શ્રીમદ્ ભાગવત કથા, દ્વિતીય સ્કંધ –સાતમો અધ્યાય (ભાગ ૧) ~ જયશ્રી વિનુ મરચંટ

દ્વિતીય સ્કંધ – સાતમો અધ્યાય ભાગ ૧ – “ભગવાનના લીલા અવતારોની કથા” (બ્રહ્માનારદસંવાદ અંતર્ગત)

ૐ નમો ભગવતે વાસુદેવાય

 (દ્વિતીય સ્કંધના દ્વિતીય સ્કંધ, અધ્યાય છઠ્ઠો, “વિરાટસ્વરૂપની વિભૂતિઓનું વર્ણન” (પુરુષસંસ્થાનુવર્ણન અંતર્ગત) આપે વાંચ્યું કે, પરમાત્માનો પહેલો અવતાર આ વિરાટપુરુષનો જ છે. તેના સિવાય ત્રણે ગુણ, સમસ્ત કાળ, સ્વભાવ, ઈન્દ્રિયો, અનેક રૂપોમાં પ્રગટ થનાર બ્રહ્માંડ-શરીર, સ્થાવર અને જંગમ જીવ, હું, શંકર, વિષ્ણુ સહિત તમારા જેવા સર્વ ભક્ત જનો, નાનામાં નાના જીવ-જંતુ, ચર-અચર સર્વે સંસારની વસ્તુઓ સીખે – તમામે-તમામ પરમતત્વમય ભગવત સ્વરૂપ જ છે.

બ્રહ્માજી પછી નારદજીને વિરાટ વિભૂતિઓનું વર્ણન કરતાં કહે છે કે, આ વિરાટપુરુષ સામાન્ય માનવીઓની કલ્પનાની પણ બહાર છે.  આ સિવાયના પરમ પુરુષ પરમાત્માના પવિત્ર તથા મુખ્ય લીલા-અવતારો પણ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યાં છે. તેમનાં ચરિત્ર સાંભળીને જીવનમરણના ફેરામાંથી મોક્ષ મળે છે. આપણે જેમના અવતારોની અપરંપાર લીલાઓના હાર્દને સંપૂર્ણપણે પામી શકતાં નથી અને પરમતત્વને સદંતર રીતે ને પૂર્ણ રૂપમાં પામી શકતાં નથી એવા શ્રી ભગવાનનાં શ્રી ચરણોમાં બ્રહ્માજી સ્વયં નમસ્કાર કરે છે અને ભગવાનની લીલાની કથા આગળ કહે છે. હવે અહીંથી વાંચો આગળ, દ્વિતીય સ્કંધ, અધ્યાય સાતમો, “વિરાટસ્વરૂપની વિભૂતિઓનું વર્ણન)

સૂતજી કહે છે – હવે હું હે શૌનકાદિ મુનિઓ, જે કથા બ્રહ્માજીએ દેવર્ષિ નારદને કહી હતી એને એમના જ શબ્દોમાં વર્ણવું છું.

બ્રહ્માજી કહે છે કે- અનંત ભગવાને પ્રલયજળમાં ડૂબેલી પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે સમસ્ત યજ્ઞમય વરાહશરીર ધારણ કર્યું હતું. આદિદૈત્ય હિરણ્યાક્ષ જળમાં જ તેમની સામે થઈને લડવા માટે આવ્યો હતો. જેમ ઈન્દ્રએ વજ્રથી પર્વતોની પાંખો કાપી નાખી હતી તે જ રીતે વરાહ ભગવાને પોતાની દાઢોથી તેના ટુકડેટુકડા કરી નાખ્યા હતા.

પ્રભુએ દેશ-કાળની આવશ્યકતા અનુસાર, એક ચોક્કસ ધ્યેય પ્રાપ્ત કરવા અનેક અવતારો લીધા અને તે સહુ અવતારોનું એક જ ધ્યેય હતું કે જીવ-નિર્જીવ વસ્તુઓથી ભરેલી આ સૃષ્ટિમાં સંવાદિતા, સમતોલપણું અને સમતા જળવાઈ રહે. એમના દરેક અવતારો પાછળ આ એક માત્ર કારણ રહ્યું છે.

