સમજ (ગઝલ) ~ સુરેન્દ્ર કડિયા (ઓડિયો સાથે)
(ગઝલ)
આખી અશક્ય વાતમાંથી શક્યને સમજ
તારા જ પગ તળે ડૂબેલ લક્ષ્યને સમજ
સમજી જઈશ તું પછી આખુંય સરોવર
તારી રગોમાં ઘૂમતા એ મત્સ્યને સમજ
માણસની માણસાઈ, અખિલાઈ ક્યાં ગઈ !
માણસ મટી ગયેલ એક સત્યને સમજ
વીંધી દે આરપાર એવી ગર્જનાઓ છોડ
ચમકી રહેલ વીજમાં અકથ્યને સમજ
જુએ છે આંખ શું ને કાન સાંભળે છે શું !
દૃશ્યને સમજ અને નેપથ્યને સમજ
~ સુરેન્દ્ર કડિયા
(Painting by Luke Rudolf)
નાસમજ અને અણસમજ ને સમજ બનવાનું સમજાવતી સદ્રષ્ટાંત ગઝલ અને અનુરુપ પઠન ! !
હૃદયના ઊંડાણથી આવેલ ખુબજ સુંદર રચના
કવિશ્રી સુરેન્દ્ર કડિયાની સુંદર ગઝલનુ કવિના અવાજમાં સ રસ પઠન
સમજણ અને અનુભૂતિની સબળ ગઝલ