સંવાદ (વાર્તા) ~ રમેશ પારેખ

સાંજના સુમારે છગુભાઈએ હીંચકા પર બેઠે બેઠે પોતાના ખીચડિયા વાળવાળા મસ્તક પર મચ્છરોને ગણગણતાં જોઈને છાસિયું કર્યું. અ.સૌ. કાશીગૌરી વરવા આ મસ્તક પર ગુલાબી સાફો – સાફા પર બત્તી ધારણ કરીને પોતે ઘોડે ચડ્યા હતા. એ બધું તેને ક્ષણ વાર યાદ આવી ગયું. ‘આ ગધેડીને પૈણવા હું ઘોડે ચડેલો?’ એવો અગ્નિબાણ જેવો પ્રશ્ન છગુભાઈએ પોતાની જાત સામે તાક્યો ત્યારે છગુભાઈની આત્મપીડાથી અજાણ અ.સૌ. કાશીગૌરી ડેલીને ઉંબરે બેસીને દાંતે બજર ઘસી રહ્યાં હતાં.

પાંચે આંગળીઓમાં અગ્નિ પ્રકટ્યો હોય તેવા ગુસ્સાથી છગુભાઈએ મચ્છરો સામે ઝડપથી હાથ વીંઝ્યો. ઝનૂનથી મૂઠી વાળી ત્યારે અનાયાસ એક મચ્છર તેની મુઠ્ઠીમાં સપડાઈ ગયો. છગુભાઈએ તેને ક્ષણ વારમાં જ મસળી નાખ્યો. પછી એ મચ્છરના મૃતદેહની તર્જની અને અંગૂઠા વળે ઝીણી ગોળી વાળીને હીંચકા પર બેઠે બેઠે જ ઉંબરા પાસે બેઠેલાં કાશીગૌરીના વાંસામાં મારી. આ પ્રહારની ખબર પડી ગઈ હોય એમ કાશીગૌરીએ બજર ઘસતાં પાછું વળીને જોયું. એ ક્ષણે છગુભાઈ બીજા મચ્છરને મૂઠીમાં જકડી લેવા હાથ વીંઝતા હતા. આ જોઈ કાશીગૌરીએ બજર ભરેલા મોંએ કહ્યું – ‘રહેવા દ્યો!’

‘હંમ્’ – છગુભાઈ બેધ્યાનપણે બોલ્યા એટલું જ. કારણ કે એ વખતે તેમનું સમગ્ર અસ્તિત્વ તો મચ્છરને પકડવાનો પેંતરો ઘડી રહ્યું હતું. કાશીગૌરી આ બધું જોઈ કકળાટ કરતાં બોલ્યાં – ‘શ્રી હરિ… શ્રી હરિ…’

આ બાજુ છગુભાઈનું તપ ફળ્યું. ફરી વાર એક મચ્છર તેની મૂઠીમાં સપડાયો. છગુભાઈએ તત્કાળ મચ્છરને અગાઉની જેમ ચોળી નાખ્યો. પછી તેના મૃતદેહની ગોળી કરીને કાશીગૌરીના વાંસામાં મારવા હાથ ઉગામ્યો, ત્યારે કાશીગૌરી પાછું વાળીને છગુભાઈ સામું જ જોઈ રહ્યાં હતાં.

હાથમાં પ્રસરી ગયેલો મચ્છર હત્યાનો ઉન્માદ છગુભાઈના ડાબા પગના અંગૂઠા પર્યંત સડસડાટ ઊતરી ગયો. પગ આપમેળે જ હલ્યો, પોતાની મરજીથી ને જમીનને ઠેસ પણ મારી પોતાની મરજીથી. હીંચકો કિચૂડ કિચૂડ બોલતાં હાલ્યો. છગુભાઈએ ઢીંચણમાં ઊઠેલા સણકાની પરવા કરી નહિ. તેમની આંખમાં ઝીણો વિજયોન્માદ હતો. તેમણે ઉન્માદી નજરે કાશીગૌરી પ્રતિ જોયું. તે વખતે કાશીગૌરી લોટામાંથી પાણીનો ઘૂંટડો ભરીને ઉંબરની બહાર ડોક લંબાવી કોગળો કરવા તત્પર બનેલાં. છગુભાઈની વિજયથી બળબળતી દ્રષ્ટિ કાશીગૌરીના કોગળો ભરેલા ફૂલેલા ગાલ પર પછડાઈને પાછી વળી. પોતાની કોઈ લાખેણી ચીજ જઈને ઉકરડે પછડાઈ હોય તેવી બળતરા છગુભાઈને થઈ. તેણે પોતાની નજરને સાચવીને પોતાની આંખમાં પાછી ગોઠવી તો ખરી, પરંતુ ધણીના પરાક્રમનું સાક્ષિત્વ ચૂકી ગયેલી નઘરોળ ધણિયાણીને છગુભાઈના ઘવાયેલા પૌરુષે માફ કર્યું નહિ. પોતાની અપમાનિત થયેલ નજરનું વેર વાળવા ગલોફામાં ભરેલી એક જલદ ગાળનો લક્ષ્યવેદી કોગળો છગુભાઈએ કાશીગૌરી પર કર્યો – ‘કભારજા…’

