સંકેત બે આંખોનો (એકોક્તિ) ~ સુષમા શેઠ (લખ્યા તારીખ : ૨૬ જાન્યુ. ૨૦૨૧)

Photo Courtsey
livewire.thewire.in

બ્રિગેડિયર તરફથી મને તમામ સૂચનાઓ મળી ગઈ હતી. અમાસની રાત્રે અંધકારની પછેડી ઓઢી, રૉ-એજન્ટે ચીફને દર્શાવેલ દુશ્મનોની એ છૂપી છાવણીના સ્થળે સુરંગ માર્ગે પહોંચવામાં, એકમાત્ર હું અને વિરાટ શર્મા સફળ રહ્યા હતા.

જમીન પર પેટને આધારે લપાતાછૂપાતા કોઈનીય નજરે ન ચડું તે રીતની પોઝિશન લઈ મેં ચોક્કસ ટારગેટ તરફ મારી કારતૂસ ભરેલી રાઈફલ તાકી અને ધડાધડ ગોળીઓ છોડવા માંડી. સામે પેલોય ગાંજ્યો જાય તેવો નહોતો. શક્તિશાળી અને અત્યંત બાહોશ દુશ્મન સામે મારા જેવા એક સૈનિકનું શું ગજુ? પરંતુ પ્રભુનું નામસ્મરણ કરતાં જ મારામાં અચાનક જોમ ઊભરાઈ આવ્યું. ફિલ્ડમાર્શલ જનરલ માણેકશાએ પૂછેલ સવાલ, “હાઉ ઈઝ ધ જોશ?” કાનોમાં ગુંજ્યો. તેમનો

કરડી આંખોવાળો મૂછાળો સખત ચહેરો મારી નજર સામે તરવર્યો. અમારાં ઉન્નત મસ્તકે રૂઆબભેર આપેલ જવાબ, “હાઇ સર”ના પડઘા ચારે તરફ પ્રસરીને ઠંડી હવામાં ગરમાવો ફેલાવતા રહ્યા. મારી રગોમાં ધસમસતું ગરમ લોહી ઝડપભેર વહેવા માંડ્યું.

‘હવે તો આ પાર કે પેલે પાર.’ મેં નિર્ણય કરી જ લીધો. ત્વરાથી દોડી જઈ, એક ખખડધજ ખંડેરની દિવાલની આડશે ઊભા રહીને પછી તો દે માર… મેં કેટલાયના ઢીમ ઢાળી દીધા. મારા કમનસીબે મારો સાથીદાર વિરાટ દુશ્મનોના હાથમાં ઝડપાઈ ગયો.

મારાથી અન્યાય જરાય સહન ન થાય. શૂરવીર તો હું પહેલેથી જ હતો. મારું વિશાળ પહાડી કદ પણ મારા મિજાજને છાજે તેવું હતું. જાણે મને, જન્મજાત મળેલ કુદરતી બક્ષિસ. વળી પ્રભુ પ્રત્યે મને અડગ આસ્થા અને પ્રેમ. તેમાંય મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામનો હું પરમ ભક્ત.

બાળપણમાં મા ગુમાવી ત્યારથી પ્રતિજ્ઞા લીધી હતી કે હવે તો ભારત જ મારી માતા અને જ્યાં હું જન્મ્યો તે મારી વહાલી ભૂમિ માટે પ્રાણની આહુતિ આપવી પડે તો આ બંદો સદૈવ તૈયાર રહેશે. એન.ડી.એ.માંથી લશ્કરમાં જોડાયા બાદ બી.એસ.એફ.માં આર્મી કમાન્ડો તરીકે સ્થાન મળ્યું. ત્યારથી મજબૂત શરીરને કસીને વધુ ખડતલ બનાવી દીધું હતું. મેં મનમાં એકમાત્ર ધ્યેય સ્થાપિત કરેલું કે કોઈ પણ ભોગે દેશની રક્ષા કરવી અને મને સોંપાયેલ કાર્ય નિષ્ઠાપૂર્વક પાર પાડવું.

