એક પીલુના ઝાડની તળે ~ મનોહર ત્રિવેદી

એક પીલુના ઝાડની તળે
બપોરવેળા થાય ને કેડા તડકા છોડી એકબીજાને રૂબરૂ મળે

ડાળખીમાંથી હળુક હળુક વાયરો થાય પસાર ને જોઉં:
માવડી જેવી છાંયડી મને વીંઝણો ઢોળે
પાંદડાં જરીક ખરતાં અડી જાય તો લાગે આમ અચાનક
કોઈ મારામાં વળતું ટોળે

કોણ જાણે પણ કેમ એકાએક દૂરનું તળાવ છલકાઈ મારી આંખમાં વળે

થૉર કાંટાળી બોરડી કરંજ કેરડો બાવળ
કૈંકને ભોળાભાવથી પેલો સાચવે શેઢો
જાગતી નજર દસ દિશામાં આવ-જા કરે
વગડાને એ પળ એકે ના મૂકતો રેઢો

અહીંથી ઊભો થઈને ત્યાં હું જાઉં તો સગાઈ પારખી ઝાંપો ઊઘડી મને મળશે ગળે

ડમરી થોડી ઊડશે ને ઊતરશે મારા શ્વાસમાં
એને અળગી કરું કેમ તે મને ફાવશે નહીં
નીક ભીની આ, આંબલીની એ ગંધ
માળાના સૂર મને છલકાવતાં અહીં

થાય છે ભેરુ, આટલામાં હું હોઉં ને ઢળે સાંજ પછી ધીમેકથી મારી સાંજમાં ભળે

***

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. મનોહર ત્રિવેદી લોકજીવનની છટાઓ પ્રકૃતિના સંગે વ્યક્ત કરવામાં માહેર છે. વર્ણનકળાને એ ગીતમાં ઓતપ્રોત કરી શકે છે: એક પીલુના ઝાડની તળે બપોરવેળા થાય ને કેડા તડકો છોડી એકબીજાને રૂબરૂ મળે.

    જેણે બપોરનો વગડો જોયો હોય, પીલુ જેવું એકલદોકલ ઝાડ ઊભું હોય, ત્યાં પહોંચેલા ગ્રામજનને બે બાજુથી આવતી કેડીઓ મળતી દેખાય, આ સહજોક્તિનું માધુર્ય ગીતમાં સાદ્યંત સંબંધસૂચક બને છે.

  2. બહુ જ સરસ ગીત. પ્રકૃતિ સાથે તાદાત્મ્ય અને ભાવપૂર્ણ ઐકયનું મધુર ગુંજન.