હું અને મારા પપ્પા ~ ડૉ.પ્રીતિ જરીવાળા

વાચિકમ: લેખિકા દ્વારા

(સ્મરણ-લેખ)
મારા પપ્પા એટલે મારા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ. અમે ત્રણેય બહેનો નાનામાં નાની વાત પણ પપ્પાને કરીએ. મારા પતિ કંઈ વાત બની હોય તો મજાકમાં મને કહે પણ ખરા, ‘પપ્પાને વાત કરી?’ મારી દીકરીઓનાં રીઝલ્ટ હોય તો પણ મારો પહેલો ફોન પપ્પાને હોય. શાળા-કૉલેજમાં હું વક્તૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લેતી ત્યારે સ્પર્ધાના દિવસ પહેલાં કંઈ કેટલીય વાર પપ્પા સમક્ષ મારા વક્તવ્યનાં રિહર્સલ થઈ જાય. મને સ્પર્ધામાં ઇનામ મળે ત્યારે થાય ક્યારે ઘેર જઈને જલ્દી પપ્પાને આ સમાચાર આપું. આજથી ૩૫ વર્ષ પહેલાં આજના જેવા મોબાઈલ ફોન તો હતાં નહીં કે જે ક્ષણે જેની સાથે વાત કરવાની ઇચ્છા થઈ અને તે જ ક્ષણે એની સાથે વાત થઈ જાય! લગ્ન પછી અમે ત્રણેય બહેનો બળેવમાં પિયર રહેવા જતી ત્યારે પપ્પા સાથે અમારી વાતો ખૂટતી જ નહીં. અમે રાતના બે-ત્રણ વાગ્યા સુધી જાગીને વાતો કરતાં. મમ્મી અડધી રાતે ઊઠીને કહેવા આવતી, ‘હવે બધાં સૂઈ જાવ. સવારે વહેલા ઊઠશો નહીં…’ મમ્મીને પણ મન તો થાય અમારી સાથે બેસીને વાતો કરવાનું, પરંતુ આખો દિવસ કામ કરીને થાકેલી મમ્મી રાતના બાર વાગ્યા સુધી માંડ માંડ જાગી શકતી. એને તો બીજા દિવસે ઘરનાં એટલાં જ કામ હોય ને! અમને પાછી કામ કરવા ન દે. કહે, ‘સાસરે જઈને કામ કરવાનું જ છેને… અહીં બેસો નિરાંતે.’

આજે પપ્પા રહ્યા નથી તો જાણે પિયરમાં રાત રોકાવાનું કોઈ આકર્ષણ જ નથી રહ્યું! આજે પણ પિયરના ઘરના દાદરા ચઢતા આંખમાં પાણી આવી જાય કે ઘરમાં પગ મૂકીશ પણ મને હસતે મોઢે આવકારતા મારા પપ્પા સામે સોફામાં બેઠા નહીં હોય.

પપ્પા એમના જીવનના છેલ્લા ત્રણ-ચાર મહિના પથારીવશ રહ્યા. પપ્પાનું ઘર પ્રાર્થના સમાજ – ચર્નીરોડ અને હું રહું પાર્લા. મેં રેલવેનો ત્રણ મહિનાનો પાસ કઢાવી લીધો હતો. રોજ બપોરે ક્લિનિક પતાવી પપ્પા પાસે જાઉં. રોજ એમને મળવાની તાલાવેલી થાય. ક્યારે ક્લિનિક પતે અને પપ્પા પાસે જાઉં… પપ્પાના ખાટલાની સામેની દીવાલ પર જ ઘડિયાળ. બપોરના બાર વાગ્યાથી પપ્પા મારી રાહ જોવા માંડે. એમની ધીરજ ન રહે એટલે બે-ત્રણ વાર મમ્મીને પૂછી પણ લે, ‘પ્રીતિ આવી?’ મમ્મી એમને કહે, ‘એ આવે એવી તમારી પાસે તો આવે છે. હમણાં નિરાંતે સૂઈ જાઓ.’

