સૌથી સુંદર ચહેરો (પોલીશ વાર્તા) ~ બાબુ સુથાર

“વારતા રે વારતા”- (૨૧)
(વિશ્વ સાહિત્યની વાર્તાઓનો આસ્વાદ કરાવતી શ્રેણી )

માર્ક્સવાદી ફિલસૂફ લેસ્ઝેક કોલાકોવસ્કીએ (Leszek Kołakowski) ટૂંકી વાર્તાઓ પણ લખી છે. એ પણ વાસ્તવવાદી નહીં, કપોળકલ્પિત. જો કે, એમનું કપોળકલ્પિત જરા જુદા પ્રકારનું છે. એ મોટે ભાગે એક બાજુ વાસ્તવ અને બીજી બાજુ કપોળકલ્પિતની વચ્ચે જીવતું હોય છે. દાખલા તરીકે એમની ‘A Beautiful Face’ નામની વાર્તા લો. એમાં નીનો નામના એક માણસની વાત છે. આ નીનોનો ચહેરો સૌથી સુંદર છે. એટલો બધો સુંદર કે નીનો ગામમાં નીકળે ત્યારે યુવાન છોકરીઓ એનો ચહેરો જોવા બારીઓ ખોલી નાખે. પણ, નીનોની એક મુશ્કેલી છે. એ એક બેકરીમાં મદદનીશ તરીકે કામ કરે છે. એને કારણે એણે આખો દિવસ ભઠ્ઠીની પાસે જ રહેવું પડતું હોય છે. દેખીતી રીતે જ, ભઠ્ઠી પાસે સતત ગરમી પણ હોય અને ભેજ પણ. એને કારણે નીનોને થાય છે કે આ ગરમી અને ભેજના કારણે મારો ચહેરો બગડી જશે. પણ, કરવું શું? નોકરી તો છોડાય નહીં. છોડે તો ખાય શું?

ખૂબ વિચાર્યા પછી નીનોને થાય છે કે એણે એનો ચહેરો તિજોરીમાં મૂકી રાખવો જોઈએ. પણ, સવાલ એ હતો કે એવી તિજોરી લાવવી ક્યાંથી? વળી તિજોરીના તો પૈસા પણ વધારે થાય. નીનોભાઈ તો મજૂર માણસ. એમની પાસે તિજોરી ખરીદવા જેટલા પૈસા તો ક્યાંથી હોય? તો પણ, એમણે નક્કી કર્યું: ગમે તેમ કરીને મારે મારો ચહેરો સાચવવો જ છે. એથી એમણે એમના પાડોશીને વાત કરી. પાડોશી એમને નાણાં ધીરવા તૈયાર થયો. એ પણ સમજતો હતો કે અહીં સવાલ સૌથી વધારે સુંદર ચહેરાનો છે.

પછી નીનો પૈસા લઈને નજીકના શહેરમાં ગયો. ત્યાંથી એણે સુંદર મજાની એક તિજોરી ખરીદી. નાનકડી. પેટી જેવડી. ટૂંકામાં, ચહેરો સમાય એવડી. ઘેર આવીને એણે એ તિજોરીમાં પોતાનો ચહેરો મૂકી દીધો. જો કે, ત્યાર પછી પણ નીનોની ચિન્તા ઘટી નહીં. કેમ કે, હવે એને બીજો ડર લાગવા માંડ્યો: કોઈ તિજોરી લઈ જશે તો? પણ નીનોએ એનો ઉકેલ શોધી કાઢ્યો. એણે જ્યાં જાય ત્યાં પેલી તિજોરી સાથે લઈ જવાનું નક્કી કર્યું.

હવે નીનોને શાન્તિ હતી. એનો સૌથી સુંદર ચહેરો હવે તિજોરીમાં સલામત હતો. પણ, બન્યું એવું કે હવે લોકો ધીમે ધીમે નીનોના સુંદર ચહેરાને પણ ભૂલવા લાગ્યા હતા. કેમ કે, હવે નીનો બહાર નીકળતો તો ચહેરો તિજોરીમાં લઈને નીકળતો. કોઈ એ ચહેરો જોઈ શકતું નહીં. લોકો જ નહીં, હવે તો નીનો પણ પોતાના સુંદર ચહેરાને હવે ભૂલવા લાગ્યો હતો. જો કે, એને તિજોરી યાદ રહેતી ખરી.

