ધબકાર (વાર્તા) ~ કાજલ શાહ ‘કાજ’

ખેતરમાંથી કાળી મજૂરી કરીને આવેલો ‘ચુનિયો’ એટલે કે ‘ચુનીલાલ’ ખાટલે હવા ખાતો હતો, ત્યાં તો પત્ની ‘હીરા‘એ બૂમ પાડી, “તે કહું સુ સાંભળો સો, રોટલો ખાવા હાલો.”

ઉપર આકાશે સૂર્ય અને નીચે ચુનિયો આખો દી’ તપીતપીને થાક્યાં હતાં. આભમાં ઊતરી આવેલી સંધ્યાએ સૂરજને ખોળે સુવડાવ્યો અને ફળિયામાં પથરાયેલા ઢોલિયાએ ચુનિયાને.

ભૂખ તો બહુ લાગી હતી પણ થોડો પોરો ખાવા લંબાવ્યું ત્યારે મંદમંદ વહેતાં વાયરાએ માથે હાથ ફેરવ્યો, આંગણામાં ઝુલતો લીમડો પંખો વિંઝવા માંડ્યો ને વધુ ટાઢક આપવા લાગ્યો. ખૂબ થાકેલા ચુનિયાને ઊંઘ આવી ગઈ.

હીરાએ બે વાર બૂમો પાડી પણ પ્રકૃતિ માતાને ખોળે સૂતો ચુનિયો ક્યાંથી સાંભળે…! ત્યાં તો તેની મા જેવી ગાવલડી ગોમતી, ભાંભરી, જાણે કહેતી ન હોય કે, ‘ઊઠ દીકરા, જા જમી લે, આમ ભૂખ્યા પેટે ન સુવાય!’

પોતાની વ્હાલી ગાવલડીનો અવાજ સાંભળી તેની આંખ ખૂલી ગઈ ને ત્યારે જ હીરા પણ બહાર આવી પતિની બાજુમાં ગોઠવાઈ ગઈ. ચુનિયો પાછો હીરાનાં ખોળે માથું નાખી આડો પડ્યો. હીરા તેના માથે હાથ ફેરવતી વિચારે ચઢી.

ચુનિયાના ગાલે ટીપાં સ્પર્શ્યા અને તેણે તરત જ આકાશ ભણી જોવા માંડ્યું પણ… રોજની જેમ જ કોરુંકટ…! ચુનિયાએ નિસાસો નાખી ફરી આંખો બંધ કરી. ત્યાં ફરી તેના કાન પર ટીપાં પડતાં તે સફાળો બેઠો થયો અને ધારીધારી ઉપર આભમાં જોવા લાગ્યો.

“તે હે હીરા, તને ચોય વાદળિયું દેખાઈ? ઝ ને શ્રાવણિયો આમ કોરો હોય કંઈ! આ વાર મેઘલો રીસાણો છે.” કહેતા તેણે હીરાની સામે જોયું.

“એ લે લે આ તો મારી વાદળી વરસી રઈ સેને કંઈ!” કહીં તેણે હીરાની આંખો લૂછી.

તેણે પૂછ્યું, “હું થ્યું સે વ્હાલી? આમ કેમ આંખ્યુંમાં શ્રાવણ વહી રહ્યાં સે? આ વખતે આ આભ તો નારાજ થયું સે ને હવે તુંય રિસાઈ જઈશ તો આ બાપડો ખેડુ ક્યાં જશે?!”

હીરાની આંખે આંસુ હતાં પણ ચુનિયાની મજાકથી તેનાથી હસાઈ ગયું ને ચુનિયાની છાતીએ વ્હાલથી બે મુઠ્ઠી મારી તેને વળગી પડી. ચુનિયાએ પણ એને બાથમાં જકડી લીઘી.

બાથમાં જ રહી ફરી ફરિયાદી સ્વરમાં હીરા બોલી, “મારાથીય કો’ક દેવ રીસાણો લાગે સે, આ મારો મનખનો દેહ હાવ વાંજિયો નીકળ્યો અને પેલી મૂઈ ગોમતી! આ ઝૂઓન બીજીવાર ઈની કૂખ હરિયાળી થઈ સે. કુદરતનાં ખેલ તો ખરેખર કુદરત જ ઝાણે…!

ચુનિયાએ મૌન સેવ્યું. હીરા રોજ કોઈક ને કોઈક બહાને આ વાત ઉખેડતી. પરંતુ ચુનિયો આ વિષયને મૌનનાં આવરણ નીચે ઢાંકી દેતો. કયો દેવ રિસાયો છે એ જાણે શોધતા હોય એમ બંને આકાશ ભણી તાકતાં બેઠાં!

