શ્રીમદ્ ભાગવત કથા ~ સ્કંધ ત્રીજો ~ અધ્યાય છઠ્ઠો – જયશ્રી વિનુ મરચંટ
સ્કંધ ત્રીજો – છઠ્ઠો અધ્યાય – ““વિરાટ પુરુષની વ્યુત્પત્તિનું વિશિષ્ટ જ્ઞાન” ૐ નમો ભગવતે વાસુદેવાય
(ત્રીજા સ્કંધના અધ્યાય પાંચમો – “વિદુરજીનો પ્રશ્ન અને મૈત્રેયજીએ કરેલું સૃષ્ટિક્રમના ઉપદેશનું વર્ણન” અંતર્ગત આપે વાંચ્યું કે, વિદુરજી, વિદુરજી હરિદ્વાર ક્ષેત્રમાં પરમ જ્ઞાની મૈત્રેય ઋષિને મળે છે. સ્વયં ભગવાને એમને વિદુરજીને જ્ઞાન-વિજ્ઞાનનો બોધ આપવાનું કહ્યું છે તેથી વિદુરજીને મૈત્રેયજી બોધ આપીને કહે છે કે ભગવાનનો અંશ તમે છો, હું છું અને આ ચર-અચર બધાંમાં ભગવાન જ વસે છે. એકમાંથી અનેક થવાની ઈચ્છા ભગવાને કરી અને આમ આ સૃષ્ટિના જીવોમાં એમણે પોતાના મહત્તત્વ સ્વરૂપને જ પ્રસ્થાપિત કર્યું. શ્રી હરિ મને ખાસ કહીને નિજ ધામ સિધાવ્યા હતા કે હું તમને આ સાદું જ્ઞાન અને વિજ્ઞાન કહું. જે થયું છે, જે થાય છે અને જે થવાનું છે એના માટે કોઈ પણ જીવે દુઃખ કે મોહ, કશું જ રાખવું ન ખપે. માત્ર સુખ નહીં પણ દુઃખ, મોહ, ત્યાગ અને અહંકાર, આ સૌ તત્વો તાપ અને સંતાપ સિવાય બીજું કંઈ સર્જી શકતા નથી. જીવમાં જ્યારે તાપ કે સંતાપ થાય છે, એ તો મહીં રહેલા ઈશ્વરના અંશને થાય છે. પ્રભુને માત્ર પ્રેમ અને ભક્તિ થી પામી શકાય છે. મન, બુદ્ધિ અને અહંકાર એ માનવીની સાત્વિકતા માટે પતનકારી છે. આટલું સમજાઈ જાય તો પછી જીવ માત્ર માટે કરૂણાનો ભાવ શાશ્વત થાય છે. આગળ વિરાટપુરુષના લક્ષણો વિષે પણ આપને ઉપદેશ કરીશ. હવે અહીંથી વાંચો આગળ, સ્કંધ ત્રીજાનો અધ્યાય છઠ્ઠો, “વિરાટ પુરુષની વ્યુત્પત્તિનું વિશિષ્ટ જ્ઞાન”)
સૂતજી કહે – મૈત્રેયઋષિએ વિદુરજીને આત્મા, મન, બુદ્ધિ, અહંકાર વિષે તો સમજાવ્યું સાથે આગળ હવે વિરાટ પુરુષની વ્યુત્પત્તિનું વિશેષ જ્ઞાન પણ આપવાનું શરૂ કર્યું. આ જ વિજ્ઞાન અગાઉ ભગવાને બ્રહ્માજીને અને બ્રહ્માજીએ નારદને સમજાવ્યું હતું અને મેં એ વિશે આપ સહુને હે ઋષિગણ, આગળ કહ્યું જ છે. હવે તમને હું મૈત્રેયજી અને વિદુરજીના સંવાદનું નવનીત અહીં કહીશ. હે શૌનાકાદિ મુનિગણો, ધ્યાનથી સાંભળજો.
