શ્રીમદ્ ભાગવત કથા, દ્વિતીય સ્કંધ –નવમો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

દ્વિતીય સ્કંધ – નવમો અધ્યાય – “બ્રહ્માજીએ કરેલું ભગવાનના ધામનું દર્શન અને ભગવાને તેમને કરેલો ચતુઃશ્લોકી ભાગવતનો ઉપદેશ” 

ૐ નમો ભગવતે વાસુદેવાય

 (દ્વિતીય સ્કંધના દ્વિતીય સ્કંધ, અધ્યાય આઠમો, “રાજા પરીક્ષિતના વિવિધ પ્રશ્નો – પ્રશ્નવિધિ” અંતર્ગત આપે વાંચ્યું કે, જ્યારે સંતોની સભામાં અત્યંત દીનભાવથી રાજા પરીક્ષિતે જીવનની પરમ મુક્તિ માટેના સોળ મહત્વના મૂળ પ્રશ્નો પૂછીને રાજા શુકદેવજીને હવે આગળ આ પ્રમાણે વિનંતી કરે છે. “હે દેવ શુકદેવજી, હે ભગવન્! હું મૃત્યુની રાહ જોતાં તમારે શરણે આવ્યો છું. હે મહામુનિ, તમે કૃપા કરીને મારી આ સર્વ શંકાઓનું તાત્વિકતાથી નિરાકરણ કરો. હે બ્રહ્મન! તમે મારી ભૂખ કે તરસ, શેનીય ચિંતા ન કરો. હું તમારા મુખારવિંદમાંથી ઝરતી, ભગવાનની લીલાકથાઓની અમૃતવાણીના સર્વ પાપ હરનારા પવિત્ર ઝરામાં ડુબકી મારીને મારા પાપનું પ્રાયશ્ચિત કરવા આતુર છું. તમે કહેતા રહો અને હું શ્રદ્ધાપૂર્વક મારા સમસ્ત અસ્તિત્વને પ્રભુમાં લીન કરીને શ્રી હરિની લીલાઓની કથા સાંભળીશ.” 

આમ શુકદેવજીને ભગવાનની લીલા કથાઓ કરવાની પ્રાર્થના કરી ત્યારે શુકદેવજી પ્રસન્ન થયા. તેમણે રાજા પરીક્ષિતને ઋષિપુત્રના શાપ થકી સાત દિવસમાં મળનારા મૃત્યુકાળને મુક્તિકાળ બનાવી શકાય એ માટે વેદતુલ્ય, એ જ શ્રીમદ ભાગવતપુરાણ સંભળાવ્યું, જે બ્રહ્મકલ્પના આરંભ સમયે સ્વયં ભગવાને બ્રહ્માજીને સંભળાવ્યું હતું. તે જ સમયે ભગવાને એમના થઈ ચૂકેલા અને હવે થનારા સર્વ અવતારોની લીલા કથાઓ પણ નિશ્વિતપણે આલેખી હતી. આ સાથે ભગવાન શુકદેવજી, પરીક્ષિતે પૂછેલા સર્વ પ્રશ્નોના જવાબો પણ આપવા લાગ્યા. હવે અહીંથી વાંચો આગળ, દ્વિતીય સ્કંધ, અધ્યાય નવમો, “બ્રહ્માજીએ કરેલું ભગવાનના ધામનું દર્શન અને ભગવાને તેમને કરેલો ચતુઃશ્લોકી ભાગવતનો ઉપદેશ”)

સૂતજી કહે છે- આ સાંભળીને શુકદેવજી અત્યંત પ્રસન્ન થયા અને પરીક્ષિતને બ્રહ્મજ્ઞાન આપતાં આ પ્રમાણે કહે છેઃ

