બે કાંઠાની અધવચ (નવલકથા) પ્રકરણ: ૨૬ ~ પ્રીતિ સેનગુપ્તા

(પ્રકરણ: ૨૬)
સરપ્રાઇઝની શૃંખલા તો, પછીને દિવસે પણ, ચાલુ જ રહેલી.

રૉબર્ટના કઝીન માર્કો અને એની વાઇફ ઑલ્ગાએ, વામા અને રૉબર્ટને, પોતાને ઘેર જમવા બોલાવ્યાં હતાં. વામાએ સંજોગવશાત્, ગ્રીક આકાશના અને સમુદ્રના હોય તેવા ભૂરા રંગનું, વાદળ જેવા સફેદ રંગની પાઇપિન્ગ, અને કમ્મરે પહોળા સફેદ પટ્ટાવાળું, ઘેરવાળું ફ્રૉક પહેર્યું હતું.

એમનું ઘર મૉડર્ન, મોટું, લાક્શણિક ગ્રીક રીત મુજબ સફેદ રંગેલું, અને હવા-ઉજાસથી ભરેલું હતું. એટલું જ નહીં, એજિયન સમુદ્રની ઉપર જ, એક ઊંચી જગ્યાએ બનેલું હતું. સળંગ કાચની દીવાલોમાંથી સમુદ્ર દેખાતો રહેતો હતો. એ કક્શમાં, વામા તે જાણે કોઈ રૂપાળી પરી આકાશમાંથી ઊતરી આવી હતી.

મળતાંની સાથે માર્કો એને તાકી રહ્યો. પછી રૉબર્ટને કહે, ઑમૉરફૉસ કોરિત્સિ છે.

ખૂબ વહાલથી વામાની સામે જોઈને રૉબર્ટે હા કહી.

શું? શું?, વામાએ પૂછ્યું. આમ અંદરઅંદર ગ્રીકમાં બોલો, તે ના ચાલે. 

ઑલ્ગાએ કહ્યું, તારાં વખાણ કરે છે.

હા, મેં કહ્યું, બહુ સુંદર છોકરી છે, માર્કો બોલ્યો.

શરમાઈને, વાત બદલવા, ભૂરા આકાશને ઘરમાં તેજ થઈને પ્રસરી ગયેલું જોતાં, વામાએ કહ્યું, બહુ જ સુંદર ઘર છે તમારું. હંમેશાં દરિયા પર સફર કરતાં હોઈએ તેવું લાગે, નહીં?

વાત એકદમ સાચી છે, માર્કોએ કહ્યું. અમે ખરેખર ભાગ્યશાળી છીએ, કારણકે અહીંથી અમને તિનોસ ટાપુ દેખાય છે. અને આ દૂરબીનમાંથી જોઈએ, તો માતા મૅરિનું દેવળ પણ જોઈ શકાય છે. અમે માનીએ છીએ, કે યાય્યા અને પાપ્પુસના આશીર્વાદ અમને સદાયે મળતા રહે છે.

રૉબર્ટ, એણે આગળ કહ્યું, યાય્યા તારે માટે એક ખાસ ચીજ આપતાં ગયાં છે. તું આજે મળવાનો છે, એમ ખબર પડી એટલે ઑલ્ગા, એને બૅન્કના સેફ ડિપૉઝીટ વૉલ્ટમાંથી, આજે કાઢી લાવી છે.

આમ કહીને, એણે એક મખમલી ડબ્બી રૉબર્ટના હાથમાં મૂકી. આ સરપ્રાઇઝ રૉબર્ટને માટે હતી. શું છે આ? યાય્યા શું મૂકી ગયાં છે મારે માટે?

આમ તો, એ ખરેખર તારે માટે નથી, ભાઈ. તારી ભાવિ પત્ની માટે છે. તેં વામાની સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે, તેથી તને યાય્યાની આ ભેટ સુપરત કરું છું.