પછી પ્રભુએ રુચિ નામના પ્રજાપતિની પત્ની આકૂતીના ગર્ભથી સુયજ્ઞના રૂપમાં અવતાર ધારણ કર્યો. તે અવતારમાં તેમણે દક્ષિણા નામની પત્નીથી સુયમ નામના દેવતાઓ ઉત્પન્ન કર્યા અને એમના રૂપે ત્રણેય લોકના મહાસંકટો દૈત્યોના નાશ કરીને હરી લીધાં. આથી જ સ્વયાંભુવ મનુએ પણ એમને ‘હરિ’ કહ્યાં.

હે નારદ, કર્દમ પ્રજાપતિના ઘેર દેવહૂતિના ગર્ભથી નવ બહેનો સાથે ભગવાને કપિલના રૂપમાં અવતાર લીધો. તેમણે પોતાની માતાને તે આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો. આને લીધે એમની માતાએ પોતાના હ્રદયને ત્રણે ગુણોની આસક્તિથી પેદા થનારા તાપ-સંતાપથી પોતાના અંતરમનને મુક્ત કરીને ભગવાનના અવતાર કપિલમુનિના વાસ્તવિકરૂપને પામી લીધું.

         મહર્ષિ અત્રિ ભગવાનને પુત્ર રૂપે પ્રાપ્ત કરવા ઈચ્છતા હતાં. તેમના પર પ્રસન્ન થઈને ભગવાને તેમને એક દિવસ કહ્યું “તથાસ્તુ. મેં સ્વયં તમને દઈ દીધા.” અને આમ એમણે ભગવાન દત્તાત્રય તરીકે જન્મ લીધો. રાજા યદુ અને સહસ્ત્રાર્જુન બેઉએ ભગવાન દત્તાત્રયના ચરણકમળોમાં પોતાને ધરી દીધાં અને ભોગ ને મોક્ષ, બેઉ સિદ્ધિઓ પ્રાપ્ત કરી.

         સૃષ્ટિના આરંભકાળે વિવિધ લોક રચવાની ઈચ્છાથી મેં તપ કર્યુ. પ્રભુએ પ્રસન્ન થઈને ‘તપ’ અર્થવાળા ‘સન’ નામથી યુક્ત સનક, સનન્દન, સનાતન, અને સનતકુમારોના રૂપમાં જન્મ લીધો. આ અવતારમાં ભગવાને પ્રલયને કારણે પહેલા કલ્પ ના ભૂલાયેલા આત્મજ્ઞાનનો ઋષિઓને યથાવત્ ઉપદેશ કર્યો જેનાથી સહુને તરત જ પોતાના હ્રદયમાં પરમતત્વનો સાક્ષાત્કાર થયો.

         ધર્મની પત્ની દક્ષકન્યા મૂર્તિના ગર્ભથી તેઓએ નરનારાયણ તરીકે જન્મ લીધો. દેવતાઓના રાજા ઈન્દ્ર અને કામદેવ સહિત એમની સેના જે સત્તાના મદમાં સત્યના માર્ગથી ચલિત થઈ ગઈ હતી એનો ગર્વ હણવા આ જન્મ લીધો હતો. ઈન્દ્રની મોકલેલી કામદેવ અને એની અપ્સરાઓની સેના આ નરનારાયણની સામે જતાં જ પોતાની શક્તિઓ ખોઈ બેઠી અને નરનારાયણને તપોભંગ કરી ન શકી. હે નારદ, આ કારને જ અહીં શિવજી પોતાની રોષભરી દ્રષ્ટિથી આયુક્ત ત્રીજા નેત્રને ખોલે છે અને કામદેવને ભસ્મ કરી નાખે છે.

         હે પુત્ર નારદ, ભગવાનના અવતારો માત્ર જન્મ થકી જ નથી થતાં. સમયાનુસાર, પરમ ભક્તના કોઈ એક કાર્ય કે હેતુને પાર પાડવા, શ્રી હરિ સ્વયં એમની સામે પ્રગટ થાય છે અથવા તો ભક્તના હ્રદયની પવિત્ર આરતને કોઈ ને કોઈ રીતે પૂરી કરે છે. એનું એક ઉદાહરણ ભક્ત ધ્રુવ છે. પોતાના પિતા ઉત્તાનપાદની પાસે બેઠેલા પાંચ વર્ષના બાળક ધ્રુવને તેમની સાવકી માતા સુરુચિએ પોતાનાં વચનબાણોથી વીંધ્યા. આટલી નાની અવસ્થા હોવા છતાંય તેઓ આત્મગ્લાનિથી ગ્રસ્ત થઈને વનમાં અનેક હિંસક પશુઓની વચ્ચે તપ કરવા ચાલ્યા ગયા. તેમના તપથી પ્રસન્ન થઈને ધ્રુવપદ આપ્યું.

