કોપરાનો કકડો ~ કાકાસાહેબ કાલેલકર

(નિબંધ)
નાનપણમાં તર્કબુદ્ધિ કરતાં કલ્પનાનું રાજ્ય વધારે હોય છે. મોટપણમાં એ જ કલ્પના કાવ્યનું રૂપ ધારણ કરે છે. એટલે કે કલ્પનાવિલાસ ચાલતાં છતાં આ બધું સાચું નથી, માનેલું છે એનો પ્રત્યય અથવા જાગૃતિ અખંડ ચાલું હોય છે. પોતે જ કરેલી કલ્પનાને માણસ નાનપણમાં એવો તો વશ થઈ જાય છે કે કલ્પનાની વસ્તુ એને માટે સાચી બને છે અને એનો એ ગુલામ થઈ જાય છે.

શ્રાવણનો મહિનો હતો. સોમવારને દિવસે ઘરનું પૂજાનું નારિયેળ બદલવાનું હતું.

અમારા કુળધર્મ પ્રમાણે દેવઘરમાં પથરાની અને ધાતુની અનેક મૂર્તિઓ વચ્ચે મુખ્ય કુળદેવ મંગેશ મહારુદ્રને ઠેકાણે એક નારિયેળ રાખવામાં આવતું. શિવલિંગ નીચે જેમ ચાવીના કાણાના આકારની એક જળાધારી કે પિંડી હોય છે તેવા જ આકારના લાકડાના એક આસન ઉપર નારિયેળ મૂકવામાં આવતું.

નારિયેળ એટલે વિશ્વામિત્રની સૃષ્ટિનો માણસ, નારિયેળની કાચલી તે એ માણસની ખોપરી. જે કાણામાંથી નારિયેળનો ફણગો ફૂટે છે તે એનું મોઢું. એના ઉપર બે આંખો તો હોય જ છે. મોઢા ઉપર લાંબા લાંબા રેસાની મૂછ આગળ આવી સરસ શોભે છે.

પિતાશ્રીએ મને બજારમાં જઈ એક પાકું સારું સરખું નારિયેળ આણવાનું કહ્યું. એ નારિયેળ એક વર્ષ સુધી પૂજામાં રહેશે એટલે અંદરનું પાણી ધીમે ધીમે સુકાઈ જશે. પછી અંદરનું કોપરું સુકાઈ જશે અને એનો ગોટો કાચલીથી જુદો પડી અંદર ગુડગુડ વાગવા માંડશે. નારિયેળ કાચું હોય તો અંદરનું કોપરું કોવાઈ જશે અને આવતે વર્ષે મંગેશ મહારુદ્રનો પ્રસાદ મળે નહીં, એ અશુભ ગણાય એટલે ખૂબ કાળજીથઈ પાકટ નારિયેળ પસંદ કરવાનું હતું. મેં બજારમાં જઈને સો-બસો નારિયેળ તપાસી એમાંથી એક સારું પસંદ કર્યું. ગોળ નારિયેળ કરતાં લંબગોળ વધારે સારું. એમાં કોપરું વધારે હોય છે અને એ ટકવામાં પણ સારું.

