મિલોસ માકુરેકની પ્રાણીકથાઓ ~ બાબુ સુથાર

“વારતા રે વારતા”- (૧૮)
(વિશ્વ સાહિત્યની વાર્તાઓનો આસ્વાદ કરાવતી શ્રેણી )

ચેકોસ્લોવેકિયાના લેખક મિલોસ માકુરેકે (Miloš Macourek) પ્રાણીકથાઓ લખી છે. એમાંની એક કથાનું નામ છે ‘જિરાફ’. મને લાગે છે કે આજના જમાના, એમાં પણ ખાસ કરીને માબાપો એમનાં બાળકો પાસેથી વધારે પડતી અપેક્ષા રાખી રહ્યાં હોય ત્યારે, આ પ્રાણીકથા ખાસ સમજવા જેવી છે.

એમાં એક જિરાફબેનની વાત છે. એ એક શાળામાં ભણી રહ્યાં છે. ગણિત અને વાંચનમાં એ હંમેશાં પહેલા નંબરે આવે છે. પણ વ્યાયામમાં એ હંમેશાં છેલ્લા નંબરે. કેમ કે આ એ ગુલાંટ બરાબર ખાઈ શકતાં નથી! જ્યારે પણ એ ગુલાંટ ખાવા જાય ત્યારે એની ડોક વચ્ચે આવી જાય. ત્યારે એમના વ્યાયામના શિક્ષક ગુસ્સે થઈ જાય અને જિરાફને ખખડાવે પણ ખરા. એક વાર તો એમણે જિરાફને કહેલું કે વ્યાયામમાં તારા ઓછા ગુણ જોઈને તારાં માબાપ તને શું કહેશે? એ દિવસે જિરાફબેન ખૂબ રડેલાં. લેખક કહે છે કે એટલું બધું રડેલાં કે ત્યાં થઈને જતા આવતા માણસોને એમ જ લાગતું હતું કે અહીં વરસાદ પડી રહ્યો છે.

એમ તો જિરાફબેનના કેટલાક મિત્રો પણ છે. એ બિચારા જિરાફબેનને ગુલાંટ ખાવાની રીત શીખવાડે. એક કહેશે: જો આમ ગુલાંટ ખવાય; તો વળી બીજું કહેશે: ના, આમ પ્રયત્ન કર. પણ, જિરાફબેન ગુલાંટ જ ન ખાઈ શકે.

એમ કરતાં શાળાકીય વરસ પૂરું થયું. જિરાફબેનની પરીક્ષા પણ પૂરી થઈ. પરિણામ આવી ગયું. જિરાફબેન એમનું ગુણપત્રક લઈને ઘેર ગયાં. એમને વ્યાયામમાં ખૂબ જ નબળા ગુણ આવેલા. એ જોઈને એ તો પોશ પોશ આંસુએ રડવા લાગેલાં. પછી એ ઘેર ગયાં. એમણે હિમંત કરીને માબાપને સાચી વાત કહી દીધી: કહ્યું કે એને બધ્ધા જ વિષયમાં સારા ગુણ મળ્યા છે પણ વ્યાયામમાં એને ખૂબ જ નબળા ગુણ આવ્યા છે.

એ સાંભળતાં જ જિરાફનાં માબાપ કંઈ બોલ્યાં નહીં. એ થોડીક વાર રહીને બાજુના ઓરડામાં ગયાં. ત્યાં જઈને બન્નેએ અંદરોઅંદર કંઈક મસલત કરી. પછી, એ પોતાના શાળાના રિપોર્ટ લઈને આવ્યાં ને એ રિપોર્ટ દીકરીને બતાવ્યા. દીકરીએ જોયું તો એનાં માબાપ પણ બધા જ વિષયમાં સારા પણ વ્યાયામમાં ખરાબ ગુણ લાવતાં હતાં.

જિરાફબેનનાં માબાપ એમને એટલું જ કહેવા માગતાં હતાં કે આપણી એક પણ પેઢીમાં કોઈએ પણ કદી ગુલાંટ ખાધી નથી!

આ લેખકની આવી જ એક બીજી પશુકથા છે: ઊંટ. એમાં એક ઊંટભાઈની વાત છે. ઊંટભાઈ દુ:ખી છે. એ ભાતભાતનાં ફળોનાં ખોખાં અને પેટીપટારા ઊંચકે છે પણ એમને એ ફળો ખાવા ન મળે. એ આવાં ભાતભાતનાં કામ કરે ને સાંજે પછી કોઈક દુકાને જાય. ત્યાંથી થોડી ચિંગમ ખરીદી લે ને એ ચિંગમ ચાવ્યા કરે.

ક્યારેક ઊંટને થાય: આ તો કંઈ જિંદગી છે! આખો દહાડો ચિંગમ ચાવ્યા કરવાની. બસ. ઊંટ જે પેટીપટારાઓ ઊંચકતું એના પર લખેલાં દેશપરદેશનાં નામ પણ એ ક્યારેક વાંચતું. ત્યારે એને થતું: મારે આ દેશોમાં ફરવા જવું જોઈએ. ચિંગમ ચાવવામાં હવે કોઈ મજા આવતી નથી.

ત્યાર પછી ઊંટભાઈ પૈસા બચાવવાનું શરૂ કરે છે. પૂરતા પૈસા બચે છે પછી એ પણ વિદેશ ફરવા જાય છે. ત્યાં પણ જુએ છે તો બધે ઊંટ છે; ઊંટોની રેસ્ટોરાં પણ છે; પણ, એ જે કોઈ ઊંટને જુએ છે એ બધાં ઊંટ ચિંગમ જ ચાવતાં હોય છે!