         કુમાર્ગગામી વેનનાં (પૌરાણિક માન્યતા પ્રમાણે પૃથુ રાજાનો દુષ્ટ પિતા) ઐશ્વર્ય અને પૌરુષ બ્રાહ્મણોના હુંકારરૂપી વજ્રથી બળીને ભસ્મ થઈ ગયાં. આ કારણે તે જીવતેજીવ નરકમાં પડવા લાગ્યો. હે નારદ, આ જીવતેજીવ નરકમાં પડવું એનો અર્થ છે કે દુરાચાર અને અધમતાની ગર્તામાં ધસતાં જવું. ભગવાને ક્ષમાશીલ ઋષિઓની પ્રાર્થના સ્વીકારીને તેના શરીરમંથનમાંથી પૃથુના રૂપમાં જન્મ લઈને, રાજા વેનને અનેક નરકોની અગનમાંથી ઉગાર્યો અને પુત્ર હોવાનું કર્તવ્ય પણ નિભાવ્યું. અહીં એક વાત એ પણ સાબિત કરી કે દુરાચારી અને અધમ માનવીમાં પણ પરમાત્માનું પરમ તત્વ રહેલું છે, જેને ધીરજપૂર્વક મથીને બહાર લાવી શકાય છે. આ જ અવતારમાં નારાયણે પૃથ્વીને ગાય બનાવીને, એમાંથી જગત સમસ્તને માટે પૃથ્વીના અસ્તિત્વ સુધી ટકી રહે અને સમય પ્રમાણે ઉત્ક્રાંતિ પામતી રહે એવી ઔષધિઓનું દોહન કરીને પૃથ્વીની ભૂમિ પર આરોપી. દેવભાગ નારદ, જરા વિચારી જુઓ, પ્રભુની લીલાનો વિસ્તાર..! દરદ અને દુઃખ આપનાર પણ એ અને એનો ઉપચાર કરનાર પણ એ પોતે જ! એમણે કેટલું બધું દીર્ઘદ્રષ્ટિથી વિચાર્યું હશે અને વેન જેવા દુરાત્માના પુત્ર તરીકે જન્મ લઈને કેટલું બધું એ સિદ્ધ કરે છે કે સારા-નરસાનો ન્યાય કરનાર, આ પૃથ્વી પર કોઈ જીવ નથી. પ્રભુ જ દરેકની અંદર વસીને કર્મના બંધનો પ્રમાણે એનો ન્યાય કરતો રહે છે.

         રાજા નાભિની (પૌરાણિક વંશાવળી પ્રમાણે અગ્નીધ્રરાજાનો પુત્ર અને ઋષભદેવનો પિતા) પત્ની, સુદેવીના ગર્ભથી ભગવાને ****ઋષભદેવના રૂપમાં જન્મ લીધો. આ અવતારમાં સમસ્ત આસક્તિઓથી રહિત થઈને, પોતાની ઈન્દ્રિયોનું શમન કરવાનો રસ્તો બતાવ્યો. એની સાથે સમદર્શી બની, જડની જેમ યોગચર્યાનું આચરણ કરીને હઠયોગનો પાયો નાખ્યો. આ સ્થિતિને યોગીઓ પરમહંસપદ અથવા અવધૂતચર્યા કહે છે.

         આ પછી ભગવાને પોતે યજ્ઞપુરુષ બનીને મારા યજ્ઞમાં સ્વર્ણ જેવી કાન્તિવાળા હયગ્રીવના રૂપમાં અવતાર લીધો. તેમની જ નાસિકામાંથી શ્વાસરૂપે વેદવાણી પ્રગટ થઈ.