ત્યાં જ એક દિવસે પાડોશીએ એની પાસે પૈસાની ઉઘરાણી કરી. આપણે જોયું એમ નીનો તો એક ગરીબ માણસ હતો. એની પાસે બચત તો ક્યાંથી હોય? એણે પાડોશીને સમજાવ્યો કે હું તને કટકે કટકે પૈસા આપી દઇશ. પણ, પાડોશી એકનો બે ન થયો. એણે કહ્યું: કાલે જ પૈસા જોઈએ. નહીં તો હું પોલીસમાં જઈશ.

પોલીસની ધમકી સાંભળ્યા પછી નીનોની ઊંઘ હરામ થઈ ગઈ. એણે નક્કી કર્યું કે મારે જેલમાં તો જવું નથી. તો શું કરવું? ખૂબ મનોમંથન પછી એણે નક્કી કર્યું કે હવે આ તિજોરી જ પાછી આપી આવું.

એ તો બીજા દિવસે વહેલી સવારે ગયો પાછો શહેરમાં પેલા તિજોરીના વેપારી પાસે. કહે: આ તિજોરી પાછી લઈ લો અને મને મારા પૈસા પાછા આપી દો. મારે હવે આ તિજોરી નથી જોઈતી. વેપારી કહે: ક્યારે ખરીદેલી? નીનો કહે: પંદર વરસ પહેલાં. વેપારી કહે: પંદર વરસ પહેલાં ખરીદેલી તિજોરીને હું પાછી ન લઉં. હવે તો એ કેટલેક ઠેકાણે તો ખવાઈ પણ ગઈ હશે. નીનોએ ખૂબ આજીજી કરી પણ પેલા વેપારીએ એની વાત ન માની.

આખરે નીનોભાઈ તો નિરાશ થઈને ઘેર પાછા આવ્યા. જુએ છે તો બારણે પોલીસ ઊભી. પોલીસે એમને કહ્યું: કાલે અદાલતમાં હાજર થજો. તમે તમારા પાડોશીને પૈસા પાછા આપ્યા નથી. નીનો પાછો શહેરમાં ગયો. પણ, આ વખતે તિજોરીવાળા પાસે જવાને બદલે એ એક શાહુકાર પાસે ગયો. એ શાહુકાર વસ્તુઓ ગિરવે રાખવાનું કામ કરતો. નીનોએ એને કહ્યું: મારે મારો ચહેરો ગિરવે મૂકવો છે. એ પણ તિજોરી સાથે. કેટલા પૈસા આપશો? શાહુકારે ચોપડી કાઢી ચહેરાની અને તિજોરીની કિમત શોધી કાઢી. પછી એણે ગણતરી કરીને નીનોને એ કેટલા પૈસા આપી શકે એની વાત કરી. એટલું જ નહીં, એણે નીનોને એમ પણ કહ્યું કે તારે છ મહિનામાં ચહેરો અને તિજોરી છોડાવી જવાં પડશે. નહીં છોડાવે તો બન્નેને જપ્ત કરવામાં આવશે. શાહુકારે જેટલા પૈસા આપવાની વાત કરેલી એટલા પૈસા તિજોરીની કિમતથી પણ ઘણા ઓછા હતા. વળી એણે જે શરત મૂકેલી એ પણ આકરી હતી. પણ નીનો પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. એ ગમે તેમ કરીને જેલવાસ ટાળવા માગતો હતો. આખરે, એણે ચહેરો અને તિજોરી ગિરવે મૂકીને પૈસા લીધા અને ઘેર આવીને પાડોશીને આપી દીધા. એટલું જ નહીં, એણે પાડોશીને એમ પણ કહ્યું કે બાકીના પૈસા હું થોડાક સમયમાં જ આપી દઈશ.

