આઝાદી ! ! ! (ગીત) ~ કૃષ્ણ દવે

આઝાદી ! ! !

આવી આઝાદી બોલ બીજે ક્યાંય છે ?
પોલીસને પથ્થરથી મારી શકાય છે
ને પાછો તું ક્યે છે અન્યાય છે ?
આવી આઝાદી બોલ બીજે ક્યાંય છે ?

આંદોલન આંદોલન જ્યારે રમ્યો છો
ત્યારે સળગાવી બસ તોય રોક્યો ?
વર્ષોથી રેલવેના કાચને તું ફોડે છે
તોય તને કોઈ દિવસ ટોક્યો?
એવો તે કેવો તું ભાગ્યશાળી છો
કે તારા મનગમતાં નાટક ભજવાય છે ?
આવી આઝાદી બોલ બીજે ક્યાંય છે ?

ધારે તે આવીને ઉઠ્ઠા ભણાવે
તારી ભોળપથી દેશ આ મહાન છે !
તું ક્યાં જાણે છે કોને હિંસા કહેવાય ?
અને તું જે કરે તે તોફાન છે ?
કેટલીક આંખોને ચોકી સળગે
તો એને અજવાળે ખુરશી દેખાય છે.
આવી આઝાદી બોલ બીજે ક્યાંય છે ?

~ કૃષ્ણ દવે

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. કવિશ્રી કૃષ્ણ દવેનુ સુંદર કટાક્ષ કાવ્ય
    કેટલીક આંખોને ચોકી સળગે
    તો એને અજવાળે ખુરશી દેખાય છે.
    આવી આઝાદી બોલ બીજે ક્યાંય છે ?
    ખુરશી ભુખા નેતા પર સટિક પ્રહાર