જૂઠને સત્યમાં ફેરવી નાખવાનું સત્ય ~ આસ્વાદ: લતા હિરાણી ~ કાવ્ય: જયશ્રી વિનુ મરચંટ

કોશેટામાં પોષાયેલી અટકળની બંધ આંખો ને પછી,
અટકળને અંધ પાંખો ફૂટે ને પછી
એ ને અટકળ ઊડી, ઊડી ને એવી તે ઊડી ને પછી,
અટકળ બની ગઈ અફવા ને પછી,
અફવાને ફૂટે ચારેકોરથી શતશત ચરણ ને પછી,
ચરણોની હરણફાળ, અંધ પાંખોનો ફફરાટ ને પછી,
ઊડી ઊડીને અફવા થાકે ને પછી,
ચરણ સંકોરે, અંધ પાંખો ખેરવે ને પછી,
કોશેટામાં પાછી પેસીને ઉઘાડે બંધ આંખોને ને પછી,
કોશેટામાં ડંકાની ચોટ પરથી એલાન કરે કે ‘હું અટકળ નથી,
અફવા નથી’ ને પછી,
છાતી ઠોકીને કહે હિંમતભેર કે,
‘હું જ સત્ય છું!’ ને પછી,
કોશેટાની પંચાયતી અદાલત પાસે મ્હોર મરાવે
એના સત્ય હોવાના દાવા પર ને પછી,
ત્યારથી કોશેટામાં સત્ય,
અટકળ અને અફવાની ગુલામી કરે છે!

~ જયશ્રી વિનુ મરચંટ, (જૂન ૨૦૦૮)

કોઈ કાવ્ય એવું અચાનક જ હાથમાં આવે કે એના શબ્દો પર નજર પડતાં, નજર પોતાની મેળે આગળ વધવા લલચાય; ને એક સુંદર ‘જરા હટકે’ કાવ્ય મળી આવે! એવું તો ક્યારેક ક્યારેક બને, આજે ફરી બન્યું! ‘ને પછી’ જેવો મજાનો લય અને રવ લઈને આવતું આ કાવ્ય એનો નમૂનો. પહેલાં અટકળો થાય, એમાંથી અફવા જન્મે અને ધીરે ધીરે આ અફવા ફેલાવનારાઓ એને સત્યનું મ્હોરું પહેરાવીને જ જંપે! જી હા, આ એક કડવું પણ સત્ય છે. જૂઠને સત્યમાં ફેરવી નાખવાનું સત્ય યાને કે અસત્યનું સત્ય! અફવાને મારીમચડીને સત્ય તરીકે રજૂ કરવામાં આવે એ તો આપણા સૌનો રોજેરોજનો અનુભવ છે. એટલે વાત બહુ ગંભીર છે, મુદ્દો ગહન છે, પણ રજૂઆત માટે કોશેટનું કલ્પન ખૂબ મુલાયમ અને છતાંય ડંકાની ચોટ જેવું સશક્ત અને સબળ છે.

ભ્રમણાનો કોશેટો ને એમાંથી પેદા થતી અટકળની બંધ આંખો! એક એક શબ્દ વિચારીને મુકાયેલો છે. આંખો છે પણ બંધ છે. એ કશું જોવા એટલે કે સચ્ચાઈ જાણવા સમજવા કે વાસ્તવિકતાને ઓળખવાનો ધરાર ઈનકાર કરે છે. જુઓ એ પછી આની ‘અંધ’ અને ‘બંધ’ નો માત્ર પ્રાસ જ નથી મળતો, એ અત્યંત અર્થસભર વાત બની રહે છે. આંખો બંધ છે ને પાંખો ફૂટે પછી એય અંધ છે! નહીંતર તો યોગ્ય અયોગ્યની ઓળખાણ ઈચ્છા ન હોય તોય થાય. એ નથી જ કરવું એટલે પાંખોને અંધ બનાવી દીધી. એ ફફડે, ઊડે પણ ગમે ત્યાં ઊડે, આડેધડ ઊડે. ન હોય એની દિશા કે દશા, માત્ર અવદશા જ હોય! એટલે આ અટકળની પાંખો અને જલદીથી અફવામાં પરિવર્તિત કરી શકે. અફવાની સત્ય (અસત્ય) બનવાની દોડમાં કવિએ એક પછી એક પગલાં સમજીને ભર્યાં છે. ઓક્ટોપસને આઠ હાથ હોય છે ને મિનિપેડને સહસ્ત્ર પગ હોય છે, પણ અફવાને તો સહસ્ત્ર હાથ અને સહસ્ત્ર પગ છે. દરેક હાથ પાસે જુદું હથિયાર અને દરેક પગ પાસે જુદો રસ્તો ફૂટી નીકળે છે જે તેને સત્ય (?) બનવા તરફ લઈ જાય. અહીં માત્ર દોડ જ નથી થતી, એલાન થાય છે, ડંકા નિશાન સાથે સવારી નીકળે છે. પૂરી સામાજિક નિસ્બત ધરાવતી બાબતને કલામયતાથી રજૂ કરી છે.

(આસ્વાદ: લતા હિરાણી)

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. અરે ! બારાખડીમાં પણ અસત્ય અફવા અટકળ નો
    ‘અ’ પહેલો ને સત્યનો ‘સ’ છેલ્લો છે ! !

  2. સુ શ્રી જયશ્રી વિનુ મરચંટની ખૂબ સુંદર રચનાનો સુ શ્ર્રી લતાજી દ્વારા સ રસ આસ્વાદ