પંદર રૂપિયા (વાર્તા) ~ કેતન મુનશી
વાર્તાકાર કેતન મુનશી (મુનસિફ કેતન નચિકેત દ્રુપદલાલ . જન્મ: ૨૨-૧૧-૧૯૩૦, અવસાન: ૮-૩-૧૯૫૬. માત્ર ૨૬ વર્ષની વયે એમના જીવનની વાર્તાનો કરુણ અંત થયો. ઓપરેશન વખતે ગફલતથી ઓક્સિજનને બદલે નાઈટ્રોજન શ્વાસમાં જતા મુંબઈમાં તેમનું અવસાન થયું હતું. આ સક્ષમ વાર્તાકારને અંજલિરૂપે કેતન મુનશી સમગ્ર વાર્તાઓ પુસ્તક ડો. સુરેશ દલાલે એસ.એન.ડી.ટી. વિદ્યાપીઠમાં ૧૯૯૩માં પ્રકાશિત કર્યું હતું. આ વાર્તાકારની સ્મૃતિમાં કેતન મુનશી વાર્તા સ્પર્ધા નિયમિત યોજાય છે, જે ખરેખર એમને સાચી વાર્તાંજલિ છે.)
(૧૯૫૦ના દસકમાં રચાયેલી વાર્તા: પંદર રૂપિયા)
મનોહર મુંબઈના ગૌરવ સમા એ મરીન ડ્રાઈવ પર જ્યારે રાતનાં અંધારાં ઊતરે છે, ત્યારે તેની સૂરત પલટાઈ જાય છે. કલાક બે કલાક પહેલાંનો લોકોથી ઊભરાતો રસ્તો સાવ ખાલીખમ બની જાય છે. સહેલાણીઓના કલરવને સ્થાને સાગરના ધીમા નિઃશ્વાસો સંભળાય છે. મુંબઈની પશ્ચિમ બાજુએ અજગરની જેમ પડેલા એ બે માઈલ લાંબા રસ્તા પર બધું જંપી જાય છે. જાગે છે માત્ર થોડે અંતરે આવી રહેલા, ઘોર અંધકાર વચ્ચે પોતાનો ઝાંખો પ્રકાશ ફેલાવી રસ્તાની આબરૂ ઢાંકવાનો પ્રયત્ન કરતા પેલા દીવાઓ અને કોક વાર ભયાનક ઘુઘવાટ કરતી દોડી જતી પેલા શેઠિયાઓની મોટરો….
એવા એ રસ્તાના એક છેડાથી થોડેક દૂર આવી રહ્યું છે ચર્ચગેટ. ત્યાં હજી દિવસની તાજગી છે. પેલાં રેસ્ટોરાંઓ હજી ખુલ્લાં છે, ઇરોસનો છેલ્લો શો હજી છૂટ્યો નથી, પેલી આલીશાન હોટલમાંનું બૉલ નૃત્ય હજી પૂરું થયું નથી. આખો લત્તો રોશનીથી ઝળહળી રહ્યો છે.
ત્યારે મરીન ડ્રાઈવના બે વિક્ટોરિયા ભૂત જેવી ઊભી છે. મુડદાલ ઘોડાઓ નીચે માથે ઊભા છે, ગાડીઓ ખાલીખમ પડી છે. આજે બેમાંથી એકે ગાડીની ગાદીએ કોઈ માનવીનો સ્પર્શ થયો નથી. ગાડીથી થોડેક છેટે ફૂટપાથ પરના અંધારામાં બે લાલ આગિયા તગી રહ્યા છે. ના, એ આગિયા નથી – એ બીડીઓ છે.
સ્મશાનવત્ શાંતિમાં એક ધીમો નિઃશ્વાસ સંભળાઈ રહે છે. સાથે એક બુઝર્ગ આદમીનો અવાજ સંભળાય છેઃ
‘ક્યા સોચ રહે હો, રસૂલ?’
‘સોચના ક્યા થા! યે હી….’ એક જુવાન સ્વર જવાબ આપે છે.
‘આજ કિતને પૈસે મિલે?’ ફરી પાછો બુઝર્ગનો અવાજ ગુંજે છે.
