બે કાંઠાની અધવચ (નવલકથા) પ્રકરણ: ૨૦ ~ પ્રીતિ સેનગુપ્તા

બધું સ્વપ્ન જેવું હતું.

ઇન્ડિયા જવું હતું, ગયાં, જઈ આવ્યાં, બધાં ભેગાં થયાં, ફરી ક્યારે મળવાનાં?

ફરીથી શું ભેગાં થવાનાં?

એ પ્રશ્ન કોઈએ કોઈને પૂછ્યો નહતો, પણ બધાંનાં મનની પાછળની ગલીમાં, એ જ પ્રશ્ન આંટા મારતો રહેલો – ગળામાં લાલ રૂમાલ બાંધીને ફરતા મવાલીની જેમ.

કેતકીને બહુ ડર લાગતો હતો એનાથી.

એ એકલી હોત, ના, એ ને સચિન, એ બે જ હોત, તો એ ઘેર જ, દેશમાં જ, રહી જાત. અમેરિકા, કે બીજે ક્યાંય જાત જ નહીં. પણ ના, એ તો સુજીતની સાથે હતી.

બધાંની સામે એક વાર સુજીત બોલી ગયેલો તેમ, એ તો સુજીતની માલિકીની હતી.

બધાંએ સુજીતની આ કૉમૅન્ટ હસવામાં લઈ લીધેલી. કેતકીનું જ ધ્યાન એ પ્રત્યે સભાન રીતે ખંેચાયેલું. એણે તરત સુજીતની સામે જોયેલું. એણે જાણીને ના જોયું કરેલું, એ પણ સ્પષ્ટ હતું કેતકીને માટે.

એ એવું માનતો હોય કે ના હોય, મજાકમાં પણ એણે આવું શું કામ કહેવું પડે?

આની સામે, એણે કેતકીનાં બહુ જ વખાણ કર્યાં હોય, ને બધાં ખુશ થઈ ગયાં હોય, ત્યારે કેતકીની આંખોમાં ખૂબ પ્રેમથી જોયું હોય, એવું પણ બન્યું જ હતું.

આવું બનતું રહેતું હતું- અમેરિકામાં પણ. એનો મૂડ બહુ ઝડપથી આમથી આમ થઈ જતો કેતકીએ જોયો હતો. તોછડાઈ પછી એ પ્રેમાળ બની જાય, ને કેતકી વળી પાછી મન વાળી લે.

પણ આ કોઈ જાતનો રોગ, કે મૅડિકલ કન્ડિશન હોય તો?, કેતકીને ક્યારેક વિચાર આવી જાય, ને તરત એ ગભરાઈ પણ જાય.

શું મગજ છે મારું તો. જે ના હોય તે પણ દેખાય છે મને.

ઇન્ડિયા જઈને બધાંને મળી આવી એટલે કેતકી બહુ ખુશ હતી. જોકે મન ઉદાસ પણ થતું રહેતું હતું, કારણકે પાછાં આવ્યા પછી નવેસરથી જાણે ઘરનો, ઘરનાંનો, વિરહ શરૂ થયો હતો.

આવી રીતે દેશ જવું તે સારું, કે ના જવું સારું?, એ વિમાસતી હતી.

સરસ સ્વપ્ન આવે તે ગમે, ને પછી આંખ ખુલી જાય, ને એ સ્વપ્ન ક્યાંય હોય જ નહીં તો? કંઇક એવી જ વાત હતી આ.

સચિન વરસેકનો થાય તે પહેલાંથી જ, કેતકીએ જૉબ પર જવાનું શરૂ કરી દીધું હતું. આ લાઇનમાં જૉબ તૈયાર જ હોય, ટૅક્સ-સલાહકારની જરૂર હંમેશાં હોય જ, અને કોઈ ને કોઈ તો જૉબ છોડીને જતું જ હોય, એટલે જગ્યા પણ હોય જ.

સુજીતને કહેવું તો પડે, હોં, કેતકી પોતાના ડૅસ્ક પર બેસીને માથું હલાવતી હતી. મારે માટે એવી જ લાઇન શોધી, કે જેમાં ક્યારેય મંદી આવે જ નહીં. એને મારે વાહ તો કહેવું જ પડે.

કેતકીની ઑફીસની થોડે જ દૂર નાનાં બાળકો માટેની નર્સરી હતી. જે કલાકો કેતકી કામ કરતી, તેટલો વખત સચિનને ત્યાં મૂકી આવતી. કામ કરતી બીજી માતાઓને પણ આમ જ છોકરાં મૂકવાં પડતાં હતાં.

