કાવ્યસંપુટ ~ કવિઓઃ અર્પણ ક્રિસ્ટી, હિમાંશુ પટેલ, કમલેશ વ્યાસ “સૂરજ”

૧.  ગઝલ: એ બધું તમને મુબારક 
બહારની જાહોજલાલી, એ બધું તમને મુબારક,

હો બધું ‘ને જાત ખાલી, એ બધું તમને મુબારક.

કોઈનાં આંસુઓને પહેરો તમે મોતી તરીકે,
શું ઠઠારાની પ્રણાલી! એ બધું તમને મુબારક.

આપની અતૃપ્ત તૃષા કાજ પાણી લાવતાં રહે,
તે છતાં તરસ્યા પખાલી, એ બધું તમને મુબારક.

ખુદ તમે નિયમ બનાવો, ‘ને પછી છીંડાય રાખો,
‘ને રહો જાતે સવાલી! એ બધું તમને મુબારક.

હું તમારા સત્યની સમજણ મુજબ ખોટો ભલેને!
“હું જ સાચો”ની કવાલી? એ બધું તમને મુબારક.
~ અર્પણ ક્રિસ્ટી

૨.  ગઝલ: તો એ તારી સમસ્યા છે
તું દુઃખ ખોટું બતાવે છે તો એ તારી સમસ્યા છે.

જૂઠાં અશ્રુ વહાવે છે તો એ તારી સમસ્યા છે.

હશે જો સ્થિર મન તારું થવાનું પાર નિશ્ચિત છે
ઘડીમાં ડગમગાવે છે તો એ તારી સમસ્યા છે.

સતત ચહેરા ઉપર મહોરાં લગાવીને કર્યું નાટક
જગત ઓળખ ભૂલાવે છે તો એ તારી સમસ્યા છે.

ખરે એ તારલાંની હોય છે કિંમત ઘડીભરની
લિસોટા જો બનાવે છે તો એ તારી સમસ્યા છે.

સમય જેવો નથી ડોક્ટર કોઈ તું છોડ એના પર
દવાના થર લગાવે છે તો એ તારી સમસ્યા છે.

હવા સામે સમર્પણભાવ દાખવવો પડે ક્યારેક
જો પાંખો ફડફડાવે છે તો એ તારી સમસ્યા છે
~ હિમાંશુ પટેલ 

3. ગઝલનુમા ગીતઃ “…ફાઈલોના ઢગલા …!”

એક તો સાહેબ મારું ટેબલ છે નાનું
ને ટેબલ પર ફાઈલોના ઢગલાં,
ચકલીની ચીં ચીં ને કાગડાની કાં કાં
ને ગણ્યા ગણાય નહી બગલા.

હજુ હમણાં તો આવ્યા ને ચા, કાચી પાંત્રીસના
માવાને ન્યાય જરા દીધો,
ત્યાં તો પટાવાળા પવલાએ આંખ ચોળી
જમવાનો સાદ પાડી દીધો.
ઉપરથી ફાસ્ટ ફાસ્ટ દોડતો સમય,
ફાઈલ ચાલી’તી માંડ બે’ક ડગલાં.

આળસુની પીર ઓલી ફાઉન્ટન પેનમાંથી
ટપકે છે બપ્પોરિયું ઘેન,
ઊંટ નીચે ઊભેલા કેટલાં શિયાળવાં
લેવા ના દે થોડું ચેન.
ઉપરથી જમવામાં જગલા સાહેબોના
અમ જેવાં કૂટવામાં ભગલા

આ તો ઓફિસ છે, ને મેરેથોન દોડ છે,
ને કાપવાનો લાંબો છે પલ્લો,
ફાઈલ કયાંથી ઝટપટથી દોડી શકે,
મેજ નીચે છે સાવ સૂનો ગલ્લો.
ઉપરથી ધસમસતા દોડતા સૌ આવે છે,
સાહેબો ને નેતાના સગલાં,
~ કમલેશ વ્યાસ ‘સૂરજ’

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.