બે કાંઠાની અધવચ (નવલકથા) પ્રકરણ: ૨૨ ~ પ્રીતિ સેનગુપ્તા

જીવન યથાવત્ ચાલતું હતું – સચિન મોટો થતો હતો, કેતકી ગાડી શીખી ગઈ હતી, સુજીત રોજ ઑફીસ જતો હતો, પણ કોઈને ખબર નહતી, કે સોમથી શુક્ર, ઑફીસથી ઘેર આવતાં પહેલાં એ એક બારમાં જતો થયો હતો. પોતાની ગાડી થઈ ત્યારથી વિશની સાથે ઑફીસે જવા-આવવાનું બંધ થયું હતું. વળી, વિશને પ્રમોશન મળ્યું, અને એ બીજા ડિપાર્ટમૅન્ટમાં ગયો. થોડા જ વખતમાં વિશને ક્યાંક પરદેશનું પોસ્ટીન્ગ મળે તેમ લાગતું હતું.

સુજીતને ઓછું આવવા માંડેલું. એને પણ સક્સેસ જોઈતો હતો. દેખાઈ આવે એવી સફળતા – વધારે મોટી જૉબ, વધારે પૈસા, અને સાથે જ, વધારે માનપાન. આવું કશું હજી બનતું નહતું. મનમાં ચઢતી રહેતી છુપી ચીડ, કોઈ કોઈ રાતે, કેતકી પર, કૈંક વધારે જોરના રૂપમાં નીકળતી હતી. આવો શય્યાસંગ કેતકીને ગમતો નહતો, પણ એવા વખતે સુજીતને ના રોકવો, તે એ સમજી ગઈ હતી. પતિ હતો, એનો સંગ સહ્યે જ છૂટકો.

હવે સુજીતને કાર્લોસ નામના બીજા એક જુનિયર કલિગને ટ્રેઇન કરવાનું આવ્યું હતું. જોકે, એની ટેવ પ્રમાણે, કાર્લોસને એ બહુ સલાહ આપી નહતો શકતો, કારણકે કાર્લોસ તો હજી પરણ્યો પણ નહતો, અને એ હજી એનાં મા-બાપની સાથે રહેતો હતો.

પણ સાંજે સાંજે, કાર્લોસ કોઈ બારમાં જવાનું પસંદ કરતો. જ્યાં એને ગમતું હિસ્પાનિક મ્યુઝીક હોય, જ્યાં  હિસ્પાનિક ભાષા બોલાતી હોય તેવા બારમાં. પરિચિતતા થોડી વધતાં, એણે સુજીતને કહેલું, બૉસ, તમે મને આટલી મદદ કરો છો તો ચાલો, આજે હું તમને ટ્રીટ કરું. અમારા વાતાવરણવાળી એક સરસ જગ્યાએ તમને લઈ જાઉં, ચાલો.

આમ કરીને, સુજીતનું સાંજે બહાર જવાનું શરૂ થયેલું. પહેલાં તો એકાદ વાઇન લેતો, પણ કાર્લોસના મિત્રોએ આગ્રહ કરીને સ્કૉચ ચખાડ્યો. ને પછી એને સ્કૉચ પણ ભાવવા લાગ્યો. એને લાગતું, કે મગજ કૈંક હળવું તો થાય છે જ. ઉપરાંત, એને યુવાન હિસ્પાનિક લોકોની કંપની પણ ગમવા લાગી. કેવા સીધા છે. ઇન્ડિયનોની જેમ કશો ખોટો દેખાવ નહીં કરવાનો. કેવી સરળ રીતે બધા થોડો સમય સાથે ગાળે છે.

કેતકીને એણે આ વિષે હજી કશું કહ્યું નહતું. લેતો તો એકાદ ડ્રિન્ક જ, પણ એ રિલૅક્સ થઈને ઘેર આવતો. પછી સચિનને હસાવતો, અને બિછાનામાં કેતકીને વહાલ કરતો. ત્યારે કેતકીનો અણગમો રહેતો નહીં. આવો સુજીત, એને કેવળ પતિ નહીં, પણ પ્રેમપાત્ર જેવો લાગતો.

