શ્રીમદ્‌ ભાગવત કથા – સ્કંધ ત્રીજો – અધ્યાય ત્રીજો – જયશ્રી વિનુ મરચંટ

 સ્કંધ ત્રીજો – ત્રીજો અધ્યાય – “ભગવાનના અન્ય લીલા-ચરિત્રોનું વર્ણન” 

ૐ નમો ભગવતે વાસુદેવાય

 (ત્રીજા સ્કંધના અધ્યાય બીજો, “ઉદ્ધવજીએ કરેલું ભગવાનની બાળલીલાઓનું વર્ણન અંતર્ગત આપે વાંચ્યું કે, ઉદ્ધવજી વિદુરજીને કૃષ્ણની બાળલીલાઓનો માત્ર સાર કહે છે. એમની બાળ લીલાઓ અને અન્ય લીલાઓનો ઉલ્લેખ આગળ પણ આવે છે. કૃષ્ણની દરેક લીલાનો એક જે ચોક્કસ હેતુ હતો, તે હતો જન કલ્યાણનો. તેઓ વિદુરજીને કહે છે કે ભગવાનની આવી બાળલીલાઓ અને અન્ય લીલાઓને કારણે જ કળિયુગના ઓવારે જીવન સહ્ય બન્યું છે. હવે અહીંથી વાંચો આગળ, સ્કંધ ત્રીજાનો અધ્યાય ત્રીજો, “ભગવાનનાં અન્ય લીલા ચરિત્રોનું વર્ણન”)

સૂતજી કહે છે – હે શૌનકાદિ મુનિજનો, આમ બાળલીલાના સારને ઉદ્ધવજી વિદુરજીને કહે છે. ત્યારે વિદુરના મનમાં ભગવાનના અન્ય લીલા ચરિત્રો વિષે જાણવાની ઉત્કંઠા જાગે છે અને તેઓ ઉદ્ધવજીને અન્ય લીલા ચરિત્રોનો સાર પણ કહેવા માટે વિનંતી કરે છે. ત્યારે ઉદ્ધવજી વિદુરને નીચે પ્રમાણે સાર કહે છે.

ઉદ્ધવજી કહે – શ્રી કૃષ્ણનો ગોકુળના રહેવાસની અવધિ પૂરી થવાની હતી. અનેક યુગ કાર્યો એમના હાથે થવાના બાકી હતા. હું અહીં માત્ર સાર કહું છું આથી તમને સમજાય કે શ્રી કૃષ્ણએ માનવદેહના સર્વ કર્મ પોતાનો ધર્મ સમજીને નિભાવ્યા હતા.  શ્રી કૃષ્ણ પોતાનાં માતાપિતા દેવકી અને વસુદેવને સુખ આપવાની ઈચ્છાથી મોટાભાઈ બળરામજી સાથે મથુરામાં પધાર્યા અને આતતાયી મામા કંસને ઊંચા સિંહાસન પરથી નીચે ખેંચીને કંસનો અને એના જુલ્મોનો અંત લાવ્યા. શ્રી કૃષ્ણ સાંદીપનિ મુનિના આશ્રમમાં ભણવા ગયા હતા. એમની પાસે શાસ્ત્ર અને શસ્ત્રોનું સંપૂર્ણ અધ્યયન કર્યું અને એમને દક્ષિણા આપવાની ઘડી આવી. આટલા સમયથી ગુરુના આશ્રમમાં, ગુરુ પાસે રહીને, ગુરુ અને ગુરુમાતાના ઘેરા વિષાદને શ્રી કૃષ્ણ પામી ગયા હતા. એમને સમજ નહોતી પડતી કે એવી કઈ વાત હતી જેથી એમના ગુરુ અને ગુરુમાતાની આંખોમાં ઘેરાતી ઉદાસી સતત ડોકાતી રહેતી હતી. એમણે અતિશય આગ્રહ કર્યો ત્યારે ગુરુ અને ગુરુમાતાએ કહ્યું કે ઘણા સમય પહેલાં, એમનો પુત્ર, જે સ્વયં નાની ઉંમરમાં શસ્ત્ર-શાસ્ત્રોનો ઊંડો અભ્યાસી હતો, એ પોતાના મિત્રો સાથે, પ્રભાસતીર્થ પાસે સમુદ્રમાં સ્નાન કરવા ગયો હતો. ત્યારે પંચજન નામનો રાક્ષસ એમના પુત્રને ઉપાડી ગયો હતો અને હવે તો કદાચ એને મારી પણ નાખ્યો હોય. ગુરુમાતાએ આજીજી કરીને કહ્યું, “દક્ષિણામાં આપી શકો તો અમારો પુત્ર લાવી આપો. આ દક્ષિણા અમારા માટે જ નથી પણ આ આશ્રમની શસ્ત્ર અને શાસ્ત્રોના શિક્ષણની પરંપરા એમના વિદ્વાન પુત્ર સિવાય કેવી રીતે ચાલુ રહેશે?’   

