બે કાંઠાની અધવચ (નવલકથા) પ્રકરણ: ૩૩ ~ પ્રીતિ સેનગુપ્તા

આ નાના કુટુંબમાં પાછો આનંદનો અવસર આવ્યો હતો. સચિનના ટીચરે અને હૅડમાસ્ટરે કરેલાં આટલાં વખાણથી જાણે સુજીતનો વિરોધ નાબુદ થઈ ગયો, અને સચિનના આવા વિકાસ પ્રત્યે એ ગર્વ અનુભવવા લાગ્યો. એણે જ કેતકીને સૂચન કર્યું, કે સચિન દૂર ભણવા જાય તે પહેલાં, એક વાર બધાં મિત્રોને બોલાવીએ. આમ પણ, ખાસ કોઈને હમણાંથી બોલાવાયાં નથી. આ રીતે, બધાં સચિનના આ સમાચાર જાણશે પણ ખરા.

પછી તો, કેતકી આ પ્રસંગના પ્લાનિન્ગમાં વ્યસ્ત થઈ ગઈ. એક રવિવારની બપોરે, ચ્હાના ટાઇમે, આમંત્રણ આપવામાં આવ્યું – બાપ્સ અને માઇ, દેવકી, જગત અને બેબી તો ખરાં જ, પણ સુનીતા ને મહેશ, ઉપરાંત બીજાં પણ હંમેશ મળનારાં મિત્રોને કહ્યું. કાર્લોસ અને બીજા બેએક કલીગને સુજીતે ફોન કરી દીધા.

કેતકીએ, સુરેશને અને એની વાઇફને પણ બોલાવ્યાં. જોકે, સુરેશે ત્યારે જ કહી દીધું, કે આવવા ટ્રાય કરશે, પણ અત્યારે નક્કી કહેવાય તેમ નથી. કેતકી વામાને તો ક્યાંથી જ ભૂલે? વામાએ ઉત્સાહ સાથે હા પાડી. બંને જણ જાણે, કે પાછું લાંબા વખતથી મળાયું નથી, તો આ કારણ બહુ સારી તક આપતું હતું.

સચિનના ભાઇબંધો તો ના જ રહી જવા જોઇએ. અને અંજલિની કેટલીક બહેનપણીઓને પણ કહેવું જ પડે. એ પણ ભાઈની હોશિયારી દેખાડવા માગતી હતી, એની ઓળખીતી છોકરીઓને. જાણે પોતાના ભાઇના આવા સુપર્બ ન્યૂઝને લીધે, એની પોતાની ઇમ્પૉર્ટન્સ વધવાની ના હોય.

આમંત્રણ હતું તો ચ્હાના ટાઇમે, એટલે ચ્હાની તૈયારી તો કેતકીએ રાખી જ હતી, પણ એણે કૉફી પણ રાખેલી. કદાચ છે, ને કોઈને ચ્હા ના ભાવતી હોય. ખાસ કરીને, નૉન-ઇન્ડિયન લોકોને કૉફીની ટેવ હોઈ શકે છે. સાથે જ,  છોકરાંઓને ગમતાં હોય તેવાં પીણાં પણ લાવી રાખ્યાં. ઑરૅન્જ જ્યૂસ, ચૉકૉલૅટ મિલ્ક, કોકાકોલા, સ્પ્રાઇટ વગેરે.

ઉપરાંત, ભલે કહીએ “ચ્હા માટે આવજો”, પણ ઇન્ડિયન ઘરમાં ચ્હા-કૉફીની સાથે, નાસ્તો તો આપવાનો જ હોયને. એ માટે એણે સારી એવી મહેનત કરી. થોડી સૅન્ડવિચ બનાવી, ચિપ્સ અને ટેસ્ટી સૉસ લાવી રાખ્યાં, કૂકીઝ અને ક્રૅકર્સ તો મૂકવાં જ પડે. એ તો, બધાં એક એક કરીને હાથમાં લેતાં જ રહે.

