શ્રીમદ્ ભાગવત કથા, દ્વિતીય સ્કંધ –છઠ્ઠો અધ્યાય – જયશ્રી વિનુ મરચંટ

દ્વિતીય સ્કંધ – છઠ્ઠો અધ્યાય – “વિરાટસ્વરૂપની વિભૂતિઓનું વર્ણન” (પુરુષસંસ્થાનુવર્ણન અંતર્ગત)

નમો ભગવતે વાસુદેવાય

 (દ્વિતીય સ્કંધના પાંચમો અધ્યાય, “સૃષ્ટિ-વર્ણન” (પુરુષસંસ્થાનુવર્ણન અંતર્ગત) આપે વાંચ્યું કે, શુકદેવજીને વિસ્ફોટ અને રાસાયણિક પ્રક્રિયા કાળક્રમે થતી ગઈ જે બ્રહ્માંડની ઉત્પત્તિ માટે કારણભૂત છે. પંચમહાભૂતોની ઉત્પત્તિનું કારણ પણ આ જ વિકારી અને વિસ્ફોટક શક્તિઓ છે. જેના થકી અનુક્રમે આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વીની વ્યુત્પત્તિ થતી ગઈ.

 જે સમયે પંચ-ભૂતો, ઈન્દ્રિયો, મન અને સત્વ વગેરે પરસ્પર સંગઠિત ન હતાં ત્યારે તે બધા પોતાના રહેવા માટે ભોગના સાધનરૂપ શરીરની રચના કરી શક્યાં નહીં. જ્યારે ભગવાને એમને પ્રેરિત કર્યાં ત્યારે તે તત્વો પરસ્પર એકબીજા સાથે મળી ગયાં અને તેમણે અરસ-પરસમાં કાર્ય-કારણભાવ અને કર્તૃત્વભાવ સ્વીકારી લીધો અને વ્યક્તિ-સમષ્ટિરૂપ પિંડ અને બ્રહ્માંડ રચાયાં. એ બ્રહ્માંડરૂપી બીજ સહસ્ત્રો વર્ષો સુધી એમ જ જળમાં પડી રહ્યું અને એક દિવસ કાળ, કર્મ અને સ્વભાવનો સ્વીકાર કરનારા ભગવાને તેમાં પોતાનો પ્રવેશ કરીને તેને જીવિત કરી દીધું. તેમાંથી એક વિરાટ પુરુષ નીકળ્યો. એના વિરાટ અંગો-ઉપાંગોમાંથી અનેક જીવો, મનુષ્યો, એમના કર્મો સહિત પેદા થયાં. એ વિરાટ પુરુષમાંથી જ ભૂલોક, સ્વર્ગલોક અને પાતાળલોકની પરિકલ્પના સાકાર થઈ. આ રીતે આ ભગવાનનું આ વિરાટપુરુષનું રચવું જ આ સૃષ્ટિની વ્યુત્પત્તિના કારણોમાં છે. હવે અહીંથી વાંચો આગળ, દ્વિતીય સ્કંધ, અધ્યાય છઠ્ઠો, “વિરાટસ્વરૂપની વિભૂતિઓનું વર્ણન)

