વાદળી સ્ત્રીલિંગ છે, અબળા નહીં ~ કટાર: અર્ઝ કિયા હૈ (ગુજરાતી મિડ-ડે) ~ હિતેન આનંદપરા

વિશ્વ નારી દિવસ (8 માર્ચ) નિમિત્તે કવયિત્રીઓ શબ્દાંકિત સંવેદનાની સફર કરીશું. ડૉ. દિના શાહ જિંદગીના પ્રારંભને આવકારે છે…

લો ફગાવી દઈ બધા પથ્થર ઊગ્યું
આખરે એ ઘાસ ધરતી પર ઊગ્યું
સૌ કહે છે જન્મ બાળકનો થયો
હું કહું છું કે લીલુંછમ ઘર ઊગ્યું

35,595 Newborn Baby Green Stock Photos - Free & Royalty-Free Stock Photos from Dreamstime

સ્ત્રી અનેક સ્વરૂપોમાં વિલસે છે અને વિકસે છે. બાળકી, તરુણી, યુવતી, આધેડ અને વૃદ્ધા સુધીની સફર દૈહિક છે પણ સંવેદના પંડથી પરમ સુધી વિસ્તરતી હોય છે. ગંગાસતીને કે મીરાંને જે સત્ય લાધ્યું એના પડઘા હજી પણ જીવંત છે. ગોપીભાવ ધારણ કરવા તો પુરુષો પણ તલતતા હોય છે.

Gopi Ka Virah Bhav | Shri Mathura Ji

આર્દ્રતા અને આંસુ સ્ત્રીને સહજ હોય છે. એની તાસીરમાં માતૃત્વ અને મમતા વણાયેલી છે. લક્ષ્મી ડોબરિયા વ્હાલ સાથે વેદનાને પણ વણી લે છે…

સંભાવના છે બીજમાં એક વૃક્ષ થવાની
અણદેખી એ તાકાતની તાસીર જુદી છે
હૈયાની કરે વાત છતાં સાંભળે ના કોઈ
તમરાંના વલોપાતની તાસીર જુદી છે

પુરુષ સ્ત્રીનું હૈયું ઝંખે છે અને સ્ત્રી પુરુષનો ખભો ઝંખે છે. બંને એકમેકના પૂરક છે.

Searching for the ideal partner: how do you know you've found the right person?

વ્યથા ત્યારે થાય જ્યારે નાની એવી વાત મોટું સ્વરૂપ લે અને બે જણ વચ્ચેનો સંબંધ અળપાઈ જાય. પુરુષપ્રધાન સમાજ કેટલીક રૂઢ થયેલી માન્યતાઓથી પીડાય છે એટલે પરિવર્તન સ્વીકારવામાં એને વાર લાગે છે. રિન્કુ રાઠોડ `શર્વરી’ શબ્દો ચોર્યા વગર લખે છે…

વાદળી સ્ત્રીલિંગ છે, અબળા નહીં
છે વરસવું નિત્યક્રમ, કળા નહીં
આ હૃદય મંદિર છે, સૌ આવશે
પણ સમાશે એક જણ, સઘળા નહીં

સ્ત્રી પોતાની ભીતર એક આગવું વિશ્વ સજાવીને બેઠી હોય છે. એમાં એક તરફ છલોછલ વહાલ હોય તો બીજી તરફ ન સમજાય એવો વિરોધાભાસ પણ હોય.