ગુરુદંપતીને ધીરજ બંધાવીને ભગવાન પ્રભાસતીર્થના કાંઠે ગયા. પંચજન અસુર સમુદ્રમાં રહીને પોતાને શંખમાં રૂપાંતરિત કરી શકતો હતો. શ્રી કૃષ્ણએ પંચજનને મારીને, યમપુરીમાંથી ગુરુ અને ગુરુમાતાના પુત્રને ફરી જીવિત કરીને ગુરુ દક્ષિણાનું ઋણ ચૂકવ્યું.  

શ્રી કૃષ્ણની કીર્તિ હવે દેશદેશાંતરોમાં ફેલાતી જતી હતી. એમના અદભૂત પરાક્રમ અને અપ્રતિમ સૌંદર્યની ગાથા સાંભળીને રુકમણીજીએ મનોમન એમના પોતાના પતિ માની લીધાં હતાં. આ બાજુ એમના પિતા, વિદર્ભની રાજધાની કુણ્ડિનના નરેશ ભીષ્મકે, પોતાના મોટા પુત્ર રુકમીના સ્નેહવશ થઈને પોતાની એકની એક દીકરી રાજકુમારી રુકમણીના વિવાહ રુકમીના મિત્ર શિશુપાલ સાથે નિર્ધારિત કરી લીધા હતા, છતાં એ સમયની પરંપરા પ્રમાણે સ્વયંવર રચવામાં આવ્યો હતો. સ્વયંવરમાં શિશુપાલ જ જીતશે એવું લગભગ નક્કી હતું.  રુકમી શ્રી કૃષ્ણનો દ્વેષ કરતો હતો અને જરાસંઘ ને શિશુપાલનો મિત્ર હતો. એમના સ્વયંવરની ઘોષણા થઈ ગઈ હતી. રાજકુમારીએ એક બ્રાહ્મણ સાથે શ્રી કૃષ્ણને સંદેશો મોકલ્યો કે તેઓ હરિને મનથી વરી ચૂક્યા છે તો સ્વયં પધારે અને એમનું સ્વયંવરમાંથી હરણ કરીને લઈ જાય. રુકમણીના પ્રેમની લાજ હરિએ રાખી અને બધા રાજાઓને મ્હાત આપીને, રુકમણીનું શ્રીકૃષ્ણએ હરણ કર્યું અને પછી તેમની સાથે લગ્ન કર્યા હતા.  રુકમણીજીને દ્વારિકા લઈ આવ્યા. કૃષ્ણના બીજા પત્ની હતા જાંબવતી. તેઓ નિશાદરાજ જામવાની પુત્રી હતા.

તેમના ત્રીજા પત્ની સત્રાજીતની પુત્રી સત્યભામા હતાં. એક સમયે સત્રાજીતે કૃષ્ણ પર અનેક આરોપ લગાવ્યા જે તમામ ખોટાં સાબિત થતાં તેણે પોતાની પુત્રીના લગ્ન કૃષ્ણ સાથે કરી દીધા.