         ચાક્ષુષ નામના મન્વંતર (પૌરાણિક માન્યતા પ્રમાણે ચૌદ મનુઓમાંના કોઈ પણ બે મનુઓ વચ્ચેનો સમય – ૭૧ મહાયુગનો એક મન્વંતર છે. તેનાં ૩૦,૬૭,૨૦,૦૦૦ માનુષ વર્ષો થાય છે. એવા ચૌદ મન્વંતરનો એક કલ્પ અથવા બ્રહ્માનો એક દહાડો થાય છે. આનો વિચાર કરતાં સમજાય છે કે કાળની ગણતરીમાં કોઈ એક જીવની ગણના કેટલી?)ના અંતમાં, ભાવિ મનુ સત્યવ્રતે મત્સ્યના રૂપમાં ભગવાનને પ્રાપ્ત કર્યા અને પૃથ્વી રૂપી નૌકાનો આશરો લઈને સમસ્ત જીવોનું રક્ષણ કર્યું.

         દેવતાઓ અને દાનવોના અમૃતપ્રાપ્તિ માટેના ક્ષીરસાગરના મંથનના યજ્ઞ સમયે ભગવાને કાચબો બનીને, મંદરાચળ પર્વત પોતાની પીઠ પર ધારણ કર્યો હતો. આ સુચવે છે કે પ્રભુ સમયસમયે જે પણ આવશ્યકતા ઊભી થાય છે એ પ્રમાને અનેક જીવ સ્વરૂપે અવતરે છે.

         હરિએ જ ભગવાન નૃસિંહનું પ્રચંડ રૂપ ધારણ કરીને, દૈત્ય હિરણ્યકશિપુથી ભક્ત પ્રહલાદને બચાવ્યો.

         ઘણા ઊંડા સરોવરમાં મહાબળવાન મગરમચ્છ, ગ્રાહે, સ્નાન કરવા સરોવરમાં પડેલા ગજેન્દ્રનો પગ પકડી લીધો અને જ્યારે ગજરાજ એની સાથે લડીને થાક્યો ત્યારે નારાયણનું સ્મરણ કરતાં જ ચક્રપાણિ પ્રભુએ ત્યાં પ્રકટ થઈને ગ્રાહનો ચક્ર વડે શિરચ્છેદ કરીને ગજરાજનો ઉદ્ધાર કર્યો.

દૈત્યનો રાજા બલિથી આ ધરા બચાવવા અદિતિના સૌથી નાના પુત્ર વામન બનીને ત્રણ ડગલાં ભૂમિના બહાને સમસ્ત પૃથ્વીને છોડાવી.

         ભગવાને ધન્વંતરિ તરીકે જન્મ લઈને દૈત્યો વડે હરિ લેવાયેલો તેમનો યજ્ઞ-ભાગ કે જે અમૃતમય આયુષ્ય પ્રદાન કરનાર છે તેને તેમણે સર્વ જીવોના આરોગ્ય માટે ફરી પ્રસ્થાપિત કર્યો. આના થકી અનેક રોગોનો તત્કાળ નાશ થાય છે.

         એ જ પ્રભુએ ભગવાન પરશુરામરૂપે બ્રાહ્મણોના એતલે કે વિદ્યાપતિઓના વિનાશ કરનારા, સંખ્યા રૂપે અતિશય વૃદ્ધિ પામેલા, અહંકારી અને શસ્ત્રોધારી ક્ષત્રિયોને એક પ્રકારે સંયમિત રાખવા ૨૧ વારે ધરાને ન-ક્ષત્રિય કરીને વિદ્યાઓનું રક્ષણ કર્યુ> કોઈ પણ યુગમાં મૂળસ્વરૂપે માનજાતના વિકાસ માટેની વિદ્યા સચવાય એનું ઉદાહરણ પ્રભુએ અહીં પુરું પાડ્યું છે.

         માયાપતિ ભગવાને માનવજાત અને આપણા સહુ પર અનુગ્રહ કરીને, હે નારદ, ભગવાન શ્રી રામ તરીકે ઈવાકુવંશમાં અવતાર લીધો અને મર્યાદા પુરષોત્તમ તરીકે જીવવાનો આદર્શ સમસ્ત માનવજાતને પૂરો પાડ્યો અને સમસ્ત માનવજાતને રાવણ સમા વિજ્ઞાનના માંધાતા રાક્ષસથી મુક્તિ અપાવી. આ રીતે એમણે એ સાબિત પણ કર્યું કે જ્ઞાન પર દેવો અને દાનવો સહુનો હક તો છે, પણ, એ જ્ઞાન જ્યારે માનવજાત અને અન્ય જીવોને માટે હાનિકારક બની જય છે ત્યારે હરિ જન્મ લઈને, એ આસુરીવૃત્તિવાળા દૈત્યનો નાશ કરીને યુગકાર્ય સંપન્ન કરે છે.

