કાફ્કાની બે (અપ્રગટ) બોધકથાઓ ~ બાબુ સુથાર
“વારતા રે વારતા”- (૨૪)
(વિશ્વ સાહિત્યની વાર્તાઓનો આસ્વાદ કરાવતી શ્રેણી )
હમણાં પ્રગટ થયેલાં ચેક લેખક ફ્રાન્ઝ કાફ્કાનાં કેટલાંક અપ્રગટ લખાણોમાં એક બોધકથા છે:
“એક પ્રાણી છે, લાંબી પૂંછડીવાળું. શિયાળ જેવી પૂંછડી છે એને. ઘણી લાંબી. મને એની પૂંછડીને અડકવાનું મન થાય છે. પણ એ શક્ય નથી. કેમ કે એ પ્રાણી સતત ચાલ્યા કરે છે. વળી એને કારણે એની પૂંછડી આમતેમ હલ્યા પણ કરતી હોય છે. આ પ્રાણી કાંગારુને મળતું આવે છે. પણ એ કાંગારુ કરતાં નાનું છે. એટલું જ નહીં, એ સપાટ પણ છે ને લંબગોળ પણ. એનો ચહેરો લગભગ મનુષ્યના ચહેરાને મળતો આવે છે. એના દાંત હાવભાવદર્શક છે. એ ક્યારેક કશુંક છુપાવે છે; ક્યારેક કશુંક પ્રગટ કરે છે. મને લાગે છે કે એ પ્રાણી મને તાલિમ આપવા માગે છે. જો એમ ન હોત તો જ્યારે પણ હું એની પૂંછડીને અડકવા જાઉં ત્યારે એ શા માટે એનું પૂંછડું ખસેડી લેતું હશે અને હું ફરીથી એના પૂંછડાને અડકવાનો પ્રયાસ કરું ત્યારે ફરી એક વાર એનું પૂંછડું પાછું ખસેડી લેવાની એ રાહ જોતું હશે?”
ભોજા ભગતે ‘કીડીબાઈની જાનમાં’ કવિતાના અંતે કહ્યું છે: “કઈ કીડી ને કોની વાત, સંતો કરો રે વિચાર.” કાફ્કા ભગત નથી. પણ જેમ ભગતો ગૂઢ જગતમાં જઈ શકતા હોય છે એમ કાફ્કા પણ એવા જગતમાં જઈ શકતો હોય છે જ્યાં નરી હતાશા, નરી પીડા સિવાય બીજું કશું નથી. બહુ ઓછા સર્જકો માનવનિયતિને ઉઘાડી પાડી શક્યા છે. કાફ્કા એમાંનો એક છે. હું ઘણી વાર કોઈ સર્જક, કોઈ કળાકાર કે કોઈ ફિલસૂફ પર વારી જાઉં ત્યારે કહેતો હોઉં છું: આ માણસ ઈશ્વરના હાથમાંથી માણસનું સત્ય ઝુંટવી લાવ્યો છે. કાફ્કા માટે પણ હું એ એમ કહી શકું. એ માનવનિયતિને લગતાં સત્યો ઈશ્વર પાસેથી ઝૂંટવી લાવીને આપણી સમક્ષ રજુ કરતો હોય છે.
સર્જક માત્ર જે આપણે જોઈ શકતા નથી એ જગતને આપણી સમક્ષ રજુ કરતો હોય છે. કાફ્કાએ પણ એમ જ કર્યું છે અહીં. કાફ્કાએ એના કથાવિશ્વમાં ભાતભાતનાં પ્રાણીઓનો વિનિયોગ કર્યો છે. અહીં પણ એક પ્રાણી છે. એનું કોઈ નામ નથી. એ પ્રાણી આપણા જગતનું નથી. બીજા કોઈ જગતનું હોય તો આપણને ખબર નથી. કથક કહે છે કે આ પ્રાણીને શિયાળને હોય એવું પૂછંડું છે અને એ પૂછડું વળી ઘણું લાંબું છે.
આ પ્રાણીને જોઈને કથકને બીજી કોઈ ઇચ્છા થતી નથી. એને એ પ્રાણીના પૂંછડાને અડકવાની ઇચ્છા થાય છે. આ બહુ મોટી ઇચ્છા નથી. આ ઇચ્છા પૂરી કરવા માટે કોઈ નાણાંની જરુર નથી. પણ પરિસ્થિતિ એ ઇચ્છા પૂરી થવા દે એવી નથી. કથક આ પ્રાણીના પૂંછડાને અડકી શકતો નથી. કેમ કે આ પ્રાણી સતત ચાલ્યા કરે છે. એ સ્થિર રહેતું નથી. કથક સ્થિર છે. એક જ ઠેકાણે બેઠેલો. પ્રાણી અસ્થિર છે. કાફ્કા કદાચ એમ કહેવા માગે છે કે આખું જગત આવા બે વિરોધાભાવનું બનેલું છે. એટલું જ નહીં, કથક એમ પણ કહે છે કે જ્યારે પણ હું આ પ્રાણીના પૂંછડાને અડકવા જાઉં છું ત્યારે એ એનું પૂંછડું ખસેડી લેતું હોય છે. એક બાજુ સતત અસ્થિરતા, બીજી બાજુ સ્થિરતા. વચ્ચે ઇચ્છા. આ છે માણસની નિયતિ.