ત્યાર પછી કૃષ્ણ એક સ્વયંવરમાં ગયા હતા જ્યાં રાજકુમારી મિત્રબિંદાએ તેમને વરમાળા પહેરાવી અને તેમની સાથે લગ્ન કર્યા. કૃષ્ણના પાંચમાં પત્ની બન્યા કૌશલ દેશના રાજાની પુત્રી સત્યા.  કૈકેયની રાજકુમારી ભદ્રા સાથે પણ એક યુદ્ધ પછી તેમના લગ્ન થયા હતા. કૃષ્ણના છઠ્ઠા પત્ની હતા ભદ્રદેશની રાજકુમારી લક્ષ્મણા. લક્ષ્મણા પણ કૃષ્ણને પ્રેમ કરતી પરંતુ તેના પરિવારજનો તેના લગ્નનો વિરોધ કરતાં કૃષ્ણ ભગવાને તેનું પણ અપહરણ કર્યું અને લગ્ન કર્યા. ત્યાર પછી સૂર્ય પુત્રી કાલિન્દી તપ કરીને ભગવાનને પતિ તરીકે પામ્યા. આ રીતે તેમની આઠ પત્નીઓ થઈ.

શાસ્ત્રોમાં શ્રીકૃષ્ણની લીલાઓની અનેક વાર્તાઓ મળી આવે છે. જેમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે તેમની ૧૬,૧૦૮ રાણીઓ હતી. પરંતુ શું તમે જાણો છો કે આટલી રાણીઓ સાથે ભગવાને કેમ કર્યા હતા લગ્ન અને શું છે તેમના સંબંધ પાછળનું રહસ્ય? તેની પાછળ પણ સમાજ કલ્યાણની ભાવનાથી પ્રેરિત, ભગવાનની અદ્‌ભૂત લીલા છે.

એકવાર પ્રાગજ્યોતિષપુરના દૈત્યરાજ ભૌમાસુરના (નરકાસુર) અત્યાચારથી દેવતાગણ ત્રાસી ગયા હતા. સ્વર્ગલોકના રાજા દેવરાજ ઈંન્દ્રએ કૃષ્ણને જણાવ્યું કે ભૌમાસુરે પૃથ્વીના અનેક રાજાઓ અને સામાન્ય લોકોની સુંદર પુત્રીઓનું હરણ કરી પોતાની ગુલામ બનાવી રાખી છે. આ વાત સાંભળી કૃષ્ણ પોતાની પત્ની સત્યભામા સાથે ત્યાં પહોંચ્યા. આ રાક્ષસને સ્ત્રીના હાથે મરવાનો શ્રાપ મળ્યો હતો. તેથી સત્યભામાની મદદથી શ્રી કૃષ્ણએ એ અસુરનો વધ કર્યો હતો.  આ વિશાળકાય રાક્ષસ ભૌમાસુર જ્યારે ધરતી પર ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો ત્યારે પૃથ્વીની પ્રાર્થનાથી હરિએ પરમ કૃપાથી ભૌમાસુરના પુત્ર ભગદત્તને તેનું બાકી બચેલું રાજ્ય આપ્યું. અને આ રાક્ષસની કેદમાંથી તેમણે ૧૬,૧૦૮ કન્યાઓને આઝાદ કરાવી. પરંતુ રાક્ષસની કેદમાં લાંબો સમય રહેવાના કારણે તેમને કોઈ સ્વીકારવા તૈયાર ન હતું, તેમના માતાપિતા પણ નહીં. સમાજથી તિરસ્કૃત આ નાત બહાર સ્ત્રીઓ ક્યાં જાય? તેથી શ્રીકૃષ્ણએ તે તમામ કન્યાઓને પત્ની તરીકે સ્વીકારી. ભગવાને પોતાની યોગમાયા વડે તે સૌ કન્યાઓને અનુરૂપ એટલાં જ રૂપ ધારીને તે બધીઓનું અલગ-અલગ મહેલોમાં એક જ મુહૂર્તે વિધિવત પાણીગ્રહણ કર્યું અને સૌ કન્યાઓને પોતાની પત્ની તરીકેનું સન્માન આપ્યું. જ્યારે કાલયવન, જરાસંઘ, શાલ્વ વગેરે રાજાઓએ કંસના વધના અનેક વર્ષો બાદ, મથુરા અને દ્વારિકાનગરીને ઘેરી લીધી હતી ત્યારે યાદવ સેનામાં શક્તિપાત કરીને શત્રુઓનો સંહાર કર્યો હતો. એમના જીવન કાળ દરમિયાન, એમણે અનેક દુર્જય અને દુષ્ટ રાજાઓ, રાક્ષસો અને યોદ્ધાઓનો એમને સંહાર કર્યો અને પૃથ્વીનો ભાર ઓછો કર્યો.