કેતકીને તો, સચિનની સાથે, ઘેર જ રહેવું ગમ્યું હોત, પણ સુજીત કહે, કે તું જતી થાય, તો આવક પણ આવતી થઈ જાયને. અને નર્સરી તો એટલાંમાં જ છે. પછી ક્યાં ચિંતા છે?

ઇન્ડિયાથી આવીને થોડા જ દિવસમાં, એ પાછી ઑફીસમાં જોડાઈ ગઈ હતી. આખો દિવસ કામ વગર ઘેર બેસવા કરતાં, એને હવે આમ બહાર નીકળવું સારું લાગતું હતું. પણ સ્વિમિન્ગ કરવા જવાનો ટાઇમ હવે રહ્યો નહીં. ક્યારેક, વળી, શનિ કે રવિવારે બપોરે એ જઈ આવે. સચિનને રાખવાનો સુજીત પાસે ટાઇમ હોય તો.

ઑફીસમાં કેતકી સસ્તાં અને સાધારણ પૅન્ટ-શર્ટ પહેરીને જતી. દર રોજ અહીં સ્ત્રીઓ એ કપડાં જ વધારે પહેરતી હોય. સરસ પાતળી યુવતીઓ ઘુંટણથી સહેજ નીચાં ફ્રૉક પહેરતી જોવા મળે. આપણે જેને ફ્રૉક કહીએ, એને અહીં પાછું ડ્રેસ કહે છે. ને આપણાં મનમાં ડ્રેસ, એટલે પંજાબી ડ્રેસ આવી જાય.

પણ કેતકીને આવાં સ્કર્ટ-બ્લાઉઝ બહુ ગમતાં. સરસ લાગે છે, અને પગ પણ બહુ નથી દેખાતા હોતા. એક વાર કોઈ સ્ટોરમાં એ ફરતી હતી. સચિન સ્ટ્રોલરમાં બેઠો બેઠો ઊંઘી ગયો હતો. એ જાગી જાય, એટલી વારમાં એણે ખરીદી કરી લીધી. એને સેલમાં, એવો એક સ્કર્ટ-બ્લાઉઝનો સૅટ દેખાઈ ગયો હતો. આછા ભૂરા રંગ પર ઘેરી લીલી પાઈપિન્ગ હતી. કેટલો સરસ કલર છે, ને કેટલું સરસ કૉન્ટ્રાસ્ટ કૉમ્બિનેશન છે.

બીજે દિવસે એ પહેરીને કેતકી ઑફીસ ગઈ. સુજીત તો વહેલો નીકળી જાય, એટલે સાંજે જ એ જોશે, ને એને પણ ગમશે જ. કદાચ બીજા સૅટ્સ લઈ આવવા પણ કહેશે.

કેમ છે મારો સચિન બાબો?, કહેતો કહેતો સુજીત અંદર આવ્યો. કેતકીના મોં પર શરમાળ સ્મિત હતું. સુજીતની આંખો પહોળી થઈ ગઈ. સ્કર્ટના છેડા પકડીને, કેતકી અડધું ગોળ ફરી.

વખાણ કરવાને બદલે, સુજીત ગુસ્સે થઈ ગયો. આ શું પહેર્યું છે? આવું પહેરીને બહાર ગઈ હતી?

તમને બતાવવા હમણાં જ પહેર્યું, કેતકીએ સંભાળીને કહ્યું.

બહુ સારું, તો જાઓ, હવે કાઢી નાખો. ને ફરી પહેરતાં નહીં. વિચાર ના આવ્યો આવું પહેરતાં?

પણ સ્કર્ટ-બ્લાઉઝ તો બધાં પહેરે છે.

પણ પરણ્યા પછી? એક બાળકની મા થયા પછી? ઇન્ડિયન થઈને?

સુજીત અટક્યા વિના બોલતો ગયો.

પણ હું ઇન્ડિયામાં ફ્રૉક જ પહેરતી હતી —

મારે માથાફોડ નથી કરવી તારી સાથે. કહ્યુંને, કે ફરી આવું પહેરતી નહીં.

કેતકીને તો કોણી સુધી લાંબા લૅધર ગ્લવ્સ, અને ઘુંટણ સુધી પહોંચે તેવા લૅધર બૂટ્સ, પણ બહુ ગમવા લાગ્યા હતા. વામા મોટે ભાગે ડ્રેસ ને બૂટ્સ વગેરે જ પહેરતી દેખાઈ હતી. એના પરથી પણ કેતકીનું ધ્યાન વૅસ્ટર્ન આઉટફીટ પર ખેંચાયું હોય.