માઇની મદદથી, એણે ખારી પૂરી અને જાડી સેવો બનાવી દીધી. આપણા લોકોને તો કૈંક તીખું જોઇએ જ. એને હતું, કે હજી એક તીખી વસ્તુ હોય તો સારું, પણ માઇ અને સુજીત બંનેએ એને હવે અટકવા કહ્યું.

મોટા ભાગનાં ઊભાં ઊભાં મળવા જ આવવાનાં. સચિનને અભિનંદન કહેવા માટેનો જ પ્રસંગ છેને. લાંબું તો આપણાં ખાસ ફ્રૅન્ડમાંથી જ કોઈ કદાચ બેસે, સુજીતે કહ્યું.

છતાં, કેતકી નારકોળના લાડુ બનાવ્યા વગર ના રહી શકી. અંજલિએ તરત પૂછ્યું, ઓહો, આટલો મોટો ઢગલો? જાણે નારકોળના લાડુનો પહાડ. આટલા બધા કોણ ખાશે? પછી શંકા કરીને કહે, આ બધ્ધા ભાઇને માટે છે, આઇ?

અરે, હોય કાંઈ? ભાઇને આપણે બાંધી આપીશું, સાથે લઈ જવા માટે, અને બાકીના તારે માટે જ છે, કેતકીએ સમજાવ્યું.

પાપાને માટે નહીં? એમને પણ ભાવે છે ને?, અંજલિ બોલી.

કેતકીના મનમાં ઠંડક પ્રસરી ગઈ, અને હાશ થઈ આવી. ઘણા દિવસે અંજલિએ પાપાનું નામ દીધું. સુજીતના ગુસ્સાનું અપમાન, છેવટે, હવે એ ભૂલી લાગે છે. હાથમાંનું કામ પડતું મૂકીને, એણે અંજલિને વહાલ કર્યું, હા, બેટા, આમાંથી એકાદ પાપા પણ ખાશે, હોં.

બપોરથી શરૂ કરીને, મોડી સાંજ સુધી, અવરજવર રહી. સુજીતની ધારણા પ્રમાણે જ થતું ગયું. વધારે જણ થોડી થોડી મિનિટો જ રહેતાં હતાં. ઊભાં ઊભાં જ. કેતકી આગ્રહ કરીને કૈંક પીવાનું આપે, ખાવાનું લેવા કહે. બહુ વખતે ઘરમાં આનંદનો શોરબકોર રહ્યો.

સચિનના ભાઇબંધો પણ આવે, ને થોડી વારે જતા રહે. એ દરેકને કોઈ ને કોઈ ક્લાસ, કે ગેમ હોય જ, રવિવારે બપોરે. કેટલાકનાં પૅરૅન્ટ્સ પણ, કુટુંબને અભિનંદન આપવા ખાસ આવ્યાં. સુજીતને એનાથી બહુ સંતોષ થયો. જાણે અમરિકી સમાજમાં, એનું એક સ્થાન બન્યું હોય, એવું લાગ્યું.

સચિન તરફ એ સ્નેહથી ઊભરાય, ગર્વથી છલકાય. સચિનને જુએ, કે તરત કહે, કેમ સ્કૉલર, કેમ ચાલે છે? એનો બાબો જાણે મોટો માણસ બનવા જઈ રહ્યો હતો. પ્રશંસા પામવાથી, અને કેન્દ્રમાં રહેવાથી મળતું સુખ ઇચ્છ્યું હતું એણે પોતાને માટે. તે એના દીકરાને તો મળી રહ્યું હતું. એ પણ સીધું નહીં તોયે, આડકતરું સુખ તો હતું જને.

