ફકીરની પાળ ~ સમીરા દેખૈયા પત્રાવાલા
પઠન: લેખિકાના અવાજમાં
હવે તો હદ જ થઈ ગઈ છે. હવે આ લીંબડો શું ચૂંદડી અને ચાદર પણ ઓઢશે? એ પણ શું કરી શકે એમ છે? મારી જેમ એ પણ ક્યાં કશું બોલી શકે છે? આ લોકો સમજે તો સારું, મારે તો કંઈ શ્વાસ ન લેવાનો હોય, પણ લીંબડો તો શ્વાસ લે છે. બળી મરશે જો રોજેરોજ આમ ચૂંદડી અને દોરામાં વીંટળાતો રહ્યો તો! આ બધી કરામત આ ફકીરની છે. જ્યારથી એણે આ કબ્રસ્તાનનો આશરો લીધો છે, ત્યારથી હું હાજરાહજૂર બની ગઈ છું.
આજ સવારથી લીંબડો લવારે ચડ્યો છે. એની ડાળે-ડાળે લાલ-લીલી ચૂંદડીઓ ચડે છે. એ તો ગભરાઈને આ દીવાલને આંબવા જાય, પણ અહીં પણ આ મસ્તાને બદ્દહાલી કરી છે.
કોઈ એને મસ્તાન કહે તો કોઈ ચમત્કારી કહે પણ મને તો આ ફકીર એક ગરીબ મૂંગા સિવાય કંઈ જ નથી લાગતો. થોડાં વર્ષો પહેલાં કોમી તોફાન થયેલા ત્યારનો ક્યાંકથી અહીં આવી ગયેલો. આમ તો ત્રીસી વટાવેલો હશે, પણ અસ્તવ્યસ્ત દેખાવ અને ચીંથરેહાલ હાલતમાં ઉંમર વટાવેલો લાગતો હતો અને હું તો એક સામાન્ય દીવાલ! કબ્રસ્તાનની હદ બાંધવા સિવાય મારું બીજું કંઈ જ કામ નહીં. સામે ઊભેલો લીંબડો મારો દોસ્ત. એ લહેરાતો અને હું એને જોયા કરતી. આમ ને આમ અમારા દિવસો પસાર થતા રહેતા. આ ફકીરે અહીં આવીને અમારી કિસ્મતની કોઈ નવી જ લકીર ખેંચી હતી. એને ક્યારેક કોઈ પૈસા અને ક્યારેક કોઈ ખાવાનું આપતા. ધીમે-ધીમે લોકોને એની પાસે આવીને પોતાનાં દુઃખ દૂર થતાં જણાવા લાગ્યા.
બસ! પછી તો શું? લોકો આવે અને પોતાની મુસીબત જણાવે અને ફકીરને પૈસા કે સદકો કંઈ પણ આપે. જો એ ફકીર લઈ લે તો એમ માનીને જાય કે એમની મુસીબત દૂર થઈ અને જો એ ન લે, તો એમ સમજે કે હવે એ માનતા પૂરી નહીં થાય.
એક વખત કોઈ આવેલું અને ફકીર ત્યાં હતો નહીં તો પોતાની માનતાનો કોલ જાણે ત્યાં જ મૂકતો ગયો હોય એમ મારે કાંગરે દોરો બાંધી ગયો. પછી તો લોકો અહીં માનતાના દોરા પણ બાંધતાં થઈ ગયા, મને તો યુવાની આવી. આટઆટલાં વર્ષોથી જર્જરિત હાલતમાં રહેલી હું જાણે નવવધૂ હોઉં એમ સિમેન્ટ, કોન્ક્રીટ ખાઈ અને રંગરોગાન ઓઢી ચમકી ઊઠી. મારું નવું નામ હતું “ફકીરની પાળ”!
ફકીર આ બધું જોયા કરે. જાણે અમને બંનેને ઓળખતો હોય એમ ક્યારેક મને તો ક્યારેક લીંબડાને જોયા કરે. ફકીર જેવી લીંબડા સામે નજર ફેરવે કે લોકો કહે, “એ જુઓ બાપુ પ્રેત જુએ છે.” પછી તો એ પણ શરૂ થયું! કલ્પાંત કરતા અને માનસિક બીમાર લોકો આવતા. ફકીર એમના માથે હાથ મુકતો. લીંબડે ચાદર ચડતી રહેતી. દરેક ધર્મના લોકો આવતા. દુ:ખને પણ ક્યાં કોઈ ધર્મ હોય છે?
