પળોજણ (વાર્તા) ~ નીલેશ ગોહિલ

હજુ તો બપોર થવાને વાર હતી, છતાં પણ કપાસનો પાક ધરતીનાં ખોળામાં માથાં નાખવાં મથતો, કૂણાં-કૂણાં પાંદડાનાં ભૂંગળા વળતા જતા, ભાદરવાનો તમતમતો તીખો તડકો વધતો જતો અને પવન સાવ પડી ગયો હતો. આખીય સીમ ઉજ્જડ લાગતી હતી. ક્યાંય ચકલુંય ફરકતું નહોતું.
ખેતરનાં નીચેનાં શેઢે દેશી નળિયાનાં એક ઝૂંપડાનાં નેવે બે નળિયાં લળી રહ્યા હતાં ને વાતે વળગ્યા. પેલાં હું પડું, ના પેલાં હું પડું’ની વડચડ કરવામાં મશગૂલ હતા. ભીંતડે તિરાડ ભોંયેથી માંડીને ઠે…ઠ મોભે પૂગી’તી. ઝૂંપડાની બાજુમાં કૂવો અને કૂવાને કાંઠે ઓઈલ એન્જિન સાથે રવજી ખરાં તડકાનો બથોડા ભરતો હતો. રવજીનાં બન્ને હાથ કાળા અને ખમીસની બાયું કોણીથી ઉપર લગી ચડાવેલી હતી. મોઢા પર ભાદરવાનાં તમતમતાં તીખાં તડકાનેય પાછો પાડે એવી કરડાકી વર્તાતી. સફેદ રંગનાં ખમીસમાં ઝીણાં-ઝીણાં નકરાં ઓઈલનાં કાળા ટપકાં જો કોઈ દૂરથી જુએ તો ડિઝાઈન જ સમજી બેસે. ઓઈલનાં એક બે લિસોટા રવજીનાં ગાલ પર અંકાઈ ગયા’તા. પરસેવાથી લથબથતો રવજી એન્જિનનું પૈડું પગ વડે ફેરવતો જતો અને હેન્ડલ વડે એન્જિનનાં હેડ ઉપર આવેલાં ચકલાં માથે હળવેહળવે મારતો ત્યારે એન્જિનમાંથી ફટ… ફટ… અવાજ આવતો અને એ અવાજ અડખેપડખેનાં ખેતરો લગી સંભળાતો હતો.
રવજીએ એન્જિનને હેન્ડલ મારી ચાલુ કરવાનાં ઉપરાઉપરી ઘણાં પ્રયત્નો કર્યા પણ એન્જિનમાંથી તો બસ નર્યો ધુમાડો જ બહાર આવતો. રવજી હેન્ડલ મારીને થાકી ગયો અને હાંફતાહાંફતા બબડ્યો પણ ખરો, “હાળું આ તે કાંય મશીન સે કે પછી જધ મશીન? બે દી’થા વાંહે પડ્યું સે… ઘોડા જધીનું છેયવાતે ઉપાડવાનું નામ જ લેતું નથી ને…”
બે દિવસ પહેલાં રવજી મગફળી વેચવા માર્કેટમાં ગયો હતો. મગફળી વેચીને ઓઈલ એન્જિનનાં જૂનાં અને ભંગાર થઈ ગયેલાં પારપેટ નવાં લાવ્યો હતો, પણ અડધા જ કારણ કે, જે દિવસ રવજી મગફળીનું ગાડું ભરીને માર્કેટમાં વેચવા ગયો તે દિવસ જ મગફળીનો ભાવ ગબડી ગયેલો. આનું નામ જ કઠણાઈને? સૌ ખેડુએ પોતપોતાના વાહનો હરાજીની લાઈનમાં મૂક્યાં હતાં. ખેડુઓ બેચી-બેચીને કંટાળી ગયા હતા. ઘૂમચો વળેલાં ખેડુમાંથી કોઈ બોલ્યું, “હવે હરાજી સાલું થાય તો હારું સે બાપ! ભૂખે રેવાતું નથી… બપ્પોરનો રોંઢો થ્યો સે.”
