બે કાંઠાની અધવચ (નવલકથા) પ્રકરણ: ૨૯ ~ પ્રીતિ સેનગુપ્તા

(પ્રકરણ: ૨૯)
કેતકીનો દિવસનો સમય તો ક્યાંય જતો રહેતો, અને એનું ધ્યાન છોકરાંઓમાં જ રહેતું. સુજીત વધારે શાંત થઈ ગયો છે, કે ગંભીર થઈ ગયો છે, જેવી નોંધ એણે તરત લીધી નહતી.

જ્યારે બે-ત્રણ રાતે પણ સુજીત થાક્યો છું, ઊંઘી જાઉં છું, કરીને ચૂપચાપ બૅડરૂમમાં જતો રહ્યો ત્યારે, એની વર્તણૂંકમાંનો ફેરફાર કેતકીને એકદમ જાણે વાગ્યો.

એવું તે શું બની ગયું હશે? કાર્લોસ સાથે બારમાં જવાનું, કે મોટરમાં દારૂ પી લેવાનું બંધ થઈ ગયેલું લાગ્યું. ચાલો, એ તો સારું થયું કહેવાય, પણ હવે એને સુજીત ખૂબ ઉદાસ થયેલો જણાયો.

હવે કેતકીનો જીવ બળવા માંડ્યો. ના, ના, મારે એમને માટે કઠોર રીતે વિચારવું ના જોઈએ. દરેક માણસની અંદર પ્રૉબ્લૅમ હોય, એ પોતે પણ ના જાણતા હોય, તો સામે એને સ્નેહ અને સમજણ તો આપવાં જ જોઈએ.

કેતકીએ નારકોળના લાડુ ખાસ બનાવ્યા. જુઓ, તમને ભાવે છે એવા થયા છે કે નહીં? ચાખી જુઓને.

સુજીત ફીક્કું હસ્યો. એક હાથમાં લીધો, ને પહેલાં સચિનને ખવડાવ્યો. તરત અંજલિ વળગતી આવી. કટકો કરીને એના મોઢામાં મૂક્યો. પછી કેતકીને આપીને કહે, તું ખાઈને બાકીનો મને આપ. એક લાડુ આપણે બધાં પહેલાં શૅર કરીને ખાઈએ.

એ રાતે, કેતકી છોકરાંઓને સુવાડીને, વહેલી બૅડરૂમમાં ગઈ. સ્નેહથી સુજીતનો હાથ પકડીને પૂછ્યું, તમને કાંઈ થયું છે? તબિયત તો સારી છેને?

સુજીત કાંઈ બોલી ના શક્યો. એનું ગળું રુંધાતું હતું. ઊંડા શ્વાસ લઈને, પછી એણે કેતકીને પ્રજીત સાથેની વાત કહી. જે છોકરાને માટે થઈને ફાધર અને અમ્માએ સુજીત અને રંજીતને ઉવેખ્યા હતા, તે છોકરો આવો લુચ્ચો, સ્વાર્થી, અને સાવ સાધારણ નીકળ્યો?

ઉત્તમ ભવિષ્યની આશા સુજીતે નાનપણથી રાખી હતી. એ માટે કેટલું મથ્યો હતો હંમેશાં. કેટલું જતું પણ કર્યું હતું. ને હવે, જાણે એની પાસે કશું બળ નહતું રહ્યું. એ જિંદગી પાસેથી, જાણે પૂરેપૂરો છેતરાઈ ગયો હતો.

કેતકી આ બધું પૂરું સમજી નહીં, પણ એણે સુજીતને સાંત્વન આપવા પ્રયત્ન કર્યો. આપણે આપણી જિંદગી જીવીશું. આપણે સુખી જ છીએને. તમારા કુટુંબીઓ તો પહેલેથી જ દૂર રહ્યાં છે. એમને માટે થઈને તમે દુઃખી ના થતા.

એ રાતે, ઘણા વખત પછી, કદાચ છોકરાં થયાં પછી પહેલી વાર, કેતકીની ઊર્મિઓ ઊંડા પ્રેમથી સભર હતી. એ રાતે, સ્પર્શનો રોમાંચ આરંભના કાળ જેવો હતો.

પછીના દિવસોમાં પણ, કેતકીએ સુજીતની ઘણી કાળજી રાખી. ઘર સાફ હોવું જોઈએ, રસોઈ તૈયાર હોવી જોઈએ, છોકરાં રડતાં કે ધમાલ કરતાં ના હોવાં જોઈએ. સુજીત સાંજે ઘેર આવે ત્યારે ઘરમાં વૅલકમનું વાતાવરણ હોવું જોઈએ, એવી ચોકસાઈ એણે રાખી.