એક વાર સુજીતે મિત્ર-ભાવે કાર્લોસને ઘેર આમંત્ર્યો. જમવા નહીં, પણ સાથે એકાદ ડ્રિન્ક લેવા. કેતકીને એણે કહ્યું, કે આ લોકોનું આપણા જેવું નહીં. કાંઈ ઍક્સ્પૅક્ટ ના કરે. કોઈ ઘેર બોલાવે, એમાં જ ખુશ થઈ જાય આ લોકો તો. તારે કશું બનાવવાની જરૂર નથી. પોટેટો વેફર ધરી દઈશું.

કાર્લોસે તો  સિન્યૉરા, સિન્યૉરા કરીને, અને સચિન સાથે રમવા માંડી જઈને, કેતકીને ખુશ કરી દીધી. એને થયું, આવો દિયર હોય નજીકમાં, તો કેવી મઝા પડે.

એકલી વેફર તે અપાતી હશે, કહીને એણે ખાસ નાનાં નાનાં સમોસાં બનાવ્યાં હતાં. તે લીલી ચટણી સાથે ટેબલ પર મૂક્યાં. કાર્લોસ કહે, ઓહ, ઍમ્પૅનાડા.

પછી એણે સમજાવ્યું કે આવી જ રીતે, એમના ખાવાનામાં પણ એક ચીજ હોય છે, જેને ઍમ્પૅનાડા કહે છે. જોકે એ તો બહુ મોટા હોય. આ નાની સાઇઝ વધારે સારી લાગે છે.

સાથે સુજીતે વાઇન ખોલેલો. બંનેનો બીજો ગ્લાસ ચાલતો હતો. કેતકીને થયું, કે હવે બસ કરે તો સારું. એના મનનો વિચાર સમજી ગયો હોય તેમ, કાર્લોસે બૉટલ પર બૂચ માર્યો, અને કાંઈ વાત કરવાના ઇરાદાથી કહ્યું, બૉસ ઘેર સ્કૉચ નથી રાખતા? એ પણ એમને પસંદ છે, હોં.

સુજીત ચોંક્યો, કારણકે કેતકીના દેખતાં આ વાત કરવાની જ નહતી. એને એમ, કે કેતકીએ નહીં સાંભળ્યું હોય, અથવા કેતકીને ખ્યાલ નહીં આવે. પણ કેતકી પણ ચોંકી ગયેલી. સ્કૉચ? એટલેકે વ્હિસ્કી? એ ક્યારથી લેતા થયા સુજીત?

એણે સીધું કાર્લોસને જ કહ્યું, ના, ના, એ તો વાઇન જ લે છે, ને તે પણ ક્યારેક.

પહેલાં તો કાર્લોસ હસ્યો, ઓહો, તો બૉસે તમને કહ્યું નથી કે —, ને પછી અટકી ગયો. એને લાગ્યું, કે કદાચ એ વધારે બોલી ગયો. વાળી લેવા પ્રયત્ન તો કર્યો, સિન્યૉરા, કોઈ વાર તમે અમારે ઘેર પણ આવજો. અમે તમને ઍમ્પૅનાડા ખવડાવીશું.

સુજીતે આખી વાતને હસી કાઢવા પ્રયત્ન કર્યો. કાર્લોસને કહે, અરે, તું ગપ્પાં મારીને મારી વાઇફને ગભરાવ નહીં. ને કેતકીને કહે, આ લોકોની બધી વાતો માનવાની ના હોય હોં. ઑફીસમાં આવી તો કેટલીયે મજાક થતી હોય.

કેતકીને પહેલી વાર, કંઇક ગંભીર રીતે, ડર લાગવા માંડ્યો. અમેરિકાના જીવનમાં હસબંડ અને વાઇફની વચ્ચે અમુક અંતર તો રહેવાનું જ, એમ લાગે છે. કે પછી પુરુષ અને સ્ત્રીની, ઇન જનરલ, આ જ હાલત હોય છે?  એકબીજાને, કદાચ પૂરેપૂરી રીતે, બંને જાણી પણ નહીં શકતાં હોય.