લીંબડો ખૂબ જ અકળાતો. ક્યારેક કોઈના માથે હવામાં ચાદર ખેરવી ડાળ હલકી કરી નાખતો. લોકોને એમાં પણ ચમત્કાર દેખાતો. દોરાનો બોજ તો એના જેમ મને પણ હેરાન કરતો અને સૌથી વધુ એ વાતો, જે મારી પાસે આવીને લોકો કહેતા. હું તો દીવાલ, મારે જાન નહીં પણ કાન તો ખરા ને! કોઈને દીકરો જોઈએ, કોઈને લગ્નનાં અભરખા, કોઈ જીવનનું વરદાન માંગે તો કોઈ મોતનો આરામ યાચે, ક્યારેક કોઈ મા પોતાના દીકરાની ફરિયાદ મારે કાંગરે બાંધે અને ક્યારેક કોઈની ભૂખાળવી ગરીબી મારું અંતર વીંધતી જાય. હવે તો મને પણ આ માનતાઓનો ભાર જણાતો હતો. માનતાના કાંટા દિવસ-રાત મને વાગ્યા કરતાં અને લોકોનાં સપનાં લીંબડાની ફરતે વીંટળાયા કરતા. જો અમારા આવા હાલ છે તો બિચારા ફકીરની શું હાલત હશે? બધાને રોજ સાંભળે, એની આસપાસ લોકોના ટોળેટોળા જમા હોય, પણ મને અડકીને બેઠો હોય ત્યારે પણ હૃદયના ધબકારામાં લગીરે ફેર ન પડતો. કેવો હશે આ માણસ? હવે તો મને પણ એ મસ્તાન જ લાગવા માંડ્યો હતો.
આમ ને આમ વર્ષો વીતી ગયાં. મારી અને ફકીરની ચર્ચાઓ ગામેગામ ફેલાતી રહી. મેદનીઓ ભરાવા લાગી. ફકીર યથાવત્ હતો અને વધુ ઝાંખો થતો જતો હતો. આ બાજુ મારો તો અહમ્ જાગી ઉઠયો. મારામાં કોઈ ચમત્કાર તો હોવો જ જોઈએ કે અહીં માનતાઓ ફળે છે, એક આ ફકીરડાને જ મારી કંઈ પડી નહોતી.
-પણ એક દિવસ જુદો ઉગ્યો. મેળાવડામાં એક નમણી બાઈ ભળી, ચળકતા રુઆબદાર વસ્ત્રોમાં! કોઈનું પણ ધ્યાન ખેંચે એવી એની ચાલ. માથે માત્ર અડકે એમ રાખેલા આછા ઓઢણામાંથી લાંબો ઝૂલતો ચોટલો એની ચાલને લય પૂરો પાડતો હતો. ચહેરા પરથી યૌવનની ગુલાબી ઉડે પણ કાજળ ધરેલી આંખો અગોચર મનની ચાડી ખાતી હતી. સાથે એક ગુલામડી સદકાનો સામાન લઈને ચાલતી હતી. પુરુષો આ ચોટલાવાળી માલકણને નજર ઊઠાવી જોયા કરે અને બાઈઓ મોઢું બગાડી ગુસપુસ કરે. ‘આવી ગઈ છપ્પરપગી. ગામને વંટોળે ચડાવ્યું છે આ બાઈએ તો! હવે તો આ જગ્યા પણ નાપાક કરવા આવી.’ બૈરાં એનાથી અભડાતાં હતાં.
એ મારી લગોલગ આવીને ઊભી રહી. મન્નતનો કામચલાઉ દોરો બાંધ્યો, પણ મનમાં કોઈ વિચાર જ નહીં. હું બોલતી રહી, ‘માંગ તને જોઈએ એ માંગ!’ પણ એ તો એમ જ ઊભી રહી. હું એને ઓળખાવા મથતી રહી. ક્ષિતિજની છેલ્લી સપાટી જેટલું અનંત પણ ધગધગતા રણ જેવું બંજર મન. ભેંકાર અને નિરવ! મારામાં એક કંપન ઉઠ્યું ને કદાચ એણે પારખ્યું હોય કે બીજી જ ક્ષણે ફકીર તરફ રુખ કરી એને સદકાની શાલ અને પૈસા આપવા હાથ લંબાવ્યા. એના ગોરા હાથના સીધા ભાગ પર એક ચાંદરાત જેવું છૂંદણું હતું. ‘નૂન’ (અરબી ભાષાનો ‘ન’) હતો કદાચ! છૂંદણું જોઈને ફકીર બેચેન થઈ ગયો અને એનો હાથ એક ઝટકાથી ફગાવી દીધો. એક પળનો પણ વિચાર કર્યા વગર એ હતાશ થઈ ત્યાંથી જતી રહી. ‘બાપુ તો આવા નાપાક પડછાયાથીયે આઘા રહે.’- ટોળામાં વાત ભળી.