‘એક પૈસા ભી તો કહો…’ જુવાન જવાબ આપે છે.
‘કલ બીબીને કુછ કહા?’ બુઝર્ગની બીડીનો પ્રકાશ ઝાંખો પડતો જાય છે.
‘હાં….’ રસૂલ જવાબ આપે છે :
‘કલ તો ઉન્હોને માનો જંગ મચા દિયા. ઘરમે ખાનેકા તો કુછ હૈ નહિ ઔર ઉન્હે ચાહીએ વો નથ. પૈસા કહાંસે લાઉં?’ અંધકારમાં એ સવાલ રણકી રહે છે.
‘મગર સચ કહતા હું, ભૈયા,’ રસૂલ આગળ ચલાવે છે, ‘વો નથ પહનકર અમીના જીતની અચ્છ લગેગી, ઇતની….’ ને પછી સરખામણી કરવાની માથાકૂટ છોડી, ‘ઉસકી જીદ સચ્ચી તો હૈ. બિચારીને યે દો સાલમેં પહના હી ક્યા હૈ? સિર્ફ પંદર રૂપયેકી બાત હૈ. મગર…’ કહી ચૂપ થઈ જાય છે.
ઘડીભર નિઃશબ્દતા ફેલાઈ રહે છે.
‘ઔર આપકા પઠાન….’ થોડી વારે રસૂલ શાંતિનો ભંગ કરે છે.
‘હાં, આજ સુબહમેં હી આયા થા ના! કહતા થા : ‘દેખો લછમન, બહોત દિન તક મૈં ઠહરા, કલ ફજરમેં મુઝે પંદ્રહ રૂપયે ચાહિએ; નહીં તો બૂરી બાત હોગી,’ લછમન જવાબ આપે છે ને ઉમેરે છે : ‘વો ભી સિર્ફ પંદર રૂપયેકી બાત હૈ…’
લછમનની બીડી હોલવાઈ જાય છે. રસૂલ તે ફરી સળગાવવા પોતાની બીડી ધરે છે. લછમન ડોકું ધુણાવે છે. ‘રહેને દો, અબ ઉસમેં રહા હી ક્યા હૈ?’ કહી દરિયાના પાણીમાં તેનો ઘા કરે છે.
દૂરથી પાંચછ યુવાનોના ઘાંટા સંભળાય છે. બન્ને માનવીઓમાં ચેતન આવી જાય છે. રસૂલ ફૂટપાથ પર બીડી ચાંપી અડધા ઉપરાંત બળી ગયેલા એ ઠૂંઠાને ફાટેલા પહેરણના ગજવામાં મૂકતો ઊભો થઈ જાય છે. ઘાંટા વધારે ને વધારે પાસે આવતા જાય છે. પેલા ‘ઇરોસ’ના સાડા નવના શોમાંથી છૂટ્યા લાગે છે.
‘ક્યા બાત!’ એક યુવાનનો ઘાંટો ગાજે છે, ‘ઇયોન ડી કાર્લો તો ખરેખર વન્ડરફૂલ છે. શું એનું પોસ્ચર, શું એના હાથ, શું એના પગ, શું એની છાતી… જાણે બહેસ્તની…’
‘કૂતરી!’ બીજો ટીખળી અવાજ સંભળાય છે; બધા હસી પડે છે.
‘ઢેમ ફૂલ’, પેલા જુવાનનો મિજાજ જાય છે. ‘વોટ ધ હેલ ડુ યુ મીન?’ કરતોકને તે બીજા યુવાન તરફ ધસે છે.
‘શી શી શી શી’ – બીજા બધા મળી બેયને છૂટા પાડે છે.
ત્યાં રસૂલનો દબાયેલો અવાજ સંભળાય છે : ‘ચલિયે શેઠજી! કહાં જાના હૈ?’
‘ચોપાટી,’ એક વ્યવહારુ અવાજ સંભળાય છે, ‘શું લેશે?’
‘આપ હી સમજ કર દે દેના સહાબ,’ લછમન જવાબ આપે છે.
‘એક એક રૂપિયો,’ ફરી પાછો પેલો વ્યવહારુ અવાજ ગુંજે છે, ‘આના હૈ?’
