બે કાંઠાની અધવચ (નવલકથા) પ્રકરણ: ૩૪ ~ પ્રીતિ સેનગુપ્તા

સુજીતની વકિલાતની પ્રૅક્ટીસ, કેતકીનું વકિલાતનું ભણવાનું, અંજલિની સ્કૂલ અને ઇતર પ્રવૃત્તિઓ, માઇ દ્વારા ઘર સાચવવાનું અને રસોઇ કરવાનું – આ બધું ચાલતું હતું. ને બધું યથાવત્ ચાલતું લાગતું હતું. પણ એ દરેકના દિલની અંદર જુઓ, તો બધું પરાણે થતું જણાય.

સચિન વગર ઘર ખાલી ખાલી લાગે છે, પણ અંજલિને કહેતાં નહીં. આજે કૉલિફ્લાવર બહુ મોંઘું મળ્યું, પાંચ ડૉલરનું થઈ ગયું છે, પણ સુજીતને જણાવતાં નહીં. માઇ ફોનમાં બાપ્સને કહેતાં, આખો દિવસ મારે એકલાં રહેવાનું, અને બસ, કામ કર્યા કરવાનું, પણ કેતકીને વાત ના કરતા.

એક ભુલભુલામણી હતી, આ ચાર જણ એમાં ફરતાં હતાં, સામસામે થઈ જાય ત્યારે, કેમ છો?, મઝામાં? જેવું બોલી હસતાં હતાં. બહાર નીકળવાની જગ્યા ક્યારેક દેખાઈ જાય, પણ બહાર નીકળ્યા પછી શું?, એ સવાલ તો ઊભો રહેતો જ. આથી ઘરમાં ‘સ્ટેટસ ક્વો’ – એટલેકે, ‘પૂર્વસ્થિતિ’ કહેવાતી વર્તણૂંક ચાલુ રહેતી હતી.

સુજીત અને કેતકીને ત્યાંથી, એ સાંજે નીકળ્યા પછી, ગાડીમાં વામાએ કહેલું, આપણે બધાં મળ્યાં ઘણા વખતે, પણ સુજીત બહુ બદલાઈ ગયો છે, નહીં? વાળ આછા થઈ ગયા છે, પેટ સહેજ વધ્યું છે, મોઢું ફીક્કું લાગ્યું મને, અને આંખો થોડી નિસ્તેજ થઈ ગઈ છે.

હા, રૉબર્ટે કહ્યું. મારી સાથેની વાતોમાં એ બોલ્યો, કે જેવી ધારી હતી તેવી જામી નથી વકિલાત. કદાચ એને માટે હજી સમય લાગશે.

ને કેતકી પણ જાણે ઉતાવળે પીઢ થઈ ગઈ, નહીં? બે છોકરાં, ઘર, નોકરી, નવેસરથી ભણવાનું – એની ઉંમર જાણે ઉતાવળે વધી ગઈ.

શું ઉંમર હશે એની?

પિસ્તાલિસ થવામાં છે, વામાએ ખાતરીથી કહ્યું. ને મેં એને પૂછ્યું નથી. કેતકી જ કહેતી હતી, એ કઈ ઉંમરે અહીં આવી વગેરે.

સહેજ રોકાઈને વામા બોલી, મને જરાક ચિંતા થાય છે, એ લોકોને માટે. તને શું લાગે છે?

પણ રૉબર્ટ કાંઈ બોલ્યો નહીં. એને ખબર તો વધારે હતી, પણ એણે વાત બદલી, અરે, બ્યુટિફૂલ મિસિસ થિયોડોરાકીસ, આજે ડીનર માટે ક્યાં જવું છે, તે કહો.

સચિનનો પ્રોગ્રેસ પણ સારો હતો, તેમ એ સ્પેશિયલ સ્કૂલમાંથી રિપોર્ટ આવતા હતા. દસ મહિને, ભણવાનું વર્ષ પૂરું થતાં, એ પહેલી વાર ઘેર આવ્યો, ત્યારે કેતકી અને સુજીત બંનેને, એ સૂકાઈ ગયેલો લાગ્યો.