‘હેં…?’ પોતાના વાંસામાં ઓચિંતી અણિયાળી ચીજ ભોંકાઈ હોય તેમ ભડકીને કાશીગૌરીએ પાણીના કોગળા કરતાં કરતાં પાછું વળીને પ્રશ્નાર્થ નજરે છગુભાઈ સામે જોયું. પણ છગુભાઈ નળરાયની પેઠે પોતાનું અડધું વસ્ત્ર ફાડી ચૂક્યા હતા ને મચ્છરના જંગલમાં પોતાની દ્રષ્ટિની પછવાડે પછવાડે દોરાતા એકલપંડ ક્યાંય દૂર નીકળી ગયા હતા. છગુભાઈની આ અવસ્થા જોઈ કાશીગૌરી કપાળ કૂટતાં બોલી ઊઠ્યાં – ‘કહી કહીને જીભના કુચ્ચા થઈ ગિયા… મચ્છર મારવાની દવા લાવે તો ને!’

છગુભાઈએ કાશીગૌરીનું ચાડથી ચવ્વડ બનેલું આ વાક્ય સાંભળ્યું નહોતું. તેમને તો બસ મચ્છર પકડવાની લહે લાગી હતી. તેઓ સવ્યસાચી બનીને વારાફરતી ડાબો ને જમણો હાથ મચ્છરોના ઝુંડ વચાળ વીંઝી રહ્યા હતા. અભિમન્યુ સરખા બબ્બે હાથ મચ્છરોના ચક્રવ્યૂહને ભડોભડ ભેદી રહ્યા હતા.

અ.સૌ. કાશીગૌરી પણ ભાન ભૂલ્યાં. તે લોટામાંથી પાણીનો કોગળો ભરવા ગયાં, પણ લોટામાં પાણી ખલાસ થઈ ગયેલું. કાશીગૌરીએ હાથમાં ઝાલી રાખેલો લોટો ધડ્ દઈ બાજુમાં મૂક્યો. મોંમાંથી પાતળા છૂંકની પિચકારી મારીને કોગળો કર્યાનો આત્મસંતોષ લીધો અને સાળુના છેડા વડે મુખ લૂછીને કોગળાકાંડનું પૂર્ણવિરામ મૂક્યું. તેમણે પાછું વાળીને જોયું તો છગુભાઈનો નશ્વર દેહ મચ્છરોના ઝુંડ સામે ઝઝૂમી રહ્યો હતો. આથી કાશીગૌરીને ચીડ ચડી – ‘કાં, હવે બગલમાં દુઃખતું નથી?’

છગુભાઈને બગલમાં બાંબલાઈ થયેલી. હજુ તે મટી નહોતી. ગઈ કાલે બાંબલાઈ પર ચોપડવા માટે કાશીગૌરી કોડીને બાળીને વાટી રહ્યાં હતાં ત્યારે કાશીગૌરી જાણી જોઈને મોડું કરે છે તેવા પ્રકટ સંદેહ સાથે છગુભાઈ કરાંજી ઊઠેલા – ‘રાંડ, હવે કોડીને કેટલીક લઢવી છે? ઝટ ચોપડની!’ એ વાતની વટક વાળવા કાશીગૌરીએ અત્યારે બગલના દુઃખાવા વિશે કટાક્ષ કર્યો.