Managing mood swings in women

અસલામતીની ભાવના ક્યારેક ખોટા નિર્ણય તરફ દોરી જાય અને પાછળથી પસ્તાવું પડે. નજીકનું જોવામાં દૂરનું ચૂકાઈ જાય. કેટલાય પરિવારોમાં માબાપ દીકરીની ઇચ્છા જાણ્યા વગર પો તાને ગમે ત્યાં પરણાવી દે. ઘણા સમાજમાં દીકરીઓ ભણતર પણ પૂરું કરી શકતી નથી. હાથ વહેલા પીળા થાય એની તજવીજમાં આંખે કાયમી પીળાશ બાજી જાય છે. દિવ્યા રાજેશ મોદી અફસોસ વ્યક્ત કરે છે…

સ્હેજ પણ જ્યાં વ્હાલની હરફર નથી
ત્યાં મકાનો હોય તો પણ ઘર નથી
સ્નેહની ક્યાંથી ઊગે કોઈ ફસલ?
લાગણીના કોઈ વાવેતર નથી

ગમે એટલી સમૃદ્ધિ કે સંપત્તિ હોય, લાગણી વગરનું જીવન શુષ્ક બની જાય છે. સગવડો જીવન માટે જરૂરી છે, પણ સંબંધોના ભોગે નહીં. સ્ત્રીની પ્રગતિ જ્યારે પુરુષ સાંખી ન શકે ત્યારે અભિમાન ફિલ્મ ઘરની ચાર દિવાલો વચ્ચે આકાર લેવા લાગે.

Fifty years of Abhimaan: A love triangle where the male ego formed the significant other - The Hindu

આજકાલ આર્થિક સમીકરણો મહત્ત્વના બની ગયા છે. એના વગર ચાલે એવું નથી. કોઈની મોહતાજી સ્વીકારવા કરતાં આ સંઘર્ષ વેઠવો બહેતર છે. નેહા પુરોહિત સારાનરસા પાસા આવરીને કહે છે…

જે રીતે હું જાત ઓળંગી ગઈ
આભ એ જોઈ હવે ગભરાય છે
હું જ મારામાં રહું લો શી રીતે?
વ્હેંચણી લાખો મહીં જ્યાં થાય છે

સારું ભણેલીગણેલી સ્ત્રી માટે એ દ્વિધા હોય છે કે એ પોતાની આવડતનો ઉપયોગ વ્યાવસાયિક સ્તરે કરે કે ગૃહિણી બનીને પોતાની જિંદગીને સીમિત કરી નાખે. આમ તો ગૃહિણી તરીકેની ભૂમિકા પણ અઘરી જ છે. આ બે રસ્તા વચ્ચે સંતુલન રાખવાનું કાર્ય તેણે કરવું પડે છે. નોકરી કરતી સ્ત્રીઓ સવારે ચાર-પાંચ વાગ્યે ઊઠીને ખાવાનું બનાવે ત્યારે એ કામે જઈ શકે છે. ઘરે પાછા આવીને પણ ઘરના કામો ને સંતાનોની જવાબદારી સત્કારવા તૈયાર જ હોય.

HOMEMAKER VS WORKING WOMAN | Thoughts For Life

સંસારસાગરની નાવ વહેતી રાખવા તેણે પોતાના સપના ઈંધણ તરીકે મૂકવા પડે છે. સંધ્યા ભટ્ટ દાર્શનિક બિંદુ તપાસે છે…

આટલી એ કેમ ચંચળ હોય છે
ક્ષણ સતત વહેતી જ ખળખળ હોય છે
તે છતાં અસ્તિત્વ એનું છે સફળ
ક્યાં બધાંયે વૃક્ષને ફળ હોય છે?

લાસ્ટ લાઈન

મને કહેવામાં આવ્યું
તું અજવાળું છે
અને છીનવી લેવામાં આવ્યો
મારો સૂરજ

મને કહેવામાં આવ્યું
તું પંખી છે
અને ઝૂંટવી લેવામાં આવ્યું
મારું આકાશ.

મને કહેવામાં આવ્યું
તું મોજું છે
અને સૂકવી નાખવામાં આવ્યો
મારો દરિયો.

મને કહેવામાં આવ્યું
તું બિંબ છે
અને ફોડી દેવામાં આવ્યું
મારું દર્પણ.

મને કહેવામાં આવ્યું
તું માણસ છે
અને આપી દેવામાં આવ્યા
મને નહોર.

~ યોગિની શુક્લ

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.