ભૂતકાળ વાગોળવાનો કે બીજું કંઈ જ વિચારવાનો એ સમય નહોતો. દુશ્મનની એક ગોળી સનનન… કરતી મારા ડાબા ખભા પરથી ઘસરકો કરતી નીકળી ગઈ. વહી જતી રક્તધારાને અવગણીને હું સામી છાતીએ એમની છાવણી તરફ આગળ વધ્યો. મારી માભોમનો અતિ રળિયામણો પ્રદેશ દુશ્મનો હડપ કરી જાય તે શી રીતે સહન થાય?

‘મારી વહાલી ધરતીનો એક પણ ઈંચ પચાવી પાડવા નહીં  દઉ.’ ખુન્નસને લીધે દાંત ભીંસીને હું બોલી પડેલો. મારી આંખોમાં લોહી ધસી આવ્યું. મેં રાઈફલ પરની પકડ વધુ મજબૂત કરી. ‘એક-એકને વીણી વીણીને મારીશ.’ હું મનોમન બોલ્યો. કમરે ભરાવી રાખેલ હેન્ડગ્રેનેડની સેફ્ટીપીન ત્વરાથી ખોલી. તેનો વાલ્વ ખોલીને બને તેટલા જોશથી સામેની તરફ ફંગોળ્યું. અમુક સેકન્ડ બાદ ધડાકાભેર વિસ્ફોટ થયો.

ઈ.સ. ઓગણીસસો એકોતેરની આ વાત છે. દુશ્મન દેશ સાથેના યુદ્ધની ઘોષણા થઈ ચૂકી હતી. હું સરહદની પેલે પાર હતો. આસપાસ ફૂટતા બોમ્બવિસ્ફોટના ધડાકા મને મારી ફરજથી વિચલિત કરવા માટે અસમર્થ હતા.

વતનમાં રહેતા મારા ઘરડા બાપુજી, કોડભરી યુવાન પત્ની અને નાનકડી લાડકી દીકરી ખુશી કરતાંય અત્યારે મારે માટે મહત્વ હતું, માતૃભૂમિનું ઋણ  ચૂકવવાનું. લશ્કરમાં જોડાયો ત્યારથી દિલમાં એક જ અભિલાષા લઈ જીવ્યો કે જે માટીમાં હું જન્મ્યો તેને માટે ફના થઈ જવું. એ મારો ધર્મ અને એ જ મારા માટે ગર્વની વાત હતી. આ માટીને મેં માથે ચડાવી સોગન લીધા હતા કે મારું જીવન મારા દેશને સમર્પિત રહેશે અને છેલ્લા શ્વાસ પર્યંત તેને વફાદાર

રહીશ. આપણા તિરંગાને હું અભિમાનપૂર્વક સલામ ભરું.

મિત્રોએ મારું નામ જયમલને બદલે જટાયુ કરી નાખેલું. હા, પક્ષીરાજ જટાયુ. રામાયણના મહાગ્રંથનું નાનકડું પરંતુ મહત્વનું એક પાત્ર. હું એવો જ હતો. દુશ્મનને હંફાવનાર, એક લોહી-તરસ્યા, માંસ ચૂંથતા ગીધ જેવો જ ખૂંખાર.

પાનાંના પાનાં ભરેલી વીરગાથાઓમાં મારો અછડતો ઉલ્લેખ ચાર લીટીમાં સમાઈ જાય. અમારા જેવાના માત્ર નામોલ્લેખ જ હોય પરંતુ તેનો મને કોઈ રંજ કે વસવસો નથી. દુશ્મનને મેં સખત લડત આપીને માત આપી પરંતુ…

પરંતુ પેલી બે લાગણી નીતરતી આંખો! તેની સામે મારા બધાં હથિયાર હેઠા મૂકાઈ જતા અને હું હારી જતો. મારું મગજ મારા મનને પૂછતું, ‘શું તેમના પ્રત્યે તારી કોઈ ફરજ નથી?’ મન અને મગજ વચ્ચે ઘર્ષણ થતું. રણભૂમિમાં સદાય જીતતો હું, મારી જાતને પૂછાતા સવાલો સામે હારી જતો. ખેર! જવા દો, હવે તેનો વસવસો કર્યે શું વળે?