‘એક એક રૂપિયો!’ લછમન અને રસૂલ એકબીજા સામે જુએ છે. આખા દિવસને અંતે માત્ર એક રૂપિયો! માંડ દિવસમાં એક વાર ખાવા પૂરતું મળે, પણ એય ક્યાં છે?
બંનેની નજર ઘોડા તરફ વળે છે. રાતના બાર વાગ્યે માત્ર એક રૂપિયાને ખાતર આ મુડદાલ પ્રાણીઓને બે માઈલ દોડાવવાં? પણ ન દોડાવે તો તેમને ખાવાનું શી રીતે મળે?
‘શેઠજી, એક રૂપિયા તો…’ રસૂલ બોલવા માંડે છે.
‘એક રૂપિયો મળશે, આવવું હોય તો ચાલ. નહીં તો કાંઈ નહિ,’ ફરી પાછો પેલો વ્યવહારુ અવાજ ગુંજે છે.
‘ચલિયે શેઠજી,’ રસૂલ એક નિસાસો નાખે છે. લછમન ધ્રૂજતે હાથે લગામ સંભાળે છે. જુવાનો એક પછી એક ગાડીમાં ખડકાય છે.
લગામો ખેંચાય છે ને આગળ લછમન અને પાછળ રસૂલની ગાડી ધીમે ધીમે ચાલવા માંડે છે. ઘોડાઓમાં જરાય કૌવત રહ્યું નથી. માથે સો સો વરસનો થાક લઈને ચાલતા હોય એમ લાગે છે.
ત્યાં પાછળની ગાડીમાંથી અવાજ ગાજે છે : ‘અરે એ ઉલ્લૂ, ક્યા તેરા ટટ્ટુ મર ગયા હૈ? જલ્દી કરો.’
ચાબુક વીંઝાય છે ને રસૂલની ગાડી લછમનની ગાડીથી આગળ થઈ જાય છે. આ જોઈ લછમનની ગાડીમાંથી અવાજ ગાજે છે :
‘ક્યા દેખ રહે હો? જલદી કરો. તુમેરે પીછેવાલા આગે નીકલ ગયા!’ ને પછી કોઈકને તુક્કો સૂઝે છે તે બૂમ મારે છે : ‘ખડી રખો.’ લછમન લગામ ખેંચે છે. ઘોડો બેક ડગલાં સરી પડે છે ને પછી ઊભો રહી જાય છે. વળી પાછો પેલો અવાજ સંભળાય છે :
‘એય આગેવાલા! ખડી રખ્ખો.’ ને રસૂલની ગાડીય અટકી જાય છે.
‘ઉસકે સાથ લેલો,’ લછમન હુકમનું પાલન કરે છે.
‘દેખો,’ રસ્તાની ભયાનક શાંતિમાં કાળસ્વર ગાજે છે, ‘તુમ દોનોંમેંસે જીસકી ગાડી પહલી પહુંચેગી, ઉસકો પાંચ રૂપિયા ઇનામ મિલેગા. જીતની જલદી હો સકે ઉતની જલદી કરો. જો જીતેગા ઉસકો પાંચ રૂપિયા મિલેગા.’
પાંચ રૂપિયા! લછમન અને રસૂલ, બન્નેના મન લોભાય છે. ત્રણ દિવસ ખાસ્સા નીકળી જાય – પણ પછી બંનેની નજર ઘોડાઓ તરફ જાય છે. આ મુડદાલ ઘોડાઓને શરતમાં ઉતારવા એટલે એમના મોતને નોતરવું. બન્ને અચકાય છે.
લછમન કહે છે : ‘માફ કિજીયે શેઠજી, હમેરે ટટ્ટુમેં ઇતની તાકત નહિ.’ રસૂલ પણ એમાં સંમતિ આપે છે.
‘દસ રૂપિયા!’ પેલો અવાજ ભયાનક પડઘા પાડે છે. ફરી પાછા બન્ને વિચારમાં પડી જાય છે.