સૂતજી આગળ સહુ શૌનકાદિ મુનિઓને કહે છે – “હે શૌનકાદિ મુનિઓ, આમ બ્રહ્માજી નારદજીને હવે વિરાટ વિભૂતિઓનું વર્ણન કરતાં કહે છે કે, આ વિરાટપુરુષ સામાન્ય માનવીઓની કલ્પનાની બહાર છે. આંખ મીંચીને એક વાર જરા વિચારી જુઓ એક એવું અસ્તિત્વ કે, જેના થકી આ સૃષ્ટિનું અણુએ અણુ સર્જાયું છે એનામાં કઈ હદ સુધીનું પૂર્ણત્વ પ્રભુએ મૂક્યું હશે, કે આજ સુધી એમાંથી સર્જનપ્રક્રિયા કાળાનુસાર થતી જ જાય છે, એટલું જ નહીં, પણ એમાં એ પ્રકિયાઓમાં પાછાં સુધારા-વધારા પણ થતા જાય છે? મારું સર્જનનું કામ તો એ વિરાટપુરુષના અસ્તિત્વમાં આવ્યા બાદ જ શરૂ થયું છે. હે નારદ, તમને હું આના થોડાંક ઉદાહરણ આપું જેથી તમને સમજાશે કે નારાયણે પોતાની પૂર્ણતાથી રચેલા આ વિરાટ્પુરુષની મહત્તા શું છે. આ જ વિરાટસ્વરૂપના અંગોમાંથી સમસ્ત બ્રહ્માંડમાં શું, શું રચાયું છે અને શું, શું આવનારા સમયમાં રચાતું રહેશે, એ બધું જ કહેવામાં તમારા અને મારા અનેક જન્મો વિતી જાય એમ છે. આથી જ એના તમને માત્ર થોડાંક જ ઉદાહરણ નીચે પ્રમાણે આપું છું. પણ હે પુત્ર, વિરાટપુરુષના પિંડમાં ભગવાને સઘળા વિજ્ઞાનો મૂકી દીધાં છે. શરીરવિજ્ઞાન, ખગોળવિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, ગણિતવિજ્ઞાન, સર્વ શક્તિઓના નિયંત્રણનું વિજ્ઞાન, (Engineering), ભાષાવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર, જૈવિકવિજ્ઞાન અને વ્યુત્પત્તિવિજ્ઞાન (આધુનિક ભાષામાં જેને Genetic Engineering – જેનેટિક એન્જિનિયરિંગ કહેવામાં આવે છે)   – બધું જ આ વિરાટપુરુષમાં જ મૂકી દીધું છે. ન જાણે આમાંથી યુગો સુધી કેટલાં બ્રહ્માંડો ઘડાતાં રહેશે અને એનામાં જ વિલુપ્ત પણ થતાં રહેશે! તો મહાભાગ નારદ, હું આ ભગવાનના રચેલા આ મહાવિભૂતિ, મહાવિરાટસ્વરૂપને સૌ પ્રથમ પ્રણામ કરીને જ આ મહાસાગરનાં થોડાંક ટીપાંઓને જ હું આ જન્મમાં કહી શકું એમ છું.

૧. મુખમાંથી વાણી અને તેના અધિષ્ઠાતૃ દેવતા અગ્નિ ઉત્પન્ન થયાં.

૨. મનુષ્યો, પિતૃઓ અને દેવતાઓને ભોજન કરવા યોગ્ય અન્ય, બધા પ્રકારના રસ, રસેન્દ્રિય, અને તેના અધિષ્ઠાતૃ દેવતા

   વિરાટપુરુષની જિહ્વામાંથી ઉત્પન્ન થયેલ છે.

૩. સાતે મૂળ છંદ – ગાયત્રી, ત્રિષ્ટુપ, અનુષ્ટુપ, ઉષ્ણિક, બૃહતી, પંક્તિ, અને જગતી – વિરાટપુરુષની જિહ્વાની રચનામાં

   વપરાયેલા સાત ધાતુઓમાંથી પેદા થયા છે.

૪. તેમનાં નસકોરાંમાંથી પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન – આ પાંચે પ્રાણ અને વાયુ તથા ઘ્રાણેન્દ્રિયમાંથી

   અશ્વિનીકુમારો, સમસ્ત ઔષધિઓ તેમ જ સાધારણ તથા વિશિષ્ટ ગંધ ઉત્પન્ન થયેલ છે.

૫. તેમનાં નેત્રો જ સૂર્યની અને અન્ય ગ્રહોની ને બ્રહ્માંડની જન્મભૂમિ છે. –

   આ વાત હે નારદ, તમને સાચા અર્થમાં કલ્પનાતીત લાગશે. પણ, એ વિચારો, કે જે નેત્ર જ્યોતિમાંથી ગ્રહો ને બ્રહ્માંડની   

   આ સૃષ્ટિ થઈ શકે એ પિંડ નારાયણે પોતાના અંશથી કઈ રીતે રચ્યો હશે?

