તાળો મને તે દિવસે મળ્યો. અંદાજ તો હતો પણ…’ નીરાએ વાક્ય જાણીજોઈને અધૂરું છોડી દીધું.

‘બંસરી, મેં જીવનમાં ઘણી ભૂલો કરી છે. તેથી કદાચ મારું જીવન ગૂંચવાયેલું છે. મને લાગે છે આજે તારા મનમાં ઊઠતા તમામ સવાલોના જવાબ આપવાનો સમય આવી ગયો છે. મારા જીવનના અજાણ્યા પાસાથી તને અવગત કરાવું જેથી જીવનમાં તું કોઈ નિર્ણય ઉતાવળે ન લે. મારી વાત સાંભળ્યા પછી તું જાતે વિચારજે. હવે મેં દિલથી નહીં દિમાગથી કામ લેવાનું નક્કી કર્યું છે.’

‘તારી પાસે સમય છે ને?’ નીરાએ બંસરીની આંખોમાં જોઈ પૂછ્યું. આંખમાં વહી જતાં આંસુ લૂછીને તે નીરા સામે આશ્ચર્યથી જોઈ રહી. તેણે હકારમાં ડોકું હલાવ્યું. મિત્રને મૅસેજ કર્યો. નીરાએ પોતાના જીવનની ડાયરીના કેટલાક પાના બંસરી સમક્ષ ખુલ્લા કર્યા…

‘મારા જીવનની પહેલી ભૂલ, વિનોદ તાવડે નામના પરજ્ઞાતિના છોકરા સાથે મને પ્રેમ થયો હતો. જોકે વિનોદને રમવા માટે એક ખૂબસૂરત રમકડું જોઈતું હતું તેથી મારી લાગણીઓ સાથે ૨મત રમી એક દિવસ અચાનક તે ગાયબ થઈ ગયો. આ આધાત મારા માટે અસહ્ય હતો. હું તો તેની સાથે ભાગીને લગ્ન કરવાના સપનાં જોતી હતી.

તે જ સમયે મયંક તરફથી માગું આવતા મેં હા પાડી. લાગતું હતું મયંક પાસેથી ભરપૂર પ્રેમ મળશે પણ તેનો પ્રેમ ચૅક પર સહી કરાવી પૈસા લેવા પૂરતો સીમિત રહ્યો, જે લગ્ન કરતાં સમજાઈ ગયું. મારો પગાર એ જ મયંકને મન વિશેષ વાત હતી. તેની પોતાની ખાસ કોઈ કમાણી નહોતી. એશોઆરામથી રહેવું તેને ગમતું. તેને મારે પૈસે તાગડધીન્ના કરવા હતા. શરૂમાં પૈસા માટે ઝઘડો કરતો મયંક હાથ ઉપાડવા સુધી જતો. છેવટે મેં બળથી નહીં કળથી કામ લીધું. તેની વિરુદ્ધ પુરાવા ભેગા કર્યા ને છૂટાછેડાનો કેસ કર્યો. પુરાવા તેની વિરુદ્ધ હોવાથી મને છૂટાછેડા મળી ગયા.’

બંસરીને યાદ આવ્યું તેના પિતા કહેતા, ‘તારી મા મારા પૈસે લહેર કરતી હતી ને તેના આશિક જોડે રખડતી હતી.’ પપ્પાએ કેટલું ખોટું કહ્યું હતું.

બંસરી બે કપ કૉફી ને નાસ્તો લઈ આવી. એક કપ નીરાને આપ્યો. ક્યારેય પાણીનો ગ્લાસ પણ ન આપનાર દીકરી આજે કૉફી આપી રહી હતી. તેણે કૉફીનો કપ લઈ મોઢે માંડ્યો. કેટલીક ક્ષણો એમ જ વીતી ગઈ.

‘પછી શું થયું મમ્મી?’ બંસરીથી પૂછાઈ ગયું. નીરાએ તેની સામે જોઈ આગળ કહેવાનું શરૂ કર્યું, ‘છૂટાછેડા પછી બીજા શહેરમાં જઈ મેં જિંદગીની નવી શરૂઆત કરી. મારી કંપનીએ આપેલ સર્ટિફિકેટથી મને બીજી જૉબ તરત જ મળી ગઈ.