એ પોતે જ એવી હળવી થઈ ગઈ, કે એ આપોઆપ ગાવા પણ લાગી. એ પોતાના પર જ ખુશ થઈ ગઈ. પછી તો દીજીને ગમતાં ભજનો એણે ગાવાં માંડ્યાં. એને લાગ્યું, કે ઘરની હવા પણ શુદ્ધ થઈ રહી છે એ રીતે.

એક વાર, એણે પ્રગ્નાને ફોન કર્યો હતો. તેં તો કશી વાત જ ના કરી, અમે ત્યાં આવ્યાં હતાં ત્યારે.

ભાભી, મારે તમને વાત કરવી જ હતી, પણ અમારા પ્રૉબ્લૅમ હું જ જાણે ભૂલવા મથતી હતી. અને એવો ટ્રાય પણ કરતી હતી, કે કંઇ કરતાં પરિસ્થિતિ જો સુધરે તો. તમે બધાં આવ્યાં ત્યારે સાચે જ ઘણો ફેર પડ્યો પ્રજીત અને મારી વચ્ચે. ઘર ભરેલું હતું, એટલે અમે પણ સ્વાભાવિક બની શક્યાં, એકબીજાં સાથે લડ્યા-ઝગડ્યા વગર વાતો કરી શક્યાં.

પણ ભાભી, તમે ગયાં પછી, થોડા દિવસમાં બધું એનું એ. પ્રજીતની નોકરી છૂટી ગઈ તો વાંક એ ક્લિનિકનો, એનો પોતાનો નહીં. અને બીજી નોકરી શોધવા જવાની વાત નહીં. એ કહે, કે જોજે ને, એ લોકો જ સામેથી મને પાછો બોલાવશે.

એ રિયાલિટિ સમજવા જ તૈયાર નથી. જે માણસમાં જોઇતા ક્વૉલિફિકેશન ના હોય, એને ક્યાંથી બોલાવે કોઈ સામેથી? આ દેશમાં એવું થતું જોયું છે? તે પણ મૅડીકલ ફીલ્ડમાં? પણ એ એનું ઘમંડી પૂંછડું છોડે જ નહીંને.

છેલ્લે ડિવોર્સ સિવાય મને કોઈ રસ્તો જ ના દેખાયો. હું કંટાળી ગઈ છું. અને ઘણી હેરાન પણ થઈ છું. મને ક્યારેક થાય, કે બંને ભાઈઓ ઘણા સરખા છે, તો તમે પણ હેરાન થતાં જ હશો. આપણે છોકરાં માટે થઈને ધીરજ રાખવી પડે, ખરુંને? પણ તે ય ક્યાં સુધી રાખવાની?

શું લાગે છે તમને, ભાભી?

હું તો માનું છું કે હાશ, છેવટે પત્યું જિંદગીનું આ ચૅપ્ટર, પ્રગ્નાએ કહ્યું.

બરાબર છે, ફોન મૂક્યા પછી કેતકીએ મનમાં કહ્યું. પ્રગ્નાનો નિર્ણય એને માટે સાચો હશે. પણ અમારું જીવન તો આનંદની લહેરોથી, ને ગીતોના સૂરથી જ ભરેલું  છે.

જે બેએક ઑફીસોમાં કેતકીની ઍપ્લિકેશન આપી હતી, ત્યાં સુજીતે ફરી ફોન કર્યા, અને અરે, એકમાં જગ્યા ખાલી થઈ હતી. કેતકી પહેલાં કરતી હતી તેવું, ટૅક્સ માટેનું જ કામ હતું.

સુજીતે ગોઠવણ એવી કરી, કે કેતકીને અડધો દિવસ જ કામ કરવાનું, જેથી એ સચિનની સ્કૂલનો ટાઇમ સાચવી શકે, અને અંજલિને બહુ કલાકો બાળ-કેન્દ્રમાં ના રાખવી પડે.

હજી કેતકીનું મન કચવાતું તો હતું જ, પણ હવે એમાં રોષ નહતો. હમણાં તો, એ સુજીતના પક્શમાં હતી, અને કશામાં વિરોધ કરવાની ઇચ્છા એને થતી નહતી.

હવે એનો મોટરનો વપરાશ વધી ગયો. ગાડી લઈ, સવારે સચિનને સ્કૂલે મૂકી, અંજલિને કેન્દ્રમાં ગોઠવી, એ પોતાની નોકરી પર જતી. બપોરે એ જ રીતે બંને બાળકોને લઈને ઘેર પાછી ફરતી.

સવારે ઉતાવળ, બપોરે ટ્રાફીકની અગવડ, સાંજે રસોઈની ધમાલ- કેતકીને થતું, કે એનો વખત હવે ઘડિયાળના કાંટા પ્રમાણે જાય છે. ધીરે ધીરે, આ બધું જ, જીવનની સાચી રીત જેવું બની ગયું. આ તો અમેરિકા છે, ભઇ, અહીં કામ તો કરવું જ પડે, ઑફીસમાં બધાં એને કહેતાં. ત્યાં પણ કામથી એ ટેવાવા માંડી.