ત્યારબાદ મહાભારતની લડાઈમાં તેમણે તમારા મોટાભાઈ ધૃતરાષ્ટ્ર અને કૌરવોનો અને એમની જોડે સાથ આપનારા અન્ય યોદ્ધાઓનો પણ નાશ કર્યો. મહાભારતના યુદ્ધને ટાળવાની તેમની હર એક કોશિશ નકામી નીવડી અને એ ભયંકર લડાઈમાં ન ભૂતો ન ભવિષ્યતિ જેવો વિનાશ થયો. યુદ્ધમાં દુશાસનની અને શકુનિની ખોટી સલાહ માનીને અને કર્ણના આંધળા સાથને કારણે જેની મતિ ભ્રષ્ટ થઈ છે એવા દુર્યોધનને ભીમે એની જાંઘ પર પોતાની ગદાથી પ્રહાર કરીને માર્યો. દુર્યોધનને પોતાના સાથીઓ સમેત પૃથ્વી પર પડેલો જોઈને પણ કૃષ્ણને ગ્લાનિ ઉપજી. હરિ વિચારતા હતા દ્રોણ, ભીષ્મ, અર્જુન અને ભીમ વડે આ અઢાર અક્ષૌહિણી સેનાનો વિપુલ સંહાર તો થયો છે, પણ તેનાથી પૃથ્વીનો ભાર ઓછો થયો છે ખરો? હજી દ્વારિકાનગરીમાં સત્તા, બળ, શક્તિ અને સંપત્તિના કેફમાં ચૂર યાદવોનો પણ અંદરોઅંદર લડવાથી સર્વનાશ થવાનો બાકી છે. એમને આ વાતની ત્યારથી ખબર હતી.

મહાભારતના ભીષણ સંગ્રામ પછી, ધર્મરાજ યુધિષ્ઠિરને રાજગાદી પર એમણે પ્રસ્થાપિત કર્યા. આ રીતે પૃથ્વી પર એમણે અરાજકતા અને અધમ રાજવીઓનો નાશ કરીને, સુશાસન ફરી સ્થાપિત કર્યું. ઉતરાના ગર્ભમાં અભિમન્યુના બીજ પર અશ્વત્થામાએ છોડેલા બ્રહ્માસ્ત્રને કારણે ગર્ભ નાશ પામી ચૂક્યો હતો. એ ગર્ભને પોતાની યોગશક્તિથી પુનઃ સંચારિત કર્યો. શ્રી કૃષ્ણએ ધર્મરાજા યુધિષ્ઠિર પાસે ત્રણ અશ્વમેધ યજ્ઞો કરાવ્યા જેથી આર્યાવર્ત, ભારતવર્ષની અખંડિતતા કળિયુગ આવતા પહેલાં સ્થાપના પામે અને કળિયુગમાં એ સદંતર નાશ ન પામે. જો કે કાળ એનું કામ કરશે જ પ્ણ ભગવાને પોતાની દૂરંદેશીથી આવનારા અનેક વર્ષો સુધી વિશ્વની રક્ષા કરી હતી.