રૉબર્ટે એને આંખે લગાડી, અને ખોલ્યા વગર વામાના હાથમાં મૂકી. વામાએ ખૂબ ભાવથી એને હાથમાં લીધી, અને ખોલતાં સાથે, એ “ઓ માય ગૉડ” બોલી ઊઠી. ડબ્બીમાં મોટાં ઍમૅથિસ્ટ રત્નની બુટ્ટીની જોડ હતી. રૉબર્ટનાં માને યાય્યાએ જે વીંટી આપેલી, એના સૅટની આ બુટ્ટીઓ હતી.

રૉબર્ટ કેટલો વહાલો હશે એમને. આટલો ખ્યાલ કરીને, એને માટે લગ્નની કિંમતી ભેટ આપતાં ગયાં.  વામાની આંખોમાં આંસુ આવી ગયાં. આવું અભિજાત કુટુંબ છે? એ ગ્રાન્ડમધરને મળી શકાયું હોત તો?

રૉબર્ટની આંખો પણ ભીની થઈ આવેલી. એણે તિનોસ ટાપુ તરફ જોયું. એને પણ યાય્યાના આશીર્વાદ મળી રહ્યા હતા. હવે કોઈ શંકા જ નહતી, કે વામા સાથેનો એનો સમાગમ શુકનિયાળ હતો.

પાછાં વળતાં, ન્યૂયૉર્ક શહેરના ઍરપૉર્ટથી, ફ્લૅટ પર જવા કરેલી ટૅક્સીમાં, વામાને લાગ્યું, કે રૉબર્ટ વારંવાર મલકી રહ્યો છે. એણે આંખના ઇશારાથી પૂછ્યું, જવાબમાં રૉબર્ટે એનો હાથ ચુમ્યો.

કશુંક કરવાનો લાગે છે, વામા હવે રૉબર્ટનું ઇમેજિનેટીવ પાસું જાણવા લાગી હતી. છતાં, જ્યારે એ ફ્લૅટમાં પ્રવેશી ત્યારે, એણે કલ્પી પણ ના હોય તેવી નવાઈ એ પામી ગઈ.

મોડી બપોરના ત્રાંસા કિરણોને લીધે ફ્લૅટની અંદર અજવાળું તો હતું જ, પણ એમાં જાંબલી ઝાંય હતી. કારણ? જ્યાં જુઓ ત્યાં ફૂલો હતાં. દરેક ટેબલ પર, દરેક ખૂણામાં, બારી પર, જમીન પર. હા, ફૂલો, પણ તે રંગરંગીન નહીં, કેવળ જાંબલીના જુદા જુદા શેડમાં. ગોઠવણી પણ કેટલી કલાત્મક હતી.

આફ્રીકન વાયોલેટ, વેર્બેના અને ડ્વાર્ફ આઇરીસ કુંડાંમાં હતાં. સુંદર ફુશિયા અને વિસ્ટેરિયાને બારી પરથી લટકાવેલાં હતાં. ભાગ્યે જ જોવા મળે તેવાં જાંબલી ક્લૅમાન્ટીસ એક ટેબલ પર હતાં, તો બીજા પર, આકર્ષક ઑર્કીડ હતાં. ને સુગંધ? એક તરફ લાયલાક, તો બીજી તરફ લવન્ડરનાં ફૂલો. જે તરફ જાઓ ત્યાં, એક કે બીજાની સુગંધ હવામાં પરખાય.

ક્યાંય સુધી વામા એક પણ શબ્દ બોલી ના શકી. પોતાને ગમતા રંગમાં આટલાં બધાં ફૂલો હોય છે? બસ, જાંબલીના શેડમાં આનાથી વધારે જાતનાં ફૂલો હોઈ જ ના શકે.

વામાના વિચારને સાંભળી લીધો હોય તેમ, હવે રૉબર્ટે એની સામે એક ગુચ્છ ધર્યો. મારી રૉયલ ઇન્ડિયન પ્રિન્સેસને, આ રૉયલ ઍમૅથિસ્ટ રોઝિઝ પસંદ પડશે, એમ આશા રાખું છું.

વામા હજી કશું બોલી ના શકી. એ રૉબર્ટને વળગી પડી, અને રડવા માંડી.

વામા, શું થયું? તને ના ગમ્યું, કે કોઈ ફ્લૅટમાં આવ્યું ફૂલો મૂકવાના બહાને?