એણે વિચારેલું, કે પોતાના પૈસામાંથી, ક્યારેક ગ્લવ્સ ને બૂટ્સ પોતે ખરીદશે. પણ સુજીતના ડ્રેસ માટેના આવા વિરોધ પછી, એ ખરીદવાનો તો શું, પણ એ ગમે છે, એવો ઉલ્લેખ પણ ના કરી શકી.

વામાનું નામ લઈને પણ એ કશું ના બોલી. બંનેનાં જીવન જ જુદાં છે તે. એ તો સિન્ગલ, જે મન થાય તે કરી શકે. હું પરણેલી છું, ને કોણ જાણે, પણ ઇન્ડિયન મૅરૅજોમાં આમ જ ચાલતું હશે. પતિ કહે તેમ જ કરવાનું. પણ હવે એ ડ્રેસનું શું કરવાનું? એ તો એણે છેલ્લા સેલમાં ખરીદેલો, એટલે પૈસા પાછા મળે તેમ નહતા. વાળીને એક થેલીમાં મૂકી રાખ્યો.

કેતકી જો ડ્રેસની બાબતે નિરાશ થઈ હતી, તો બીજે-ત્રીજે દિવસે પાછું એવું બન્યું, કે આ બનાવ સાવ ભૂલી જવાય. સુજીતે એમને માટે ગાડી નોંધાવી દીધેલી. ગાડી આમ તો ઊભાં ઊભાં પણ ખરીદી શકાય, પણ એને જે રંગ જોઇતો હતો તેને માટે થોડી રાહ જોવી પડી.

વિશ લેવા આવ્યો. સુજીતે કેતકીને કહ્યું નહીં, કે ક્યાં જઈએ છીએ. છેક કાર-ડીલર સુધી ગયાં, પછી કેતકી સમજી. ઓહ બાપ રે. ખરેખર?, એણે ઊંચે સાદે કહ્યું.

સચિન ઝબકી ગયો. ના, ના, બેટા, કાંઈ નથી થયું.

નેવી બ્લૂ રંગની, નવી નક્કોર, ચકચકતી ગાડી સુજીત ચલાવીને, પહેલાં તો, વિશને ત્યાં લઈ ગયો. વિશની ગાડી એને ઘેર મૂકી, નંદાને લઈને, બધાં મંદિરે દર્શન કરવા જવાનાં હતાં. સુજીત ભાગ્યે જ ગયો હશે અમેરિકાનાં મંદિરમાં, તેથી કેતકી નવાઇ પામી, આનંદ પણ પામી.

બહુ પાસે નહતું મંદિર. કલાક-સવા કલાક તો જતાં જ થયા. ડાબે-જમણે વળતાં વળતાં, થોડાં ભૂલાં પણ પડ્યાં. અંદર અંદરના એરિયામાં કેટલીયે જગ્યાએ રસ્તાનાં નામ જ નહીં. કઈ રીતે ખોળવાના રસ્તા, જો નામ જ ના હોય?

કેતકી કહે, અમેરિકામાં આવું બને? સાવ નામ વગરના રસ્તા હોય?

સુજીત કહે, એટલેકે નામનાં પાટિયાં પડી ગયાં હોય, તૂટી ગયાં હોય.

બૉસ્ટન શહેર તો આને માટે કુખ્યાત છે, ખબર છે ને?, વિશ બોલ્યો.

અરે, ત્યાં તો બહુ પ્રૉબ્લૅમ છે, નંદા બોલી. કેટલાયે રસ્તાનાં નામ જ નહીં. જો વળી કોઈ પોલિસ દેખાય, ને એને પૂછો, તો એને પણ ખબર ના હોય. કમાલ ના કહેવાય?

નામ વગરના રસ્તા? આ તો અમેરિકાની એક ખામી જેવું લાગે છે.

એમ કરતાં ગાડી વૈષ્ણવ મંદિર પર પહોંચી તો ગઈ. બધાં પગે લાગ્યંા, સચિન પાસે ઘંટ વગાવડાવ્યો, સુજીતે પ્રસાદ ખરીદ્યો, એક પડીકીમાં જરાક કંકુ લીધું, ને નીચેના કૅફૅટૅરિયામાં નાસ્તો કરવા બેઠાં. અહીં દરેક વસ્તુ ચોખ્ખા ઘીમાંથી બનાવે, હોં.

એટલે જ મને ભાવતું નથી અહીંનું ખાવાનું, વિશે ડહાપણ કર્યું.

પણ સમોસાં, અને શુકનનો શિરો, બધાંએ ખાધાં તો ખરાં.

ગાડી પર સુજીતે કંકુનો ચાંદલો કર્યો. આટલું બધું?, નંદાએ એને ચિડાવ્યો.

અરે ભાઈ, આ દેશમાં તો લાડી ને ગાડી, બંનેને સાચવવાનાં. ખરું કે નહીં, વિશ?