નારિયેળ ઘેર લઈ આવીને મેં એની ઉપરનાં વધારે પડતાં છોડાં કાઢી નાંખ્યાં. આંખની તળેની અને મોઢાની ઉપરની મૂછ ઊખડી ન જાય એની સાવચેતી રાખી. પછી તાપડું લઈ નારિયેળ ઘસીઘસી એને સુંવાળું બનાવ્યું અ નાહીધોઈ પિતાશ્રીને પૂજામાં મદદ કરવા જઈ બેઠો. બધા દેવો તરભાણામાં નાહવા ઊતાર્યા. એમને માથે અભિષેકપાત્ર ગોઠવ્યું. ગયા વર્ષનું નારિયેળ એક વર્ષની પૂજાથી કાળું સુંવાળું ચળકતું થયું હતું. એ નારિયેળ અભિષેકપાત્રની નીચે મુકાયું હતું. અભિષેકની મુખ્ય ધારા એની ઉપર પડતી હતી. આ વર્ષનું નવું નારિયેળ એની પડખે હતું. જૂનું નારિયેળ હજી ગાદીએ હતું એટલે એ વચમાં હતું. દૂધ, દહીં, ઘી, મધ, સાકર – એ પંચામૃતથી સ્નાન થયું. પછી ‘ઉષ્ણોદક’ આવ્યું. ત્યાર પછી દેવો ‘શુદ્ધોદક’ થી નાહ્યા. મેં પવિત્ર ‘ધૌત’ વસ્ત્રથી બધા દેવોને લૂછી કાઢ્યા અને એમને દેવઘરમાં પોતપોતાને ઠેકાણે બેસાડ્યા. હવે મુખ્ય ઠેકાણે આસન ઉપર નવું નારિયેળ મૂક્યું. જૂનું નારિયેળ એની પડખે, પણ નીચે મૂક્યું. પછી પિતાશ્રીએ દેવોની પૂજા કરી. ‘વસ્ત્રાર્થે અક્ષત’ અર્પણ કરી દેવોને ચંદન લગાવ્યું. હરિદ્રા, કુમકુમ વગેરે ચડાવ્યું. પછી ફૂલો ચડાવ્યાં. મહાદેવને ધોળાં ફૂલ, ગણપતિને લાલ ફૂલ, દેવીને સુવર્ણચંપક (પીળો ચંપો), સૂર્યને સૂર્યમુખીનું ફૂલ આપ્યું. પછી મહાદેવને ત્રણ પાંદડાવાળું બિલ્વદલ અર્પણ કર્યું. વિષ્ણુને તુલસીદલ, ગણપતિને દુર્વાદલ, દેવીને પત્રી એટલે કે જાતજાતનાં નવાં પાંદડાં અર્પણ કર્યાં. પછી ધૂપ, દીપ, નૈવેદ્ય, બધું રીતસર થયું. જૂના નારિયેળને ઠેકાણે નવું નારિયેળ ગાદીએ આવ્યું અને નવું ધાર્મિક વર્ષ શરૂ થયું. તે દિવસે તો બંને નારિયેળની પૂજા થઈ.

બીજે દિવસે અભિષેક માટે એકલું નવું નારિયેળ હતું. જૂનું નારિયેળ કોરે મૂકી દીધું અને પૂજાને અંતે એ વધેરવામાં આવ્યું. અંદરનું સુકાયેલું કોપરું સરસ નીવડ્યું. ભોજન પછી ઘરનાં બધાં કુટુંબીઓને એનો એક એક નાનકડો કકડો પ્રસાદ તરીકે ખાવા આપવામાં આવ્યો અને જેઓ બહારગામ હતા તેમને પણ પોસ્ટ વાટે એક એક કકડો મોકલવામાં આવ્યો. કુટુંબીઓમાંથી એક પણ વ્યક્તિ આ પ્રસાદમાંથી વંચિત ન રહે.

આગળ જતાં જ્યારે હું કૉલેજમાં ગયો અને મારો ઈશ્વર ઉપરનો વિશ્વાસ ઊડી ગયો અને મંદિરે જવામાં અથવા પૂજા કરવામાં પાપ છે એમ માનતો થયો ત્યારે પણ ઘેરથી કુળદેવનો આ પ્રસાદ આવે એટલે પોતાની નવી માન્યતા અને ઝનૂન બધું કોરે મૂકી ભક્તિપૂર્વક એ કોપરાના કકડાનું સેવન કરતો અને મનને મનાવતો કે એ ઈશ્વર પ્રત્યેની નિષ્ઠા નથી, પણ સનાતન કાળથી ચાલતી આવેલી કુલપરંપરાના તત્ત્વ પ્રત્યેની નિષ્ઠા છે. અને એ પરંપરા આગળ ચલાવી મારે એ આવતી પેઢીને પણ પહોંચાડવી જોઈએ એમ માનતો.