મોઢું નીચું રાખીને, રડતાં રડતાં, અટકી અટકીને, વામાએ કહ્યું, ના, રૉબર્ટ, એવું નથી. પણ બસ, હવે બસ. આટલી બધી સ્પેશિયલ ટ્રીટમેન્ટ હું સહન નહીં કરી શકું. તારી સાથે હોવું, એ જ સ્પેશિયલ છે. બસ, એનાથી જ મારા બધા દિવસોને ભરેલા રહેવા દેજે.

ફ્લૅટનો બેલ વાગ્યો ત્યારે વામા જરાક સ્વસ્થ થઈ હતી. છતાં, અત્યારે કોણ આવ્યું?, લાંબી ફ્લાઇટનો થાક પણ નહીં ઉતારવા દે કોઈ?, વામા અકળાઈને બોલી.

જાણતો હોય તેમ, રૉબર્ટે શાંતિથી બારણું ખોલ્યું, અને આવનારાંને આવકાર આપ્યો.

કૉન્ગ્રેચ્યુલેશન્સ, વામા, કહેતાં કહેતાં આત્મીય મિત્રો જોહાન અને ત્સિવિયા અંદર આવ્યાં. ફ્લૅટમાં ગોઠવેલાં ફૂલો પૂરતાં ના હોય તેમ, બંનેના હાથમાં મોટા ગુચ્છ હતા – હાયડ્રેન્જિયા અને હ્રોડોડેન્ડ્રોનના. અલબત્ત, રંગ તો જાંબલી જને.

મેં નથી કહ્યું, વામા, આ તો એમની મેળે જ લાવ્યાં છે, હોં, રૉબર્ટે ચોખવટ કરી.

જોહાન કહે, તમારાં ઍન્ગૅજમૅન્ટ વિષે જાણ્યું, એટલે અમે તરત જ મળવા ઇચ્છતાં હતાં. વાંધો નથીને? અમે તો ખૂબ ખુશ થયાં છીએ.

વામાએ રૉબર્ટને પકડ્યો, લુચ્ચા, આ બધું કઈ રીતે પ્લાન કર્યું? ગજબ ફળદ્રુપ માઇન્ડ છે તારું. ને હોટેલમાંથી ક્યારે ફોન કર્યો તેં જોહાનને?

આટલી બધી મહેનત કરવા માટે, એણે જોહાન અને ત્સિવિયાને થૅન્ક્સ કહ્યા. ક્યાં ક્યાંથી શોધ્યા આ ફૂલોને? અને આવી સુંદર રીતે ગોઠવ્યાં.

થાકની વાત વામા ભૂલી ગઈ હતી. પ્રિયજનોની સાથે હતી, ને એમ જ રહેવું હતું એને, હંમેશાં.

ભરપુર સુખના સમય દરમ્યાન પણ, વામા અન્યોને યાદ કરતી હતી. અનિકાએ ફોન કરીને કહ્યું હતું, કે વામાની વાત સાચી હતી, પૅરન્ટ્સને હવે સંભાળની ઘણી જરૂર હતી, અને બંને હવેથી એની સાથે જ રહેશે. નક્કી એમ થયું, કે અનિકા હોય ત્યારે, વામા આન્ટી અને અંકલને મળવા આવી જશે. રૉબર્ટને લઈને જ જશે, એ પણ વામાએ નક્કી કરી જ રાખેલું.

ચંદાબહેનને ફોન કરીને, હવેથી અહીં, ન્યૂયૉર્કના આ ફ્લૅટમાં, કઈ રીતે આવવાનું, તે સમજાવી દેવું પડશે. ફાવી જશે એમને, ને પછી ગમશે શહેરમાં આવવું. અને કેતકીને ફોન તો કરીશ, જ, પણ એક વાર મળાય તો સારું. જોકે, સાથે જ, વામા અચકાતી પણ હતી. સુજીતને શું પ્રૉબ્લૅમ હશે, ને શું ચાલતું હશે એમનાં દાંપત્ય-જીવનમાં? પોતાના સુખની વાત કઈ રીતે કરાશે, કેતકીની સાથે?