ભગવાને પણ દ્વારિકાપુરીમાં રહીને વેદ અને ધર્મનું પાલન કર્યું. પ્રજાને ખૂબ સુખ મળે એવા પ્રાવધાન કર્યાં અને અનેક વર્ષો સુધી રાજ્યમાં સુખ, શાંતિ સાથે અનેક વિકાસ કાર્યો કર્યા. હરિએ મનુષ્યદેહ લીધો હતો તો દેહકર્મમાંથી તેઓ વિમુખ રહી શકે એમ ક્યાં હતું? શ્રી કૃષ્ણએ પોતાના મનમોહક સ્મિત અને મધુરતા સભર વ્યવહારથી નાના મોટાં બધાંનું દિલ જીતી લીધું હતું અને પોતાની પ્રજા, રાણીઓ, સંતાનો અને સર્વ સગા સંબંધીઓને, સર્વને અપાર સુખ આપ્યું. આમ ઘણાં સમય સુધી એમણે વિહાર કર્યો અને આ માયામાં જલકમલવત રહેલા શ્રી કૃષ્ણે એમના નિશ્વિત સમયે પોતાની લીલા સંકેલવાનું એમણે નક્કી કરી લીધું. એમનું છેલ્લું એક કાર્ય હજી બાકી હતું. એ કાર્ય હતું, સત્તા અને સફળતાના મદમાં છ્કી ગયેલા યાદવોનો પણ નાશ કરવાનું.  

એકવાર દ્વારિકાનગરીમાં નગરીમાં યદુવંશીઓ અને ભોજવંશી યાદવ બાળકોએ રમતાં રમતાં મુનિશ્વરોને ક્રોધિત કર્યા અને યાદવકુળનો નાશ જ ભગવાનને અભિપ્રેત છે એમ સમજીને એ ઋષિઓએ એમને સર્વનાશનો શાપ આપી દીધો. થોડા જ મહિના બાદ સહુ યાદવો હ્રદયમાં ભારે હર્ષ સાથે પોતપોતાના રથોમાં સવાર થઈને પ્રભાસક્ષેત્રમાં ગયા. ત્યાં સ્નાન કરીને એમણે પિતૃતર્પણ કર્યું, દેવતાઓને તથા ઋષિઓને તર્પણ કર્યું. પછી બ્રહ્મભોજ કરાવીને સૌ બ્રાહ્મણોને યથોચિત ભૂમિદાન, અન્ય દ્રવ્ય દાન અને ગૌ દાન કર્યું. આમ કર્યા પછી સર્વ યાદવવંશીઓએ પૃથ્વી પર માથા ટેકવીને સૌ બ્રાહ્મણોને પ્રણામ કર્યા. 

શ્રીમદભાગવત મહાપુરાણનો ત્રીજા સ્કંધ અંતર્ગત, ત્રીજો અધ્યાય – “ભગવાનનાં અન્ય લીલા ચરિત્રોનું વર્ણનવિદુર-ઉદ્ધવ-સંવાદ” અંતર્ગત “ઉદ્ધવજીએ કરેલું ભગવાનની બાળલીલાઓનું વર્ણન”સમાપ્ત થયો.

શ્રીમન્ નારાયણનારાયણનારાયણભગવદ્ નારાયણનારાયણનારાયણ.

