એક વાર આવો ને (ગીત) – પારુલ ખખ્ખર – (ઓડિયો સાથે)
જેમ તેમ મારેલા સાંધાઓ ખોલીને
પોતીકી પીડા ઉકેલીએ
એક વાર આવો ને રાણાજી ડેલીએ!
ચાવી શું… આખ્ખુંયે રજવાડું આપી દઉં,
તમથી તે હોય કાંઈ છાનું!
પણ મારો ટકોરા તો સારું લાગે
ને વળી મળતું રે જીવવાનું બહાનુ!
સાથે મળીને કાટ લાગેલી સાંકળો
ઊંડા કાતરિયામાં મેલીએ,
એક વાર આવો ને રાણાજી ડેલીએ!
હિસ્સામાં આવેલાં અંધારાં શણગારી
ઓલવીએ ડૂમાના દીવા
અંતરના વીરડા ઉલેચી લઈ સાથમાં
ક્યાં લગ આ ઝળઝળિયાં પીવા?
આંખોથી આંખોની ભાષા ઉકેલીએ
ને ચુપ્પીની ભીંતે અઢેલીએ
એક વાર આવો ને રાણાજી ડેલીએ!
ઓરડિયે મૂંઝારા પહેરો ભરે
ને મૂઈ પારેવડી ઝંખે આકાશ
આપી શકો તો હામ આપો રાણાજી
ને લટકામાં આપો વિશ્વાસ!
પગલાંની હારે તો પગલું માંડો
તો બીજા સથવારા પાછા યે ઠેલીયે
એક વાર આવો ને રાણાજી ડેલીએ!
~ પારુલ ખખ્ખર
કાવ્યસંગ્રહઃ કરિયાવરમાં કાગળ
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરની આર્થિક સહાયથી પ્રકાશિત
વાહ વાહ. સુંદર અનુભૂતિ અને પઠન
એક વાર આવો ને- સુ શ્રી પારુલ ખખ્ખર દ્વારા મધુર પઠન
Very nice Geet