બપોરના ત્રણથી રાતના દસ વાગ્યા સુધી પપ્પા પાસે બેસું. એમની પાસે સુસાહિત્યનું પઠન કરું. એનું શ્રવણ કરતા ત્યારે પપ્પા એમની શારીરિક પીડા ભૂલી જતા. એક વાંચવાનું પૂરું થાય એટલે પપ્પા કહે, ‘હવે બીજું કંઈક વાંચ.’ આમ હું સતત વાંચું અને પપ્પા સાંભળે. રાતના દસ વાગ્યે મારો ઘેર પાછા આવવાનો સમય થાય. પપ્પાની આંખમાં પાણી આવી જાય. મને કહે, ‘રહી જાને અહીંયા. ઘેર જઈને તારે સૂઈ જ જવાનું છે. તારા ઘેર સૂએ કે અહીં, શો ફેર પડે?’ મમ્મી પપ્પાને ટોકે, ‘હવે એને જવા દો. એની દીકરીઓ એની રાહ જોતી હશે.’ મને પણ પપ્પાને છોડીને જવાનું મન તો ન થાય, પણ ઘર અને ક્લિનિક બેઉ સંભાળવાના. રાતના દસ વાગ્યે ચર્નીરોડ સ્ટેશનથી અંધેરીની ટ્રેનમાં બેસું અને પાર્લા ઊતરું. ટ્રેનમાં બેસું ને આંખમાંથી એને મેળે જ આંસુ વહ્યા કરે. પાર્લા સ્ટેશનથી બીજા દિવસનું સવાર-સાંજનું શાક લઉં. રાતના અગિયાર વાગ્યે પાર્લા મારા ઘેર પહોંચું. ઘેર પહોંચતાં જ મારા પતિ પરિમલનો પહેલો પ્રશ્ન હોય, ‘આજે કેમ છે પપ્પાને?’ અને ફક્ત એમના આ એક પ્રશ્નથી મારા આખા દિવસનો થાક ઊતરી જાય.

બીજો દિવસ ઊગે. સવારે જ સવાર-સાંજની રસોઈ કરી લઉં. બપોરે ક્લિનિક પતે એટલે પપ્પા પાસે જવાની એ જ તાલાવેલી. મને આશ્ચર્ય થાય છે ત્રણ-ત્રણ મહિના પાર્લાથી ચર્નીરોડ કેવી રીતે અપડાઉન કર્યું! આજે કોઈ કામ માટે એક દિવસ પણ પાર્લાથી ટ્રેનમાં ચર્ચગેટ કે ચર્નીરોડ જવાનું આવે તો કંટાળો આવે છે.

પપ્પાના મૃત્યુના આગલા દિવસે મારા ઘેર પાર્લા આવતાં પહેલાં મેં પપ્પાને કહ્યું, ‘પપ્પા, મને શૅકહેન્ડ કરો…’ ને પપ્પાએ મારી સાથે જે હાથ મેળવેલો, પપ્પાનો એ અંતિમ સ્પર્શ મારી હથેળીમાં હજુ પણ અકબંધ છે.

મને હંમેશા એમ થતું કે પપ્પા છેલ્લા શ્વાસ લેતા હોય ત્યારે હું એમની પાસે જ હોઉં. આખરે પપ્પાની એ અંતિમ ઘડી આવી. અમે સૌ એક કલાકથી ‘શ્રીકૃષ્ણ શરણમ્ મમ્:’ની ધૂન બોલાવતા હતા. બહાર ગણપતિ વિસર્જનનાં ઢોલ-નગારાં વાગતાં હતાં. પપ્પાએ ધીરે ધીરે કંઈ પણ પીડા વગર દેહત્યાગ કર્યો. પપ્પા વાજતેગાજતે વૈકુંઠ ગયા. અમે પિતાના મૃત્યુને માણ્યું છે. લોકો જન્મોત્સવ કરે, આ તો પિતાનો મરણોત્સવ હતો.

~ ડૉ.પ્રીતિ જરીવાળા
(“મધ્યાહને સૂર્ય” ~ સ્મૃતિકથા પુસ્તકમાંથી)

આપનો પ્રતિભાવ આપો..

14 Comments

  1. બહુ જ સરસ હ્રદયસ્પર્શી આલેખન અને પઠન. મને હાલમાં જ અવસાન પામેલ મારા પપ્પા જેમને હું બાપુ કહી બોલાવતી તે યાદ આવી ગયું.

  2. હું અને મારા પપ્પા ~ ડૉ.પ્રીતિ જરીવાળાના સ્મરણ લેખનુ લખિકા દ્વારા ભાવપૂર્ણ હ્રદય સ્પર્શી વાચિકમ:
    ધન્યવાદ