થોડા સમયમાં મને જાણ થઈ કે હું પ્રેગ્નન્ટ છું. તારું આગમન મારી કૂખમાં થઈ ચૂક્યું હતું, મને આનંદ થયો. ચાલો હવે જીવનમાં કોઈ બીજા સહારાની જરૂર નહીં પડે. મા તરીકે જિંદગી સરસ રીતે જીવી જવાશે.

તારો જન્મ થતાં મારું સંપૂર્ણ ધ્યાન તારા ઉછેરમાં લાગી ગયું. મારી કંપનીએ થોડા સમય માટે ઘરેથી કામ કરી આપવાની સગવડ કરી આપી.

જ્યારે તું પહેલીવાર બાલમંદિરમાં ગઈ ત્યારે તું કેટલી રડી હતી, હું પણ ધરે આવીને ખૂબ રડી હતી. તારાથી વિખૂટા પડવાની કલ્પનામાત્રથી હું અજંપ બની જતી હતી. આથી તારી સવિશેષ કાળજી રાખતી.’

નીરાની આંખમાં આજે પણ આંસુ આવી ગયા, તે પ્રસંગ યાદ કરીને. તરત જ સ્વસ્થ થઈ તેણે આગળ કહેવાનું શરૂ કર્યું, ‘ધીમેધીમે પ્રાથમિક શાળાનું ભણતર પૂરું કરી તું પાંચમા ધોરણમાં આવી. તું મને કામમાં મદદ કરાવતી, શાળાએથી આવીને મને વળગી પડતી… ‘મોમ આઇ લવ યુ’ ને હું હસી પડતી.

એક દિવસ તેં આવીને પૂછ્યું હતું, ‘મારા પપ્પા ક્યાં છે?’ ‘તે આ દુનિયામાં નથી.’ મેં જવાબ આપ્યો હતો. તે સમયે જો તને સાચું કહ્યું હોત તો તે એમને મળવાની જીદ કરી હોત. કદાચ એ તને મારી પાસેથી છીનવી જાય તો ? તારા પ્રત્યેની મમતાએ મને જૂઠું બોલવા પ્રેરી જેની ઘણી મોટી કિંમત મેં ચૂકવી.’

શાળાનું એ દૃશ્ય બંસરી સામે ખડું થઈ ગયું. પપ્પા શાળામાં ચૉકલેટ લઈ તેને મળવા આવ્યા હતા. ફોટામાં જોયા હતા તેણે પપ્પાને. તે ખુશ થઈ ગઈ હતી. પપ્પાએ કહ્યું હતું, ‘તારી મમ્મીને નહીં કહેતી નહીંતર તે આપણને મળવા નહીં દે.’

બંસરીથી ડૂસકું મુકાઈ ગયું. ‘શું થયું?’ નીરાએ પૂછ્યું. બંસરીએ કહ્યું, ‘પપ્પા શાળામાં મળવા આવતા હતા તે તને કહ્યું હોત તો…’ બાકીના શબ્દો ગળામાં અટવાઈ ગયા.

થોડું અટકીને નીરાએ આગળ કહ્યું, ‘તારું વર્તન એકાએક કેમ બદલાઈ ગયું. હું વિચારતી હતી. તારો પ્રેમ ને ઉમળકો ક્યાં જતા રહ્યા. તું મને ધુત્કારતી. હવે સમજાય છે કે તારા પિતાએ મારી સાથે બદલો લેવા તારા કુમળા માનસ પર નફરતની છાપ ઉપસાવી. જેમ જેમ હું તારી નજીક આવવાનો પ્રયત્ન કરતી તેમ તેમ તું બમણા વેગથી મારાથી દૂર જવા લાગી.

આજે થાય છે કે તને જન્મ આપી તારો ઉછેર કરવો એ માતા તરીકેની મારી ફરજ હતી. તારી પાસેથી લાગણી કે હૂંફ પામવા માટે હું મથતી રહી, જે નરી મૂર્ખતા હતી. એમ જો લાગણી કે પ્રેમ માગ્યા મળતા હોત તો આ દુનિયામાં કોઈ દુ:ખી જ ન રહેત. છેવટે મેં મારી હાર સ્વીકારી લીધી. આપણી વચ્ચેનો સંવેદનાનો તંતુ તૂટી ગયો. તારી ભાષામાં કહું તો તારી બાયોલોજીકલ મધર બનીને રહી ગઈ.

છેવટે શાળાનું ભણતર પૂરું થતાં કૉલેજમાં તારો મિત્ર કરણ ક્યારેક ઘરે આવતો ને મારી સાથે હસીને વાત કરતો તે પણ તને ગમતું નહીં. તને કહી દઉં, કરણ તારો મિત્ર છે ને હું તેને તે જ રીતે ઓળખું છું.’