“ભાઈ ઘડીક હાહતો રે… આમય મોડું ને મોડા ભેગું મોડું… મગફળીના ભાવ તળિયે ગ્યા સે ઈ’નો વચાર કર…” બીજા ખેડુએ કહ્યું.
“અલા ભાઈ ઓલી કે’વત નથી? ખેડુ ખોટ ખાય પણ ખોટી નો થાય.” કોઈ ત્રીજા ખેડુએ વાસ્તવિક્તા પર પ્રકાશ પાડ્યો.
હરાજી સાલુ થઈ. ખેડૂતોએ મગફળીના કોથળા ખુલ્લાં મૂક્યાં. જેમ જેમ હરાજી થતી ગઈ તેમ તેમ ખેડૂતોને નિરાશા સાંપડતી ગઈ. હરાજી થતી ગઈ અને ખેડૂતોને નિરાશાની ચિઠ્ઠીઓ અપાતી ગઈ. હરાજી કરતું વેપારીનું ટોળું આગળ વધતું જતું ને પાછળપાછળ ખેડૂતો ઢસડાતા જતાં. હરાજી થઈ ગયેલા ખેડૂતો ટોળાની પાછળ ચિઠ્ઠીઓમાં લખેલાં આંકડા એકબીજા પાસે વંચાવતા હતા અને બળાપો કાઢતા હતાં.
“મારાં હાળાએ ધાનનું ધૂળ કરે પાર કર્યું.”
“તંય હું ખેડુના ઘરમાં ખાવા લોટ’ય નૈ રે’વા દે…”
“આખી સિઝન મે’નત કરી કરીન્ મરી ગ્યાં ઈ હું આ દી’ જેવાં હારું?”
“ઈ બધુંય હાસુ પણ આપડી સરકાર જ સે ગાંડીરાંડની… ચીનની માંડવી (મગફળી) આંય ખોસીન્ દુઃખતા માથે જ ડામ દીધો.”
“મારીન્ મોત કરશે મોત.”
“પણ આમ ગણો તો વાંક ખેડુંનો જ સે… આપડે ખેડુ હાંઢિયાનાં લીંડા ઘોય્ડે વેરાય ગ્યા સી, હમણે બધાય એક થાવી તો ખબર પડે ઈ’ની તે…”
એક વૃદ્ધ ખેડુ આંખો મામલો થાળે પાડતાં વચ્ચે જ બોલી પડ્યો, “ઈ બધીય પળોજણ કરવામાં હાંજે છોકરા વાળુ વગરનાં રે ઈ ખબર સે કાંય? કરતાં હોવી ઈ કરાય, નકર થાય ઓલી વાત જેવું, ‘માથું ગરી જાય હેવાળમાં ને પગ રે બારા… હા, નો કરવાની નો કરાય.”
રવજીની મગફળીની હરાજી થઈ ત્યારે રવજીનાં દિલમાં ફફડાટની કોઈ સીમા નહોતી. રવજી પણ નિરાશાની ચિઠ્ઠી લઈને મગફળીનું વજન કરાવવાની લાઈનમાં ઊભો હતો. રવજીની મગફળીના વજનનો વારો આવ્યો. કાંટા પર મગફળીની ગુણો મૂકાતી, વજન થતું અને ગુણ દીઠ એક-એક કિલો બારદાનનો કપાતો જોઈ રવજી હામ ખોઈ બેઠો, “તમારો બાપ કોથળો પૂરો પાનસો ગ્રામનો’ય નથી ને કિલો-કિલો વજન શીનો ઊલાળે જાવ સો હે?” રવજીએ વજન નોંધનારાનો કાખલો પકડી લીધો, “કાંય રેઢું રેઢું થાય સે? નકરાં ધૂતવાના જ ધંધા આદર્યા સે.” અડખે-પડખેના માણસોએ ઝઘડો થતા અટકાવ્યો. હશે હવે જે થયું તે કરીને પતાવ્યું.