હે નારદ, આ તો માત્ર અલ્પ ઉદાહરણો છે. બાકી તો સચરાચરમાં જે કંઈ પણ અસ્તિત્વ ધરાવે છે એ આ વિરાટસ્વરૂપમાંથી જ કાં તો જન્મ પામે છે અને વિકાસ પામે છે. પવિત્ર કરનારાં તીર્થો, જગતનો સૌંદર્યનો ખજાનો, સઘળા જીવિત મનુષ્યો અને પ્રાણીઓની સર્વે ઈન્દ્રિયો, સર્વે શારિરીક અને માનસિક શક્તિઓ, સમસ્ત દિશાઓ, આ લોક અને પરલોકના લોકપાલો (Aliens?), બધું જ આ વિરાટપુરુષના પિંડના અંશનો યે અંશ અને એનોય અંશ (અણુવિજ્ઞાન?) છે. પુત્ર નારદ, હું, તમે, ધર્મ, તમારા મોટાભાઈઓ સનકાદિ, શંકર, અનેક પ્રકારના વિજ્ઞાન, શરીરી અને અશરીરી તત્વો, સ્થળ, જળ, આકાશ, ગ્રહો, નક્ષત્રો, બ્રહ્માંડો (Galaxies) આ સર્વમાં એ વિરાટપુરુષ વ્યાપ્ત રહે છે અને કાળક્રમે બધું નાશ પામતાં ફરી એ વિરાટપુરુષમાં મળી જાય છે અને સમય આવતાં ફરી એ જ ઉત્પત્તિ અને વ્યુત્પત્તિ એના અનુક્રમે પ્રારંભ પામે છે. પણ સાચા અર્થમાં તો જેમ સૂર્ય સ્વયં અંદર પ્રકાશિત રહીને બહારથી પોતાના મંડળને પ્રકાશિત કરતો રહે છે, બરાબર એ જ રીતે, પરમ પરમાત્મા, આ વિરાટપુરુષમાં પોતાને આંશિક રૂપે આરોપિત કરીને સંપૂર્ણ રીતે બહારની સૃષ્ટિને પણ અનેક વિભૂતિઓમાં વહેંચાઈને પ્રકાશિત કરતા રહે છે. (એકોહમ્ બહુસ્યામ્!) આ જ કારણોસર પરમાત્માનો પાર પામી શકવો અશ્ક્ય છે.”

શૌનકાદિ મુનિઓ પછી સૂતજીને પૂછે છેઃ “હે મહાજ્ઞાની સૂતજી, આ બધું જે નારદજીને બ્રહ્માજીએ કહ્યું એ સાંભળતાં જ અમે તો આનંદવિભોર અને કૃત્યકૃત્ય થઈ ગયા! સૂતજી, અમને એનું જ્ઞાન આપો કે સામાન્ય માનવીઓ માટે જ્ઞાન મેળવવાના અને શાસ્ત્રો સુધી પહોંચવાના ક્યા અને કેટલા માર્ગો છે?

સૂતજી કહે છેઃ “તમે મનુષ્યોના કલ્યાણ માટે સરસ સવાલ પૂછ્યો છે. પહેલાં એનો ઉત્તર હું બ્રહ્માજીએ દેવર્ષિ નારદને જે આપ્યો હતો, એ જ અક્ષરસઃ કહું છું. બ્રહ્માજીએ નારદજીને વિરાટપુરુષની વિભૂતિઓની વાત કરતાં કહ્યું હતું કે – શાસ્ત્રોમાં આ જ્ઞાન મેળવવાના મનુષ્યોને બે ઉપાય સૂચવવામાં આવ્યા છે. એક અવિદ્યારૂપ કર્મમાર્ગ જે સકામ મનુષ્યો માટે છે અને બીજો ઉપાસનારૂપ વિદ્યામાર્ગ કે જે નિષ્કામ ઉપાસકો માટે છે. મનુષ્ય એ બંનેમાંથી કોઈ એકનો આ બેઉ માર્ગના આધાર તો ભગવાન પુરુષોત્તમ જ છે.”