થોડા સમય પછી પાછો પેલો પાડોશી ઉઘરાણીએ આવ્યો. પણ નીનો પાસે પૈસા તો હતા નહીં. એટલે પાડોશી પોલીસમાં ગયો; પોલીસ નીનોને અદાલતમાં લઈ ગઈ અને અદાલતે નીનોને જેલમાં મોકલી આપ્યો. જેલમાં નીનો બધાંને પોતાના સુંદર ચહેરાની વાત કરતો. કેટલાક એને સાંભળતા; કેટલાક એની મશ્કરી કરતા.

એમને એમ છ મહિના થઈ ગયા. પેલા શાહુકારે નીનોની ખૂબ રાહ જોઈ. એને એમ કે હવે નીનો આવીને એનો ચહેરો અને તિજોરી છોડાવી જશે. પણ એમ ન બન્યું. કેમ કે નીનો તો જેલમાં હતો. શાહુકારે છ મહિના પૂરા થતાં જ નીનોનો ચહેરો અને એની તિજોરી જપ્ત કર્યાં. એણે તિજોરી ખોલી નીનોનો સુંદર ચહેરો બહાર કાઢ્યો અને છોકરાંને આપ્યો. કહ્યું: ફૂટબોલને બદલે હવે તમે ચહેરાથી રમો. છોકરાં નીનોના ચહેરાને ફૂટબોલ ગણી એની સાથે રમવા લાગ્યાં. છોકરાંને એના સુંદર ચહેરા પર લાત મારવામાં મજા આવતી હતી.

આ બાજુ નીનોને ખબર જ ન હતી કે પેલા શાહુકારે એના ચહેરાને અને એની તિજોરીને જપ્ત કર્યાં છે. એ તો બસ, જેલમાં બધાંને પોતાના સૌથી સુંદર ચહેરાની વાત કર્યા કરતો હતો.
 —
બોધકથાની અડોઅડ પહોંચી જતી આ વાર્તા લેખકના Tales from the Kingdom of Lailonia નામના સંગ્રહમાં પ્રગટ થઈ છે. જેમ ઝુમરીતલૈયા નામનું કોઈ ગામ નથી એમ Lailonia નામનું કોઈ રાજ્ય નથી. લેખકે પુસ્તકના પ્રારંભમાં જ, આમ જુઓ તો પ્રસ્તાવનામાં ને તેમ જુઓ તો બીજી એક વાર્તામાં, આ રાજ્ય વિશે ખૂબ સરસ વાત કરી છે. એ કહે છે:

મેં અને મારા ભાઈએ લાઈલોનિયા રાજ્ય શોધવાના ખૂબ પ્રયાસો કર્યા પણ અમને એવું કોઈ રાજ્ય જડ્યું નહીં. અમે અમારા મિત્રોને પણ પૂછ્યું. બધાંએ કહ્યું કે અમને ખબર નથી. અમે ગલીમાં થઈને પસાર થતા અજાણ્યા માણસોને પણ ઊભા રાખીને પૂછ્યું કે ભાઈ, તમે લાઈલોનિયા રાજ્ય જોયું છે? અને એ બધાંએ ના પાડી છે. પછી અમે વિદ્વાન માણસોને કાગળો લખીને પૂછ્યું. પણ એમણે પણ અમને નિરાશ કર્યા.

જો કે, તો ય અમે હિમત હાર્યા નહીં. અમે મળ્યા એટલા નકશા ખરીદી લીધા. પૃથ્વીના ગોળા પણ ખરીદ્યા. એટલાસ પણ ખરીદ્યા. અમે એ બધ્ધામાં જોયું. પણ અમને ક્યાંય લાયલોનિયા દેશ જડ્યો નહીં. અમારું ઘર હવે નકશાઓથી અને એટલાસથી ભરાઈ ગયું હતું. ઘરમાં હવે ચાલવાની જગ્યા પણ ન હતી. અમે વધારે નકશા તથા ગોળા સમાવી શકાય એ માટે અમારું રાચરચીલું બહાર ફેંકી દીધું. પછી જ્યારે અમારે ચાલવાની જગ્યા પણ ન રહી ત્યારે અમે પાતળા થવાની દવા લીધી જેથી અમે નકશાઓ અને ગોળાઓની વચ્ચે ચાલી શકીએ. તો પણ અમને લાયલોનિયા દેશ ક્યાં આવેલો છે એ જડતું જ ન હતું.