શુકદેવજી- જીવન એક સ્વપ્ન છે અને સ્વપ્ન જોતાં હોઈએ ત્યારે સપનું અને સ્વપ્નદ્રષ્ટા, એ સમય પૂરતા એક માયામાં બંધાયેલા હોય છે. અસલમાં તેઓ એકરૂપ નથી હોતા. બિલકુલ એ જ રીતે ભૌતિકતામાં જીવાતું જીવન દ્રશ્યમાન શરીર દ્વારા જીવાય છે કે ભોગવાય છે પણ અંદરના આત્માનો માત્ર માયા પૂરતો જ એ શરીર સાથે સંબંધ હોય છે. જીવનની માયા સંકેલાઈ ગઈ અને આત્મા શરીર છોડીને શરીરની બહાર નિર્લેપતાથી નીકળી જાય છે. આ માયાને કારણે જ જીવ તેના ગુણોમાં રમમાણ થાય છે અને “આ મારું છે, આ તારું છે” એમાં રાચવા લાગે છે. જીવાત્માનું વાસ્તવિક સ્વરૂપ તો નિર્વિકાર છે. જીવતેજીવ આત્મા જ્યારે નિર્મોહી થઈ જાય છે ત્યારે એ ત્રણેય ગુણો તરફ પૂર્ણ ઉદાસીન થઈ જાય છે. આ માયાની વાત સમજાવવા જ ભગવાને બ્રહ્માજીના નિષ્કપટ તપથી પ્રસન્ન થઈને પોતાના રૂપનું દર્શન કરાવ્યું અને આત્મતત્વનો ઉપદેશ કર્યો. હે પરીક્ષિત તમારા સવાલોના જવાબ રૂપે એ જ આત્મતત્વનો ઉપદેશ તમને એની કથા સહિત કહી સંભળાવું છું તો ધ્યાનથી સાંભળજો.

આદિદેવ બ્રહ્માજી પોતાના ઉત્પત્તિસ્થાન કમળ પર બેસી સર્જનની ઈચ્છા કરીને વિચારી રહ્યાં હતાં કે સૃષ્ટિનું આગળ નિર્માણ કઈ રીતે કરવું. એ સમયે પ્રલયના સમુદ્રમાંથી એમને સોળમો અને એકવીસમા વર્ણનો ઉચ્ચાર ‘ત’ અને ‘પ’ એમ બે વાર સંભળાયો. બ્રહ્માજીએ એને ઈશ્વરની આજ્ઞા માની અને કમળ પર તપ કરવા બેસી ગયા. તેમણે એ સમયે એક હજાર દિવ્ય વર્ષો સુધી એકાગ્ર ચિત્તે પોતાનાં પ્રાણ, મન, કર્મેન્દ્રિયો, અને જ્ઞાનેદ્રિયોને વશ કરીને એવું તપ કર્યું કે જેથી તેઓ સમસ્ત લોકોને પ્રકાશિત કરવાને સમર્થ થઈ શક્યા. તેમના આ તપથી પ્રસન્ન થઈને ભગવાને બ્રહ્માજીને પોતાના દિવ્ય ધામના દર્શન કરાવ્યા. આ સર્વશ્રેષ્ઠ લોકમાં ક્લેશ, ભય, કે મોહ નથી. અહીં રજોગુણ, તમોગુણ કે સત્વગુણ નથી. અહીં, કાળનો અને માયાનો પ્રભાવ નથી. અહીં આ પવિત્રધામમાં ભગવાનના પાર્ષદો વસે છે. એમનું પૂજન દેવો અને દાનવો બંને કરે છે. આ પાર્ષદો પણ ભગવાનના જ વર્ણના છે. તેમનું શામળું શરીર છે. કમળ જેવાં નેત્રો છે અને ચાર ભૂજાઓ છે. તેઓ અત્યંત કાંતિવાન અને કોમળ છે. ભગવાનનું ધામ તો સાચા અર્થમાં સર્વ મહાત્માઓના દિવ્યતા અને તેજોમયતાથી દીપી રહ્યું છે. એવા વૈંકુઠલોકમાં લક્ષ્મીજી સુંદર રૂપ ધારણ કરીને પોતાની વિવિધ વિભૂતિઓ વડે ભગવાનના ચરણકમળોની અનેક પ્રકારે સેવા કરતાં રહે છે અને ભગવાનના ગુણગાન કરતા રહે છે.