મને જો થતું હોય કે સુજીત કોઈ અજાણી તરફ જઈ રહ્યો છે, તો શું એ જાણતો હશે કે મનોમન હું કઈ તરફ જઈ રહી છું? મારામાં પણ અહીંનાં આટલાં વર્ષોમાં ફેરફાર થયા છે- મારા વિચારોમાં, ગમા-અણગમામાં. પત્ની છું, ને તે પણ ઇન્ડિયન, તેથી હું કશું કહી ના શકું, એ બરાબર છે. પણ અમેરિકામાં મારી પણ સફર થતી રહી છે. મેં પણ કાપ્યું છે ઘણું અંતર.

પણ આવું કશું એ સુજીતને કહી શકી નહતી.

થોડા દિવસ પછી સુજીત બપોરે ઘેર આવ્યો. કેતકી એટલાંમાં જ એની નોકરી પરથી, સચિનને નર્સરીમાંથી લઈને, પાછી ફરી હતી. એ સુજીતની તબિયતની ચંિતા કરે તે પહેલાં, એનો હાથ પકડીને સુજીતે કહ્યું, તું તૈયાર જ છે ને? ચાલ, તને એક સરપ્રાઇઝ આપવાની છે.

હવે શેની સરપ્રાઇઝ? કેતકીને નવી ગાડીવાળી સરપ્રાઇઝ હજી યાદ હતી. હવે વળી શું હશે? પણ સચિન સૂઈ ગયો છે ને, એણે કહ્યું.

અરે, એની દૂધની બૉટલ લઈ લે સાથે. અને આપણને બહુ વાર નહીં થાય.

આ વખતે સાથે વિશ અને નંદા નહતાં. એ બંને જરા બિઝી થઈ ગયાં હતાં. ઑફીસ તરફથી વિશને છેક દક્શિણ કોરિયાના સોએલ શહેરમાં ટ્રાન્સ્ફર મળેલી. થોડા જ દિવસોમાં નીકળી જવાનું હતું. સુજીતે કહેલું, કે એ લોકો જાય તે પહેલાં, આપણે એક વાર જમવા બોલાવી લઈશું. પછી પાછાં ક્યારેય મળવાનાં.

તેથી આ સરપ્રાઇઝ સુજીતે એકલાએ જ ગોઠવી હતી.

વીસેક મિનિટ ગાડીમાં ગયા પછી, હાઇ-વેથી નીકળીને, સુજીતે ડાબે-જમણે, બે-ત્રણ વાર ગાડી વાળી. પછી કૉર્નર પરના એક ઘર પાસે ઊભી રાખી. કોનું ઘર છે આ?, કહેતી કેતકી ઊતરી. પાછળની બેબી-સીટમાંથી સચિનને સુજીતે ઊંચકી લીધો. હવે એ જાગી ગયેલો, અને સુજીતની સામે જોઈને મીઠું હસ્યો. આ છોકરાને રડવાનું નામ નથી, સુજીતે કહ્યું.

ઘરનું બારણું ખુલ્લું હતું. પણ આમ જવાય આપણાંથી?, કેતકી અચકાઈ. ત્યાં તો અંદરથી એક અમેરિકન સ્ત્રી બહાર નીકળી. સુજીત સાથે એણે શેકહૅન્ડ કર્યા. કેતકીનો હાથ પકડીને એ અંદર દોરી ગઈ. જતાં સાથે, એક તરફ બેસવાનો રૂમ, પછી ડાઇનિંગ રૂમ, પછી કિચન હતાં. બીજી તરફની જગ્યામાં, ત્રણ બૅડરૂમનાં બારણાં પડતાં હતાં. બપોરનો સરસ તડકો આવતો હતો આખા ઘરમાં. નાનું છે ઘર આમ તો, પણ સારું છે, કેતકીએ વિચાર્યું. પણ અહીં શા માટે -?