મૈત્રેય ઋષિ કહે – ભગવાનની દ્રષ્ટિ પડતાં આકાશ રચાયું, એમાં વિકાર થતાં વાયુ ઉત્પન્ન થયો અને આ વાયુના વિકારમાંથી તેજ ઉત્પન્ન થયું. વાયુયુક્ત તેજમાં વિકાર થતાં જળ ઉત્પન્ન થયું અને પછી અગ્નિ પેદા થયો. આ પંચ મહાભૂતમાંથી જ પૃથ્વી ઉત્પન્ન થઈ છે. આ બધાં જ તત્વો ભગવાન વિષ્ણુના જ અંશ છે પણ એમનામાં સંવાદિતા ન હતી. આ કારણસર આ તત્વો કશું પણ કરી શકવા સમર્થ ન હતા આથી એમણે ભગવાનને પ્રાર્થના કરી કે; “હે આદિદેવ, આપે આપના ત્રણ ગુણો વડે સૃષ્ટિની રચના કરવાની ઈચ્છાથી અમારું સર્જન તો કર્યું પણ અમારી વચ્ચે સુમેળ ન હોવાથી જીવોમાં અમે સંવાદિતાથી અમારું કાર્ય કરી નથી શકતાં અને વિજ્ઞાનને અનુરૂપ તો કશું જ કરી નથી શકતા. તો હે ભગવાન! અમારા પર કૃપા કરો અને અમારી વચ્ચે સુમેળ સાધવા માટે, અમને યથોચિત ક્રિયાશક્તિ સહિત પોતાની જ્ઞાનશક્તિ પ્રદાન કરો અને પછી જીવોમાં અમને પ્રસ્થાપિત કરો. આ રીતે જ અમે પૂર્ણ વિવેક સાથે દરેક નાનાં મોટાં જીવોમાં સંપૂર્ણપણે સુયોગ સાથે જીવોના ઉત્થાન માટે કાર્યરત થઈ શકીશું.”
આથી, સર્વ શક્તિમાન ભગવાનને વિદિત થયું કે પરસ્પર સંગઠિત નહીં હોવાને કારણે આ સર્વ, +ત્રેવીસ શક્તિઓના સમુદાય એવા મહત્તત્વ કે જે મારી પોતાની શક્તિઓ છે, એ વિશ્વરચનાના ઉદ્દેશમાં મને ઉપયોગી થઈ શકતી નથી અને મારે ‘એકોહમ્ બહુસ્યામ્’ થવું છે એમાં મદદરૂપ નથી થતી. ભગવાને ત્યારે પોતે કાળશક્તિને અપનાવીને એક સાથે જ આ મહત્તત્વ, અહંકાર, પંચમહાભૂતો, પાંચ તન્માત્રાઓ અને મન સમેત એ તત્વોના સમુદાયમાં પોતાના અંશને સ્થાપિત કર્યો. શ્રી હરિના આ કાર્યએ જીવોમાં સુષુપ્ત, અદ્રશ્ય અને નોખી, નોખી રહેલી તત્વસમુદાયની ક્રિયાશક્તિને પરસ્પર મેળવી દીધી. ભગવાનના અંશ વડે પરસ્પર એકત્રિત થઈને કાર્યાભિમુખ થવાથી આ ત્રેવીસ શક્તિઓ યુક્ત અધિપુરુષ* (આદિપુરુષ)- વિરાટપુરુષ ઉત્પન્ન થયો. અર્થાત્, – જ્યારે ભગવાને અંશ રૂપે મહત્તત્વના સમુદાયમાં પ્રવેશ કર્યો ત્યારે એ સમુદાયની સમર્થતા એકમેક સાથે એકરૂપતા સાધીને કાર્યરત થતાં એ વિરાટપુરુષ ઉત્પન્ન થયો કે જેમાં આજનું ચર-અચર, સંપૂર્ણ જગત વિદ્યમાન છે. આ હિરણ્યમય વિરાટ પુરુષ પોતાની અંદરના સમસ્ત જીવોની સૃજન શક્તિ સહિત જળમાં અંડરૂપી આશ્રયસ્થાનમાં એક હજાર દિવ્ય વર્ષો સુધી રહ્યો. આ વિરાટ પુરુષ વિશ્વ રચના કરનારા તત્વોના ગર્ભ કાર્ય માટે નિર્મિત થયો હતો. સ્વયં ઈશ્વરના અંશ રૂપે તે જ્ઞાન, કર્મક્રિયા અને આત્મશક્તિથી સંપન્ન બનેલો હતો. આ જ શક્તિઓથી તેણે સ્વયં પોતાના નીચે પ્રમાણેના વિભાગો કર્યાઃ એક હ્રદયરૂપ, દસ પ્રાણ રૂપ, અને ત્રણ – આધ્યાત્મિક, આધિદૈવિક** અને આધિભૌતિક***-રૂપ.