બ્રહ્માજી જુએ છે કે એ વૈંકુઠલોકમાં સમસ્ત ભક્તોના રક્ષક લક્ષ્મીપતિ, યજ્ઞપતિ અને વિશ્વપતિ ભગવાન વિરાજેલા છે. સુનંદ, નંદ, પ્રબલ અર્હણ વગેરે મુખ્ય પાર્ષદો પ્રભુની સેવા કરી રહ્યા છે. પ્રભુના મુખ પર અદભૂત તેજ છે, કાંતિ છે, કરૂણા છે અને એમના કમલનયનોમાંથી ભક્તો માટે પ્રેમ છલકી રહ્યો છે. ભગવાનને જોતાં એવું લાગે છે કે તેઓ પ્રેમી ભક્તને પોતાના સર્વસ્વનું દાન કરી દેશે. એમના મસ્તક પર મુગટ, કાનોમાં કુંડળ અને પીતાંબર શોભી રહ્યા છે. પુરુષ, પ્રકૃત્તિ, મહત્તત્વ, અહંકાર, મન, દસે દસ ઈન્દ્રિયો, શબ્દ આદિ પાંચ તન્માત્રાઓ અને પંચ મહાભૂતો- આમ આ પચ્ચીસ શક્તિઓ મૂર્તિમંત થઈને તેમની ચારે બાજુએ ઊભી છે. સમગ્ર ઐશ્વર્ય, ધર્મ, કીર્તિ, શ્રી, જ્ઞાન, અને વૈરાગ્ય – આ છ નિત્યસિદ્ધ સ્વરૂપભૂત શક્તિઓથી તેઓ સર્વદા યુક્ત રહે છે.

એવા સર્વેશ્વર પ્રભુ પોતાના નિત્યાનંદમાં નિરંતર નિમગ્ન રહે છે. ભગવાનના ધામનું અને ભગવાનનું આવું દર્શન કરતાં બ્રહ્માજીનું અંતઃકરણ આનંદના અતિરેકથી છલોછલ ભરાઈ આવ્યું અને એમની આંખોમાંથી પ્રેમાશ્રુઓ વહી નીકળ્યાં. ગદગદ થયેલા બ્રહ્માજીએ ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા અને પ્રજાના સર્જન સારુ પ્રભુનો આદેશ માંગ્યો. આ સાંભળીને ભગવાન ખૂબ જ પ્રસન્ન થયા અને મધુર વાણીમાં ભગવાન બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્માજી! સર્વ વેદો તમારામાં વિદ્યમાન છે. તમે હજાર દિવ્ય વર્ષો સુધી સમ્યકતાથી તપ કરીને તમારી ધીરતા, ગંભીરતા, વિવેકબુદ્ધિ અને સંયમથી સર્જનની પ્રક્રિયા માટેની યોગ્યાતા સિદ્ધ કરીને સર્જનનો અધિકાર મેળવ્યો છે. તમારું કલ્યાણ થાઓ અને તમારી જે અભિલાષા કલ્યાણકારી હોય તે સઘળી પૂર્ણ થાઓ. તમારા તપ અને અગાધ ભક્તિથી જ તમને આ વૈંકુઠલોકનું દર્શન થયું છે. તમે સર્જનની પ્રક્રિયાને લઈને જ્યારે દ્વિધામાં હતા ત્યારે મેં જ તમને તપ કરવાની આજ્ઞા આપી હતી કારણ કે સૃષ્ટિના સર્જન માટે આવશ્યક એવા વિવેકબુદ્ધિ અને સંયમ હોવા જરૂરી છે અને એને માટે એકાગ્રતા, નિર્મોહીપણું અને જાગરૂકતા હોવા જરુરી છે. આ બધું મેળવવા અને એકાગ્રતા તથા પાત્રતા કેળવવા તપ આદર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. તમે અઘોર તપ કર્યુ છે અને હું તમારા પર અત્યંત પ્રસન્ન છું.

બ્રહ્માજી વિનમ્રતાથી કહે છે કે હે ભગવન્! આપ તો સમસ્ત ચર અચરમાં વિરાજો છો. આપે મારા મનની વાત જાણીને મને એ વાત પૂરી કરવાનો અધિકાર આપ્યો એ બદલ હું ક્રૂતાર્થતા અનુભવું છું. આપ મારા પર એવી કૃપા કરો કે હું સજાગતાથી અને સમજપૂર્વક આ સૃષ્ટિનું સર્જન કરી શકું અને સૃષ્ટિની રચના સમયે મારા મનમાં કર્તાપણાનું અભિમાન કદી ન આવે અને હું અજન્મા છું, અને સર્વોપરી છું એવો ગર્વ કદી ન આવે. બસ, આપનો આ વરદ હસ્ત મારા શિરે કાયમ રહે.