વિશ હવે બૉસ-બૉસ નહતો કહેતો, તે કેતકીએ નોંધ્યું હતું. એણે પૂછ્યું નહીં, પણ અનુમાન કર્યું, કે એ હવે સુજીતનો જુનિયર નહીં રહ્યો હોય. પ્રમોશન મળ્યું હોવું જોઈએ એને. કદાચ એટલે જ સુજીત ક્યારેક અપસેટ થયેલો ઘેર આવતો હશે.

પણ એ સાંજે તો, એ બધાં જ સારા મૂડમાં હતાં. સુજીતે તરત જ ઘોષણા કરી દીધી, કાલથી જ કેતકી ગાડી ચલાવતાં શીખવાનું શરૂ કરશે.

હેં? ના, ના, ભઇ. મને નહીં ફાવે.

અરે ભાભી, એક વાર શીખી જશો પછી ગાડી છોડશો નહીં.

વિશ અને નંદાને ઉતારવા ગયાં, એટલે અંદર જવું જ પડ્યું. ને બેઠાં, એટલે વિશ વાઇન લઈ આવ્યો.

હમણાં તો મંદિરે જઈને આવ્યાં, સુજીત. આજે દારુ ના લેવો જોઈએ, કેતકીએ સમજાવવા પ્રયત્ન કર્યો.

અરે, દારુ શેનો? આ તો સુરા કહેવાય, ને દેવો સુરા ક્યાં નથી લેતા?, વિશની હંમેશની દલીલ હતી.

ત્રણ ગ્લાસ જોઈને કેતકીથી બોલી જવાયું, હું નહીં લઉં, હોં.

ભલે, પણ ભાભી, મારી વાઇફ લેશે ને, વિશે એક ગ્લાસ નંદાને આપતાં કહ્યું.

કેતકી, તું હવે લેવાનું શરૂ કરે તો વાંધો નહીં, નંદાએ કહ્યું.

સુજીત જાણતો હતો, કે વાઇનની અસર કેવી થાય છે, અને પીવાની માત્રા કેવી વધતી જાય છે. એ બોલ્યો, ના, ચાલશે. એને શરૂ કરવાની જરૂર નથી. સચિનને સંભાળવાનોને એણે.

પણ કેતકીને ગાડી શીખવાડવાનું તો એણે શરૂ કરી જ દીધું. કેતકીએ ક્યારેય કોઈ વાહન ચલાવ્યું તો નહતું જ, પણ ગાડીમાં બહુ વાર બેસવાનું પણ એને આવ્યું નહતું. અમેરિકામાં ગાડી વગર ચાલે જ નહીં, એવું જોઈને એ આઘાત પામી ગયેલી. સદ્ભાગ્યે, એમનો ફ્લૅટ એવી જગ્યાએ હતો, કે ચાલી ચાલીને એ ઘણું કામ પતાવી શકતી હતી.

એ ખૂબ ગભરાઈ. એણે બહુ વિનવ્યો સુજીતને. નથી જરૂર. હું પહોંચી જ વળું છુંને બધે.

સુજીતે કહ્યું, તુકી, તું સમજતી નથી, પણ અહીં ડ્રાઇવિન્ગ લાયસન્સ અત્યંત જરૂરી ગણાય. અહીં એ જ તમારું આઇ.ડી. છે. દર વખતે, જ્યાં જરૂર હોય ત્યાં, પાસપૉર્ટ ના કાઢવો પડે. ને લાયસન્સ તો, ગાડી ચલાવતાં આવડે પછી જ મળે ને.

અને પછી, એક બીજી સરપ્રાઇઝ પણ આપી દીધી. તને એમ છે, કે આ જ બિલ્ડિન્ગમાં આપણે રહીશું આખી જિંદગી? કેમ, આપણે હાઉસ નહીં ખરીદીએ?

ઓ મા. ખરેખર? તમે ઘર લેવાનો વિચાર કરો છો?, કેતકી સુજીતને વળગી પડી. જોકે હજી તો, ગમી જાય તેવું, અને પોસાય તેવું, ઘર શોધવાનું શરૂ પણ નહતું કર્યું.

(ક્રમશઃ)
આ નવલકથાના અગાઉના પ્રકરણો નીચેની લિંક પર વાંચવા મળી શકશે.
https://davdanuangnu.com/?s=%E0%AA%AC%E0%AB%87+%E0%AA%95%E0%AA%BE%E0%AA%82%E0%AA%A0%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80++%E0%AA%85%E0%AA%A7%E0%AA%B5%E0%AA%9A


આપનો પ્રતિભાવ આપો..