લછમન વિચારે છે : દસ રૂપિયા મળી જાય, તો થોડીક ચિંતા તો ટળે, પઠાણને પંદરને બદલે દસ રૂપિયા તો આપી શકાય. પણ એ માનશે? પાંચ રૂપિયા તો બાકી રહે જ ને! અરે, એ તો જે થવાનું હોય તે થાય, દસ રૂપિયા શું ખોટા? પણ પોતાનું મુડદાલ ટટ્ટુ….
રસૂલ વિચારે છે : દસ રૂપિયામાં બીબી માટે પેલી સરસ નથ નહિ તો એનાથી ઊતરતી પણ એકાદ નથ તો જરૂર આવી જાય. ને શરતમાં ઊતરે તો લછમન ભૈયાના છેક મરવાને વાંકે જીવતા ઘોડા કરતાં પોતાનો કંઈક વધુ જુવાન ઘોડો જરૂર આગળ આવે. અમીના ખુશ થઈ જાય. પણ… આટલી રાતે ઘોડા દોડાવવા… પોતે અત્યાર સુધી ઘોડાને જીવની પેઠે જાળવ્યો છે. પોતે ભૂખ્યા રહી ઘોડાને ઘાસ ખવડાવ્યું છે. એ ઘોડાને આટલી રાતે દોડાવવો……
‘ક્યા વિચાર હોતા હૈ?’ પેલો અવાજ ગુજરાતી-હિંદી ભાષા બોલે છે.
‘નહીં શેઠજી,’ રસૂલ ધીમે પણ મક્કમ અવાજે ના સુણાવે છે.
‘પંદર રૂપિયા, ચાલ આવવું છે?’ પેલો અવાજ હિંદીનો દંભ છોડી દે છે.
હવે બંનેને માટે આકર્ષણ અદમ્ય બની જાય છે. પંદર રૂપિયા મળી જાય તો… લછમન વિચારે છે, પઠાણનું વ્યાજ ભરાઈ જાય. રસૂલ વિચારે છે, અમીનાની નથ આવી જાય. પણ ઘોડા… બન્ને ઘડીભર અચકાય છે, પણ પૈસાનું આકર્ષણ જીતે છે. બન્ને મૂંગી સંમતિ આપે છે.
અને મરીન ડ્રાઇવની ભયાનક શાંતિમાં ઘોડાના ડાબલા ગાજી ઉઠે છે. સટાક્ સટાક્ ચાબુક વીંઝાય છે. ગાડીઓનાં પૈડાં ફરે છે. પહેલાં ધીમો, પછી મોટો અને પછી વધુ મોટો ઘરઘરાટ સંભળાય છે.
પાસેના સમુદ્રનો ઘુઘવાટ ઘેરો બને છે. સટાક્ સટાક્ ચાબુક વીંઝાય છે. ‘જલદી કરો, શાબાશ, હજી જલદી, જલદી જલદી જલદી’ના અવાજો સંભળાય છે. એકની આંખ સામે બીબીની નથ તરવરી રહે છે. બીજાની આંખ સામે પૈસા માગતો પઠાણ આવીને ઊભો રહે છે. સટાક્ સટાક્ ચાબુકો વીંઝાય છે.
મરીન ડ્રાઇવના દીવા ઝાંખા પડતા જાય છે. સાગરનો ઘુઘવાટ વધતો જાય છે. જાનવરોના મોંમાંથી ફીણ નીકળે છે. નાકમાંથી સુસવાટા કરતો નીકળતો શ્વાસ કાળજું કંપાવી મૂકે છે. પણ કોઈને તેની પરવા નથી. ગાડીવાળા આંધળા બન્યા છે, ગાડીમાં બેસનારા આંધળા બન્યા છે. અરે, ખુદ રાત આંધળી બની છે. ઝડપ, ઝડપ, ઝડપ….
મરીન ડ્રાઇવના દીવા વધુ ને વધુ ઝાંખા પડતા જાય છે. મરીન લાઈન્સ…. લગામો વધુ તંગ બને છે. કૈવલ્યધામ…. ગાડીવાળાઓ જીવ પર આવી જઈ પ્રયત્ન કરે છે. સટાક્ સટાક્ ચાબુકો ગાજી ઊઠે છે. રસૂલની ગાડી આગળ વધતી જાય છે, લછમન પોતાના ધ્રૂજતા હાથોને સ્થિર બનાવવાનો પ્રયત્ન કરે છે.