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. મા સુ શ્રી જયશ્રી વિનુ મરચંટ દ્વારા હમેશ જેમ ભગવાનના અન્ય લીલા-ચરિત્રોનું સુંદર વર્ણન .
    તેમા રૂક્મણીના વિવાહના પ્રસંગ સાંપ્રત સમયે પણ ઘણાને પ્રેરણાદાયી લાગ્યો છે -ગમ્યો છે!
    રુકમણી હરણનું તાત્પર્ય એ ફલિત કરવાનું છે કે ‘મહાલક્ષ્મી નારાયણને મળે, શિશુપાળ જેવા દુરાચારીને નહીં.
    રુકમણી પાસે જે લોકો આવતા જતાં હતા. તેઓ કૃષ્ણની પ્રશંસા કરતા હતા. એટલે રુકમણી કૃષ્ણને મનોમન ચાહવા લાગ્યા. રુકમણી ઉંમરલાયક થયાં. તેની ઇચ્છા શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવાની હતી પણ તેનો મોટો ભાઈ રુકમી પોતાની બહેનને શિશુપાળ જેવા દુરાચારી રાજા સાથે પરણાવવા માગતો હતો.
    સ્વાર્થ, લોભ અને મોહની વેદી પર સૌ તેનું બલિદાન આપે એ રુકમણીને મંજુર ન હતું. ‘હું પરણીશ તો શ્રીકૃષ્ણ સાથે જદ તેવા દ્રઢ નિશ્ચય સાથે ખૂબ વિચાર કર્યા બાદ એણે શ્રીકૃષ્ણને પ્રેમપત્ર લખ્યો અને સુદેવ નામના બ્રાહ્મણને દ્વારિકા મોકલ્યો. સાથે પેલો પત્ર પણ આપ્યો. જગતના ઇતિહાસમાં આ પહેલો જ પ્રેમપત્ર હશે અને એ પણ કેટલી ગરિમાથી સુંદર રીતે લખાયેલો..! તેમાં જણાવ્યું હતું કે ‘હું આપની સાથે જ વિવાહ કરવા માગું છું. લગ્નના દિવસે આપ આવી જશો.
    રુકમણીનું ચરિત્ર ખૂબ ઉદાત્ત હતું. એક આધુનિક નારીની માફક તેમનામાં વિચારશીલતા અને દ્રઢ નિર્ણયશક્તિ હતા. તેમણે સ્વસ્થચિત્તે સ્વનિર્ણયથી પોતાના જીવન સાથીની પસંદગી કરી. તેનામાં તે માટેની મક્કમતા, નીડરતા અને હિંમત પણ હતી. શ્રીકૃષ્ણને લખેલી ચિઠ્ઠીમાં તેમનું ગુણીયલ ચરિત્ર ઉપસીને સામે આવે છે. રુકમણીના પ્રેમપત્રમાં કેટલું ચાતુર્ય ભર્યું છે ! પોતે કેવા પતિની અપેક્ષા રાખે છે તે રુકમણી જણાવે છે. ભાગવાનું પોતે પસંદ કરતી નથી એ જણાવવામાં તેની રાજનૈતિક બુદ્ધિ છે, કારણકે કદાચ શ્રીકૃષ્ણ જો તેનો અસ્વીકાર કરે તો પોતે ક્યાંયના ન રહે. વળી શ્રીકૃષ્ણના પૌરૂષની પણ એ કસોટી કરવા માગે છે.
    આમ આને મુત્સદ્દીગીરી ભર્યો પ્રેમપત્ર કહી શકાય. આવી કોટીના પ્રેમપત્રો બુદ્ધિમાનો જ લખી શકે..! તે કાળમાં પણ માનસશાનો કેટલો ઊંડો અભ્યાસ હશે ..! શ્રીકૃષ્ણ અને રુકિમણીના પ્રેમપત્રની કથા ભાગવતમાં જે રીતે આલેખાઈ છે તે સાચે જ અદભુત છે ! તેનામાં સતીત્વ, શીલ, સંયમ, પવિત્રતા, દૃઢ આત્મવિશ્વાસ, પ્રભુશ્રદ્ધા અને એકનિતાનું તેજ છે.

    ૐ નમો ભગવતે વાસુદેવાય