આખરે અમે વૃદ્ધ થઈ ગયા ત્યારે અમને એક નકશામાં લાયલોનિયા દેશ દેખાયો. અમે એટલા બધા ખુશ થઈ ગયા કે હરખમાંને હરખમાં અમે નાચવા લાગ્યા. પછી જ્યારે નાચવાનું બંધ કર્યું ત્યારે અમને ખબર પડી કે અમે જે નકશામાં લાયલોનિયા દેશ જોયેલો એ નકશો બીજા બધા નકશાઓમાં દટાઈ ગયો હતો અને હવે અમને એ પણ ખબર ન હતી કે એ નકશો કયો હતો. હવે અમારે બધા નકશા પાછા જોવા પડે.

આખરે અમે લાયલોનિયા શોધવાનું પડતું મૂક્યું. હવે મારા અને મારા ભાઈના વાળ ધોળા થઈ ગયા હતા.

ત્યાં જ એક દિવસે ટપાલી આવ્યો. એક બોક્સ લઈને. એ બોક્સ પર લખેલું હતું: લાયલોનિયાથી. અમે ટપાલીની પાછળ દોડ્યા. અમને એમ કે એને ખબર હશે કે લાયલોનિયા ક્યાં આવ્યું. કેમ કે એ લાયલોનિયાથી કોઈકે મોકલેલું બોક્સ લઈને આવેલો. એણે કહ્યું કે હું તો ટપાલ વહેંચવાનું કામ કરું. બધી ટપાલોનાં સરનામાં હું ક્યાં જોવા રહું. પણ, હા, કદાચ પોસ્ટમાસ્તરને ખબર હશે. તમે એમને પૂછો.

પછી અમે પોસ્ટમાસ્તર પાસે ગયા. એ કહે: મને પણ ખબર નથી. કદાચ મોટા પોસ્ટમાસ્તરને ખબર હોય. પણ મોટા પોસ્ટમાસ્તરને મળવાનું ખૂબ અઘરું હતું. એ બહુ કામમાં હોય. અમે મોટા પોસ્ટમાસ્તરને મળવા ફોર્મ ભર્યું. અને બીજી વિધિઓ પણ કરી. એમણે અમને બીજા દિવસે વહેલી સવારે પાંચ વાગે મળવાનો સમય આપ્યો. હું અને મારો ભાઈ ત્યાં જ રાત રહ્યા. કદાચ ઘેર જઈએ ને ત્યાં ઊંઘી જઈએ તો!

સવારે પાંચ વાગે મોટા પોસ્ટમાસ્તર મળ્યા. એમણે અમને ચાપાણી કરાવ્યાં અને અમે એમને લાયલોનિયા દેશ વિશે વાત કરી. એમણે જવાબમાં કહ્યું કે મને તમારો પ્રશ્ન સમજાય છે. પણ તમે જ કહો, હું તો જગત આખાના દેશોની ટપાલનો વહીવટ કરતો હોઉં છું. એ બધા દેશો ક્યાં આવ્યા એ હું કઈ રીતે જાણું?

અમે મોટા પોસ્ટમાસ્તરને કહ્યું કે કદાચ તમારા મદદનીશોને ખબર હોય. એમણે ચારેય દિશાઓના ચાર મદદનીશોને વારાફરતી ફોન કર્યો. બધાએ કહ્યું: લાયલોનિયા દેશ ક્યાં આવેલો છે એની અમને ખબર નથી.