પરંતુ છગુભાઈએ વધુ એક મચ્છરને પકડી પાડેલો. એના વિજયોન્માદમાં મૂઠી વાળેલ હાથ તેમણે ઊંચો કર્યો. પરંતુ મચ્છરને બદલે મૂઠીમાં પોતાની બાંબલાઈ પકડાઈ ગઈ હોય તેમ તેમણે એક ઓયકારો કર્યો અને પછી બીજા ઓયકારાનું તેમણે પોતાની જાણીતી અને માનીતી ગાળમાં રૂપાંતર કરી નાંખ્યું – ‘ગધેડીની…’

આ ગાળ છગુભાઈએ બાંબલાઈને દીધી, બગલને દીધી કે પોતાને દીધી એ કાશીગૌરી નક્કી કરી શક્યાં નહિ. આ બાબતની ચોખવટ કરવા તે મોં ખોલે ખોલે ત્યાં જ છગુભાઈનું મોં ખૂલ્યું. પોતાના કરતલ મધ્યે પડેલી મચ્છરની લાશ ભણી લાલચોળ નજર ઠેરવી છગુભાઈ કહી રહ્યા હતા – ‘લે, તારી માના ધણી મણિયા, કરડ્ય લે…’

પોતાના એકના એક પુત્ર મણિયાનું નામ સાંભળી કાશીગૌરીના મોં પર હેતની વાદળી ચડી આવી. તેને યાદ આવ્યું – આવતી કાલે કડવાચોથ! ચિરંજીવી મણિલાલનો જન્મદિવસ – અને તેની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં : ‘અરેરે… બિચારા મણિયાની વહુને લગનના પંદર પંદર વરસ વીત્યાં તોય દી ના ચડ્યા. અરેરે… મારા વહાલાએ શેર માટીની ખોટ ન પૂરી.’ તેણે સાડલાના છેડાથી આંખના ઝળઝળિયાં લૂછ્યાં અને છગુભાઈ તરફ જોયું. ત્યારે છગુભાઈ મચ્છરોને ઉદ્દેશીને બોલી રહ્યા હતા – ‘લે, તારી માના ધણી મણિયા, લે… નખ્ખોદિયા કરડ્ય’ – અને બે હથેળી વચ્ચે એક મચ્છરને ફસાવી પટાક્ દઈ તાળી પાડી. હથેળીમાં ચપ્પટ થઈ ચોંટી ગયેલા મચ્છરની લાશને આંગળી વડે ઊંચકીને તેની ગોળી વાળવા માંડ્યા. કાશીગૌરી તેના ઉદ્યમને ક્યાંય સુધી જોઈ રહ્યાં. તેમના હોઠ ક્યારના કહું-કહું થતા હતા. છેવટ તેમણે કહેવાની શરૂઆત કરી – ‘કહું છું. સાંભળો છો?’

છગુભાઈનો હાથ થંભી ગયો. હાથમાં મચ્છરના મૃતદેહની ગોળી હતી તેને કઈ તરફ ફેંકવી તેના વિચારમાં ને વિચારમાં તેમણે કાશીગૌરીને જવાબ વાળ્યો – ‘બોલ્ય, શું કે’ છે?’

‘કહું છું આવતી કાલે મણિયાનો જનમદિવસ છે…’ કાશીગૌરી ડચકાતાં ડચકાતાં બોલ્યાં. ‘તે?’ છગુભાઈએ હીંચકો થંભાવી દીધો. હાથમાંની ગોળી હવામાં ફંગોળી દીધી પણ હાથ ઉગામેલો ને ઉગામેલો જ રાખ્યો. કાશીગૌરી નીચું જોઈ ગયાં. છગુભાઈ ઘૂરક્યા – ‘મણિયાનો જનમદિવસ?’ અને હીંચકાને ઠેસ મારી. પોતાનો ઉગામેલો હાથ હીંચકા પર પછાડીને બોલ્યા – ‘કરમચંડાળ…’

‘કાલે લાપસી બનાવું?’ સારી વાર રહી કાશીગૌરીએ બીતાં બીતાં પૂછ્યું.

‘લાપસી?’ છગુભાઈએ હીંચકો થંભાવીને ડોળા તતડાવતાં પૂછ્યું – ‘લાપસી?’

‘શુકનની…’ કાશીગૌરી બોલ્યાં ને સાળુના છેડાથી આંખો લૂછી – ‘શુકન પૂરતી થોડીક જ.’

‘શેનાં શુકન?’ છગુભાઈએ લગભગ બરાડો પાડ્યો. તે હીંચકા પરથી ઊભા થઈને છેક કાશીગૌરી સુધી ધસી આવ્યા. ને ઊભા ઊભા હાથ ઝાટકીને બોલ્યા – ‘શેનાં શુકન?’ પછી ઉંબરા સુધી જઈ ફળિયામાં થૂંક્યા – ‘મેં તો કે દા’ડાનું નાહી નાખ્યું છ એના નામનું… એનો જનમદિવસ હોય તો આપડે શું?’

