અનુજ અને તેની દુનિયા ~ રઝિયા મિર્ઝા ‘રાઝ’

(જેલ કારકિર્દીના સ્મરણો)
~ કેદી નંબર ૨૮ ~
હા એ અનુજ હતો. એની આજુબાજુ ખુબ ખજાનો હતો! ઊંચો, પડછંદ, સફેદ વસ્ત્ર, સફેદ ટોપી; એની ચાલમાં અજબની ખુમારી! કોઈની સાથે ચાલે, તો સાથે ચાલનાર પણ કદાચ પોતાને સંકોચીને ચાલે! સફેદ વસ્ત્રોમાં તો નેતા જેવો જ અદ્દલ લાગતો અનુજ, જેલના પ્રાંગણમાં આવેલા ઓપન થિયેટરમાં કોઈ પણ કાર્યક્રમ હોય વ્યવસ્થાથી લઈ, બધું જ સંચાલન તે ખુશીથી ઉપાડી લે છે.

અરે, ધ્વજવંદનના દિવસે તો ‘‘સાવધાન-વિશ્રામ’’ જે પડકારથી કહેતો હોય છે કે, આખોયે માહોલ તેની તરફ જ જોયા કરે છે!

અહીં જેલમાં કેટલાયે વર્ષોથી ૭૨૨૬ નંબરનો કેદી બનીને એ રહે છે. અહીંની લાઈબ્રેરી સાચવે છે, બધાને નામ-નંબર પ્રમાણે વાંચન પૂરું પાડે છે. જેલમંત્રી પણ આવે તો જેલરસાહેબ પહેલાં લાઈબ્રેરી બતાવવા લઈ આવે છે; એટલી ચોખ્ખી, હારબંધ પુસ્તકોથી ભરચક સજાવેલ અહીંની લાઈબ્રેરી છે!

અનુજે અહીં આવીને ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. આમ તો એ આર્મીમાં ભરતી થયો હતો. દેશભક્તિની લગની તો તેને નાનપણથી જ હતી! એટલે જ તો એ આર્મીમાં ભરતી થયેલ હતો. એણે લગ્ન પણ નહોતા કર્યા.

એકવાર એ રજાઓમાં ઘરે આવ્યો, ત્યારે સાંભળ્યું કે ગામની છોકરીઓ સાથે લુખ્ખા તત્વો ગમે-તેમ વહેવાર કરે છે. તેનું લોહી ઊકળી ઊઠ્યું. ધાંય-ધાંય કરતી ગોળીઓ પેલા લુખ્ખા તત્વોના શરીરમાં ધરબી દીધી! બસા, ત્યારનો અંદર છે! બધાનો લાડકો છે. પોતાની જાતને એણે લાયબ્રેરીના કબાટોમાં ગોઠવી દીધી છે. તેને કબાટની સાથે પુસ્તકોનાં નામ-નંબર બધું મોઢે જ રહે છે.

શેર, શાયરી, કવિતાઓ, ગઝલનો કીડો અનુજ કહે છે, કે પુસ્તકો જ મારો આહાર છે, વાંચન મારી ભુખ કહો કે તરસ કહો, બધું આ જ છે! કહે છે, મારું જીવન એક પુસ્તક જ તો છે ને!!!

***   

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. અનુજનો દેશપ્રેમ અને પુસ્તક પ્રેમ ગમ્યો.
    સુંદર રજૂઆત..

  2. કેદી નંબર ૨૮ ~ પુસ્તકપ્રેમી અનુજની વાત ખૂબ ગમી.જેલ સુધારણાની ઉતમ વાત