લગ્નનાં દસ વર્ષ પછી પણ હીરાની કૂખ સૂકા રણ સમાન! તેણે ઘણાની સુવાવડો કરાવી હશે પરંતુ તેના ઘરે સારા વાવડ ન આવ્યાં તે ન જ આવ્યાં. કેટલાય દેવ પૂજયાં, દોરાધાગા, બાધાઆખડી -કંઈ જ બાકી નહોતું રાખ્યું છતાં ભાગ્યની ચાલ અકબંધ રહી.

આમ તો ખાધેપીધે સુખી અને પતિ પણ પ્રેમાળ એટલે બધી વાતે સુખી જ કહેવાય. પરંતુ આ માણસનું મન…! જે વાતની ખોટ હોય એમાં જ પોતાનું સઘળું સુખ શોધે.

શેર માટીની ખોટ તો ચુનિયાને પણ વર્તાતી પરંતુ તેણે ઈશ્વરની ઈચ્છાનો સ્વીકાર કરી લીધો હતો. આખો દી’ ખેતરની મજૂરીમાં અને ઘરે હીરાનાં ખોળામાં તે પોતાનું દુઃખ ગોપવી દેતો. તેને ખુશ રાખવામાં જ તે પોતાનું સુખ સમજતો હતો.

હીરાને ક્યારેક તો પોતાની ગાવલડીની વધુ પડતી ઈર્ષ્યા થઈ આવતી અને તેની સામે જ તેની નિંદા કરતી.

“તે હેં ગોમતી! તન તો હું રાખું એટલે ઠીક, બાકી… તાર તો ઘરબાર કંઈ નઈ, વળી તાર તો બાળકનાં બાપનોય સહારો નઈ. તોય ઈશ્વરે તને આવી હરિયાળી કૂખ દીધી સે. અને મને…! આવું કંઈ ચાલે?

તારી આટલી સેવા કરું તોય તારા આશીર્વાદ કેમ હજી ફળ્યા નથી? તને મારી કદર જ નથી. જો હવે કાલથી તારી બધી પળોજણ બંધ! તાર તો પેટ ફુલાવી બસ આરામ કરવાનો અને મારે તારી સેવા! કંઈ એ કાજે મેં જનમ લીધો સે…?!

આવું બધું બોલી પાછી પોતે જ પસ્તાવો કરી ગોમતીની માફી માગતી, “અરરરર! હુંય સાવ ઘેલી થઈ ગઈ સુ! તું તો મારી મા સે! તારી તે કંઈ ઈર્ષ્યા થાય! ના ના માડી… માફ કરજે, મારી માડી, તું જણ! તારાથી જણાય તેટલા…! મારા ભાગનાય તે તું જ જણજે! હું મા નઈ તો માસી તો કહેવાઈશ ને!”

આમ કહીં ગોમતીને વળગી પડતી અને શ્રાવણ-ભાદરવાએ તો તેની આંખોમાં જ ઘર કરી લીધેલા. ગોમતી પણ તેની સંવેદનાઓ સમજી જતી હોય તેમ ભાંભરતી. તેની સાડીનો છેડો પોતાના મોંમાં પકડી રાખતી. હીરા હસે પછી જ તેનો છેડો છોડતી.

ગોમતી ગર્ભવતી રહી ત્યારથી જ હીરા તેની ખૂબ સેવા કરતી. તેના ઉદર પર ઘણીવાર હાથ મૂકી બેસી રહેતી. ક્યારેક એનાં ગર્ભમાં હલનચલન થાય ત્યારે તે બીજો હાથ પોતાના ઉદર પર પણ મૂકતી, પોતાના ગર્ભમાંય બાળક છે અને હલનચલન કરી રહ્યું છે એવા કલ્પનો કરતી. પછી ઘેલીઘેલી થઈ નાચવાં લાગતી.

તેની અંદર માતૃત્વની ઈચ્છા એટલી તો પરાકાષ્ઠાએ પહોંચેલી કે કોઈ વાર ગોમતીને ગર્ભનાં કારણે કોઈ તકલીફ થાય તો, તેને પણ તેવી જ તકલીફ મહેસૂસ થવા લાગતી. ગોમતી વમન કરે તો હીરાથી પણ અનાયસે વમન થઈ જતું.

ગોમતી કોઈ વાર ચારો ન ચરે તો હીરાની પણ ભૂખ મરી જતી. પોતે ગર્ભવતી થઈ હોય એમ સાચવીને ઠાવકાશથી બેસતી ને ઊભી થતી. પોતે ગાયની સાથેસાથે પોતાનું પણ ધ્યાન રાખવા લાગી હતી. આ બધું ચુનિયો જોઈ રહેલો પરંતુ ઘણાં વર્ષે હીરાને ખુશ જોઈ તે ચૂપ રહ્યો.