ગુસ્સાથી ભડભડ સળગતા છગુભાઈ જઈને હીંચકે બેસી ગયા – ‘રાંડ, તારે લાપસી ખાવી છે, લાપસી?’

‘ગમે તેમ તોય ઈ આપડો પેટનો જણ્યો…’ કાશીગૌરીએ ઠૂઠવો મૂકતાં કહ્યું – ‘અરેરે, મારા પેટના જણ્યાનું હું ભૂંડું શીદને તાકું?’ હીબકાં ભરતાં ભરતાં તેણે ઊંચું જોયું ને કૃતનિશ્ચયી અવાજે કહ્યું – ‘તમે મુંને મારીને ભંડારી દેશો તોય કાલે હું તો લાપસી રાંધવાની… રાંધીશેય ખરી ને ખાઈશેય ખરી… શું કરી લેશો તમે?’

છગુભાઈ સ્તબ્ધ થઈ ગયા. તેમણે કાશીગૌરીના આવા પ્રતિકારની ક્યારેય કલ્પના કરી નહોતી. ક્ષણેક વાર રહી તે બરાડ્યા – ‘આ ઘરમાં એનું નામેય લેવાનું નથી એ કેટલી વાર કહ્યું છે? એનું નામ લીધું તો વાંહા ફાડી નાખીશ!’

કાશીગૌરી ઊંચા અવાજે બોલ્યાં – ‘વાંહા બહુ ફાડ્યા છ મારા. હવે હું બીવાની નથી, સમજ્યા? વેવારની તો પાઈ ભારની અક્કલ નથી. દીકરા-વઉને જમાડવાં જોઈએ. પેટના જણ્યાથી એટલાં તે વળી કિયાં વેર કે એના જનમદિવસેય એનું ભૂંડું વાંછવું પડે? એકલી લાપસી નહિ કંદના ભજીયાંય બનાવીશ. મણિયાને કંદના ભજીયાં બહુ ભાવે છ. ઘેર નો બોલાવીએ તો કાંઈ નહિ. એને ઘેર થાળી ઢાંકી આવીશ.’ પછી આંસુ લૂછતાં છગુભાઈ સામે ત્રાટક નજરે જોયું – ‘ના, ના… કઉં છું, શું કરી નાખવાના તમે? દઈ દેજો ગળાટૂંપો, ઘાસલેટ છાંટીને કાંડી મેલજો, હાંઉં?’

‘શું કીધું?’ કહેતાં છગુભાઈ ત્રાડ દઈ હીંચકા પરથી કૂદ્યા. ખૂણામાં પડેલી લાકડી લઈ ચીસ પાડી – ‘કુભારજા… આજ તો તારાં હાડકાં-પાંસળાંની મા..’

ત્યાં તો કાશીગૌરીએ સામી ત્રાડ પાડી – ‘ઈ સિવાય તુંને આવડ્યું છ શું, રાખ્ખશ? તારામાં માણસાઈનો છાંટોય નથી. તું તો જમડો છે જમડો! તારે પનારે હું ક્યાં પડી…’ આટલું બોલતાં બધા શબ્દો ને શક્તિ ખૂટી પડ્યાં હોય તેમ જ્યાં બેઠાં હતાં ત્યાં જ કાશીગૌરી ઢગલો થઈ ઢળી પડ્યાં. મોંમાંથી ફીણ નીકળવા લાગ્યાં ને હાથ-પગ તણાવા લાગ્યા.

છગુભાઈ પરિસ્થિતિ પામી ગયા. તે ઝટપટ રસોડામાં ગયા ને વેલણ લઈ આવ્યા. વેલણ કાશીગૌરીના નાક પાસે ધરીને સુંઘાડવા લાગ્યા. ચંપલ સુંઘાડતાં તેનું મન ચકરાવે ચડી ગયું – ‘વાઈ આવી હાળીને… પણ એની ક્યાં નવાઈ છે? નવાઈ તો એની છે કે આજ મારી સામું આટલું બધું બોલી ગઈ. ત્રીસ-બત્રીસ વરસથી પરણીને લઈ આવ્યો ત્યારથી તે આજ સુધી આટલું કોઈ દી બોલી નથી. આજે મને સંચોડો ઘોળીને પી ગઈ, એમ? છગુને છત્રપતિમાંથી છ પૈસાનો છક્કો બનાવી દીધો, એમ? શું સમજતી છ એના મનમાં રાંડ કુભારજા?’