મેં મારા સાથીઓને દિશાનિર્દેશ આપવાનું પુણ્ય પ્રાપ્ત કર્યું. તે અમારી જીતનો એક મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. જાણું છું, મેં શહીદી વહોરી લીધી છે. અંતે મારી અદમ્ય ઈચ્છા મુજબ મારી જન્મભૂમિની સોનેરી માટીમાં મારો દેહ ભળી જશે.

‘મારા સાથીદાર વિરાટની શું હાલત થઈ હશે?’ વિચારતાં કમકમાટી છૂટી જાય છે. મારી નજર સામે દુશ્મન દેશના જવાનોએ તેને પેટ પર લાતો મારી અને ઘસડીને લઈ ગયા. હું કંઈ જ ન કરી શક્યો. તેને બચાવવા જતાં, મારા પકડાઈ જવાની આશંકા હતી.

સૌને વડીલોના “આયુષ્માન ભવ:” એવા આશીર્વાદ મળે પરંતુ મારા પિતાશ્રી જ્યારે મને આશીર્વાદ આપે ત્યારે કહેતા, “દુશ્મનના દાંત ખાટા કરી નાખજે પરંતુ રણમેદાન છોડતો નહીં. બેટા, છોને શીશ સમર્પિત કરવું પડે પરંતુ અમારું શિર કદી ઝુકે નહીં તે જોજે.”  મેં તે જ જોયું. અર્જુનને પક્ષીની આંખ માત્ર દેખાતી તેમ મને મારું લક્ષ્ય જ દેખાતું. એ સિવાય બીજું કશું જ નહીં.

પત્નીએ મારા લલાટે તિલક કરી હસતા મુખે વિદાય આપતાં કહેલું, “વિજયી ભવ:”

એક ફૌજી જવાનની પત્ની હોવાના તેજથી ચમકતી તેની અભિમાન આંજેલી બે આંખો મને દેખાયા કરતી જે મારો જોમ અને જુસ્સો વધારી દેતી.

તે નિર્દોષ આંખોની પાછળ એક પ્રશ્ન ડોકાયા કરતો, “પાછા ક્યારે આવશો? હેમખેમ આવશોને?”

બસ, તે એક સવાલનો જવાબ હું ક્યારેય ન આપી શકતો. અમારી લાડકીનું નામ અમે ખુશી પાડેલું કારણ કે તે અમારા જીવનમાં અઢળક ખુશીઓ લઈને આવેલી.  વહાલી નાનકડી ખુશીને હવામાં ઊછાળીને રમાડતો ત્યારે કહેતો, “મારી મીઠી ઢીંગલી, તું મને જવા નહીં દે. પરંતુ હું પાછો આવીશ, જરુર આવીશ.”