સુજીતે ઓળખાણ કરાવી, કેતકી, આ માર્ગારેટ છે. રિઅલ ઍસ્ટૅટ એજન્ટ છે. એણે મને કેટલાંક ઘર બતાવ્યાં, એમાં આ મને ગમી ગયું છે. હવે તું કહે, તને કેવું લાગે છે. તો આપણે ખરીદવાનો વિચાર કરીએ.

ઓ બાપ રે. ખરેખર? સુજીત એકલો એકલો ધક્કા ખાઈને ઘરો જોવા જતો હતો?, કેતકી આર્દ્ર થઈ ગઈ. એને શરૂઆતની જેમ પોતાનો પ્રેમ બતાવવાનું બહુ મન થયું, પણ માર્ગારૅટની હાજરી નડી.

સારું છે. મને ગમ્યું. પણ પોસાય આપણને? કેતકીએ પૂછ્યું.

એની ચિંતા તું ના કર. આપણને, અને છોકરાંઓને, ઠીક પડે તેમ છે ને?

છોકરાંઓને?, કેતકી સાંભળીને શરમાઈ ગયેલી.

આ ઘરનું શુકન હશે કે શું, પણ ત્યારે કેતકીના ગર્ભમાં બીજું બાળક આકાર પામી રહ્યું હતું. ફરીથી, એને બેચેનીથી શરૂ કરીને, ઊલટીઓ થવા માંડી. હવે પાસે નંદા નહતી, ને વામા તો બીલકુલ દેખાઈ નહતી ઘણા વખતથી.

પણ બીજા બાળક માટે કેતકી હવે કૉન્ફિડન્ટ હતી. એ પહોંચી વળશે, એને ખાતરી હતી. સચિન ડાહ્યો હતો, અને એની કોઈ માથાકૂટ હતી નહીં.

આટલાં વર્ષોમાં, હવે દેશમાં ફોન કરવાની સગવડ વધી હતી. સુજીત ઇન્ડિયન સ્ટોરમાંથી ફોન-કાર્ડ લઈ આવ્યો. એ વાપરીને ફોન કરીએ, તો બહુ મોંઘું નહતું થતું. એણે કેતકીને ઘેર ફોન જોડી આપ્યો. ખબર સાંભળીને બધાં બહુ ખુશ થયાં. દીજીનો અવાજ તો માંડ સંભળાયો. બધાં સુખી થજો, એ બોલ્યાં લાગ્યાં. માઇએ પણ વધારે વાત ના કરી. ફોનમાં બોલવાની ટેવ જ નહીંને. એક બાપ્સે બરાબર વાતો કરી.

એક બીજા પણ ન્યૂઝ છે, એમણે કહ્યું. દેવકી અને જગતના.

કેતકી કહે, ઓહો, આટલા જલદી?

ના, ના, એમ નથી, બાપ્સે કહ્યું. પછી જણાવ્યું, કે દેવકી અને જગત પણ ટૂંક સમયમાં અમેરિકા પહોંચી જવાનાં હતાં. ત્યારે જ ખબર પડી, કે જગતે લાંબા સમયથી ઍપ્લિકેશન કરેલી, અને કોઈ પણ રીતે, હવે એને ને દેવકીને ગ્રીન કાર્ડ મળી જવાનાં હતાં.

લો, એમને તો જાણે સહેલાઈથી મળ્યું, સુજીતને થયું. અહીં અમારે કેટલીયે રાહ જોવી પડેલી. થોડા દિવસ એ બબડતો રહ્યો, કે નક્કી કશી લાગવગ લગાડી હશે, અથવા કશાક ગોટાળા કર્યા હશે, નહીં તો આમ મળી જાય ગ્રીન કાર્ડ? રસ્તામાં પડ્યું હશે જાણે. કે અમેરિકાના પ્રેસિડન્ટ એના સગા થતા હશે જાણે.

પણ આ બાબતથી કેતકીને બહુ નિરાંત થઈ. એમ કે, ડિલિવરી સુધીમાં તો દેવકી આવી જ ગઈ હશે. હાશ, પછી કશી ચિંતા કરવી નહીં પડે. સચિન સચવાશે, હૉસ્પિટલમાંથી ઘેર આવ્યા પછી પોતાની સંભાળ પણ બરાબર લેવાશે.