એને થાય છે: મેં આટલા માટે દુ:ખ વેઠીને પૈસા બચાવ્યા? પછી એ તરત જ પોતાના ઘેર પાછું ફરે છે ને બીજા ઊંટોની જેમ જે કંઈ કમાણી થાય એમાંથી ચિંગમ ખરીદે છે ને મજા કરે છે.

આમ જુઓ તો આ બન્ને સાવ સરળ પ્રાણીકથાઓ છે. પણ બન્ને જે બોધ આપે છે એ મહત્ત્વનો છે. કોઈ કહેશે કે પહેલી બોધકથામાં લેખક કદાચ એમ કહેવા માગે છે કે આપણે આપણા દેહની મર્યાદાઓને અતિક્રમી ન શકીએ. વાત સાચી છે. પણ, હું હજી જરા ઊંડે જવા માગું છું. મને મારા દેહની મર્યાદા ક્યારે દેખાય? એનો સીધો જવાબ આમ છે: જ્યારે હું બીજાના દેહની સાથે મારા દેહની તુલના કરું ત્યારે.

‘ઊંટ’ પશુકથામાં પણ આવી જ કંઈક વાત છે. ઊંટ આખો દિવસ વાગોળ્યા કરે એ ક્રિયાને લેખકે ચિંગમ ચાવવા સાથે સરખાવી છે. આ ઊટને લાગે છે કે એ એકલું જ એવું છે જે ચિંગમ ચાવ્યા કરે છે. બાકી વિદેશમાં તો ઊંટો બીજું જ કંઈક કરતાં હશે. પછી વિદેશ ગયા પછી એને જ્ઞાન થાય છે કે અહીં પણ ઊંટો ચિંગમ જ ચાવતાં હોય છે. તો પછી એમાં જ મોજ માણવી.

દરેક માણસને એમ થતું હોય છે કે અહીં સુખ નથી. સુખ તો બીજે ક્યાંક છે. પછી એ માણસ બીજે જાય ત્યારે એને એમ થાય કે ના, અહીં પણ સુખ નથી. એટલે એ આગળ જાય છે. એ જ્યાં હોય છે એ સ્થળ/સમયનું સુખ ભૂલી જાય છે. જો કે, આ પ્રાણીકથામાં ઊંટ નસીબદાર છે. એને બીજા દેશમાં જતાં તરત જ ખ્યાલ આવી જાય છે કે બધાં જ ઊંટ ‘ચિંગમ ખાતાં હોય છે’.

પ્રાણીકથાઓ લખવાનું કામ ખૂબ અઘરું હોય છે. એક વાર મેં એક મિત્રને કહેલું કે એરિસ્ટોટલ પ્રાણીકથાઓ ન લખી શકે. કેમ કે એ માનતો હતો કે માણસ બીજાં પ્રાણીઓ કરતાં ચડિયાતું પ્રાણી  છે. પણ, વિષ્ણુ શર્મા કે ઇસપ પ્રાણીકથાઓ લખી શકે. કેમ કે એ એવું માનતા હતા કે માણસ અને અન્ય પ્રાણીઓ વચ્ચે કોઈ તાત્વિક ભેદ નથી.

સર્જકો યુગોથી પ્રાણીઓનો ઉપયોગ કરીને માણસની એવી વાત કરતા આવ્યા છે જે માણસોના ઉપયોગથી ન કરી શકાય. દલપતરામની ઊંટ કહે’ કવિતામાં ‘ઊંટ’ને બદલે કોઈ બાબુલાલને મૂકી દો અને કલ્પના કરો કે એ બાબુલાલ બીજા લોકોને કહે છે કે તમારા બધામાં કોઈકને કોઈક ખોડ છે. તો એ બાબુલાલને કોણ બોલતા બંધ કરી શકશે? જે કામ શિયાળ કરી શકે છે એ કામ કોઈ મોહનલાલ ન કરી શકે.

હું માનું છું કે ઈશ્વર કરતાં પશુઓ માણસની વધારે નજીક હોય છે અને એ પશુઓ ઈશ્વરની વાત કરતી વખતે પણ આપણને મદદ કરતાં હોય છે.

~ બાબુ સુથાર

(આ શ્રેણીનાં અગાઉના તમામ લેખો નીચેની લિંક પર જઈ વાંચી શકાશે )
https://davdanuangnu.com/?s=%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE+%E0%AA%B0%E0%AB%87+%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%A4%E0%AA%BE

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. ચેકોસ્લોવેકિયાના લેખક મિલોસ માકુરેકે (Miloš Macourek) પ્રાણીકથાઓ લખી છે. એમાંની એક કથાનું નામ છે ‘જિરાફ’. વાર્તા ગમી
    હું માનું છું કે ઈશ્વર કરતાં પશુઓ માણસની વધારે નજીક હોય છે અને એ પશુઓ ઈશ્વરની વાત કરતી વખતે પણ આપણને મદદ કરતાં હોય છે. અનુભવાતી વાત
    મા બાબુ સુથાર દ્વારા સ રસ આસ્વાદ

  2. બાબુભાઈ વિશ્વસાહિત્યના અભ્યાસી છે અને આપણને દુનિયાની ઉત્તમ વાર્તાઓના અનુવાદ કરીને પીરસે છે એ આપણું સદભાગ્ય છે.

  3. બાબુભાઈ વિશ્વસાહિત્યનો અભ્યાસ કરીને આપણાં આંગણે ઉત્તમ કથાઓ પીરસે છે. સદભાગી છીએ આપણે કે સમર્થ સર્જકની વાચન યાત્રામાં સહયાત્રી થવાની તક મળે છે.