તેની બે નાનકડી આંખોમાં સદા એ સવાલ ડોકાતો રહેતો, “આવશોને પપ્પા? આપણે સંતાકૂકડી રમીશું. મસ્તી કરીશું. મને તમે બહુ બહુ ગમો છો હં.” અને તેની એ આશાઓથી ભરેલી નિર્દોષ બે આંખો મને ઢીલો પાડી દેતી. હું મોઢું ફેરવી લેતો. મેં બોલેલું તો પાળ્યું જ. હું રાષ્ટ્રધ્વજમાં લપેટાઈને ઘરે પાછો આવ્યો. તે બોલી હશે, “પપ્પા, આવી સંતાકૂકડી રમવાની? કે હું તમને શોધી જ ન શકું? જાઓ તમારી કીટ્ટા.”
~
મારી  પીઠ પાછળ એક પ્રચંડ ધડાકો થયો. ચારે તરફ આગની જ્વાળાઓ વચ્ચે હું ઘેરાયેલો હતો. આકાશમાંથી જાણે અગ્નિવર્ષા વરસતી હતી. કાનના પડદા ફાડી નાખે તેવી ધણધણાટીઓથી ગુંજતું વાતાવરણ મનમાં ચીરો પાડતું હતું. નાસભાગ અને ઘાયલ જવાનોની ચીસો વચ્ચે હું સરહદ તરફ દોડી રહ્યો હતો. બરાબર છાતીની ઊપર મારા ડાબા ખભામાંથી સતત વહેતું લોહી બંધ થવાનું નામ નહોતું લેતું. બૂટ ચીરાઈ જવાથી જમણા પગમાં પેસી ગયેલી કાચની કરચોને લીધે અસહ્ય પીડા થતી હતી. મારી સામે દુશ્મનની ટેંક ધસમસતી આવી રહી હતી. અમારી તોપ તેમની રેન્જ બહાર હતી. કમનસીબે મારી બટાલિયનથી હું છૂટો પડી ગયેલો. આગળ વીસેક ફૂટના અંતરે દુશ્મનોની છાવણી હતી જે અમારી બરબાદીનો પોકાર કરી રહી હતી. હા, મને જાણ હતી કે તેમાં હેન્ડગ્રેનેડ અને આર.ડી.એક્સ.નો જથ્થો વિપુલ માત્રામાં રાખેલો હતો.

સમયસૂચકતા વાપરી, જમીન પર આળોટી હું નજીકના બંકરમાં ભરાઈ ગયો. ‘જીવતો રહીશ તો બીજા દસ પંદરનો ખાતમો બોલાવી દઈશ અને પેલી છાવણી…’ વિચારી મેં આગળની વ્યૂહરચના ઘડી લીધી. દુશ્મનોની ટેંક પસાર થઈ ગયા બાદ હું બંકર બહાર નીકળ્યો. મારી પાસેની ટોર્ચ વડે મેં મારા સાથીઓને દુશ્મનની છાવણીનો નિર્દેશ કરતા સાંકેતિક સિગ્નલ આપી દીધાં. આકાશમાં ચકરાવો લેતા મિગ વિમાને મારા આપેલા સંકેત મુજબ જોરદાર પ્રહાર કર્યો. આકાશી બોમ્બવર્ષા વચ્ચે હું મારી જાતને બચાવતો રહ્યો.

મારા આપેલા એ સંકેતોએ આખી બાજી પલટી નાખી. એર કમાંન્ડર કેપ્ટન રાઠોડે પૂરી સજ્જતાથી દુશ્મન છાવણી પર આકાશમાંથી જબરજસ્ત હુમલો બોલાવ્યો. દુશ્મનોનો ખાતમો બોલી ગયો. હું જાણતો જ હતો કે આવું થશે. હું દુશ્મન છાવણીની ખૂબ નજીક હતો. દોડી જવાની શક્તિ મારામાં નહોતી રહી. જમીન પર ઘસડાતો હું આગળ વધ્યો. મારી આસપાસ પડેલી ક્ષતવિક્ષત  લાશો અને કપાયેલાં હાથપગ પરથી ક્યારેક લંગડાતો, વળી પડતો-આખડતો અને ક્યાંક પેટના બળે ઘસડાતો, આળોટતો હું સરહદની આ તરફ આવી ગયો, આપણા દેશની ધરતી પર. હાશ!

વિરાટની એ લોકો શું હાલત કરશે તે જાણું છું. આપણી ગુપ્ત બાતમીઓ કઢાવવા તેની પર જુલમ આચરવામાં આવશે. સા(લા)ઓ તેના જખમો પર પેશાબ કરશે, થૂંકશે. ગંધાતી અંધારી જેલની કોટડીમાં પૂરતું જમવાનું અને સગવડો નહીં જ મળે. તોય મને ખાતરી છે કે વિરાટ બધી પીડા અને યાતનાઓ સહન કરી પોતાનું મોઢું બંધ જ રાખશે. દેશ માટે મરી ફીટવાની અમારી જેટલી તૈયારી હોય છે, તેટલી જ વફાદારી નિભાવવાની પણ.

