ભાર (લઘુકથા) ~ રેખા સરવૈયા
કુદરતની અવકૃપા સમા વિનાશક વાવાઝોડાંની અસર હેઠળ આવરિત સમગ્ર વિસ્તાર જાણે કે… ઘૂવડની પીઠ જેવો ભયાવહ લાગતો હતો! જે લોકોએ જીવ ગુમાવી દીધો હતો એમને બધાંને બાદ કરતાં કોઈને સુખ નહોતું.
પોતાની જ નજર સામે સ્વજનોને ડૂબતાં, તણાતા, મરતાં, જોઈને જીવી ગયેલાં માણસોએ સ્વજન તો ગુમાવી જ દીધાં હતા પરંતુ સાથે-સાથે અચાનક આવી પડેલાં આઘાતને કારણે લાગણીઓ પરનો કાબૂ પણ ગુમાવી દીધો હતો.
આવા શારીરિક અને માનસિક ઇજા પામેલાંની સેવામાં ડૉ. દેવાંશુ શાનભાન ભૂલીને લીન થઈ ગયા હતા. છેલ્લાં લગાતાર ૪-૪ દિવસની ઊંઘ-ભૂખ બાજુએ હડસેલીને ખડે પગે સારવારમાં પરોવાયેલાં હતા.
અવિરત કામ-શ્રમ કરી રહેલાં ડૉ. દેવાંશુની હાલત સાથી ડૉક્ટરો માટે ચિંતાનો વિષય હતી. કેમ કે… ઝનૂનથી કાર્યરત ડૉ. દેવાંશુ ખુદ અજાણ હતાં એનાં થાકેલાં શરીરથી, ભૂખથી સપાટ પેટ, ઊંઘની મારી લાલઘૂમ આંખો, વિખરાયેલાં વાળ, ચોળાયેલાં કપડાં…!
અસરગ્રસ્તો સાથે ઓતપ્રોત ડૉ. દેવાંશુને આછડતો સ્પર્શ કરનાર ડૉ. દિવ્યાંક્ષી દેવાંશુના તાવથી રખરખતાં શરીરથી એ ભય પામી ગઈ હતી. એણે પોતાની ટીમનાં ડીનને વાત કરી એ દરમ્યાન ડૉ. દેવાંશુ લથડી પડ્યાં. વડીલ ડૉક્ટરે સમયસર ટેકો દઈને ડૉ. દિવ્યાક્ષીની મદદથી સારવાર લઈ રહેલાં દર્દીઓ માટે બનાવેલાં ટેન્ટમાં ખસેડ્યાં.
ક્ષણવાર નવરાં પડેલાં ડૉ. દેવાંશુ ઉપર એકસામટો થાકે ઊભા-ઊભ હલ્લો કર્યો. ડૉ. દિવ્યાક્ષીનાં હાથમાંથી હાથ છોડાવી જમીન ઉપર જ ઢગલો થઈ ગયેલાં શરીરને જરાં લંબાવતાં એણે ત્રૂટક-ત્રૂટક શબ્દોમાં કહ્યું. ‘પ્લીઝ… તમે લોકો ડ્યૂટી જોઈન કરો. લીવ મી અલોન. આઈ’મ ઓલરાઈટ!’
સાથીઓનાં ચાલ્યા ગયા પછી જોરદાર શ્વાસ હવામાં ભરી દેવાંશુએ પોપચાંને ઢળી જવા દીધા. અને બંધ આંખોનાં અંધકારમાં એક ઘટના જીવતી થઈ ઊઠી.
અમેરિકાની ધરતી પર માત્ર પૈસાની લાલચથી પ્રેક્ટીસ કરતાં ડૉ. દેવાંશુ એ જ દિવસો દરમ્યાન વતનમાં મરી રહેલાં મા-બાપપાસે એક આંટો ન આવી શક્યાનાં અફસોસનો ભાર… માવતરનાં મૃત્યુની ક્ષણથી દેવાંશુનાં શ્વાસને રૂંધતો હતો એ જ ભાર… આ ૪-૪ દિવસનાં પોતાને લાગેલાં થાકનાં અકથ્ય, અસહ્ય ભારમાં જાણે કે… હળવી હવા જેવો બની ગયો.
અને દેવાંશુ હળવોફૂલ થઈ ઊંડા સંતોષથી સૂઈ ગયો.
(પુસ્તક: રેત પર લખાયેલા અક્ષરો)
સુ શ્રી રેખા સરવૈયાની સંવેદનશીલ સ રસ લઘુ કથા