રવજી મગફળીનાં પૈસામાંથી માંડ ઓઈલ એન્જિનનાં અડધાફડધા જ પારપેટ ખરીદી શક્યો. બીજુ ઘણું બધું વહોરવાનું હતું પણ પૈસા હોવાં જોઈએ ને?
રવજી ઘરેથી મગફળી વેચવા નીકળ્યો ત્યારે હંસાએ વળીવળીને કહ્યું હતું કે, “હટાણું ભૂલતાં નૈ હો…તેલ થઈ રહ્યું સે… લોટ, ખાંડ, સાની ભૂકી અને હળદર’ય થઈ રેવા આવી સે… હંભારી હંભારીન્ લાવજો બધુંય. ઉતાવળ નો કરતાં હા…” પણ રવજીએ ઘરે આવીને ઓઈલ એન્જિનનાં પારપેટનો ડગલો કર્યો, હંસા જોઈ રહી અને અંતે લોખંડનાં સાધનો સામે જોઇને બોલી,”આને હું બટાકા ભરવાં?” રવજીએ આ વાક્ય સાંભળ્યું તો ખરું પણ વળતો ઉત્તર આપવાની હિંમત રવજીમાં ક્યાં હતી?
રવજી ઓઈલ એન્જિનનાં પારપેટ બે દિવસથી બદલતો હતો. હવે દિ’ બરોબર માથે આવી ચુક્યો હતો. તડકો સીધો જ ધરતી માથે પડતો હતો. ઉકળાટની કોઈ સીમા નહોતી. કૂવાથી જરાક છેટે ઊભેલાં લીમડાં નીચે ઢાળેલાં ફાટલ-ટૂટલ ખાટલે બેસતાં બેસતાં રવજીએ ઝૂંપડાં ભણી હાકલો માર્યો, “કઉંસું સાંભળેસ્ …? લ્યા ક્યાં મરી ગઇ…?”
” એ… આ ગૂડાણી… એક શાતવાર નો ભાળે કાં આમ તમારે રાડારાડ કરી મેલે.” ઝુંપડીમાંથી હંસા સાડલાનાં છેડા વડે મોઢા પર વળેલો પરસેવો લુસ્તી લૂસ્તી બહાર આવી,”આ મરી આંય લ્યો બોલો હવે.”
“એ…તો આનીપા ગૂડા… પાણી-બાણી પા, આજ તો ઠામૂકો મરી જ ગ્યો.” રવજીએ નિહાકો નાખ્યો.
હંસા ઉતાવળા પગલે પાણીનો કળશો ભરી લાવી. રવજીની આંખોમાં જોતાં-જોતાં હંસાએ પાણીનો કળશો રવજી સામે ધર્યો, “હું ક્યારનાં બરાડા પાડો સો…? લ્યો પીવો.”
હંસાએ પાણીનો કળશો રવજીનાં હાથમાં થમાવી ઝીણી નજરે કૂવામાં ડોકિયું કર્યું. પછી કૂવામાં હાથ કરી બોલી, “માંડ ખોબોક પાણી સે ‘ને સીદને હેરાન થાવ સો? ને… આખાં’ય ખેતરમાં પગ વયાં જાય એવાં તો માલીપા ભરોડા પડ્યાં સે, જો થોડોક વધારે મંગણ કરે તો ઈ’માંજ હમાત લઇ લેવી એટલે લપ મટે!”