(ક્રમશઃ) – દ્વિતીય સ્કંધ – સાતમો અધ્યાય, ભાગ બીજો આવતા અંકે.

શ્રીમદભાગવત મહાપુરાણનો દ્વિતીય સ્કંધનો સાતમો અધ્યાય ભાગ ૧ –“ભગવાનના લીલા અવતારોની કથા” કે જે “બ્રહ્માનારદસંવાદ” અંતર્ગત આલેખાયો છે તે સમાપ્ત થયો.

શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.
(****ઋષભ દેવ
જૈન ધર્મના ચોવીસ તિર્થંકરમાંના પ્રથમ તિર્થંકર છે. જેમને ઋષભનાથ, આદિનાથ કે આદિશ્વર નામથી પણ ઓળખવામાં આવે છે. સંસ્કૃતમાં ઋષભ નો અર્થ “ઉત્તમોત્તમ” કે “અતિ ઉત્તમ” એવો થાય છે. જૈન ધર્મ અનુસાર ઋષભ દેવ હાલનાં ચાલુ કાળ (અવસર્પિણી કાળ)નાં પ્રથમ તિર્થંકર હતા. આ કારણે તેમને આદિનાથ કહેવાય છે. તેઓએ પોતાના તમામ કર્મોનો ક્ષય કરી અને સિદ્ધ પદની પ્રાપ્તિ કરી હતી. ઋષભ દેવનો જન્મ અયોધ્યાના સુર્યવંશી ઇક્ષ્વાકુ કુળના રાજા નાભિ રાય અને રાણી મરૂદેવીને ત્યાં થયેલો. જૈન માન્યતા અનુસાર ઋષભદેવનો જન્મ સંસ્કૃતિઓના વિકાસ પહેલા થયેલો. તેમણે લોકોને ખેતી, પશુપાલન, રસોઇ અને બીજું ઘણું શીખવ્યું અને સંસ્કૃતિની સ્થાપના કરી. તેમને ૧૦૧ પુત્રો હતા. તેમના જ્યેષ્ઠ પુત્ર ભરત ચક્રવર્તી સમ્રાટ બન્યા. જૈન માન્યતા અનુસાર તેમના માનમાં ભારત દેશનું નામ ભારત કે ભારત વર્ષ પડ્યું. ઋષભ દેવ તેમના જીવનનાં ઉત્તરાર્ધમાં સાધુ બનીને મોક્ષને પ્રાપ્ત થયા. ઋષભ દેવનાં દ્વિતીય પુત્ર બાહુબલી હતા, જેમની વિશાળ પ્રતિમા શ્રવણબેલગોડા, કર્ણાટકમાં અને કેરળમાં પણ જોવા મળે છે. ઋષભ દેવની માતા મરૂદેવી પ્રથમ વ્યક્તિ હતા જેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો, એટલે કે ઋષભદેવની પણ પહેલાં. ઋષભ દેવના પૌત્ર મરીચિના આત્માનો પછીથી મહાવીર સ્વામી રૂપે જન્મ થયો. જેમને પાલીતાણામાં “કેવલજ્ઞાન”ની પ્રાપ્તિ થઇ અને હિમાલયનાં અષ્ટપદ શિખર પર જેઓને મોક્ષ પ્રાપ્ત થયો.)(**** આ માહિતી વાચકોના સંદર્ભ માટે વિકિપીડિયા પરથી લઈને અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. દ્વિતીય સ્કંધ –સાતમો અધ્યાય (ભાગ ૧)ંઅંગે સુ શ્રી જયશ્રી વિનુ મરચંટ દ્વારા સરળ સમજુતીથી
    ભુલાઇ જવાયેલી વાતો ફરી યાદ આવી.
    જૈન ધર્મ અંગે ગેરસમજ પ્રવર્તે છે તે અંગે સરસ ખુલાસો થાય છે બાકી વિતંડાવાદથી થાકેલા કહેતા वर्ं ऐरावत मृत्यु न तु जैन अपासरे અને साधना संथारा વિષે પણ ગેરસમજ પ્રવર્તે છે! ઋષભ દેવ જૈન ધર્મના ચોવીસ તિર્થંકર વિષે વિકિપીડિયા પરથી લઈને અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી તે બદલ ધન્યવાદ