બંસરીના સ્મરણમાં એ પ્રસંગો ઊભરી આવ્યા જ્યારે એણે મમ્મીને પૂછ્યું હતું, ‘કરણ મારી ગેરહાજરીમાં કેમ આવ્યો હતો?’ ‘તારા બૉસ તને ઘરે મુકવા કેમ આવ્યા ?’

પપ્પાના શીખવાડેલા આવા ન જાણે કેટકેટલા પ્રશ્નોથી તેણે મમ્મીને ચોટ પહોંચાડી હતી. પપ્પાએ સિફતથી નફરતનું ટીપું ટીપું ઝેર રેડીને તેની અને મમ્મી વચ્ચે દીવાલ ઊભી કરી હતી. તે એક મહોરું બનીને રહી ગઈ હતી.

બંસરીએ મનોમન નક્કી કર્યું કે તે હવે મમ્મી ને પોતાની વચ્ચેની દીવાલને દૂર કરશે. તે કંઈક કહેવાય જાય તે પહેલા નીરા કબાટમાંથી એક ફાઇલ લઈ આવી.

તેણે ફાઇલ બંસરીને આપતા કહ્યું, ‘તેં મારી પાસે સંપત્તિનો ભાગ માગ્યો હતો ને ? આ તારા ભાગના બધા પેપર મેં વકીલ પાસે તૈયાર કરાવ્યા છે.’ બંસરી હતપ્રભ થઈ ગઈ.

‘ના મારે ભાગ નથી જોઈતો. સૉરી મમ્મી…’ કહી તે રડવા લાગી, નીરા એમ જ બંસરીને જોઈ રહી.

સોફા પર બેઠક લેતા તેણે કહ્યું, ‘તારા પપ્પાને પૈસાની જરૂર હોવાથી તેણે તને ઉશ્કેરી. સંજોગો બદલાયા તેની સાથે હું પણ બદલાઈ છું. હું માનતી હતી કે મારું જે પણ છે તે બધું તારું જ છે ને… પણ હવે એવું નહીં થાય.

તારા વર્તને મને મારા ખુદના વિશે વિચારતી કરી. બંસરી, હું તો ભૂલી ગઈ હતી કે હું મા છું તેની પહેલા એક વ્યક્તિ પણ છું. જાણે છે કુદરતે એક તક મને સામે ચાલીને આપી છે. મારી કંપની એક પ્રોજેક્ટ અર્થે મને વિદેશ મોકલી રહી છે. આવતા અઠવાડિયે હું વિદેશ જઈ રહી છું. પૈસા તારા ખાતામાં જમા કરી દીધા છે. આ ફ્લેટ વિદેશથી પાછી આવીશ ત્યારે મારે જોઈશે. માટે વહેલી તકે તારી સગવડ કરી લેજે.’

‘મમ્મી, હું એકલી નહીં રહી શકું. પ્લીઝ પ્લીઝ, મને માફ કરી દે.’ બંસરી છૂટા મોઢે રડી પડી ને દોડીને નીરાને વળગી પડી.

નીરાના મોઢા પર કોઈ જ ભાવ નહોતા. તેણે હળવેથી તેને અળગી કરી. ‘મારે મારી જાતને શોધવી છે. ક્યાં સુધી બીજાના આધારે જીવ્યા કરીશ. આજે એક નવી દિશા મારા માટે ખૂલી છે.’ નીરા ઊઠીને પોતાના ઓરડામાં ચાલી ગઈ. તેણે દરવાજો બંધ કર્યો.

બંસરી બંધ થયેલા સંબંધના દરવાજાને નિ:સહાય જોઈ રહી.

*** 

લેખિકા દ્વારા વાર્તાને આધારે તૈયાર કરેલી એકોક્તિ

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. માતાપિતાના છુટાછેડા બાદ સંતાનની પરિસ્થિતિનું જાણે આબેહુબ બયાન..

    સીંગલ માતાનો પ્રેમ અને લાચારી દર્શાવીને પોતાની રીતે જીવન જીવવાની સલાહ આપતી સરસ વાર્તા

  2. સરસ વાર્તા. સ્વનિર્ભર જીવવાની વાત👌👌👌

  3. .
    લેખિકા ગીતા ત્રિવેદી ની એકોક્તિનો ઓડિયો વાધુ ગમ્યો