આ વિરાટ પુરુષ જ પ્રથમ જીવ હોવાને કારણે સમસ્ત જીવોનો આત્મા છે. એના જીવરૂપે પરમાત્માનો અંશ પ્રથમ અભિવ્યક્ત થવાને કારણે એ જ ભગવાનનો આદિ-અવતાર છે. આ વિરાટ પુરુષ જ અધ્યાત્મ, અધિભૂત**** અને અધિદેવતા***** રૂપે ત્રણ પ્રકારનો, પ્રાણરૂપે દસ પ્રકારનો અને હ્રદયરૂપે, આગળ કહ્યું તેમ એક પ્રકારનો છે. આ વિશ્વની રચના કરનારા મહત્તત્વના સમુદાયથી બનેલા વિરાટ પુરુષને અખિલ બહ્માંડના અધિપતિ શ્રી ભગવાને એની વૃત્તિઓને પોતાના ચેતનના તેજથી પ્રકાશિત કર્યો અને એનામાં ઉર્જા ભરી એને જાગૃત કર્યો. એના જાગતાં જ દેવતાઓએ પોતાની શક્તિઓ એનામાં આરોપી. જેના થોડાં ઉદાહરણો નીચે પ્રમાણે છે. ૧. વિરાટપુરુષના મુખમાં લોકપાલ અગ્નિએ પોતાની આંશિક વાક્-ઈન્દ્રિય સમેત પ્રવેશ કર્યો જેથી આ જીવ બોલે છે. ૨. વિરાટ પુરુષના તાળવામાં વરુણ દેવતાએ પોતાની શક્તિનો પ્રવેશ કરાવ્યો જેથી જીવ રસ ગ્રહણ કરે છે. ૩. નસકોરાંમાં અશ્વિનીકુમારો પોતાના અંશભૂત ઘ્રાણ-ઈન્દ્રિય સમેત પ્રવેશ્યા જેથી જીવ ગંધ ગ્રહણ કરે છે. ૪. આંખોમાં સૂર્યદેવતા એમની અંશભૂત નેત્ર-ઈન્દ્રિય સમેત પ્રવેશ્યા જેથી જીવને વિવિધ રૂપો દ્રશ્યમાન બને છે. ૫. વાયુની અંશભૂત ત્વક્-ઈન્દ્રિયના પ્રવેશ થકી જીવ સ્પર્શ અનુભવે છે.
આ તો થોડાં ઉદાહરણો છે. આમ દરેક ઈન્દ્રિયને દિગપાલ, પ્રજાપતિ, વાયુ, ઈન્દ્રદેવતા, ચંદ્ર દેવતા વગેરે દેવતાઓએ પોતાની અંશભૂત શક્તિઓથી વિરાટ પુરુષને નવાજ્યા.