મધ્યરાત્રિના ગાઢ અંધકારમાં હું અર્ઘમૂર્છિત દશામાં પડી રહ્યો. મારા આખા શરીર પર જખમોએ રંગોળી ચીતરી દીધી હતી. લશ્કરી યુનિફોર્મ ઠેકઠેકાણેથી ફાટી ગયેલું. બુલેટ-પ્રુફ જેકેટના ચીંથરા થઈ ક્યારનાયે લીરેલીરા ઊડી ગયા હતા. મારા કાળામેશ ચહેરા પર ચમકી ઊઠેલું મલકતું વિજયી સ્મિત અને ગીધ જેવી ઝબૂકતી મારી આંખો આકાશમાં ટમટમતા તારલાંઓને જોઈ રહી હતી. એ તારલાઓમાં મને બે આંખો દેખાઈ. પૂછતી હતી, “પાછા ક્યારે આવશો?” મને તાકતી બીજી બે ચમકતી આંખોવાળી મારી નાનકડી ઢીંગલી પૂછતી હતી, “પપ્પા, જલ્દી જલ્દી પાછા આવશોને?”

મને આંખો દેખાઈ;  મારી વહાલી પત્નીની, મારા પરાવલંબી ઘરડા બાપુજીની. અચાનક મારા ચહેરા પરનું હાસ્ય વિલાઈ ગયું. મારા ચહેરા પર પથરાયેલું નૂર ઝાંખું પડવા માંડ્યું. અંત સમયે સ્વજનો જ દેખાતાં હશે ખરુંને? પછી તો એ અસંખ્ય તારાઓમાં મને આંખો જ દેખાવા માંડી. કોઈ મમતાળુ, કોઈ સ્નેહાળ, કોઈ સસલાં સમી સાલસ, કોઈ હરણી શી ગભરાયેલી, વળી કોઈ આશાભરી મીટ તો કોઈ વડીલ સમી ચિંતાતૂર. સર્વત્ર મને તાકતી અગણિત આંખો! સવાલો પૂછતી આંખો. કડકડતી ટાઢમાં મને પરસેવો વળી ગયો. મારી પાસે તેમના સવાલોનો જવાબ નહોતો.

સુવર્ણરંગી ઊગતી પરોઢ “ભારત માતા કી જય” અને “વંદે માતરમ્”ના ગગનભેદી નારાઓથી ગુંજી ઊઠી. હું ત્યાં જ ઢગલો થઈને ફસડાઈ પડ્યો હતો. અમારી રેસક્યુ ટીમ કે સાથીઓનું મારી તરફ ધ્યાન જાય તે પહેલાં મને સમજાઈ ગયું કે મારી પાસે હવે વધુ સમય નહોતો. મારી પીઠમાં દુશ્મનની ચાર ગોળીઓ ધરબાઈ ચૂકી હતી.

છેલ્લા શ્વાસ લેતી વખતે આસપાસની લાશો જોઈ હું મારી જાતને પૂછતો રહ્યો, “આમાં કોઈ કોઈકનો દીકરો હશે, ભાઈ કે ભત્રીજો હશે, પતિ હશે, પિતા હશે. તેમનીયે કોઈ ક્યાંક રાહ જોઈ રહ્યું હશે. કંઈ કેટલાય અરમાનો પૂરાં કરવાના બાકી હશે. સાથ નિભાવવાના કોલ અને કોડ વેરવિખેર થઈ ગયા હશે. ક્યાંક હું એ માટે જવાબદાર તો નથી ને?’