ત્યાં સુધીમાં તો પોતાનું ઘર હશે, અને જગ્યા પણ ઘણી વધારે હશે. આ વિચારથી કેતકીને પરમ સંતોષ થતો હતો, અને કદાચ જિંદગીમાં પહેલી જ વાર કંઇક દર્પ પણ થતો હતો, કે પોતાની પ્રૉપર્ટી થશે.

કેતકીને છ મહિના થઈ ગયા હતા, ને એની તબિયત સારી હતી હવે. કામ પર પણ એ ક્યારની જવા લાગી જ હતી. ત્યારે ફરી એક વાર સુજીતે એને માટે એક સરસ સરપ્રાઇઝ ગોઠવી.

ન્યૂજર્સીથી નીકળીને સીધાં ઉત્તરે ન્યૂયૉર્ક સ્ટેટમાં જવાનું હતું. વાહ, કમાલ છે આ દેશમાં, નહીં? પહાડો ખોદીને, પથ્થરો ફોડીને આટલો લાંબો-પહોળો મહામાર્ગ બનાવ્યો, પણ હવે જોઇએ તો લાગે, કે પહેલેથી જાણે આમ જ હશે અહીંની કુદરત. નહીં?, કેતકી બોલેલી.

આખે રસ્તે બંને બાજુ લીલોતરીથી ખીચોખીચ પહાડો હતા. શું સરસ દિવસ મળ્યો છે. આકાશનો રંગ તો જો, તુકી, સુજીતે કહેલું.

બેએક કલાક ડ્રાઇવ કર્યા પછી, હાઇવેથી નીકળી જઈને, એણે રૂટ નાઇન નૉર્થ નામનો નાનો રસ્તો લીધો. એના પર તો તેજ તેજ પથરાઈ ગયેલું લાગ્યું. એક પછી એક, એમ તળાવો આવતાં ગયાં. એમનું પાણી સૂર્યના તેજથી ચમકતું હતું.

સુજીતે કહ્યું, થયું કે દરિયાને બદલે, તને બીજી જાતના પાણીની પાસે લઈ જાઉં. ગમી આ જગ્યા?

એકસામટાં આટલાં બધાં તળાવ, અને એમની આસપાસ ફરતો સુંદર રસ્તો.

આવી જગ્યા ના ગમે?, કેતકી બોલી. જોઈ ના હોત તો કદિ કલ્પી પણ ના હોત. છે તો નાનાં તળાવો, પણ આને તો દર્શન જ કહેવાય. કુદરતનું આ દૈવી સ્વરૂપ જ છે.

કેતકી લાગણીશીલ થઈ ગઈ હતી. સુખનો જ ભાવ છવાઈ ગયો હતો એના હૃદય પર.

આ વખતે પણ, જે છોકરું આવે તે, આપણને તો વહાલું જ લાગવાનું છે, નહીં, તુકી?, રાતે એના પેટ પર હાથ ફેરવતાં, પહેલાંની જેમ જ સુજીતે કહેલું. ફરીથી નામ પોતાના નામના પહેલા અક્શર પરથી હોય એવી એની ઇચ્છા હતી. દીકરો આવે તો નામ સોમ રાખીશું. સહેલું પડેને અહીં. અને દીકરી આવે તો —

કેતકી કહે, સહેલું જ રાખીશું. સુનીતા, કે સલોની, કે ના, સજની રાખીએ તો? એ નામ બહુ સરસ લાગે છે.

વર્ષો વીતી ગયાં હતાં. જિંદગીની ગાડી કયા યે પાટા પર પૂરપાટ જતી હતી. બધું સારું હતું. ખોટું નહતું કંઇ યે. છતાં એક શૂળ હજી વાગી ખરી સુજીતના હૃદયની અંદર. સજની. ઓહ ગૉડ, સજની?

એ ઉતાવળે બોલ્યો, અરે ના, દીકરી આવશે તો આપણે એને અંજલિ કહીશું. આપણા બંનેના પ્રેમની અંજલિ.

(ક્રમશઃ)

આપનો પ્રતિભાવ આપો..

One Comment