રવજીનાં હાથમાં પાણીનો કળશો એમનો એમ જ રહી ગયો. હંસા થોડી વાર અટકીને આગળ બોલી, “હું ઈ’મ કઉં શું કે, ક્યાંક શાતવાર જપી જવાય, પણ ના આમને આમ આખો દી’ ભાગાભાગ સિવાય બીજો કાંય ધંધો જ નૈ ને…! “
રવજી એક જ શ્વાસે આખો પાણીનો કળશો ગટગટાવી ગ્યો. ખાલી કળશો ખાટલાની પાંગતમાં ભરાવતાં ભરાવતાં એક લાંબો શ્વાસ લઈને બોલી પડ્યો, “અરે..! જપી ક્યાંથી જાય? આ ઊભે-ઊભો મોલ ભડકે બળે સે… ને મારો જીવ ચૂથાય સે અને ઓલ્યા લેણિયાત ઘરે ધક્કા માથે ધક્કા ખાય સે… માથે વ્યાજનું’ય વ્યાજ ચડાવે જાય સે… ને ટકે-ટકે રાંડની ભૂખ પેટમાં પાટા ઊલાળે તંય હું ધૂળના બૂકડા ભરવાનાં? તને તો બસ વાતું આવડે સે કે, જપી જવાય…”
હંસાનાં કાનમાંથી કીડા ખરતાં હોય તેમ માથું ધુણાવી બોલી પડી, “પણ… પણ હું ઈ’મ કઉં સું કે… મૂકોને આ હંધી’ય પળોજણ ભા’સાબ! ને હાલો શે’રમાં આખો ખાતાં અડધો ખાશું પણ નેવકી નિરાંત તો ખરી ને! પણ ના… મારી વાત તો તમારે ગળે ઉતરવાની સે જ નૈ… લ્યો! હાલો હવે બપ્પોરો કરી લો.”
રવજીને ઉતાવળે કટકબટક ખાઈને કૂવા તરફ જતો જોઈ હંસાથી ન રહેવાયું, “ધાનને શાતવાર માળે’યનૈ બેહવા દે!” આ વાક્ય રવજીએ સાંભળ્યું ન સાંભળ્યું કરીને કૂવે જઈને જ અટક્યો અને વળી પાછી એની એ જ મથામણ આદરી દીધી.
આખરે ઠે…ઠ રોંઢે એન્જિન ઉપડ્યું તો ખરું પણ નકરું એન્જિન જ ઉપડ્યું, પાણીનું એક ટીપું’ય ના કાઢ્યું. રવજીએ અકળાઈને એન્જિન બંધ કર્યું અને ઝુંપડી ભણી હાકલો માર્યો, “એ… પાણિયારેથી પાણી લાય્વ લાયન ભરવી જોશે.” હંસા પાણી લાવી અને બધું જ પાણી લાઈનમાં રેડી દીધા પછી બોલી.”હવે પીશું સું?” રવજીએ હંસાનો પ્રશ્ન કાને ના ધર્યો ને પોતાની ધૂનમાં જ ફટાફટ એન્જિનને હેન્ડલ માર્યું. એન્જિન ઉપડ્યું. હજી માંડ પાણીનો એકાદ ઘળકો કાઢ્યો હશે, ત્યાં તો હંસાએ સાદ પાડ્યો, “એ લાઈન તૂટી ગઇ સે ઝટ મશીન બંધ કરો… પાણી હંધુ’ય બારું જાય સે.”
રવજીએ દોડીને એન્જિન બંધ કર્યું અને બબડતાં બબડતાં બહાર આવ્યો.” એકને રાગે કરો કાં બીજું-” વાક્ય પૂરું કર્યા વગર હંસા સામું જોઈને બોલ્યો, “હવે ન્યા ઓડા ઘોય્ડે કેડે હાથ દઇ ઊભી સો સું? કાંક લીરા-બીરાં લાય્વ, પાટા બાંધે રડી જાય તો નવી લાઈનનો ખરસો કરવો ટળે.” હંસાએ ચીંથરામાંથી બે ત્રણ લીરા કરી રવજીને આપ્યાં.
રવજી લાઈનને પાટા બાંધતો હતો ત્યાં જ અચાનક તેનો પિતરાઈ ભાઈ મથુર એન્જિનનો અવાજ સાંભળીને દોડતો આવ્યો, હજી પૂરો પહોંચ્યા પહેલાં જ બોલ્યો, “અલ્યા રવજી, પાણી મારે વાળવું સે.”