આ સાંભળીને ભગવાન બ્રહ્માજીને વરદાન આપતાં કહે છે કે, હે બ્રહ્માજી, હું તમને મારું સમસ્ત ગોપનીય વિજ્ઞાન અને એનાં રહસ્યથી તમને વિદિત થાઓ એવું વરદાન આપું છું. હું જેટલો છું, જે ભાવો મારામાં છે, જે રૂપ, ગુણ અને લીલાઓથી હું સમન્વિત છું, તે બધા તત્વોનું વિજ્ઞાન તમને મારી કૃપાથી પ્રાપ્ત થાઓ. આ સૃષ્ટિના પૂર્વે પણ હું હતો, એની ઉત્પત્તિમાં પણ હું હોઈશ અને એના નાશ પછી પણ હું હોઈશ. મારૂં પરમતત્વ જાણવા એટલું જાણવું આવશ્યક છે કે પરમાત્મા જ સર્વદેશ અને સર્વકાળમાં વિદ્યમાન છે. તો તમે આમ ઉત્કૃષ્ટ સમાધિ દ્વારા મારા આ સિદ્ધાંતમાં સ્થિત થાઓ જેથી તમે કલ્પકલ્પાંતરોમાં પણ ક્યારેય અને ક્યાં મોહિત નહીં થાઓ.

શુકદેવજી આગળ કહે છે – લોકપિતામહ બ્રહ્માજીને આ પ્રમાણે ઉપદેશ કરીને અજન્મા ભગવાને પોતાના એ રૂપને અદ્રશ્ય કરી દીધું. બ્રહ્માજીએ બે હાથ જોડીને ભગવાનનું સ્મરણ કર્યું અને પહેલા કલ્પમાં જેવી સૃષ્ટિ હતી તે જ રૂપમાં વિશ્વની રચના કરી. એકવાર બ્રહ્માજીના અતિપ્રિય પુત્ર પરમ ભક્ત નારદજીએ ભગવાનની માયાનું તત્વ શું છે જાણવા પિતા બ્રહ્માજીની સેવા કરી અને વિનયપૂર્વક એમને આ જ સવાલો કર્યા કે જે તમે મને કર્યા છે. નારદજીના પ્રશ્નોથી બ્રહ્માજી પ્રસન્ન થયા અને તેમણે દસ લક્ષણોવાળું ભાગવત્ પુરાણનું જ્ઞાન આપ્યું જેમાં ભગવાને તેમને કરેલો ઉપદેશ અને લીલાઓ હતી. હે પરીક્ષિત, મહાભારતના યુદ્ધ પછી જે સમયે મારા પરમ પિતા ભગવાન વેદવ્યાસજી ઉદ્વિગ્ન થઈને સરસ્વતીતટે બેસીને પરમાત્માના ધ્યાનમાં મગ્ન હતા તે સમયે દેવર્ષિ નારદજીએ એ જ ભાગવતપુરાણ તેમને કહી સંભળાવ્યું. હે રાજન, તમારા સર્વ પ્રશ્નોના ઉત્તરરૂપે હુ તમને એ જ ભાગવતપુરાણ કહી સંભળાવું છું.   

શ્રીમદભાગવત મહાપુરાણનો દ્વિતીય સ્કંધનો નવમો અધ્યાય – “બ્રહ્માજીએ કરેલું ભગવાનના ધામનું દર્શન અને ભગવાને તેમને કરેલો ચતુઃશ્લોકી ભાગવતનો ઉપદેશ” સમાપ્ત થયો.

શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. મા.જયશ્રી વિનુ મરચંટની હંમેશ જેમ શ્રીમદ્ ભાગવત કથા, દ્વિતીય સ્કંધ –નવમો અધ્યાય – નો “બ્રહ્માજીએ કરેલું ભગવાનના ધામનું દર્શન અને ભગવાને તેમને કરેલો ચતુઃશ્લોકી ભાગવતનો ઉપદેશ”
    માણવાનો આનંદ