કંકોતરી પડી (ગઝલ) ~ દિવ્યા રાજેશ મોદી

(ગઝલ)
નાદાનિયત હૃદયની બહુ આકરી પડી
આંસુને બદલે ભૂલથી આંખો સરી પડી

તારી નજરમાં સાવ સૂકા રણને જોઈને
મારાં ય કાળજા તણી લીલોતરી પડી

ધરતી ગગનને રોજ મનોમન વરી રહી
વરસાદ થઈને આભથી કંકોતરી પડી

થાકી જશે આ વૃક્ષ જો ઊભું રહે સતત
એવું વિચારી વેલીઓ નીચે સરી પડી

મંઝિલને પામવા સદા વહેવું પડે નહીં
પર્વતને છોડી કેમ નદી નીસરી પડી

મનની સપાટીને હવે રાખું છું શાંત પણ
દુનિયા તરફથી ત્યાં જ ફરી કાંકરી પડી

જોયો નથી અમે કોઈ પણ ક્રૌંચવધ અહીં
હૈયું ગયું વિંધાઈ, ગઝલ અવતરી પડી

– દિવ્યા રાજેશ મોદી (સુરત)
(કાવ્યસંગ્રહઃ સૂર્યના હસ્તાક્ષરો)

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

 1. સુ શ્રી દિવ્યા રાજેશ મોદીની અફલાતુન ગઝલ કંકોતરી પડી (ગઝલ)
  જોયો નથી અમે કોઈ પણ ક્રૌંચવધ અહીં
  હૈયું ગયું વિંધાઈ, ગઝલ અવતરી પડી
  વાહ

 2. થાકી જશે આ વૃક્ષ જો ઊભું રહે સતત
  એવું વિચારી વેલીઓ નીચે સરી પડી.. અવનવો વિચાર. સરસ રચના.
  સરયૂ