ખાવાપીવાનું સરખું નથી મળતું ત્યાં, બેટા?, સુજીતે પૂછ્યું.

ના, પાપા, બધું સારું જ છે, પણ ત્યાં અમે ભણીએ પણ વધારે, અને કસરત પણ વધારે કરીએ. એટલે ખોટી ચરબી રહી નહીં હોય.

કેતકીએ કહ્યું, બાબા, અહીં હવે રોજ વધારે ખાજે, અને આરામ પણ વધારે કરજે.

અંજલિને ભાઈની વાતો સાંભળવી ગમતી, અને ભાઇની ઇર્ષા પણ થતી. એને પણ મન થવા માંડ્યું, આવી જાદુ જેવી સ્કૂલમાં જવાનું. મારો વારો ક્યારે આવશે? ને આવે ત્યારે, આઇ ને પાપા મને જવા દેશે?

એવી જ રીતે, બીજું પણ એક વર્ષ વીત્યું. કેતકી અને સુજીતે, રોજે રોજની જે દોડાદોડ અને સાધારણ તકલીફો હોય, તેમને સંભાળ્યા કરી. મિત્રોને મળવાનું, નજીકમાં બહાર જવાનું બનતું રહ્યું. આખું વર્ષ નીકળી ગયું, પણ કશું યાદગાર નહતું એમાં.

વૅકૅશન પડતાં, સચિન ફરીથી ઘેર આવ્યો. આવ્યો તો ખરો, પણ આ વખતે, એ જાણે જુદો જ થઈ ગયેલો લાગ્યો. એનો અવાજ હવે પુખ્ત બન્યો હતો, એની બોલવાની સ્ટાઇલ પૂરેપૂરી અમેરિકન થઈ ગઈ હતી, કપડાં માટે એ ચોકસાઇ રાખતો થયો હતો, અને સૌથી વધારે, એના વાળ એકદમ ટૂંકા કપાયેલા હતા.

હવે એ સ્માર્ટ, મચ્યૉર, કૉન્ફિડન્ટ અમેરિકન બૉય બની ગયો હતો.

કેતકી એને જોતાંની સાથે, જરા મુંઝવણમાં પડી ગઈ. આ દીકરાને હવે બાબો કહી શકાય? સચિને તરત કહ્યું, આઇ, તને મન થાય, તો તું મને ક્યારેક બાબો કહી શકે છે, પણ સાચું કહું, તો હું હવે મોટો થઈ ગયો છું. બીજા એક વર્ષમાં તો હું બહારની દુનિયામાં જતો રહીશ.

મારે માટે તો તું મારો બાબો જ રહીશ, સચિન. કેતકી આમ વિચારીને જ રહી ગઈ. બોલી નહીં આવું કશું. હા, સત્તર વર્ષે અહીં તો દીકરો મા-બાપનો મિત્ર જ બની જતો હોય છે. જો એ બધાં નસીબદાર હોય તો. નહીં તો વળી, દીકરો દુશ્મન પણ બની જઈ શકે છે.

સુજીતનું રિઍક્શન ઘણું વધારે સ્ટ્રૉન્ગ હતું. એ સચિનનો દેખાવ જોતાંની સાથે છંછેડાઈ ગયો. આ શું કરી નાખ્યું છે તેં? હજી બે વરસ થાય ના થાય, ત્યાં આમ સાવ ગુંડા જેવો દેખાવ કરી નાખવાનો?

સુજીતનો ગુસ્સો જાણે એના કન્ટ્રોલમાં નહતો. એણે સચિનને ભેટીને વહાલ જ કરવા ઇચ્છ્યું હતું, અને એની પીઠ થાબડીને એનાં વખાણ કરવાનું, અને સ્કૂલની બધી વાત સાંભળવાનું જ વિચારી રાખ્યું હતું. ત્યાં આમ ઊંધી શરૂઆત થઈ ગઈ.