એક રાત્રે બંને ખુલ્લા આસમાન નીચે ઢોલિયો ઢાળી સૂતાસૂતા વાતો કરતાં હતાં,

“હીરા, ગોમતીનાં ગરભને નવ માસ પૂરા થવા આવ્યાં. હવે તે કોઈ પણ સમયે વિયાશે.”

આ સાંભળી હીરા બોલી, “હું પણ…!”

ચુનિયો કંઈ બોલ્યો નહીં અને હીરાને બથ ભરી સૂઈ ગયો. એક દિવસ બપોરથી જ ગોમતીનાં અવાજમાં કંઈક દર્દ વરતાતું હતું. હીરા પામી ગઈ કે હવે સમય આવી ગયો છે. તેણે જલ્દીથી જનાવરોનાં ડૉક્ટરને બોલાવી લીધા.

ગોમતીનાં દર્દથી મોટેમોટેથી કણસવાને લીધે એ સમયે આડોશી-પાડોશી બધા ભેગા થઈ ગયેલા. દરેક પ્રકારની સાવધાની વચ્ચે ગોમતી વિયાણી અને સુંદર વાછરડીને જન્મ આપ્યો. ડૉક્ટરસાહેબે વાછરડીને સ્વચ્છ કરી હીરાને સોંપી.

તેને સ્પર્શતા જ હીરાની છાતીએ માતૃત્વનું ઝરણું ફૂટી નીકળ્યું…! તેને તેની છાતી ભરાઈ હોય એવું લાગ્યું. તેણે ઓઢણી ઊપર કરીને જોયું તો ખરેખર કમખો ભીનો થયેલો કારણ તેના ઉરોજથી દૂધ ટપકેલું.

તે ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા માંડી. વાછરડીને તેની મા પાસે મૂકી તે ઓરડામાં ભરાઈ અને દરવાજો અંદરથી બંધ કરી દીધો.

પાડોશીઓ બધા ગભરાયાં. બધાએ ખૂબ ખખડાવ્યું પણ હીરાએ દરવાજો ન ખોલ્યો. કોઈક ચુનિયાને બોલાવા દોડ્યું. સમાચાર મળતા જ ચુનિયો ખેતરેથી દોડતો આવ્યો. ગોમતી અને વાછરડી બંને સ્વસ્થ હતાં એ જોઈને તે ખૂબ હરખાયો.

તે ઓરડા તરફ દોડ્યો અને દરવાજો ખખડાવ્યો. “હીરા ખોલને વ્હાલી, હું આવ્યો સુ! ખોલને! કેમ આમ કરે સે?”

થોડીવારે હીરાએ દરવાજો ખોલ્યો. ચુનિયો અંદર દાખલ થયો ને હીરાએ દરવાજો બંધ કરી દીધો. બધા પાડોશીઓ વિખરાઈ ગયાં. હીરા ચુનિયાની છાતીમાં લપાઈ ગઈ. ચુનિયાએ પણ તેને સજ્જડ જકડી લીધી.

થોડી ક્ષણો બાદ તે બોલી, “હું મા બની ગઈ…! તમે જોયું! હું મા બની ગઈ!”

ચુનિયો વાત વાળતા બોલ્યો, “હા વ્હાલી, આપણી ગોમતીનું બાળક ઈ આપણું જ બાળક સે ને! આપણે જ ઈના માવતર સીએ. તું ખુશને હવે.”

આ ક્ષણો બંને પતિપત્ની માટે અત્યંત સંવેદનપૂર્ણ બની રહી. આ ક્ષણે તેઓ પ્રેમની પરાકાષ્ઠાએ પહોંચ્યાં. બંને એકબીજામાં કંઈક એ રીતે ઓગળ્યાં કે અદ્વૈત થઈ ગયાં.

બીજા દિવસની સવાર પડી. એકબીજાનાં શરીરની અંદર ઊતરી એકબીજાનાં આત્માનો સ્પર્શ કરી લીધો હોય તેવો સંતોષ તેમના ચહેરા પર હતો.

હીરા ગોમતીને નીરવાં ઊભી થઈ. અચાનક હીરાની તબિયત બગડી. સખત ઉબકા અને ઉલટીઓ થવા માંડી. થોડીવારમાં તો તે લગભગ બેશુદ્ધ જેવી થઈ ગઈ. હીરાની આ હાલત જોઈ ચુનિયો રડતોરડતો બહાર ગયો અને પાડોશીને ડૉક્ટર લેવા મોકલ્યો.

ડૉક્ટરસાહેબ ઘરે આવ્યાં. નાડી તપાસી અને તપાસમાં ડૉક્ટરસાહેબને હીરાની નાડીમાં બે ધબકારા સંભળાયા…!

~ કાજલ શાહ કાજ‘, મુંબઈ
<kajal.inv@gmail.com>

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One Comment

  1. Vaaah.. એકદમ હૃદયસ્પર્શી…🌷🌷🌷