ત્યાર પછી વિરાટ પુરુષમાં ત્રિગુણ રૂપે અહંકાર ઉત્પન્ન થયો. આ આશ્રયસ્થાનમાં રુદ્રએ પોતાના અંશભૂત અભિમાન રૂપે વિરાટ પુરુષમાં ક્રિયાશક્તિ સમેત પ્રવેશ કરતાં, એના જીવને પોતાનું કર્તવ્યનું જ્ઞાન થાય છે. પછી આ વિરાટ પુરુષમાં બ્રહ્માનું મહત્તત્વ ચિત્તશક્તિ સમેત સ્થિત થયું. આ ચિત્તશક્તિથી એનો જીવ વિજ્ઞાનની ચેતનાને પ્રાપ્ત કરવા સક્ષમ બને છે.
આ વિરાટ પુરુષના મસ્તકમાંથી સ્વર્ગલોક, પગોમાંથી પૃથ્વીલોક અને નાભિમાંથી અંતરિક્ષ – આકાશ ઉત્પન્ન થયાં. એમનામાં ક્રમશઃ સત્વ, રજ, અને તમઃ – આ ત્રણેય ગુણોના પરિણામ રૂપ દેવતા, મનુષ્ય અને પ્રેત વગેરે જોવા મળે છે. હે વિદુરજી, આ વિશિષ્ઠ જ્ઞાન સાથે તમે સમજી શકશો કે આપણી જ અંદર કેવી રીતે, દેવતા, માણસ અને પ્રેત વસે છે.
હવે હે મહાત્મા વિદુર, હું તમને વર્ણો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યાં એની વાત કરું છું.
ભગવાનના મુખમાંથી વેદો અને બ્રાહ્મણો પ્રગટ થયાં, જેનું કાર્ય જગતમાં જ્ઞાનની વૃદ્ધિ કરવાનું છે, ગુરુનું છે.
ભગવાનની ભુજાઓમાંથી ક્ષત્રિયવૃત્તિ અને એનું અવલંબન કરવાવાળો ક્ષત્રિય વર્ણ પેદા થયાં જેનું કામ રક્ષા કરવાનું છે.
ભગવાનના પગની જાંઘોમાંથી વૈશ્યવૃત્તિ ઉત્પન્ન થતાં વૈશ્ય વર્ણ ઉદ્ભવ્યો જેના વડે બધાં જીવોની આજીવિકા ચાલે છે.
હવે સૌથી શ્રેષ્ઠ, બધાં જ ધર્મોની સિદ્ધિ માટે, ભગવાનના ચરણોમાંથી સેવાવૃત્તિ પ્રગટ થઈ અને તેમનામાંથી સૌ પ્રથમ શૂદ્ર વર્ણ પ્રગટ થયાં, જેમની સતત પુરુષાર્થ પ્રેરિત સેવાપ્રવૃત્તિથી શ્રી હરિ સદાય પ્રસન્ન થાય છે.
હે મહાત્મા વિદુર, તમે આજે એટલું જાણી લો કે બધાં જ ધર્મોની સિદ્ધિનું મૂળ સેવા છે. સેવા વિના કોઈ પણ ધર્મ સિદ્ધ થતો નથી. આથી, સેવા જ જેનો ધર્મ છે એ શૂદ્ર સૌથી મહાન છે. બ્રાહ્મણનો ધર્મ મોક્ષ માટે છે, ક્ષત્રિયનો ધર્મ ભોગ અને કામ માટે છે. વૈશ્યનો ધર્મ અર્થ, એટલે કે દ્રવ્યોપાર્જન માટે છે. આમ અન્ય ત્રણ વર્ણોના ધર્મ અન્ય પુરુષાર્થો માટે છે પણ ફક્ત શૂદ્રનો ધર્મ સ્વ-પુરુષાર્થ થકી સર્વની સેવાનો છે. તેથી જ જ્યારે શૂદ્રનું સન્માન કોઈ રાજ્યમાં જળવાય છે ત્યારે નારાયણ પ્રસન્ન થાય છે.
