એક ગઝલ કક્કાની ~ આદિલ મન્સૂરી

પઠન : રાજુલ દિવાન

ક બહુ લિસ્સો હતો લપસી ગયો,
ખના પગમાં ખોડ તે મોડો પડ્યો .

ગના બે કટકા છતાં સાથે રહ્યા,
ઘનું મોઢું બંધ; ગૂંગળાઈ મર્યો.

ચ બગાસાં થાય છે તે જોઈને,
છને આવી છીંક ૨ ૩ ૪ ૬.

જનો હાથ ઊંચો થયો સત્કારમાં,
ઝએ લાંબા થૈને ઝટ ઝાલી લીધો.

ટ બહુ ચંચળ ઊછળતો કૂદતો
લપસ્યો પછડાયો ને ઠ ડ ઢ થયો.

ગ જતો’તો રમવા સંતાકૂકડી,
હાથ દૈ રોક્યો તો ગનો ણ થયો.

ત હતો તૈયાર કૂદકો મારવા,
થએ કાઢી આંખ તો થીજી ગયો.

દને પગ નહોતા કે ઊભો રહી શકે,
લૈને ટેકણલાકડી ધ થૈ ગયો.

નને વાંકી પૂછડી નડતી રહી,
પએ વીંઝી પાંખ પીંખાઈ ગયો.

કને ઊગી પૂંછડી કહેવાયો ફ,
બના પેટે ગાંઠ તે રડતો રહ્યો.

ભ ફરે છે સૂંઢને ડોલાવતો,
સૂંઢ તૂટી ગૈ તો ભનો મ થયો.

ય ફૂલેલા પેટથી શરમાય ને,
રને દુર્બળ દેહનો છે વસવસો.

લ લડે છે ઢાલને તલવાર લૈ,
વને લાગી બીક તે નાસી ગયો.

શ ને ષ સ ત્રણ સગ્ગા ભાઈઓ,
ચોથો હતો હ જે પિત્રાઈ હતો.

ળ ક્ષ ને જ્ઞ રહી ’ગ્યા એકલા,
આમ આ કક્કો અહીં પૂરો થયો.

~ આદિલ મન્સૂરી

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

 1. રાજુલ દિવાન દ્વારા સ રસ પઠન
  આદિલ સાહેબ અહીં પધારેલ ત્યારે કક્કાની ગઝલ રજૂ કરેલ અને કહેલ કે “મારી દિકરી નાની હતી ત્યારે કક્કો શિખવાડવા આ ગઝલ લખેલ”..આ ગઝલ એમણે સુંદર રીતે ગાયેલ
  યાદ આવે હેમેન શાહના શેર
  ઘડ્ દઈને બંધ પુસ્તક થાય, બત્તી ઓલવાય,
  ચૂં કે ચાં પણ ક્યાં કરી શક્શે તરત ક, ખ, કે ગ ?

 2. આદિલભાઈના સ્વરે સાંભળવાની મજા હતી.
  “ચ બગાસાં ખાય છે તે જોઈને,
  છને આવી છીંક ૨ ૩ ૪ ૬.”