રવજી લાઈનને લીરા વીટી ગાંઠ વાળતા વાળતાં ઊંચું જોઈ ઘડીક તો આભો જ બની ગયો.” મથુરભાઈ મે’નત કરીને હું મરી ગ્યો ને પાણી તમે શીનાં વાળો? મેં પે’લાં જ તમને કાનમાંથી કાંકરા કાઢીને કીધું’તું કે, આપડે કારીગરને બોલાવીન્ મશીન રાગે કરાવવી, પણ તમે એકના બે નો થ્યા…’ તંય તો ઈ’મ કે’તાં’તાં કે, મશીન હવે બઉં જૂનું થઇ ગ્યું સે, ને ભંગાર થઇ ગ્યું સે, ને વારેવારે ખોટકાઈન્ ઊભું રે સે, ને પનોત્યું સે ઈ’માં રૂપિયા નો ભંગાય ને પાવલીની પાડીને રૂપિયો દોવરામણ થાય… ને અટાણે પાણી વાળવાં દોડી આવ્યા! ભોંઠાય નથી પડતાં ભલા માણસો? પાણી વાળવું હોય તો અડધોઅડધ ખરચમાં ભાગ આપવો પડે. મારી મે’નતનું હું કસું’ય ગણતો નથી.”
રવજીએ ભલાઈ દાખવી પણ મથુરે સહેજ પણ ગણકારી નહીં, “ઈ જે હોય ઈ પણ પાણી તો રવજા હું જ વાળવાનો, મારો મોલ લંઘાય સે હમજ્યો?”
આ વાક્ય સાંભળી રવજીનાં પેટમાં કાળી લાય બળવા લાગી. “અરે…! મારાં ખેતરમાં’ય મોલ ગોટો વળી ગ્યો સે, મારો મોલ કાંય કોળ નથી કરતો કે, કાંય મને આંય જધાવાનો સરાહ નથી હા… વાતું કરો છો તે નાંખી દેવાની.”
“તે… કૂવો થોડો તારો એકલાનો સુવાંગ સે? તને કોણે દોઢડાયો કર્યો તો… મશીન પડ્યું રેવાં દેવું’તું ને ઈ’મનું ઈ’મ…” મથુરે પોતાની પેટ મેલાઈ દેખાડી દીધી.
વધારે ઝઘડો થવાની તૈયારી જ હતી. ત્યાં હંસા દોડી આવી, રવજીનું બાવડું પકડી ઝૂંપડાં તરફ લઈ ગઈ. “હું તમને કે…દુની કઉ શું કે, પડતી મૂકોને ભવની પળોજણ, મારું માનો ને; આજ પાણી માટે; કાલ શેઢા માટે; પરમ દી’ મારગ માટે, રોજ ને રોજ કજિયા…’ કજિયાનું મોં કાળું’ મારું માનો” કહી હંસાએ એક સાથે પ્રશ્નોનું પોટલું છોડી જ નાખ્યું અને આગળ બોલી, “કાંય કઝ્યો એક થોડો સે! ખેડમાં તો આખો ભવ પળોજણ જ સે ને! મલક દા’ડે દી’ નતનવા ગતકડાં કાઢે જાય સે… ને આપણને ખુવાર કરતા જાય સે… બધુંય વિલાતી થૈ ગ્યું સ… વિલાતી ખાતર, વિલાતી દવાયું અને એમાંય ઓસામા પૂરું વિલાતી બિયાણું તો મૂવું વાંઝ્યું… તે દર વરહે નવું જ ઓરવું પડે, ઈ’ય પાસું મોંઘુંદાટ… ઈ ઊગે તંય ઊગ્યું કે’વાય… અને નો ઊગે તો ગાઠનું ગોપીચંદ જાય અને આપડી મે’નત જાય હંધી પાણીમાં… આંય આપણને ઘડીકે’ય નથી મળતું પગવાળીન્ બેહવા કે, નથી મળતું પેટ ઠારીન્ પૂરું ખાવા ધાન…આંય આપડે તો નૈ ઘરનાં કે નૈ ઘાટનાં… હું તો હવે ગળોગળ આવી ગઇ સું…” હંસાએ હારોહાર બળાપો જાણે ઠાલવી જ દીધો.