કથક આ પ્રાણીના દેખાવની વાત કરતાં કહે છે કે એ કાંગારું જેવું લાગે છે. પણ એ કાંગારું કરતાં નાનું છે. વળી સપાટ છે. અને લંબગોળ. અને એનો ચહેરો માણસના ચહેરાને મળતો આવે છે. કૂતરાને કૂતરા જેવો ચહેરો હોય તો આપણને ભય નહીં લાગે. પણ જો કૂતરાને શિયાળ જેવો ચહેરો હોય તો? તો કદાચ આપણને આશ્ચર્ય થશે. પણ જો કૂતરાને માણસ જેવો ચહેરો હોય તો? તો આપણને ભય લાગશે.
કાફ્કા ઓછામાં ઓછું બોલીને અઢળક કહી નાખનારો સર્જક છે. એથી જ તો એ ઘણી વાર પોતાની વાત aphorismsમાં કરતો હોય છે. કાફ્કાના aphorisms વાંચવા જેવા છે. એક aphorismમાં એ કહે છે: “એ માણસે સૂરજ સામે આંગળી ચીંધીને મને કહ્યું કે જો, આ જગતમાં ક્યાંય પીડા નથી; મેં પીડા સામે આંગળી ચીંધીને કહ્યું કે જો, આ જગતમાં ક્યાંય સૂરજ નથી.” કાફ્કાના સર્જનમાં ક્યાંય સૂરજ ઉપસ્થિત નથી. એના કથાવિશ્વમાં પાત્રો કાં તો સપનામાં હોય, કાં તો બંધ ઓરડામાં અને જ્યારે બહાર હોય ત્યારે કાં તો બરફ પડતો હોય કાં તો ધુમ્મસ હોય. અહીં આ બોધકથામાં પણ આપણને એ આડકતરી રીતે તો સૂરજની અનુપસ્થિતિની એટલે કે પીડાની ઉપસ્થિતિની વાત કરે છે. અને એ પીડા પેલા પ્રાણીનો ચહેરો માણસ જેવો હોવાથી બેવડાય છે. વળી આ પ્રાણીને દાંત પણ છે. એ પણ છેતરામણા. ક્યારેક કોઈક ભાવ પ્રગટ કરે, ક્યારેક સંતાડે. અહીં પણ અનિશ્ચિતતા છે.
માનવજગતમાં ચહેરો ખૂબ મહત્ત્વનો છે. ફિલસૂફ વિત્ગેન્સ્ટાઈન કહે છે કે “The face is the soul of the body.” આ પ્રાણીનો ચહેરો માણસના ચહેરાને મળતો આવે છે. આપણે કહી શકીએ કે આ પ્રાણીનો આત્મા માણસના આત્માને મળતો આવે છે.
કથક કહે છે કે મને ઘણી વાર એવું લાગતું હોય છે કે આ પ્રાણી મને કશીક તાલિમ આપવા માગે છે. એક પ્રાણી મનુષ્યને તાલિમ આપે? કાફ્કાને ખબર છે કે કદાચ એવા દિવસો આવશે. એની ઘણી બધી કૃતિઓમાં પ્રાણીઓની ભૂમિકા બદલાઈ જાય છે. Investigations of a Dog વાર્તામાં એક કૂતરો આ પૃથ્વી પરના જીવનની તપાસ કરીને બીજાં કૂતરાં સમક્ષ એનો અહેવાલ રજુ કરે છે. કાફ્કા કહે છે કે જો એ પ્રાણી મને તાલિમ આપવા માગતું ન હોત તો હું જ્યારે પણ એના પૂંછડાને અડકવા જાઉં ત્યારે એ શા માટે એનું પૂછડું ખસેડી લેતું હશે? એ એમ કરીને હકીકતમાં તો મને તાલિમ આપવા માગે છે.
બોધકથાઓ લખવાનું કામ ખૂબ અઘરું છે. કાફ્કાએ આવી અનેક બોધકથાઓ લખી છે. હમણાં એનાં જે અપ્રગટ લખાણો મળી આવ્યાં છે એમાં એક બીજી એક નાનકડી બોધકથા છે. એ પણ સમજવા જેવી છે:
“ઊંડો કૂવો. ડોલને બહાર આવતાં વરસો લાગી જાય. પણ તમે ડોલ અંદર નાખો તો પળમાં પહોંચી જાય. તમે કૂવામાં નમો એ પહેલાં જ. તમને એવું લાગે કે તમે ડોલ હજી હમણાં જ તમારા હાથમાં પકડી છે ને ધબ્બ કરતાં નીચે. પણ, તમે એનો અવાજ નથી સાંભળતા.”
વિચાર કરજો. ભોજો ભગત કહેશે: કયો કૂવો ને શાની વાત, સન્તો કરો રે વિચાર. આ તે કેવો કૂવો જેમાં ડોલ નાખતાં જ તળિયે પહોંચી જાય અને ડોલ બહાર કાઢવા જાઓ તો વરસોનાં વરસ લાગે? શું આપણે બધા જનમ્યા ત્યારથી એક ઊંડા કૂવામાંથી ડોલ બહાર કાઢવાનો પ્રયાસ નથી કરી રહ્યા? તમે વિચારજો.
~ બાબુ સુથાર
કાફ્કાની બેઉ બોધ કથા મા. બાબુ સુથારના આસ્વાદ બાદ સમજ પડી