થોડા વખત પહેલાંની તે સાંજે, ઉતાવળે અને ગભરાટના માર્યા ભાગી જવા માંડેલા સુજીતની પાછળ રૉબર્ટ પણ દોડેલો. એને મારવા નહીં, બલ્કે એની સાથે વાત કરીને એને મદદરૂપ થવા. સુજીત અભાગિયાની જેમ બે હાથ જોડીને, મને માફ કરજો. મને ખબર નહીં કે વામા —. હું જાણતો નહતો કે તમે —.

એની જીભ થોથવાતી હતી, તે કેવળ બીકને કારણે નહીં. રૉબર્ટ મકાનની લૉબિમાં એક તરફ એની સાથે બેઠેલો, ને ત્યાં સુજીતે ઘણું જણાવેલું. ખાસ તો એ, કે હવે એને દારૂ પીવાની ટેવ પડી ગઈ હતી. ઘેર એ કેતકીને જણાવવા ના માગતો હોય, તેથી ક્યારેક કાર્લૉસ જેવાની સાથે બારમાં જાય, ને ક્યારેક બૉટલને લઈને ગાડીમાં જ થોડું પી લે. એ તો અમેરિકામાં ગેરકાયદેસર ગણાય. સારું છે, કે હજી સુધી પોલિસના હાથમાં એ પકડાયો નહતો.

આ ઉપરાંત, ઑફીસમાં એની હાલત સારી નહતી. દરેક બાબતે સલાહ આપવાની ટેવ, તેમજ એના કૈંક ઘમંડી લાગે તેવા સ્વભાવને કારણે, ડિપાર્ટમૅન્ટમાં એનું માન નહતું રહ્યું. વિશની બદલી થઈ ગયા પછી કોઈ મિત્ર પણ ના રહ્યો. એને પ્રમોશન પણ નહતું મળતું, અને બીજા જુનિયર છોકરાઓ આગળ થઈ જવા માંડેલા.

ઘરમાં આમ તો બધું ઠીક હતું, પણ કેતકી હવે એને થોડી ડલ લાગતી હતી. કદાચ વામા પ્રત્યેના આકર્ષણને લીધે હશે. રાત પડ્યે બેડરૂમમાં તો કેતકી જ હતી, ને એની અનિચ્છા હોય ત્યારે પણ, એ પોતાને રોકી શકતો નહતો. બીજી બાજુ, બાળક અને નવા ઘરને લીધે ખર્ચો વધ્યો હતો. એ બાબતે પણ ટૅન્શન હતું એને.

મેં મારી જિંદગી માટે બધું ધારી રાખેલું. એમાંનું ઘણું થયું છે, જેમકે નોકરી, પત્ની, દીકરો, પોતાની માલિકીનું ઘર, પણ અચાનક ક્યાંક બંધ બંધાઈ ગયો હોય એમ, વહેણ સહજ રીતે વહેતું નથી લાગતું. સમજણો થયો ત્યારથી અત્યાર સુધી, મેં બહુ મહેનત કરી છે હંમેશાં, સફળ થવાને માટે. સુજીતે માથું કૂટ્યું, હવે બધું ધૂળ થઈ જતું લાગે છે.

રૉબર્ટને ઘણી દયા આવી. અમેરિકામાં આવેલા કેટલાયે ઇમિગ્રન્ટ લોકો આવી પરિસ્થિતિમાંથી પસાર થતા હોય છે. અનેક આશા લઈને આવ્યા હોય, પણ બધી પાર ના પડે. કોઈ પણ સ્વપ્ન સાકાર થાય, અને સુદૃઢ બને તે પહેલાં, ઘણો સંઘર્ષ કરવો પડે છે. એ દરમ્યાન, ઘણા જણા ગેરરસ્તે પણ જતા રહે, કે નિરાશ થઈ જાય, ને આવી સ્થિતિનો ભોગ બને.

એવું કશું બગડ્યું નથી હજી, ધીરે ધીરે પાછું બધું સારું થઈ જશે, જેવી વાતો કહીને, રૉબર્ટે સુજીતને સાંત્વન આપ્યું, અને જ્યારે જરૂર હોય ત્યારે એ વામાને મળી શકે છે, અને રૉબર્ટની સાથે વાત કરી શકે છે, એની ખાતરી આપી.

