સોગંદ પેલી છત્રીના ! ~ રમેશ પારેખ

સ્વરકાર: રિષભ મહેતા
સ્વર: ગાયત્રી ભટ્ટ – રિષભ મહેતા
આલબમ: રમેશ મળે ક્યાં રમેશમાં

સોગંદ, પેલી રસ્તા પર નીકળેલ છત્રીના
સોગંદ, પેલી છત્રીની નીચેથી ડોકાતા પગના
સોગંદ, પેલા પગને પંપાળનાર પાણીના
ઓ રે વરસાદ! જેનાં બારણાં ખૂલ્યાં
તેને આપ્યા તેં દિવસો ઉજાણીના…

ઠાલવે છે સૂંડે ને સૂંડે તું ખણખણતી
મુદ્રાઓ – જેણે જે માગી
એક સાથે આખી યે રૈયતને આજ
પોતપોતાની લોટરીઓ લાગી!
ફાડે છે સૌ પોતપોતાના ચોપડા
ઉધારીના અને ઉઘરાણીના..

માણસને બદલે હું છત્રી જો હોત
તો તો ઉઘાડ્યો હોત મને કોઈએ,
ઓ રે વરસાદ!  મને એટલું ય ભાન નથી
-કેવો વરસાદ મારે જોઈએ
કિયા સોયદોરાથી બખિયા મારીને બધાં
ચીંથરાં સાંધ્યાં તેં મારી વાણીનાં?

~ રમેશ પારેખ (7-7-1989)

(સ્વરકાર રિષભ મહેતાની નજરે: વરસાદની વાત કવિ કહે છે તેથી આ રચના રાગ મેઘમાં સ્વરબધ્ધ કરી / થઈ. આ ગીતનું ખૂબ જ લાંબું મુખડું છે. જેમ રંગમંચનો પડદો ધીમે ધીમે ખુલે તેમ ધીમે ધીમે આ ગીતનું મુખડું ખુલે છે જે ત્રણ activities દર્શાવે છે… પહેલાં એક છત્રી દેખાય છે, પછી છત્રી નીચેના બે પગ અને પછી પગને પંપાળતું (પલાળતું નહીં ) પાણી… અને પછી પેલો Spontaneous Overflow Of Powerful Feelings !

હવે શરૂઆત રાગ મેઘના આલાપથી…પછી નાના નાના સરગમના ટુકડા એટલે કે ઝરમર ઝરમર વરસાદની શરૂઆત … અને પછી ઊર્મિનો ઉછાળ… એ દર્શાવવા માટે દાદરા તાલનો મધ્ય લય જેમાંથી પ્રગટ થતો નૃત્યનો ભાવ.

પછી પ્રથમ અંતરામાં મધ્ય લય એકતાલનો પ્રવેશ. આ 12 માત્રાનો (એટલે કે શરૂઆતમાં ઉપયોગમાં લીધેલ દાદારની 6 માત્રા કરતાં બમણી માત્રા) તાલ બેવડાયેલા આનંદની અભિવ્યક્તિ માટે પ્રયોજયો .

બીજા અંતરામાં ભાવપરિવર્તન આવ્યું તેથી રાગ બદલાયો અને રાગ મઘુવંતીની મદદ લીધી. પણ તાલ એકતાલ જ રાખ્યો કારણ કે જેમ બેવડાયેલા આનંદની અભિવ્યક્તિ પહેલા અંતરામાં હતી તે જ બીજા અંતરામાં બેવડાયેલા અફસોસની અભિવ્યક્તિ બની ગઈ.

પણ અંત આનંદમાં જ પરિણમ્યો. કવિને પણ એ જ અભિપ્રેત છે અને તેથી તરાનાથી ગીત સંપન્ન કર્યું.)
***

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. ર પાની રચનાનો ગાયત્રી ભટ્ટ – રિષભ મહેતા ના સ્વરમા માણવાની મજા આવી