ઝાટકો… (લઘુકથા) ~ ઊર્વી અમીન

‘‘સતત ભૂકંપના ઝટકા સ્હેતી,
આપણા સંબંધની ઇમારત
પછી, ફરિયાદ ના કરીશ
લાગણીની દીવાલ કેમ બીજી બાજુ ઢાળી?’’

જીવી ડોશી રમલીને આદત મુજબ રોજ ભાંડતી હતી, ‘‘મુઈ કમજાત હરામખોર, મારો વંશ જોયા વના જ મુએ જૈસ. કાળમુખી મરતી ય નઈ!’’

રઘલો ખેતરેથી વાળુ ટાણે ખોરડે આયો’તો. રોટલો અને ડુંગળીનો ટુકડો મોંમાં મૂકતાની સાથે પાછી જીવીની આ કચકચ ચાલતી હતી. રઘો કંટાળી રોટલો અને ડુંગળીના વાસણને હડસેલી રમલીને મારવા ઊભો થયો, રમલીને એક અડબોથ લગાવી ખેતરે જવા નીકળી ગયો. મોટાભાગે આ ક્રમ રોજનો હતો.

રમી સવારે વાસીદું પરવારી રોજ નદીકાંઠે મંદિરે દર્શન કરવા જતી. ત્યારે વડને બથ ભરી રડી લેતી. પિયરમાં તો ઓરમાન માએ કહી દીધું હતું કે, ‘‘હવે તો કાંધ નીકળે જ સાસરું છોડજે.’’ એટલે ત્યાં તો જવા વાત કે’વાનો સવાલ જ ન હતો એટલે વડને બથ ભરી રહી લેતી. આ ટે’મ રાવજીનો માટી લેવા જવાનો હતો. રાવજી એટલે રઘલાનો પિત્રાઈ. રમલી માટે સંબંધે દિયર. તે પણ દર્શન કરી કાંઠેથી માટી લઈ કુંભારવાડે જતો. ગાડું હાંકતા રોજ એક દુહો કે અર્થસભર ગીત કે ચોપાઈ ગાતો. કોઈ કોઈ વાર રાવજી પોરો ખાતો પીપળે ટેકો દઈ બેઠો હોય અને રમી પોતાનો ડૂમો કાઢતી હોય. આ દરમ્યાન બેઉ વચ્ચે માત્ર આંખોથી વાત થતી. સતત વધતી જીવીની કચકચને લીધે અને રઘલાની અવગણનાએ આજે પાછી એ રડતી હતી. અને અચાનક રાવજીને જોઈ બોલી ‘‘ભાઈજી હવ નથ સહન થતું. આ જીવ કેટલું વેઠે એકલે પંડે?’’

ગુસ્સો થતા રાવજી બોલ્યો ‘‘આમ રોજ ભાંડવાનું બંધ કર, આ શું માંડ્યું છે! જાતે ફોડ! ને રમલી એ તો જણનારી જ જોર કરે, હમજી?’’

હાકોટા સાથે ગાડું હાંકતા આજે ઇને ચારણ કન્યાની પંક્તિનું પઠન કર્યું અને રમલી મહીં રહેલી ચારણકન્યાને જગાડી. ઘરે જવાના રસ્તે રમલીને સાચે એક નવી જ દિશા મળી.

પે’લીવાર વાળુ ટાણે બોલી, ‘‘મા, ચાલો ચાલો શરૂ કરો હવે ભાંડવાનું એટલે રઘુ આવે અને તમાશો શરૂ થાય.’’ ડોશી સ્તબ્ધ! ‘‘કેમની આ કાળમુખી આજે રણચંડી બની?’’ રઘુએ પે’લી વાર નિરાંતે ખાધું.

બે દા’ડા પાછું જીવીએ વાળુટેમ ભાંડવાનું શરૂ કર્યું. રઘલો જ્યાં હાથ ઉઠાવવા ગયો ત્યાંજ રમલી બોલી ‘‘ચાલો હવે કર સાબિત તારું ‘‘પુરુસાતન!’’ બૈરા પર હાથ ઉગામે એને ગમે તે કેવાય પણ ભડ તો નહીં જ.’’ અને રઘુ સમસમી ગયો.

ગામમાં રમલી અને રાવજીની વાતો કરતા હતા, જે જીવીને ક’ને આવી. રમલી જાણતી હતી પણ તે કંઈ પણ કે’શે તો લોકો વધુ ચગડોળે ચડાવશે એટલે ચુપ હતી, પણ જીવીને તો આ ખજાનો હતો. એક વાર બપોરે જીવીએ રઘુને રમલી અને રાવજીની વાત કરી. અને રોજ એમાં મીઠા મરચા ઉમેરતી ગઈ. હવે તો રઘલાનો જીવ પણ ખૂંચતો હતો. એક રાતે રઘુએ રમલીને પૂછી જ લીધું, ‘‘આ શું માંડ્યું છે રાવજી સાથે?’’ રમી ડર્યા વગર ખૂબ જ સાલસતાથી બોલી ‘‘રઘુ માંડ્યું છે તો તારે હંગાથ. પણ તન વેશ્વાસ ન હોય તો બોલ, કરું દિયરવટુ?’’

અને, ત્યાર બાદ ના તો જીવી કે – ના તો રઘુએ રમલી પર ક્યારેય અવાજનો કે હાથનો ઘા કર્યો.

~ ઊર્વી અમીન  

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. સુ શ્રી સરયૂ પરીખે અમારા મનની વાત કહી…’ગૃહત્રાસથી બચવાનો ઉપાય એ જ છે કે સ્ત્રીએ આંતરશક્તિ સાથે અડગરીતે સામનો કરવાનો, પછી જ બહારથી મદદ મળી શકે.’ધન્યવાદ

  2. ગૃહત્રાસથી બચવાનો ઉપાય એ જ છે કે સ્ત્રીએ આંતરશક્તિ સાથે અડગરીતે સામનો કરવાનો, પછી જ બહારથી મદદ મળી શકે.
    http://www.saryu.wordpress.com થોડાં અનુભવોની વાતો.
    સરયૂ પરીખ