સચિનનો ખાસ ફ્રૅન્ડ ખલીલ, અંજલિની ખાસ ફ્રૅન્ડ સૅફ્રૉનિયા, કેતકીની નજીકની મિત્ર સુનીતા, અને એનો વર મહેશ આખો વખત ત્યાં જ રહ્યાં. છોકરાંઓ એમનાં ભાઇબંધો અને બહેનપણીઓનું ધ્યાન રાખતાં હતાં, અને સુનીતા, જોઈએ તે પ્રમાણે ચ્હા-કૉફી અને નાસ્તો બહાર લાવતી રહેતી હતી. સુરેશ તો છેલ્લે ના જ આવ્યો. ઠીક છે, એની મરજી, કેતકીએ એનો વિચાર ખંખેરી નાખ્યો.

વામા પણ નહીં જ દેખાય? એ વિચારથી કેતકી જરા નિરાશ થવા માંડેલી, ત્યાં જ વામા પ્રવેશી. સાંજ પડી ગઈ હતી, ને બહારનું બીજું કોઈ હવે ઘરમાં હતું નહીં. વામાએ ઘુંટણથી જરાક જ નીચું એવું, ફૅશનેબલ બ્લૅક સ્કર્ટ પહેરેલું, અને નેવી બ્લૂ શિફૉનનું બ્લાઉઝ. ગળામાં પ્રિન્ટેડ શિફૉનનો સ્કાર્ફ હતો. કાનમાં સૉલિટૅર હીરાની બુટ્ટી. એકદમ સિમ્પલ, એકદમ ઍલિગન્ટ પોષાક.

એના હાથમાં, હંમેશની જેમ, ફૂલોનો ગુચ્છ હતો, અને રંગીન કાગળમાં વીંટેલાં બે પૅકૅટ્સ હતાં. ફૂલો કેતકીને માટે હતાં, અને પૅકૅટ્સ એણે સચિન અને અંજલિને આપ્યાં. પછી ઓળખાણ કરાવી, આ મારો હસબંડ  રૉબર્ટ છે.

હસબંડ, કેતકીથી આપોઆપ બોલાઈ ગયું.

સુજીતનું મોઢું પણ પહોળું થઈ ગયું હતું. વળી, એ જરા ગભરાતો પણ હતો, રખેને, વામા અને રૉબર્ટ પેલી સાંજનો ઉલ્લેખ કરી બેસે. જ્યારે એ વામાના ફ્લૅટ પર જઈ ચઢેલો, અને એને જોરથી પકડી લીધી હતી વગેરે, તે સંાજ.

પણ વામા અને રૉબર્ટ એમ જ વર્ત્યાં, કે રૉબર્ટ પહેલી જ વાર સુજીતને મળી રહ્યો હતો. વામાએ કેતકી અને સુજીત બંનેને કહ્યું, કેટલા વખતે મળવાનું થયું, નહીં? હું યાદ કરું, પણ કંઈ ને કંઈ ચાલ્યા જ કરતું હોય. વળી, હવે મારું ન્યૂજર્સીમાં  આવવાનું બંધ જ થઈ ગયું છે.

કેતકીએ ફરી નવાઇથી પૂછ્યું, તેં લગ્ન ક્યારે કર્યાં?

ચાલ, તને વાત કરું, કહીને વામા કેતકીની સાથે સોફા પર બેઠી, અને રૉબર્ટને ઇશારો કર્યો સુજીતની સાથે જવા. એ બંને પાછલા વરંડા તરફ ગયા, જાણે રૉબર્ટને સુજીતની સલાહ ના લેવી હોય. ઇરાદો હતો, સુજીતને જરૂર હોય, તો એને સલાહ આપવાનો.

વામા અને રૉબર્ટે ત્રણેક મહિના પહેલાં જ લગ્ન કરેલાં – તિનોસ ટાપુ પર જઈને. બંનેને ત્યાં જ, રૉબર્ટનાં યાય્યા તેમજ મૉમનાં જ્યાં લગ્ન થયેલાં, તે જ ટાપુ પર, તે જ પવિત્ર ચર્ચમાં પરણવું હતું. એ પ્રસંગે બંનેનાં પૅરૅન્ટ્સ હાજર હતાં. વામાએ કેરાલાની લાક્શણિક એવી, સોનેરી બૉર્ડરવાળી સુતરાઉ સફેદ સાડી પહેરેલી. એવો જ મૅચિન્ગ બ્લાઉઝ. સાથે એની મમ્મીએ આપેલા હીરાના દાગીના પહેરેલા. લગ્ન ગ્રીક રિવાજ પ્રમાણે થયું.