સચિને સામે ગુસ્સો કે છણકો ના કર્યો. એણે પોતાના રિઍક્શન પર સંયમ રાખ્યો. ઘેરા બનેલા અવાજમાં કહ્યું, પાપા, તમે હવે આસપાસ જોવાનું રાખો, તો દુનિયા કેવી છે તેની ખબર પડશે. તમે જાણો છો, એના કરતાં બીજી ઘણી વધારે રીતો છે જીવવાની.

એણે તો પોતાના વહાલા, નાની ઉંમરના દીકરાને દૂર ભણવા મોકલ્યો હતો. વૅકૅશનમાં આ જે ઘેર આવ્યો છે, તે કોણ છે? પહેલી વાર સુજીતને લાગ્યું, કે દીકરાની સાથે, જાણે ઓળખાણ ઘટી ગઈ છે. સામે ઊભેલો આ કોઈ અજાણ્યો યુવાન છે?

એ પછી, સુજીતે પ્રયત્ન તો કર્યા સ્વાભાવિક બનીને વાતો કરવાના, સાથે પિત્ઝા અને આઇસ્ક્રીમ ખાવા જવાના વગેરે, પણ સચિનની સાથેનું અંતર ઘટતું લાગ્યું નહીં.

સચિન એના પોતાના મનમાં વિચારતો હતો, હમણાં ધીરજ રાખી લઉં. એકાદ મહિનાનો સવાલ છે. આવતા વર્ષે વૅકૅશનમાં  મારે ક્યાં આવવું છે, અહીં પાછાં?

સચિન જાણતો હતો, કે હવે પછીના વૅકૅશનમાં એને ટ્રાયલ જૉબ, કે સમર-જૉબ મળી જ જવાનો. ને એ પછી, સીધો જ યુનિવર્સિટીના કૅમ્પસ પર જતો રહેશે. એને આશા હતી, બલ્કે ખાતરી જ હતી, કે કૉલૅજ માટે એને સ્કૉલરશીપ મળશે.

આ વાત, એણે આઇ કે પાપાને કરી નહતી. શી જરૂર છે, અત્યારથી જણાવવાની? દલીલો અને ઝગડા શું કામ કરવા? વખત આવ્યે જાણશે જને.

એના હાયર ઍજ્યુકેશનના પૈસા આપવા જેવી પાપાની હાલત નહતી, તે એનાથી છુપું નહતું. એને પાપાની દયા આવતી, અને ક્યારેક, ઘણો સ્નેહ પણ થઈ આવતો. કોઈ લાગણી એ સીધેસીધી દર્શાવી શકતો નહતો.

અને સુજીતને જરા જરામાં લાગતું, કે પુત્રના જીવનના વિકાસને માટે જે જરૂરી છે, તે બધું એ કરી નથી શક્યો, પોતે પિતા તરીકે નિષ્ફળ ગયો છે. આ કારણે ઉદાસી, અપમાન, લાંછન જેવા ભાવ, અને એ બધાંનો સ્ટ્રેસ સુજીતના ચિત્તને રુંધાયેલું રાખતા હતા.

સચિન પાછો સ્કૂલે ગયો ત્યાં સુધીમાં બંને વચ્ચે અંતર ઘણું વધી ગયું હતું. એક જણ મહેમાન થઈને ઘેર આવ્યો હતો, બીજાને માટે એ મહેમાન અજાણ્યો હતો.

કેતકીએ ફરી પાછા નારકોળના લાડુ બનાવ્યા હતા. સચિને ઘરમાં રોજ ખાધા, પણ સાથે લઈ જવાની ના પાડી. આઇ, હવે હું નાનો નથી, ને બાબો પણ નથી. આવતા વર્ષે હું મૅન કહેવાઈશ. અઢાર વર્ષે અહીં છોકરો પુરુષ થતો હોય છે, નથી ખબર?

મારે કશું ખાવાનું બાંધીને લઈ નથી જવું. બીજાઓ મશ્કરી કરે છે આવી ચાઇલ્ડીશ બિહેવિયરની. હવે અમારે, જે મળે તે ખાવાનું, અને જે ના ભાવે તે ભવડાવવાનું હોય.