“એમાંય જો કાંય બાકી રે તો જધામણનો વરસાદ નકરાં સબરડાં જ કરે જાય, બે-પાંચ છાંટા પડે નૈ કાં તો કજાતનો વરહી ધરાય, ઘડીક વરહે તો સુંયે ઈ’નાં બાપનું લૂંટાય જાવાનું હશે? મારી તો હાવ હરમત જ ખૂટી ગઇ સે. ઊંઘી પાલી’ય ધાન પાકતું નથી ને રાતના ઉજાગરા વેઠવાનાં, રેઢિયાર ઢોરની બીક, માલઢોરવાળા વાડે છીંડા પાડે ને પાછી રોઝડાની’ય એટલી રંજાડ… એમાંય જો ભૂલેચુકે રોગ જીવાત આવી ભરાય તો રાતોરાત ધનતફનત કરી મૂકે… હાલો માની લીધું કે વરહ પાણી હારું થ્યું ને થોડું-ઘણું પાક્યું’ય ખરું પણ જે દી’ તે દી’ વેચવા કાઢીએ તંય ઈ’ની માનાં હાંઢ વેપારા ભાવ આપે તો ધરાયને ધાન ખાવા પામવીને!-” હજી હંસા આગળ બોલવા જતી હતી. ત્યાં રવજી વચ્ચે જ બોલી પડ્યો,”બસ કર મારી મા, બસ ખમયા કર… કાલ તો થાવા દે… કે અટાણે જ શે’રમાં હાલતું થાવું સે?” હંસા એક પણ શબ્દ બોલી ના શકી.
રવજી છેલ્લી વખત ખેતરમાં આંટો મારવા ગયો. ખેતર વચ્ચોવચ રવજી ગોઠણભર બેસી પડ્યો, આંખમાંથી આંહુડાની ધાર થઈ. રવજીને ઊભા મોલને છોડતાં જીવ નહોતો ચાલતો છતાં પણ હૈયા પર પથ્થર મૂકીને કૂવા તરફ ગયો. કૂવાનાં કાંઠે ઓઈલ એન્જિનની બાજુમાં હેન્ડલ પડ્યું’તું. રવજીની નજર હેન્ડલ પર ગઈ, ધીરેધીરે નજીક જઈને હેન્ડલ હાથમાં લીધું. કૂવામાં હેન્ડલનો દાઝભર્યો સીધો ઘા કર્યો, “મૂઉં.”
કૂવામાંથી ધુબાંગ કરતો અવાજ ઉછળીને પાછો કૂવામાં જ સમાઈ ગ્યો.
* * *
શબ્દાર્થ :
છેયવાતે = કોઈવાતે
શાતવાર = ક્ષણવાર
ભરોડા = પાણીની ખેંચના લીધે જમીનમાં પડેલાં તરડા
મંગણ = જગ્યા, માગ
હમાત = સમાત
બૂકડાં = કોળિયાં
ઓડા = ચાડિયા
સરાહ = શોખ
હરમત = હિંમત
લેખક: નીલેશ રામજીભાઈ ગોહિલ
ગામ: હાથસણી, તાલુકો: વીંછીયા
જિલ્લો: રાજકોટ, પીન નં: 360055
મો. નંબર: +91 72658 76307
AJ NA KHEDUT NA HAL-EHVAL. SEND COPY TO AGRICLUTER DEPT OF CENTREL GOV. MIGHT BE OPEN THEIR CLOSED EYES. EXCELLENT STORY.
જબરદસ્ત અને વાસત્વિક કરુણ દ્રસ્ય
તળપદી ભાષામા સંવેદનશીલ સ રસ વાર્તા
વાંચવા માં ખુબજ આનંદ આવ્યો