એક વર્ષે નારિયેળ કાચું આવ્યું હશે. એટલે વર્ષને અંતે નારિયેળ વધેરીને જોયું તો અંદર કોપરું સાવ કોવાઈ ગયું હતું. એ જોઈને પિતાશ્રી બહુ દુઃખી થયા અને આવતું વર્ષ કેમ જશે એની ચિંતા કરવા લાગ્યા. મેં મારી બુદ્ધિ ચલાવી અને કહ્યું કે નારિયેળ અંદરથી કોવાઈ ગયું એ બતાવે છે કે ગયું વર્ષ આપણને ખરાબ ગયું. અને વાત પણ ખરી હતી.

આમ મારી દલીલને કારણે આવતા વર્ષ માટેની પિતાશ્રીની ચિંતા દૂર થયેલી જોઈને મને સંતોષ થયો.

ઘણી વાર સાંજે દેવઘરમાં દીવો કરી હું ધ્યાન કરવા બેસતો. ધ્યાનમાં નારિયેળની આંખો કોક વાર પ્રસન્ન દેખાતી અને કોક વાર ભારે ક્રુદ્ધ થઈ હોય એમ લાગતું અને તે પ્રમાણે હું રાજી થતો અથવા દુઃખી થતો અને ઉત્કટ પ્રાર્થના કરતો. પ્રાર્થનાની અસર થતી અને એ આંખો ફરી પ્રસન્નપણે જોતી હોય એમ મને ભાસતું. આ બધા મનના ખેલ છે એ જાણતાં છતાં એની મન પર ઓછી અસર થતી નહીં.

આવી બધી કલ્પનાને કારણે મારું મન સરવાળે નબળું પડતું કે મારી શ્રદ્ધા શક્તિ વધતી એ આજે કહી ન શકું. મને લાગે છે કે બંને વૃત્તિઓ એકસાથે જ પોષાતી હતી. નાનપણમાં આવા વાતાવરણમાં હું ઊછર્યો એનું મને દુઃખ નથી એટલું જ નહીં, પણ ખરેખરું સમાધાન છે.

અને છતાંય મેં મારા દીકરાઓ માટે ન તો આવું વાતાવરણ પૂરું પાડ્યું, ન તો ઇચ્છ્યું. એમની માતા તરફથી એમને આવું થોડું મળ્યું ખરું. અને એની અસર સારી જ થઈ છે.

બ્રહ્મદેવે બનાવેલા આપણે માણસો અને વિશ્વામિત્ર ઋષિએ કલ્પેલા નારિયેળ રૂપી માણસો મળીને કોંકણની સૃષ્ટિ થાય છે. નારિયેળને કુળદેવને ઠેકાણે સ્થાપવામાં ઘણું ઔચિત્ય છે એ આજે જોઈ શકું છું.

***

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. કાકાસાહેબે એક સરસ અવલોકન કર્યું છે * ‘દેશદર્શન એ મારે મન દેવદર્શનનો જ એક ભાગ છે.’ કાકાસાહેબની સૌંદર્યદ્રષ્ટિ, કલાદ્રષ્ટિ અને સવિશેષ તો આજીવન પ્રવાસી એવા આત્માની જીવનદ્રષ્ટિનો આપણને પરિચય થાય છે.કોપરાનો કકડો લેખમાં કાકાસાહેબની હિંદુધર્મ અને સંસ્કૃતિ પરત્વે શ્રધ્ધા અને ભક્તિ સાચા અર્થમાં નિખરી આવતા જોઈ શકાય છે.

  2. કાકાસાહેબ કાલેલકરનો આ નિબંધ પરંપરા,શ્રદ્ધા અને બુદ્ધિ પ્રામાણ્ય ત્રણેનો મહિમા કરે છે અને સમન્વયાત્મક રીતે આપણી સંસ્કૃતિનું દર્શન કરાવે છે.