જાતને પૂછાયેલ મારા સવાલોએ મારું કઠણ કાળજું કકળાવી મૂક્યું. વજ્ર સમાન છાતી રાખી ફરતો હું ભીતરથી પીગળતો ગયો. નારિયેળ ગમે તેટલું કઠણ હોય પરંતુ તેનું કોચલું તોડતાં અંદરથી તો કૂણી મલાઈ અને પાણી જ નીકળે ખરું ને! ભયાનક યુદ્ધના વિરામ પછીનો સન્નાટો વધુ બોજલ અને અકળાવનારો હતો. હું આવા દ્શ્યો જોવા ટેવાયેલો હતો પરંતુ મારી છેલ્લી ઘડીએ મને દેખાતી પેલી આંખો? ઊફ્ફ! બહાર શાંતિ હતી પરંતુ મારી ભીતરના મન અને મગજ વચ્ચે ચાલતા યુદ્ધે ન સમજાય તેવો ખળભળાટ મચાવી દીધો હતો.

પહેલી વાર એવું લાગ્યું કે મારા આત્માને કોઈક હચમચાવી રહ્યું છે. કાળજાની અંદર કશુંક વલોવાતું હતું. મને મારા મોતનો ડર નહોતો. મને વળગેલાં અનેક સંબંધોને અકાળે તરછોડી જવાનો ક્ષોભ હતો. મેં કેટલીયે બહેનોને વિધવા કરી મૂકી હતી. કેટલાય માવતરને નોંધારા અને બાળકોને અનાથ કરવામાં હું  નિમિત્ત બન્યો હતો. છોને એ દુશ્મન હોય. દેશ પરત્વે ફરજ બજાવવામાં, મારી માનવ તરીકેની ફરજ ભૂલ્યો હતો. પારાવાર પસ્તાવાના ભાર તળે દબાતો ગયો. કદાચ આ જ મારી નિયતિ હતી. મારા ગળામાં ગુંગળાતી ચીસ બહાર નીકળી ન શકી. મારી ખુલ્લી આંખના ખૂણેથી એક ગરમ અશ્રુ સરી પડ્યું. આંસુ સાવ આવું ખારું હોય તે મેં પહેલી વાર અનુભવ્યું.

આંખ સદાને માટે મીંચાય તે પહેલાં એક દ્રશ્ય મારી નજર સમક્ષ ઉપસ્યું. એક મસમોટું ગીધ ક્યાંકથી ઊડતું આવીને અમારા બગીચાના ઝાડ પર બેઠું છે. તેની બે આંખો મારી આંખો જેવી જ તીક્ષ્ણ છે. એ મારી દીકરી ખુશીને તાકી રહ્યું છે અને તે ગભરાઈને અંદર દોડી તેની માને બોલાવી કહે છે, “મમ્મી, આને ઊડાડી દે. મને ડર લાગે છે.”

મારી પત્ની ગીધને ઊડાડી દે છે. તે જોઈ સંતાઈને બેઠેલા કેટલાય સફેદ કબૂતરો નિશ્ચિંતપણે પાંખો ફફડાવતા આકાશમાં મુક્ત રીતે ઊડવા માંડે છે.
~
મારા નિષ્પ્રાણ પાર્થિવ દેહને પૂરા સન્માન સહિત રાષ્ટ્રધ્વજમાં લપેટીને ઘરે લાવવામાં આવ્યો છે. “શહીદો અમર રહો”નો નાદ ગુંજી રહ્યો છે. મારા પિતા, મારી પત્ની, મારી લાડકી ખુશી, સૌ સ્વજનો ભીની આંખે પરંતુ ટટ્ટાર રહીને વારાફરતી મને સલામ કરે છે.

સાચું કહું? ખરેખર તો સલામીના હકદાર એ લોકો છે. હું વીરગતિને પામી મારી ધરતીમાતામાં સમાઈ જઈશ પરંતુ તે લોકોએ તો હજુ જીવવાનું છે. એકના એક પુત્ર, પતિ અને પિતા વગર. મારી નીડર ખુમારીને એકવીસ રાઈફલની સલામીનું માન અપાય છે પરંતુ હવે તો એ મરણોત્તર સન્માનો, સલામીઓ, પરમવીર ચક્રો, અશ્રુભીની શ્રધ્ધાંજલીઓ કરતાંય પેલા પાંખો ફફડાવી શાંતિથી ઊડી જતાં સફેદ પારેવડાં મારે મન વધુ મહત્વના છે, જે આવી કેટલીયે “ખુશીઓ”ને મનગમતાં છે.