એના ગયા પછી ફકીર ખૂબ જ બેચેન રહ્યો. બધાને હાથના ઈશારા કરીને જવાનું કહી દીધું. મને અડકીને આખી રાત વિચારતો રહ્યો. એ મસ્તાનનું હ્રદય પહેલીવાર એટલા જોરથી ધડકતું હતું કે જાણે હમણા શરીરને વીંધીને મારી માથે પછડાશે. મન કોઈની મૈયત થયાનું આક્રંદ કરતું હતું અને એ કોરી આંખો આટલાં વર્ષોમાં પહેલીવાર વરસી રહી હતી. એના મનને કોઈ ગૈબી શક્તિ મળી હોય એમ પહેલીવાર એનું મન ચીસો પાડીને મને ફરિયાદ કરતું હતું. ‘નૂરી, મારી દીકરી …!’
એ રાતે એનાં ડૂંસકાં મારા પથરાળ શરીરને છેદતા રહ્યા. રાતના અંધારામાં એ કાયમ માટે ગાયબ થઈ ગયો હતો. ત્યારથી હું અને લીંબડો એના ગાયબ થવાની લોકવાયકા સાંભળતા આવીએ છીએ. લોકો કહેતાં કે ફકીરમાં જિન્ન હતું.
**
ફકીર ગયો, પણ મુરશદો અને મુરીદોનો આ દુનિયામાં તોટો નથી અને આ તો હાજરાહજૂર જગ્યા. થોડા જ અરસામાં એક પછી એક એમ દરેક જગ્યાએ કોઈ ને કોઈ આવતું રહ્યું. કોઈ જઇફને લઈને આવેલા બે-ચાર મુરીદોએ અહીંની ગાદી સંભાળી લીધી. વખત વીતતો ગયો, ઉરસ ભરાવા લાગ્યા. પછી તો મેદનીના પાર નહિ. કોઈ માલેતુજારે આવીને મારા પંડને વખતોવખત શણગાર્યા કર્યું. નવા ચણતર થયા, રસ્તા બંધાયા, ફૂલ-ચાદરોની અને ખાણી-પીણીની નાની-મોટી દુકાનો બની. જુવાનિયાઓનાં ટોળા જમા થતા રહ્યા. આ બધા વચ્ચે હું ફક્ત એક ગવાહીનો પથ્થર બનીને રહી ગઈ હતી, પણ મારી આસપાસ માંગતા, દુઆ દેતા, તાવીજ બનાવતા, ચિલમ પીતા, ઝિક્ર કરતા ફકીરોની જમાવટ થતી રહેતી. ક્યારેક કોઈનું હૃદય વાંચી જતી તો અંતરથી ઝીણું-ઝીણું ખરી પડતી. મને મારો જૂનો જોગી યાદ આવી જતો. ક્યાં હશે એ, જે મને આવું જીવનદાન આપીને જતો રહ્યો? હજુ સુધી જીવતો હશે કે કેમ?
એક દિવસ દોરો બાંધવા લંબાયેલો એક મેલો હાથ આ દીવાલને અડકી રહ્યો હતો, ત્યાં જ ‘એ ગાંડા..એ પાગલ’ કહેતા કોઈ તોફાની બાળકનો એના તરફ જોરથી ફેંકાયેલો પથ્થર માથેથી એનું લોહી ચૂસતો સીધો જ મારા બદન પર ઝીંકાયો. મારા પ્રકોપનો મલાજો રાખી તોફાની ટોળી બીજી જ ક્ષણે તૌબા ભરી દૂર થઈ. એ ધગધગતા લોહીનું આલિંગન મળે એ પહેલા જ માથે એક વજનદાર અરજ પછડાઈને મને મારા હોવાપણાના વાસ્તા દેતી રહી. એનો ઝીણો અવાજ મને અરજ કરી રહ્યો હતો, “નૂરી…નૂરી…”. લીંબડો ડાળ પરથી ચાદર ખેરવવાની નાકામ કોશિશ કરતો રહ્યો.
—સમાપ્ત —
ફકીરની પાળ સુ શ્રી સમીરા દેખૈયા પત્રાવાલાના અવાજમા માણવાની મજા આવી
ખૂબ ખૂબ આભાર પ્રજ્ઞાબેન