કેતકીના ઘરમાં રહેવાની વ્યવસ્થા, માઇને માટે પણ કૈંક હતાશા ભરેલી થઈ ગઈ હતી. આખો દિવસ એકલાં, અને ઘરમાં જ રહેવાનું. શનિ-રવિમાં પણ, દર વખતે બાપ્સને મળવાનું ગોઠવી શકાતું નહતું. એ કોઈને કશું કહેતાં નહીં. કેતકીની જિંદગી જોતાં હતાં, ને જાણતાં હતાં, એટલે એ કોઈ સમસ્યા વધારવા નહતાં માગતાં.

પણ, સચિન પાછો ગયો એટલાંમાં, દેવકીને બીજું બાળક થવાનું છે, એવા ખબર મળ્યા. હવે તો માઇની જરૂર ત્યાં વધારે પડવાની. કેતકીએ નક્કી કર્યું, કે હવે ભલે એ અને બાપ્સ એક ઘરમાં, દેવકીની સાથે રહે. અને એક બપોરે એ માઇને દેવકીને ત્યાં મૂકી આવી.

અહીં, બાળક તેર વર્ષનું થાય તે પછી, ઘેર એકલું રહી શકે. એનાથી નાના બાળકને એકલું રખાય નહીં, એવો નિયમ કેતકી જાણતી હતી. અંજલિ ચૌદ વર્ષની થઈ ગઈ હતી. વળી, એની સ્કૂલમાં વાર્ષિક ઉત્સવની તૈયારી શરૂ થઈ હતી. અંજલિએ નાટકમાં અને નૃત્યમાં ભાગ લીધો હતો, એટલે પ્રૅક્ટીસમાંથી ઘેર આવતાં સાંજ થઈ જ જતી. ને ત્યાં સુધીમાં તો, જૉબ પરથી,  કેતકી ઘેર આવી જતી.

એવા એક રિહર્સલમાંથી અંજલિ આવી કે તરત, કેતકીને બધી વાતો કરવા માંડી. આઇ, જો, આજે અમને મેક-અપ કરાવ્યો. પ્રોગ્રામ વખતે જેવો કરવાનો હશે તેવો. કેવું લાગે છે મારું મોઢું?

અંજલિ હતી તો ગોરી જ, તોયે ફાઉન્ડેશન અને પાઉડરને લીધે, ઘણી વધારે ધોળી લાગતી હતી. આંખો પર લાઇનરની જાડી લીટી હતી, અને પાંપણો પર મૅસ્કરાની કાળી ચીકાશ હતી. હોઠ પર ઘેરી લાલ લિપસ્ટીક લગાડેલી હતી. એના વાળને થોડા વાંકડિયા કરવામાં આવ્યા હતા.

કેતકીને હસવું આવી ગયું. આવી ફૅન્સી તને પહેલાં ક્યારેય જોઈ નથી. પણ સ્ટેજ પર આટલો મેક-અપ તો જોઈએ, તો જ પ્રેક્શકોને ઍક્ટિન્ગ કરનારના હાવભાવ સારી રીતે દેખાય.

આઇ, તેં નાટક કર્યું છે કોઈ વાર? એટલે ખબર છે, તને આવી?

અચાનક, અને સાવ નિર્દોષ ભાવે પુછાયેલા આ પ્રશ્નથી, કેતકી અતિ-દૂરના ભૂતકાળમાં ધકેલાઈ ગઈ. એ એક નાટક તો કરવાની જ હતી, કૉલૅજના રોમાન્ટીક સમય દરમ્યાન. પણ એ ના થયું. ઑફિલિયા બની હોત એ, સ્ટેજ પર. એને બદલે બીજું જ કોઈ પાત્ર બનવું પડ્યું હતું એને, જિંદગીમાં.

એવું જ કરુણ પણ હતું કે?

