માને ખોળે ~ અનિલ વાળા

પઠન: કવિના અવાજમાં

મા
મારે તારાં ખોળે માથું મૂકી
ભરપૂર રડી લેવું છે.
મારે મારાં મનમાં ન આણેલાં
એવા સુખદુ:ખની વાતો કરવી છે.
મારે લાડ કરવાં છે…
અને તારા હાથની બનેલી
મધુર રસોઈ ખાવી છે…

તને યાદ છે ?
હું એકવખત
છ‍ાનોમ‍ાનો બધી દ્રાક્ષ ખાઈ ગયેલો.
ત્યારે તેં કહેલું કે:
“બેટા! બધું વહેંચીને ખવાય”
ત્યારથી મેં મારાં દુ:ખ સિવાયની
લગભગ બધી ચીજ વહેંચી છે.

એના બદલામાં મારી આંખોને નર્યાં ઝળઝળિયાં મળ્યાં છે.
હું અંધકારની ભીંસમાં ભીંસાઈ ગયો છું.
તારા હાથ દીવો પ્રગટાવે તો હું
પ્રણામ કરી શકું.
હું તારી રાહ જોઉં છું.. કે
મારે ફરી નાનું બાળક બનીને
તારી આંગળીએ વળગી
પેલાં ભાલાળા ડુંગર પર
બોર વીણવા જવું છે..
પણ….મા…મા..
તું તો છત્રીસ વર્ષ પહેલાં
અમારાથી અબોલા લઈ ચાલી
નીકળી હતી અનંતની સફરમાં..
હું તારી રાહ જોઉં છું.
મને ખબર છે તું
પાછી નહીં જ આવે
તો પણ હું તારી રાહ જોઉં છું..
બસ રાહ જોઉં છું…

~ અનિલ વાળા

તસવીર સૌજન્ય: catholiccartoonblog.blogspot.com/

આપનો પ્રતિભાવ આપો..

5 Comments

  1. માને ખોળે ~ અનિલ વાળા કવિના અવાજમાં પઠન ખૂબ ગમ્યુ