એક દિવસ કેતકી માંડ હજી ઘેર આવી હતી, અને વામાનો ફોન આવ્યો. તને ફાવે એમ હોય તો હું મળતી જાઉં.

વામા એ બાજુ કશા કામ માટે નીકળેલી હતી. કેતકીને નિરાંતનો બહુ સમય નહતો, પણ એ ના કહી શકી નહીં. વામા પહેલી વાર આ ઘેર આવશે, ને પહેલી વાર અંજલિને જોશે. એટલેકે, ત્રણ વર્ષથી વધારે સમય થયો એને મળ્યે. ભલે આવતી, ઘર જેમ છે તેમ જોશે, બીજું શું?

વામાના હાથમાં ઘણી ચીજો હતી. ઘરને માટે એ લાલ ને સફેદ કાર્નેશન ફૂલોનો ગુચ્છ લાવેલી. સચિનને અને અંજલિને માટે આટલાં બધાં રમકડાં? એની પાસે પણ બહુ સમય નહતો. ચ્હાની પણ ના પાડી એણે.

સુજીતના ખબર પૂછ્યા. એમનું કામ વધી ગયું લાગે છે, કેતકીએ કહ્યું. ઘેર આવતાં લગભગ રોજ મોડું થાય છે, પણ મઝામાં છે.

કેતકીએ પોતાની નોકરીની વાત કરી. તમે બધાં બહુ બિઝી થઈ ગયાં છો ત્યારે, વામાએ કહ્યું. બંને તરફ ઉતાવળ હતી, પણ મળવા આવી જ હતી તેથી વામાએ રૉબર્ટનો ઉલ્લેખ કર્યો. કશા લંબાણથી નહીં, પણ કેતકીને જણાવવા.

અમે ન્યૂયૉર્ક શહેરમાં છીએ, એટલે હવે મારે ન્યૂજર્સી આવવાનું લગભગ બંધ થઈ ગયું છે. તમે લોકો આવજો કોઈ વાર શહેરમાં. છોકરાંઓને સૅન્ટ્રલ પાર્કમાં લઈ જઈશું. ત્યાં બાળકો અડકી શકે, નજીક જઈ શકે, એવાં નાનાં પ્રાણીઓનું ઝૂ બહુ સરસ છે.

કેતકી વિસ્મય-મુગ્ધ બની હતી. બંને જણ સાથે રહે છે, પરણેલાં હોય તેમ. આહ, કેવી જુદી જ જિંદગી છે એમની. કેવી આધુનિક. ખોટી શરમનો કોઈ પ્રૉબ્લૅમ જ નહીં. સરસ સહજ સહવાસ.

હાય, કેવી રીતે ટકે મૈત્રી વામાની સાથે, જ્યારે અમારાં બંનેનાં જીવન આટલાં જુદાં હોય. પણ કેમ અન્યાય કરું છું હું? કેમ, વામા સાથેની મૈત્રી ટકી તો છે જને, ભલે બહુ વાર મળાય નહીં.

રાતે, કેતકીએ સુજીતને વામાના ખબર આપ્યા હતા. એણે માથું હલાવ્યું હતું; એમ કે?, એવું એકાદ વાર બોલ્યો હતો, પણ ખાસ રસ લીધો નહતો વામાના ખબરમાં. કેતકીએ વિચાર્યું, કદાચ એમને પણ લાગ્યું હશે, કે બહુ વખત થઈ ગયો વામાને મળ્યે. હવે એના ખબર મળે-ના મળે, શું ફેર પડે છે?

થોડા વખત પછી, એક સાંજે, ફોનની ઘંટડી વાગી ત્યારે કેતકી રસોઈના કામમાં હતી. એણે સચિનને ફોન ઉપાડવા કહ્યું. હલો, હુ આર યુ? કહ્યા પછી, બે વાર યૅસ, યૅસ, કહી, ફોન લઈને એ કેતકી પાસે આવ્યો. કહે, કે ઇટ ઇઝ હિઝ વિશ.

હિઝ વિશ? ઓહ, વિશ? અરે, એ તો  વિશ અંકલ છે.

ઓહો, કેમ છો, વિશભાઈ? ક્યાંથી બોલો છો? તમે ને નંદા અહીં આવ્યાં છો, અને અમને જાણ નથી કરી?

ના, ના, ભાભી, વિશે કહ્યું, અમે ન્યૂજર્સીમાં નથી. થોડા દિવસ માટે અમેરિકા આવ્યાં છીએ, પણ ટૅક્સાસમાં છીએ. દક્શિણ કોરિઆથી હવે હૉન્ગકૉન્ગ જઈએ છીએ. ત્યાં ટ્રાન્સ્ફર થઈ છે.