બ્રહ્માજી આગળ કહે છે કે,- “હે નારદ, મારો જન્મ તે વિરાટ પુરુષના નાભિકમળમાંથી થયો. મેં મારા જનમ પછી નારાયણની પ્રેરણાથી વિશ્વની રચનામાં પ્રવૃત્ત થવા માટે યજ્ઞભૂમિ, યથોચિત યજ્ઞકાળની અને યજ્ઞ સામગ્રીસહિત યજ્ઞોની કલ્પના કરી. મને એમાંથી આવશ્યક પાત્રો, અને વસ્તુઓ જેવી કે જવ, અક્ષત, ઔષધિઓ, ઘી જેવા સ્નિગ્ધ પદાર્થો, છ રસ, લોઢું, માટી, જળ, ઋક, યજુ, સામ, ચાતુર્હોત્ર, યજ્ઞોના નામ, મંત્ર, દક્ષિણા, વ્રત, દેવતાઓના નામ, પદ્ધતિગ્રંથ (કલ્પ), તંત્ર, સંકલ્પ વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને ત્યાર પછી પરમાત્માના યજન થકી તમારા નવ મોટાભાઈઓ, પ્રજાપતિઓ, મનુ, ઋષિઓ, દેવતાઓ, દૈત્યો અને મનુષ્યોએ યજ્ઞો દ્વારા ભગવાનની આરાધના કરી અને કરતા રહે છે. પ્રિય નારદ, તમને મેં જે કંઈ પૂછ્યું એનો ઉત્તર હવે આપી દીધો છે. પરમાત્માનો પહેલો અવતાર વિરાટ પુરુષનો છે. આ સિવાયના પરમ પુરુષ પરમાત્માના પવિત્ર તથા મુખ્ય લીલા-અવતારો પણ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યાં છે. તેમનાં ચરિત્ર સાંભળીને જીવનમરણના ફેરામાંથી મોક્ષ મળે છે. આપણે જેમના અવતારોની અપરંપાર લીલાઓના હાર્દને સંપૂર્ણપણે પામી શકતાં નથી અને પરમતત્વને સદંતર રીતે ને પૂર્ણ રૂપમાં પામી શકતાં નથી એવા શ્રી ભગવાનનાં શ્રી ચરણોમાં હું નમસ્કાર કરું છું.

શ્રીમદભાગવત મહાપુરાણનો દ્વિતીય સ્કંધનો છઠ્ઠો અધ્યાય –“વિરાટસ્વરૂપની વિભૂતિઓનું વર્ણન” કે જે “પુરુષસંસ્થાવર્ણન” અંતર્ગત આલેખાયો છે તે સમાપ્ત થયો.શ્રીમન્ નારાયણનારાયણનારાયણભગવદ્ નારાયણનારાયણનારાયણ.

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. હ્ંમેશ જેમ સરળ સમજુતીવાળી કથાની આ વાત ‘વિરાટપુરુષના પિંડમાં ભગવાને સઘળા વિજ્ઞાનો મૂકી દીધાં છે. શરીરવિજ્ઞાન, ખગોળવિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, ગણિતવિજ્ઞાન, સર્વ શક્તિઓના નિયંત્રણનું વિજ્ઞાન, (Engineering), ભાષાવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર, જૈવિકવિજ્ઞાન અને વ્યુત્પત્તિવિજ્ઞાન (આધુનિક ભાષામાં જેને Genetic Engineering – જેનેટિક એન્જિનિયરિંગ કહેવામાં આવે છે) – બધું જ આ વિરાટપુરુષમાં જ મૂકી દીધું છે’ આધુનિક વિજ્ઞાના દ્વારા સંશોધન જરુરી છે
    ધન્યવાદ

  2. વિરાટ પુરુષની અને સૃષ્ટિ ઉત્પત્તિની આ કથા આધુનિક વિજ્ઞાનને પણ શોધ કરવા માટે પ્રેરક બને તેવી છે. ભાગવત અધ્યાત્મ અને ભૌતિકશાસ્ત્રનો સમન્વય કરે છે.