…ને ચોપાટી આવી લાગે છે.
‘જીત્યા, જીત્યા’ ‘શાબાશ’ ‘કમાલ કિયા’ રસૂલની ગાડીમાંથી અવાજો સંભળાય છે. યુવાનો ઊતરે છે. રસૂલના હાથમાં પંદરની નોટો પકડાવે છે. ને લછમન પર એક રૂપિયાની નોટ ફેંકી ચાલતા થાય છે. તેમની વાતચીતને કોલાહલ ધીમે ધીમે શમી જાય છે.
નિઃશબ્દ શાંતિમાં ફરી એક વાર બે ઘોડા, બે ગાડી અને બે માનવીઓ રહી જાય છે.
રસૂલની આંખ સામે બીબીની નથ તરવરે છે. તેના મોં પર સ્મિત છવાય છે. લછમનની આંખ સામે ઉઘરાણી કરતો પઠાણ તરવરે છે, તેના મોં પર નિરાશા છવાય છે.
ત્યાં બન્નેની નજર ઘોડા તરફ જાય છે. બન્ને ઘોડા હાંફી રહ્યા છે. બન્નેનાં મોંમાંથી ફીણ નીકળી રહ્યાં છે. પણ લછમનનો ઘોડો બેસી પડ્યો છે. તેની આંખો બંધ છે.
રસૂલની ઘડાયેલી નજર સમજે છે કે લછમનનો ઘોડો ચાર દિવસ સુધી કામ આપી શકે તેમ નથી. તેની જુવાન આંખ સામે અમીના તરવરે છે અને તેના નાકમાં ચમકતી નથ દેખાય છે. ઘડી રહીને તેની આંખ સામે ઘરડા લછમન ભૈયા પાસે ઉઘરાણી કરતો, દંડા ઠોકતો પઠાણ તરવરે છે. તેની આંખો કશાક વિચારમાં મીંચાઈ જાય છે, જોરથી મીંચાય છે ને ઊઘડી જાય છે.
તેની સામે લછમનનો નિશ્ચેતન ઘોડો પડ્યો છે. લછમન તે તરફ આંસુભરી આંખે જોઈ રહ્યો છે…
રસૂલના મુખ પર થોડુંક તેજ દેખાય છે. તે લછમનની ગાડી પાસે જાય છે. હાથમાં પકડેલી પંદર રૂપિયાની નોટો તે તેના હાથમાં મૂકી દે છે. પછી પાછો વળી પોતાની ગાડી ઉપર ચાલ્યો જાય છે. લછમન આશ્ચર્ય પામી તેને જોઈ રહે છે.
રાતના ઘાડા બનતા જતા અંધકારમાં ચાર પૈડાંનો ધીમો ઘરઘરાટ થોડી વાર સંભળાઈ વિલીન થઈ જાય છે.
***
હ્રદય દ્રાવક વાર્તા.!
પંદર રૂપિયા અને પંદર રૂપિયા દ્વારા થતાં ઉપકારનું સાચું મૂલ્ય કેટલું ઊંચું હોઈ શકે એ સચોટ સમજાવતી હૃદયદ્રાવક વાર્તા !
Wish આવા genious વાર્તાલેખક ખુબ લાંબુ જીવ્યા હોત !
અંત શું હશે એની ધારણા થઈ શકી હોવા છતાં શ્વાસ આપણાંય તેજ થઈ જાય એવી વાર્તા.
I have sent comments but not appeared.
નચિકેત દ્રુપદલાલ મુનસિફ ઉર્ફે “કેતન મુનશી” ત્રણ દમદાર વાર્તા સંગ્રહો, ‘અંધારી રાતે’ (૧૯૫૨), ‘સ્વપ્નનો ભંગાર’ (૧૯૫૩) અને મરણોત્તર પ્રકાશિત ‘રક્તદાન’ આપ્યાં.તેમની આ સ રસ વાર્તા.
Just superb
લેખકને વંદન🙏
સરસ વાર્તા 👌