લાવ્યો છું (ગઝલ) ~ હેમેન શાહ

સ્વરાંકન: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર: સન્નિધ શાહ

જરા ખુશ્બૂ, જરા ઝાકળ, જરા અજવાસ લાવ્યો છું,
હું ગુજરાતી ગઝલ માટે દીવાને-ખાસ લાવ્યો છું.

તમન્ના આભની પણ હું તો કેવળ શ્વાસ લાવ્યો છું,
કદી ખૂટે નહીં એવો વિરોધાભાસ લાવ્યો છું.

ફકીરીમાં અમીરીનો અજબ અહેસાસ લાવ્યો છું,
ગઝલ મમળાવવાનો રાજવી ઉલ્લાસ લાવ્યો છું.

બધા શ્રાવણની ઝરમર રાતનો શૃંગાર માગે છે,
ને હું પ્રાગડના ગેરુ રંગનો સંન્યાસ લાવ્યો છું.

પ્રબળ પુરુષાર્થ કોઈ હાથચાલાકી નથી હોતો,
હું ધસમસતી નદીના વ્હેણનો વિશ્વાસ લાવ્યો છું.

તમે કલદાર, કાયા, કીર્તિ કે કૌવત લઈ આવો,
સ્મશાનોની અચલ ભૂમિનું અટ્ટહાસ્ય લાવ્યો છું.

~ હેમેન શાહ

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. હેમેન શાહની લાવ્યો છું (ગઝલ) નુ સન્નિધ શાહ દ્વારા સ રસ ગાન