પછી અમે મોટા પોસ્ટમાસ્તરથી પણ મોટા પોસ્ટમાસ્તરને પૂછવાનું નક્કી કર્યું. તો મોટા પોસ્ટમાસ્તર કહે કે એ તો બહાર ગામ ગયેલા છે. અમારી આંખમાં આંસુ આવી ગયાં. શું કરે? આખરે અમે ઘેર આવવા નીકળ્યા. રસ્તામાં મેં મારા ભાઈને કહ્યું: તને નથી લાગતું કે આ પૃથ્વીને ચાર કરતાં વધારે ખૂણા હોય. કદાચ પાંચમા કે છઠ્ઠા ખૂણાના કોઈક પોસ્ટમાસ્તરને લાયલોનિયાની ખબર હોય. એ કહે કે એ વાત પણ સાચી. તો ચાલો પાછા મોટા પોસ્ટમાસ્તર પાસે જઈએ. અમે પાછા મોટા પોસ્ટમાસ્તર પાસે ગયા. પણ, એ ખૂબ કામમાં હતા. એમને મળવાનું હવે મુશ્કેલ હતું. અમે પાછા ઘેર આવ્યા.

પણ, આ બધામાં અમે તમને પેલા બોક્સમાં શું હતું એ કહેવાનું ભૂલી ગયેલા. એમાં વાર્તાઓ હતી. જે આ પુસ્તકમાં પ્રગટ કરવામાં આવી છે.

A Beautiful Face વાર્તા પણ મેં એ પુસ્તકમાંથી લીધી છે.

મને લાગે છે કે લાયલોનિયા દેશ આપણા બધામાં આવેલો છે અને આપણે બધા લાયલોનિયાના નાગરિકો છીએ. સૌથી સુંદર ચહેરાવાળો નીનો  આપણામાંથી કોઈક હોઈ શકે. આ વાર્તામાં એક નાનકડી ઘટના છે જે મને લાગે છે કે ખૂબ મહત્ત્વની છે. નીનો પોતાનો ચહેરો ગિરવે મૂકવા શાહુકારના ત્યાં જાય છે ત્યારે શાહુકાર ચોપડામાં જુએ છે. ચહેરાના ભાવ જોવા માટે. એવું ન બને કે આ દેશમાં ઘણા લોકો પોતાના ચહેરા ગિરવે મૂકતા હશે?

છેલ્લે, બે મુદ્દા: (૧) આજના સમયમાં કેટલા લોકો પાસે પોતાનો ચહેરો હશે? અને (૨) જેમ લાયલોનિયા દેશ જડતો નથી એમ કળાકૃતિનો પણ કોઈ ચોક્કસ એવો અર્થ આપણને જડતો નથી. આ અર્થની અસ્થિરતા જ વાર્તાને સફળ કૃતિ બનાવે.

~ બાબુ સુથાર

આપનો પ્રતિભાવ આપો..

5 Comments

  1. વાર્તા ખૂબજ ગમી. દરેક વાર્તાનો ચોક્કસ અર્થ શોધવામાં પાડવા કરતા લેખકનું ભાવજગત અને તેનું વાર્તા વહેણ આપણને ચોક્કસ વ્યાવહારીક જગતમાંથી બહાર નીકળીને જાતમાં ડોકાયું કરવા પ્રેરે છે અને તેજ તેની યથાર્તા છે. શ્રી બાબુભાઇએ વાર્તાને જાણવા અને માણવાનો સરસ દ્રષ્ટિકોણ પણ આપ્યો છે. આપના અનુભવનાં બિલોરી કાચમાં ઝડપાયેલી આવી વૈશ્વિક વાર્તાઓનો આસ્વાદ કરવતા રહેશો.

  2. ઓળખની આવી તિર્યક રજૂઆત વારતામાં જે રીતે થઈ છે એમાં ધીમા ધીમા પ્રવેશતા સ્થિતિજન્ય કરુણ સૂક્ષ્મ થતાં થતાં અદૃશ્ય થવા સુધી પહોંચે છે ત્યારે વાસ્તવનું વરવું રૂપ છતુ થાય છે. રજૂઆત ગમી.

  3. સુંદર વાર્તાનુ ખૂબ સરસ અર્થગંઠન મા બાબુભાઇ દ્વારા
    ધન્યવાદ

  4. બહુ જ સુંદર વાર્તા. ભલે એ ફેન્ટસી જેવી લાગે પણ બાબુભાઇએ કહ્યું છે તેમ તેનું અર્થઘટન વાસ્તવના સંદર્ભમાં પણ થઈ શકે. તેમ કરીએ ત્યારે આધુનિક સમયની કરુણતા અને વિડંબના પ્રત્યક્ષ થાય.