પછીની રાતે ઍથૅન્સમાં ડીનર-પાર્ટી હતી.  થોડાં ત્યાંનાં પરિચિતો સાથે કઝીન માર્કો અને ઑલ્ગા હતાં, ને જોહાન અને ત્સિવિયા ખાસ ન્યૂયૉર્કથી આવેલાં. એ પ્રસંગે વામાએ ઘેરા સિલ્વર-ગ્રે સિલ્કના ગાઉન સાથે, યાય્યા અને મૉમ પાસેથી મળેલાં, ઍમૅથિસ્ટનાં ઘરેણાં પહેરેલાં. રૉબર્તોએ આપેલી ઍમૅથિસ્ટની વીંટી, હવે જમણા હાથની અંગળી પર હતી. લગ્ન માટે રૉબર્તોએ, એના ડાબા હાથની આંગળી પર, મોટા હીરાની વીંટી પહેરાવેલી.

એ બંને વીંટીઓ, વામાના હાથ પર, આજે પણ હતી. કેતકીએ બધી વાત રસથી સાંભળી, અને વીંટીઓ ધ્યાનથી જોઈ. તું કેવી નસીબદાર છું, વામા.

એ જ ઘડીએ, કેતકીને, પોતાને મળેલી એક વીંટી યાદ આવી. સુજીતે પણ, અત્યંત પ્રેમ અને કાળજીથી, એને એક ‘વચનની વીંટી’ આપેલી. ક્યાં હતી એ? કેતકીએ, ક્યારની યે કાઢીને, એને ક્યાંક મૂકી દીધી હતી. રોજના કામ અને રસોઈ વગેરેમાં એ ખરાબ ના થઈ જાય તેથી. પછી ભુલાઈ ગઈ હતી.

પોતે ક્યાં ઓછી નસીબદાર હતી, તો?, કેતકીએ મનમાં પોતાને જ પ્રશ્ન કર્યો. થોડો ગોટાળો જરૂર હતો- એના જીવનમાં, સુજીત સાથેના એના સંબંધમાં, પણ એ બધું ચોક્કસ સુધારી શકાય, એને ખાતરી હતી. એ માટે હવે એણે ફરી પ્રયત્ન કરવા જોઈશે. ના, વામાથી ઓછી નસીબદાર એ નહતી જ.

સચિન અને અંજલિ, જરાક શરમાતાં શરમાતાં, વામાની પાસે આવ્યાં, અને ગિફ્ટ લાવવા માટે થૅન્ક્સ કહ્યાં. વામા એ બંનેને માટે સરસ કાંડા-ઘડિયાળો લાવી હતી.

અરે, આટલું બધું તે હોય?, કેતકી બોલી.

બંને છોકરાંઓએ કહ્યું, આન્ટી, આ અમારી સૌથી પહેલી કાંડા-ઘડિયાળ છે. બહુ જ સરસ છે. થૅન્ક્સ.

એ લોકોએ બહુ વાતો કરી લાગે છે, કેતકીએ સુજીત અને રૉબર્ટને માટે કહ્યું.

વામાએ કશું પણ જણાવા દીધા સિવાય કહ્યું, હા, બંનેને ફાવી ગયું લાગે છે.

ફરીથી વારંવાર ના મળાય તો પણ, સંપર્ક ના છૂટવો જોઈએ, એ બાબતે કેતકી અને વામા બંને સંમત હતાં. જતાં જતાં, ફરીથી વામાએ કેતકી અને સુજીતને કહ્યું, ક્યારેક ન્યૂયૉર્ક શહેરમાં આવજો. મઝા પડશે.