હે વિદુરજી, આ વિરાટ પુરુષ ભગવાનની કાળ, કર્મ અને સ્વભાવશક્તિથી યુક્ત યોગમાયાના પ્રભાવને માંડ નાનામાં નાના અંશ રૂપે પ્રગટ કરનારો છે. આથી જ પ્રભુન સંપૂર્ણ સ્વરૂપનું વર્ણન કરવાનું સાહસ કોઈમાં નથી. વિદુરજી, મને મારા ગુરુએ કહ્યું હતું કે શ્રી હરિના સુયશનું વર્ણન કરવું અને એમના યશોગાનમાં તલ્લીન રહીને જીવની સાથે જોડાયેલાં કર્મો સદ્ભાવનાથી કરતાં રહેવામાં જ જીવનની સાર્થકતા છે. આદિકવિ બ્રહ્માજી પણ એક હજાર દિવ્ય વર્ષો સુધી પોતાની યોગ પરિપક્વ બુદ્ધિ થકી શ્રી હરિના અસીમ મહિમાને પામવા કોશિશ કરતા રહ્યાં પણ તેઓ એનો તાગ પૂરો ન પામી શક્યા તો હું અને તમે તે કોણ કે ભગવાનને સંપૂર્ણપણે પામીએ? આપણે આપણા વર્ણો સાથે સંકળાયેલાં ધર્મોમાં જ લિપ્ત રહીએ છીએ અને સેવાથી વિમુખ રહીએ છીએ. આપણા મનુષ્યો માટે તો નારાયણ સુધી પહોંચવાનો આ જ એક માત્ર ઉપાય છે, નિસ્વાર્થ ભાવની સેવા, સર્વ સાથે સમભાવ અને ‘હુંપણાં’ જેવા અભિમાનનો ત્યાગ કરીને ભગવાનની કૃપાને યોગ્ય બની શકાય છે.
જેમનો પાર પામવામાં સર્વ ઈન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ પણ સમર્થ નથી એવા શ્રી ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ.
શ્રીમદભાગવત મહાપુરાણનો ત્રીજા સ્કંધ અંતર્ગત, છઠ્ઠો અધ્યાય – “વિરાટ પુરુષની ઉત્પત્તિનું વિશિષ્ટ જ્ઞાન” સમાપ્ત થયો. શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.
+ત્રેવીસ શક્તિઓના સમુદાય એવા મહત્તત્વ – ત્રેવીસ ક્રોમોસોમની જોડી જે માણસના જન્મ સાથે જોડાયેલી છે, તે હોય શકે
અધિપુરુષ* – પરમ પુરુષ, પરમાત્મા, પરબ્રહ્મ. સગુણ વિરાટ પુરુષ, અક્ષર બ્રહ્મ.
આધિદૈવિક** – પરમ તત્વને લગતું, નસીબ યોગે બનેલું, દેવકૃત
આધિભૌતિક*** – આ સૃષ્ટિ સંબંધી, મહાભૂત સંબંધી, શરીર સંબંધી, શારીરિક
અધિભૂત**** – સમગ્ર ભૂત પ્રાણીઓ ઉપર સત્તા ધરાવતું તત્ત્વ.
અધિદેવતા***** – અધિષ્ઠાતા દેવ, ઈષ્ટદેવ, કુળદેવ, સર્વોચ્ચ દેવ, પરમાત્મા,
જેમનો પાર પામવામાં સર્વ ઈન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ પણ સમર્થ નથી એવા શ્રી ભગવાન નારાયણ સુધી પહોંચવાનો એક માત્ર ઉપાય છે, નિસ્વાર્થ ભાવની સેવા, સર્વ સાથે સમભાવ અને ‘હુંપણાં’ જેવા અભિમાનનો ત્યાગ કરીને ભગવાનની કૃપાને યોગ્ય બની શકાય છે.