ફરી મને પ્રશ્નો પૂછતી પેલી અસંખ્ય આંખો દેખાય છે. હું જવાબ આપું છું, “અમારું લોહી તમારા જેવું જ છે. અમારા શરીરમાં તમારા સૌ જેવું જ ધડકતું હ્રદય છે. દેશ ખાતર અમે ફૌજીનું લેબલ અને મેડલ લઈ ફરીએ છીએ પરંતુ અમે “ફક્ત” ફૌજી જવાનો જ નથી, તે ઉપરાંત પણ કંઈક છીએ.” કદાચ એ મોટા કિમતી લેબલ નીચે સામાન્ય મન ધરાવતો માણસ ઢંકાઈ જાય છે. તેનો દેશપ્રેમ કુટુંબપ્રેમ પર હાવી થઈ જાય છે. બીજી દરેક લાગણીઓ સામે ફરજનું ભારેખમ પલડું નીચું નમી જાય છે. 

હું વિચારતો રહું છું અને હાર ચડાવેલો મારો હસતો ફોટો મને ઢંઢોળીને કહે છે, “તું છે માંથી હતો થઈ ગયો.”

પરંતુ એ કોઈને સંભળાતું નથી. દેશની ભાગોળ અને ભૂગોળ બદલવા ઉત્સુક સત્તા માટે લડતા વિશ્વના નેતાઓના બહેરા કાને કશું જ અથડાતું નથી. શાંતિ શબ્દ ભાષણોમાં જ સંભળાય છે. અમર શબ્દ પોતે જ મરી ગયો છે.

બાજુના ફળિયામાં કોઈ ભજનિક પેલું જાણીતું ભજન લલકારે છે, “રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યા રે…”

મારી શબપેટી ઊંચકાય છે, સગાંવહાલાઓ બોલે છે, “રામ નામ સત્ય હૈ.” હસવું કે રડવું તેની અવઢવમાં સામે હાથ જોડી મારાથી જવાબ અપાઈ જાય છે, “ઓમ શાંતિ.” શોરબકોરમાં મારો અવાજ દબાઈ જાય છે. શું એ સંભળાય છે કોઈને કે પછી બધાંય પોતપોતાની ફરજ પૂરી કરવામાં જોતરાયા છે?  રામ જાણે! મારું પાર્થિવ શરીર આ ભૂમિને સોંપી દીધું. તેની પવિત્ર માટીમાં એ ભળી જશે પરંતુ હું જતાં પહેલાં મારી સઘળી મનોવ્યથા તમારી સમક્ષ ઠાલવી દઈ હળવો બની જઉં. ચાલો, હવે જાઉં, અલવિદા દેશવાસીઓ, મારું બલિદાન એળે ન જાય તે જોજો. શરીરની કેદમાંથી મારો આત્મા હવે મુક્ત થઈ રહ્યો છે.

~ સુષમા શેઠ
(૨૬ જાન્યુ. ૨૦૨૧)

આપનો પ્રતિભાવ આપો..

7 Comments

  1. vishav na behra kan na netao ne kashu temna kane sambhatu nathi. correct. they are worry for their chair. just example for usa president mr. trump. never agree for he lost election. drek ne bhagwane red lohi apel che. kalo-dholo ek hi rang he lahu ka lal. jawan- ne pan family politician jevu apel che. pan khurshi ni stta ma badhu andh-kan ni behash ma behra thai gaya.sambhalutu nathi. jai jwan tari pan temna jevi umid che. patni-balko-ma-bap. same heart pan temna jevu che. lekh vachi netao ni eye open thai to saras. vachvano time kadhe.

  2. Very heart touching………. the wording arrangement is very accurate & beautiful way describe the psychology of one soldier, they are also human & keeping merciful heart with bravo & loyal feelings.

  3. ભાવનાઓની ગડમથલ,કર્તવ્ય નિષ્ઠા અને જીવન ધ્યેયની સાર્થકતાની સરસ કથા.