સુજીત બૉસ કેમ છે? મેં  ઑફીસે કર્યો, પણ એ ત્યાં નથી.

ત્યાં જ હશે. રોજ રાતે મોડું થાય છે હમણાંથી. તમે ફરી કરી જુઓ.

વિશથી કહેવાઈ ગયું, બે-ત્રણ દિવસથી ટ્રાય કરું છું, પણ ઑફીસમાં સુજીત મળતા નથી. પછી, કેતકીને ચિંતા ના થાય તે માટે ફેરવી તોળ્યું, રોજ એમને સાઇટ પર જવું પડતું લાગે છે. કાંઈ નહીં, હું રાતે ફરી ફોન કરું છું. લો, નંદા સાથે વાત કરો.

કેતકીએ નંદા સાથે વાત કરી. બેમાંથી કોઈની પાસે લાંબી વાતનો સમય નહતો. હા, આમ જ થાય. પાસે હોય ત્યારે મિત્રો, ને દૂર જાય ત્યારે ઉતાવળમાં, કેતકીએ વિચાર્યું.

ફોન મૂક્યા પછી, એ થોડી દિગ્મૂઢ થઈ ગઈ. વિશે જે કહેલું તે કાંઈ એ ભૂલી નહતી ગઈ. સુજીત ઑફીસે નથી મળતો, એનો અર્થ શું? ક્યાં જતો હશે એ? પાછો કાર્લોસની સાથે પીઠાંમાં જતો હશે, કેતકીની જીભ કડવી થઈ ગઈ. કે પછી તબિયતને કંઇક થયું હશે?

ગભરાટ અને ચિંતાને કારણે એનું માથું દુઃખવા આવી ગયું. છોકરાં પર પણ એ જરા ચિડાઈ. અંજલિ રડી. પાછી એને છાની રાખવી પડી.

બંને છોકરાંની સાથે એણે પણ જમી લીધેલું. સુજીત આવ્યો ત્યારે બરાબર ભૂખ લાગી હશે, કહી, એને સરસ રીતે જમવાનું પીરસ્યું, છોકરાં વિષે અને પોતાની ઑફીસ વિષે વાતો કરી, દેવકીના સાધારણ ખબર કહ્યા.

હાથ ધોઈને સુજીત બેડરૂમમાં ગયો પછી, રસોડું પતાવીને કેતકી પણ ગઈ, અને ધીરેથી, ને કૈંક ચિંતા સાથે, એણે સુજીતને પૂછ્યું, આટલું મોડું કેમ થાય છે, હમણાંથી?

વિશના ફોન વિષે પણ એણે કહ્યું, અને પૂછ્યું, કે બધું બરાબર તો છેને, સુજીત?

હવે સુજીત છુપાવી શકે તેમ હતો નહીં. એણે કેતકીના હાથ ચુમ્યા, અને કહ્યું, તુકી, ચિંતાનું કારણ નથી, પણ વાત એમ છે, કે હું જિંદગીની દિશા બદલવા મહેનત કરી રહ્યો છું.

એટલે શું, સુજીત?, કેતકીની ચિંતા એમ કઈ રીતે ઘટે?

સુજીત મહેનત કરીને તો મોટો થયો હતો, પણ એનો સ્વભાવ મૂળ થોડો અહંકારી ખરો જ, ને મહત્ત્વાકાંક્શી પણ ખરો. એ બીજાંની તાબેદારીમાં કામ કરીને કંટાળ્યો હતો. એને સ્વતંત્ર રીતે, પોતાની બુદ્ધિ વાપરીને કામ કરવું હતું. તો જ એ સફળ થશે, ઘણા વધારે પૈસા કમાશે, અને જલદી આગળ આવશે.

એને પોતાની દલીલબાજી પર વિશ્વાસ હતો, તેથી એણે વકિલાતનું ભણવાનું શરૂ કર્યું હતું. હજી નોકરી ચાલુ રાખી હતી, પણ સાથે જ, લૉ ડિગ્રી માટે એ ભણવા માંડેલો. મોડી બપોરે ક્લાસ હોય ત્યારે, ઑફીસેથી એને નીકળી જવું પડે. સાંજના ક્લાસ હોય ત્યારે આખો દિવસ એ ઑફીસમાં હોય, પણ ક્લાસનું વાંચતો હોય.

તુકી, તું જોજે. બે વર્ષની અંદર તો હું ઇન્ડિયન લૉયર તરીકે નામ કાઢીશ ન્યૂયૉર્ક અને ન્યૂજર્સીમાં. એણે કેતકીને ખાતરી આપી, કે ચિંતા જેવું તો કશું જ નથી.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

One Comment