કેટકેટલી વાર કાશીગૌરીને ઢીબી નાખેલ. ‘ધણી ઘરમાં પગ મૂકે કે બાયડી થથરી નો ઊઠે ઈ વાતમાં શું માલ? ને આ કુભારજા આજ મારી સામું બોલી, એમ?’

કાશીગૌરી ચત્તાંપાટ પડ્યાં હતાં. તેના હાથપગ તણાતા હતા. મોઢામાંથી ફીણ નીકળી રહ્યાં હતાં. તેની સામે ડોળા તતડાવીને છગુભાઈ બોલ્યા – ‘રાંડ, જિંદગી આખી તેં આમ જ ઢોંગ કર્યો… મારી સામું આટઆટલું ધડાધડ બોલી ગઈ તો પછી મનમાં ને મનમાં મને શું શું નહિ કીધું હોય? મનમાં ને મનમાં મને રોજ કેટકેટલી ગાળ્યું ભાંડતી હશે, આ શંખણી! મારું મડું જોવાની એને કેવી હોંશ હશે મનમાં? આ કુભારજાએ મનમાં શું શું સંઘર્યું હશે, શું શું? લગન કરીને લાવ્યો ત્યારથી તે આજ સુધી એણે એનું મન જ કળાવા દીધું નહિ. ભોટ બનાવ્યો મને, સાવે સાવ, ભોટ?’

કોઈ વિકરાળ પ્રાણીએ અધ્ધર ઊંચકીને નીચે પછાડ્યા હોય તેમ છગુભાઈ બેઠાં બેઠાં જડ થઈ ગયા. તેમના વિચારનું ચક્ર અટકી ગયું. તેણે નજર ફેરવી ચોતરફ, ઘરના ખૂણે ખૂણામાં ડાકણની જેમ એકલતા ખિખિયાટા કરતી બેઠી હતી. છગુભાઈની નજર આખા ઘરમાં હડિયાપટ્ટી કરવા લાગી. હુડુડુડુમ… હુડુડુડુમ એવા કાન ફાડી નાખે એવા અવાજો સંભળાવા લાગ્યા. ઘરની બધી ભીંતો ભડોભડ બેસી ગઈ. માથા પરની ઘરની છત ઊડી ગઈ. ભગવાનનો ગોખલો ખીખીખી કરતો દાંત કાઢવા માંડ્યો. ચારે બાજુ અંધારાના ગોટેગોટા ઊડવા માંડ્યા. છગુભાઈના દાંત ભયના માર્યા કકડવા લાગ્યા. તેણે કાશીગૌરીના તરફડતા શરીર સામે જોઈને નિસાસો નાખ્યો – ‘અરે, દીકરો ને વઉ તો પરાયાં થિયાં. પણ રાંડ કાશલી! તુંય મારી નો થઈ કોઈ દી?’

રીડિયારમણ કરતી એકલતા વચ્ચે જડ થઈને બેઠેલા છગુભાઈની આંખમાંથી સરર સરર આંસુ સરવા માંડ્યાં. ઘણી વાર સુધી તો હાળી ખબર જ પડી નહિ કે આંખમાંથી ગધનાં પલપલિયાં પડે છે. આંસુનો હોઠની કિનાર સુધી આવેલો રેલો મોંફાડમાં થઈને જીભને અડ્યો ને સહેજ ખારચો સવાદ આવ્યો. છગુભાઈ એકદમ ચમક્યા – ‘આંસુ?’

છાતીમાં ઘરેરાટ કરતાં ઘંટીનાં પડ દબાતાં હોય ને મહીંથી લોખંડના કરકરા કાળમીંઢ દાણા આંખ વાટે ટપક ટપક નીસરતા હોય એવું છગુભાઈને લાગ્યું. છાતીમાં ઠસોઠસ ધરબાયેલી ખાટીખાટી ઓખાત ડૂસકું બનીને બહાર ડબ્બ દઈ કૂદી પડી ત્યારે છગુભાઈને લાગ્યું કે મજા થઈ! ડૂસકું ખાવાની મજા થઈ! એણે તાણીતાણીને છાતીમાંથી ડૂસકાંઓને બહાર હડસેલ્યાં. પીળા પીળા ને બટકણા શબ્દોય ડૂસકાં સાથે બહાર નીસરવા લાગ્યા – ‘અરે, કાશલી તુંય મારી નો થઈ કોઈ દી?’