આ બધું સાંભળીને વામા અવાક્ થઈ ગયેલી. આટલું સરસ હૃદય છે રૉબર્ટનું, અને કેટલું મૅચ્યૉર છે એનું મન. ગુનેગાર પર પણ એ ગુસ્સો નથી કરી શકતો. દરેકના સંજોગોને સમજવાનો એનો પ્રયત્ન છે.

કેતકીને એણે ફોન કર્યો, પણ વચમાં ઘણો વખત થઈ ગયેલો. એ દરમ્યાન બીજા બાળકનો જન્મ થઈ ગયેલો. ઓહો, દીકરી આવી છે? ત્યારે તો હવે પર્ફૅક્ટ ફૅમિલિ થયું કહેવાય, ખરું ને?, વામાએ અભિનંદન આપતાં કહેલું. અને તારી બહેનને પણ અમેરિકા આવવાનું થયું, ને આવા જરૂરના સમયે એ તારી સાથે છે, તે કેટલું સારું, નહીં?

એણે સુજીતના ખબર પણ પૂછ્યા.

મઝામાં છે. એ એમના કામમાં બિઝી. સાંજે ઘેર આવે ત્યારે, કેવા મૂડમાં છે તે જોઈને અમે વર્તીએ, કેતકીએ કહ્યું. વધારે થાક્યા હોય તો જમીને તરત સૂઈ જાય. નહીં તો સચિનની સાથે થોડું રમે.

એણે કહ્યું નહીં, કે ઍક્સ્ટ્રા ખર્ચાની લ્હાયમાં, દેવકી અને જગતની સાથે, સુજીત ફ્રૅન્ડલિ પણ રહી શકતો નહતો.

તું મળવા આવીશ, તો સુજીતને ગમશે. મને તો ગમશે જ. આવજે જલદી. આવીશને?

અરે, આગ્રહ કરવાની જરાય જરૂર નથી. હું આવીશ જને. દેવકીને મળાશે. અને નાનકડી બેબીને જોવાશે. સચિન સ્કૂલેથી આવી ગયો હોય તે રીતે જ આવીશ.

આ જ ઇરાદો હતો વામાનો. પણ એ પહેલાં ફરીથી, રૉબર્ટની સાથે, એને યુરોપ જવાનું થયું. રૉબર્ટના પૅરન્ટ્સને – એનાં મૉમ અને થિયોને – મળવાનું ક્યાં બન્યું હતું હજી? તેથી હવે આયરલૅન્ડ જવાનો પ્લાન થયેલો.

વામાએ કહેલું, મને તો આયરલૅન્ડમાં કિલકૅનિ, રીન્ગ ઑફ કૅરિ, લિમરીક વગેરે જગ્યાઓ જોવી પણ ગમે. છતાં, ચલ, આ વખતે, એકલું ડબ્લિન જોઈને જ ચલાવી લઈશ, બસ? અલબત્ત, ત્યાં જેમ્સ જોઇસ, યૅટ્સ અને શૉન ઓ’કાસી  વિષેનાં પ્રદર્શનો તો જોવાં જ પડશે, હોં.

બહુ મોટી માગણી છે તારી તો, રૉબર્ટે મજાક કરેલી. આઇરિશ સાહિત્યકારોનાં પ્રદર્શનો જોવાને બદલે, તને ઍમૅથિસ્ટનો નૅકલૅસ આપું, તો નહીં ચાલે?

વામાએ બોલ્યા વગર, પહેલી આંગળી રૉબર્ટના મોઢાની સામે હલાવેલી – ના, હોં.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. રસપ્રદ પ્રકરણ: ૨૬ ના અંતમા ‘જેમ્સ જોઇસ, યૅટ્સ અને શૉન ઓ’કાસી વિષેનાં પ્રદર્શનો તો જોવાં જ પડશે, ‘…રાહ આઇરિશ સાહિત્યકારોનાં પ્રદર્શનોની વિગતે માહિતીની