વામા અને રૉબર્ટ ગયાં પછી, જાણે ઘર શાંત થઈ ગયું. કૈંક ઝંખવાઈ પણ ગયું કે શું? સુજીતને તો એવું લાગ્યું જ. લગ્ન પછી વધારે ખીલેલી લાગતી વામાને, અચાનક, અને લાંબા વખત પછી, જોતાં સુજીતની સમગ્ર હયાતી પર એક વીજળી ફરી ગઈ હતી.

યાદોની ધાર કૈંક બુઠ્ઠી થઈ ગઈ હતી આટલા વખતમાં, વામા વગરનો સમય કૈંક સહ્ય બન્યો હતો, કૈંક ભુલાઈ જ ગઈ હતી એ, ને ત્યાં આમ એનું હાજર થવું, દેખાઈ જવું.

એ પણ શાંત થઈ ગયો. ચૂપ થઈ ગયો. થોડી સાફસૂફી પછી, જમ્યા વગર, ભૂખ નથી, કહી, એ બેડરૂમમાં જતો રહ્યો. છોકરાંઓને જમાડી-કરીને કેતકી રૂમમાં આવી, ત્યારે સુજીત નિશ્ચેત જેવો પડી રહેલો. ‘વચનની વીંટી’ની તાજી થયેલી યાદને કારણે, કેતકી સુજીતને શયન-તુષ્ટિ આપવા માગતી હતી, પણ સુજીતે કહ્યું, બહુ થાકી ગયો છું, તુકી. બાબો દૂર પણ જવાનો ને.

હા, કેતકી સમજી. સચિન જવાનો, એટલે એનું મન પણ ભારે તો હતું જ.

સચિનના દૂર ભણવા જવાનું કારણ તો હતું જ, પણ સુજીત, કૈંક અસ્પષ્ટ એવા અન્ય કારણે પણ, ઉદાસ થયો હતો. ક્યારેય વામા એની થવાની તો નહતી જ. એ પોતે તો પહેલેથી જ પરીણિત હતો. ને હવે વામા —

બહુ સરસ લાગે છે, બંને એક સાથે, જીવ બળતો હતો છતાં, આટલું તો એણે કબૂલ કરવું જ પડ્યું. રૉબર્ટ પર્ફેક્ટ હસબંડ હતો, વામાને માટે.

એણે છાનો નિસાસો નાખ્યો. કદાચ એણે પહેલેથી જ ભૂલ કરી હતી. જાતે પગ પર ઊભા રહેવાની જીદ ના રાખી હોત, અને સજનીની સાથે લગ્ન કરી લીધાં હોત, તો અત્યારે કેવા સુખમાં રહેતો હોત. ધનની રજમાં રાત-દિવસ આળોટતો હોત, અને દુનિયાભરમાં વૅકૅશન ગાળતો હોત.

અહીં હજી, એણે જોઈ જોઈને એક નાયગરા ધોધ જોયો હતો. કડવાશ એના મનમાં ફરી વળી.

કાર્લોસે એને સારો આઇડિયા આપેલો, જોકે કાર્લોસનો ઇરાદો એવો હતો નહીં. વામાને ફરીથી મળવાનું થયું, એને ફરીથી જોવાનું થયું, અને સુજીતની એકલતામાં, એની સીમિત સફળતામાં, મોટું અધૂરાપણું ઊમટી આવ્યું. કાર્લોસની જેમ, એ વાઇનની બૉટલ ઑફીસમાં લઈ આવવા માંડ્યો. ક્યારેક વ્હિસ્કીની બૉટલ પણ આવે, ને ફાઇલ કૅબિનૅટના એક ખાનામાં, પાછલી તરફ પડી રહે.

બારમાં જવાનો ખર્ચો હવે નહતો પોસાતો એને પણ. હવે એની એકલતા, ઑફીસના એકાંતમાં, સારી રીતે પોષાતી હતી – દ્રાક્શના કે જવના, આથો ચડવેલા, રસથી.

( ક્રમશઃ) 

આપનો પ્રતિભાવ આપો..