છગુભાઈની અંગત મજાઓ તો પાર વગરની. જેમ કે નાનપણથી તે છેક આજ સુધી સૌને સૌના દરજ્જા પ્રમાણે ગાળ ઠોકવાની મજા. લગન પછી કાશીગૌરી પર ગડદાપાટુ અને લાકડી, વેલણ, સાણસી ઇત્યાદિ વડે ધણધણતું ધણીપણું ઝીંકવાની મજા. પૃથ્વીના રસપાટલે અવતરેલો મણિયો જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેને છૂટે હાથે ધબેડવાની મજા. સગાં-વહાલાંઓ અને દોસ્તારોની પીઠ પાછળ તલવાર જેવી તાતી ગાળો ઝીંકવાની મજા. ઘડિયાળ રિપેરિંગની દુકાન હાંકવાની મજા. અડોશપડોશમાંથી મફતમાં રિપેર થવા આવેલી ઘડિયાળોની પત્તર આણી નાખવાની મજા. તડકે સૂકવેલ દાણા ખાવા ઘૂસેલા ઢોરને પરોણે પરોણે સબોડી નાખવાની મજા. સ્મશાનમાં જવાની મજા ને મડદાં બાળવાની મજા. પણ આ રોવાની મજા? આ હાળું નવીન કહેવાય. છગુભાઈ ખિસિયાણા થઈને કાશીગૌરીના ચત્તાપાટ પડેલા શરીર સામે જોતા રહ્યા. હાથપગના આંચકા શમી ગયા હતા. શરીર નિશ્ચેષ્ટ થઈ અમળાયેલું પડ્યું હતું. કાશીગૌરીના શરીરમાંથી પ્રકટ થતા આંચકાઓ છગુભાઈની છાતીમાં ભરાઈ ગયા હતા. તેની છાતી મહીં ને મહીં આંચકા ખાતી હતી, તણાતી હતી, ભરડાતી હતી ને દબાયેલા લોટની જેમ છગુભાઈના શબ્દો હવામાં ઊડતા હતા – ‘અરેરે, કાશલી! અંતે તુંય મારી નો થઈ કોઈ દી?’ ભર બપ્પોરે રણ વચ્ચે ભૂલો પડેલો માણસ તરસથી પ્રાણ જતા હોય તેવી છેલ્લી ઘડીમાં પાણી માટે ગાંગરે એમ છગુભાઈ ભરડાતા કંઠે બોલી રહ્યા હતા – ‘ભાંગી ગયો બધો ભરમ… કાશલી… કાશલી… તું મને બૌ ગમશ…’

કાશીગૌરી સામે જ નિશ્ચેષ્ટ બની પડ્યાં હતાં. તેના દાંત વચ્ચે છગુભાઈએ ભરાવેલું વેલણ કાશીગૌરીના શ્વાસોચ્છવાસથી ઊંચકનીચક થતું હતું.  

~ રમેશ પારેખ (૧૯૯૪)

(સંવાદ હળવી શૈલીમાં લખાયેલી તાજગીસભર વાર્તા છે. એમાં રમેશ પારેખની વાર્તાકાર તરીકેની શક્તિનો ઉઘાડ જોઈ શકાશે. છગુભાઈના અંતરમાં રચાતા સંવાદને વાણી અને વર્તન દ્વારા લેખકે કલાત્મક રીતે ઓપ આપ્યો છે. કાશીગૌરી પ્રત્યેનો છગુભાઈનો તિરસ્કાર પુત્ર મણિયામાં પરાવર્તીત થાય ત્યારે કાશીગૌરીનો માતૃપ્રેમ જાગી ઊઠે. માત્ર ત્રણ પાત્રો ને એમાં મણિયાની ઉપસ્થિતિ નથી જ, એટલે બે પાત્રો દ્વારા વાર્તાને કશાય બંધિયાર ચોકઠામાં ગોઠવ્યા સિવાય લેખકે સાવ મુક્તપણે વિહરવા દીધી છે. ભાષાની તાજગી આ વાર્તાનું મોટું જમા પાસું છે… દાંપત્યજીવનના આટાપાટા ભેદીને અપરિચિત અંશો પ્રગટ કરવામાં વાર્તાની કલાત્મકતા સિદ્ધ થતી જણાય છે. ~ મોહન પરમાર)

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. ર પાની તળપદી ભાષાની મજાની વાર્તાનો મોહન પરમાર) દ્વારા સ રસ આસ્વાદ