લાંબા મૌન સુધીમાં, અંજલિને કેતકીના જવાબની અપેક્શા નહતી રહી. એ પોતાના અંગત ઉત્સાહમાં જ હતી. આઇ, જોને, આ ડ્રેસ કેવો લાગે છે? બરાબર થાય છે કે નહીં, તે જોવા માટે આજે પહેરવા દીધો છે.

ડ્રેસ ઘેરા મરૂન કૉટનનો, ને ઘુંટણથી સહેજ ઊંચો હતો. ગળું જરા નીચું હતું, અને મેગિયા જેવી સાવ ટૂંકી બાંયો હતી. નાની છોકરીને તો સરસ જ લાગતો હતો. વળી, આ તો સ્ટેજ માટેનો પોષાક હતો.

આઇ, આજે ટીચર મૂકવા આવી શકે તેમ નહતા, એટલે સિનિયર ક્લાસનો માઇકલ મને, સૅફ્રૉનિયાને અને જુલીને મૂકવા નીકળ્યો હતો. બધાં બહુ હૅલ્પફુલ હોય છે.

મારી દીકરી પણ મોટી થવા માંડી, કેતકીએ વહાલ અને અફસોસ બંને સાથે અનુભવ્યાં. સ્કૂલના કાર્યક્રમને કારણે, હમણાં સરસ રમતિયાળ મૂડમાં છે, તે સારું છે.

એણે કહ્યું, જા, તું કપડાં બદલી આવ, ને મોઢું ધોઈ આવ. એટલાંમાં જમવાનું તૈયાર થઈ જશે.

પણ એ પહેલાં સુજીત ધસી આવ્યો. ક્યાંથી આવી આટલી મોડી? કોની સાથે ફરે છે? કોણ છોકરો મૂકી ગયો તને?

અંજલિ હજી ઉત્સાહિત હતી. અરે પાપા, એ તો માઇકલ હતો. બધાંને મૂકવા આજે એને આવવું પડ્યું.

જૂઠું ના બોલ. આ ઉંમરથી રખડવા માંડી છું?

અરે સુજીત, એવું નથી. તમે વાત તો સાંભળો, કેતકી વચમાં પડી.

ને તારું મોં તો જો. આવું વાંદરા જેવું મોઢું કરીને ફરતાં શરમ નથી આવતી? અને શું કપડાં પહેર્યાં છે? લાવી ક્યાંથી આવો પોષાક? તારી માએ અપાવ્યો? તને પણ શરમ નથી, કેતકી?

ના, પાપા, એવું કાંઈ નથી. આ તો કોશ્ચ્યુમ છે, નાટકમાં જ પહેરવાનું છે, આજે ફક્ત ટ્રાયલ માટે પહેર્યું છે. ને વામા આન્ટી પણ આવું પહેરતાં જ હોય છેને.

શું કહ્યું? પાછી સામું બોલે છે? બહુ ડહાપણ આવી ગયું છે તારામાં પણ હવે?

ને સુજીતનો હાથ જોરથી અંજલિના ડાબા ગાલ પર પડ્યો.

સુજીત, કેતકી હાથમાંની સાણસી સાથે ધસી આવી. ખબરદાર છે, ફરી મારી દીકરીને હાથ અડકાડ્યો છે તો.

હા, હા, તો શું કરીશ? સાણસી ફેંકીશ મારા પર? તારા પતિ પર હાથ ઉપાડીશ?

પણ બીજી ઘડીએ, પાછે પગલે, એ ત્યાંથી જતો રહ્યો.

અંજલિ અને કેતકીએ સામસામે જોયું, કોઈ શબ્દ બોલાયો નહીં.

અંજલિ ખાસ જમી નહીં, પણ એ સૂઈ જાય ત્યાં સુધી, કેતકી એના રૂમમાં બેઠી. મોડી રાતે, એ જ્યારે પોતાના બેડરૂમમાં ગઈ ત્યારે સુજીતનાં નસકોરાં બોલતા હતાં.

( ક્રમશઃ) 

આપનો પ્રતિભાવ આપો..