|

રંગીલા બાબુ (વાર્તા) ~ મુનશી પ્રેમચંદ ~ અનુ. માના વ્યાસ

મુનશી પ્રેમચંદની વાર્તા ‘રંગીલે બાબૂ’નો ગુજરાતી અનુવાદ

રંગીલા બાબુ રસિકલાલને હું ત્યારથી ઓળખતો હતો જ્યારે એ લૉ કૉલેજમાં ભણતા હતા. મારી સામે જ વકીલ થયા અને ખ્યાતિ પામ્યા.

જોતજોતામાં બંગલો બન્યો. જમીન ખરીદાઇ અને શહેરમાં નામાંકિત જનોમાં ગણના થવા લાગી. પરંતુ મને એમના રંગઢંગ ગમતા નહીં. આ શું ? કોઈ સદગૃહસ્થ અમસ્તું શા માટે વાંકી ટોપી પહેરી, સુરમો આંજી, પટિયા પાડી, ગલોફામાં પાન ઠૂંસી, ગળામાં મોતીની માળા કે મોગરાના ગજરા પહેરી ચસોચસ કળીદાર કૂર્તો અને ઝીણું ધોતિયું પહેરી બજારમાં બદનામ સ્થાનો વિશે પૃચ્છા કરતા ઠઠ્ઠામશ્કરી કરતા નીકળે. એ માટે મને  એમનામાં પર ખૂબ ચીડ ચડતી.

મારે કેસ માટે વકીલ રાખવો પડે તો એમને ન રાખું. ભલે એ મોટા કાયદાવિદ કેમ ન હોય! એ વાત સાથે સહમત છું  કે તેમની તર્કશક્તિ, દલીલબાજી, ઉલટતપાસ વગેરે સચોટ  હોય છે પરંતુ,  સદગૃહસ્થ સાદગી અને સરળતા રાખે તો પ્રેક્ટિસ બમણી થઈ જાય. પરંતુ આપણે કોઈની વાતમાં દખલ શાને દેવી? મને લેશમાત્ર એમના પ્રત્યે ઈર્ષા કે દ્વેષભાવ નથી.

આમ તો મારી દીકરીના લગ્ન પ્રસંગે મેં એમની પાસે શેતરંજી અને બીજો સામાન મંગાવ્યો હતો. તેમણે તો બે લારી ભરીને જાજમ, ગાલીચા, પાથરણાં અને ગોળ તકિયા મોકલી આપેલા. ના ના, મને એમના પ્રત્યે દ્વેષ નથી; સ્નેહ છે, પરંતુ આવા વરણાગીવેડાં મને પસંદ નથી.

એમનો  રુવાબ મને ગમતો નહીં. તેથી એમને મળવાના પ્રસંગો ટાળી દેતો. રસ્તા વચ્ચે એમની સાથે વાત કરવાનું ઉચિત લાગતું નહીં. શું થયું જો એ મોટાં નામાંકિત વકીલ હોય અને હું બિચારો શાળાનો શિક્ષક.

એમણે મારું કંઇ બગાડ્યું નથી. એ તો મારો ઘણો આદર કરે છે, પણ મને એમનું છેલબટાઉ પણું  યોગ્ય લાગતું નહોતું. એમનો રુવાબ અને મગરૂર ચાલ જાણે દુનિયાને કહેવા માગતાં હોય કે જોઉં છું મારું કોઈ શું બગાડી શકે છે? મને કોઈની પરવા નથી.

એકવાર સ્ટેશન પર મળી ગયા હતા. ઝડપથી મારો ખભો પકડી પૂછ્યું, ‘કેમ દેખાતા નથી? વર્ષે એકાદવાર તો મળો.’

મેં કહ્યું, ‘અવકાશ નથી મળતો.’ તો ઝટ દઈને નીચેની પંક્તિઓ બોલી ગયા.

તમને અવરથી ક્યાં મળે ફુરસદ
અમને અમ પીડાથી ક્યારે અવકાશ?
ચાલો, બસ થઈ ગયું હળવા-મળવાનું
નથી તમે મુક્ત, નથી અમને નવરાશ

હું તો હસી પડ્યો. જુઓ જે તમારો આદર કરે એમની તમે ઉપેક્ષા કેવી રીતે કરી શકો? આમ પણ મોટા લોકોની સાથે બગાડવું નહીં, કોણ જાણે ક્યારે જરૂર પડી જાય? પણ મને એમની બેપરવાઇ ગમી નહીં.

હું કોઈ તપસ્વી નથી કે નથી કે જિતેન્દ્રિય. અરસિકપણું યોગ્ય નથી પરંતુ છેલાઈ કરવી એ તો સાવ ખોટું. જીવનમાં શુષ્કતા ન હોવી જોઈએ. હળવા વિનોદને જરૂર સ્થાન હોવું જોઈએ, જેમ વનહરિત વૃક્ષો વડે શોભે છે, નહીં કે સુકા કંટકોથી.

તમારે મદિરા પીવી હોય તો એકાંતમાં પીઓ, તમે રૂપના પૂજારી હો તો જરૂરી નથી કે રુપજીવિનીને ગાડીમાં પડખે બેસાડી છડેચોક ફરતા રહો. આ ઉંમરે, જ્યારે પુત્રો જુવાન થઈ રહ્યા છે ત્યારે  આવાં આનંદપ્રમોદ શોભે ખરાં? કોઈ આંગળી ચીંધે એવું કામ શા માટે કરવું? ભગવાને તમને બે હાથે આપ્યું છે એને હંમેશા દુર્ભાગીઓની  સામે પ્રદર્શન કરવું એ માણસાઈ નથી.

રસિકલાલની મોટી દીકરીનાં લગ્ન હતા. મને  જાનનો સત્કાર કરવાનું કામ સોપાયું હતું. 1000 માણસોને આમંત્રિત કર્યા હતાં. હજારોનો ખર્ચ હતો.

દરેક જાનૈયો નવી નવી ફરમાઈશ કરતો હતો. કોઈને ચમેલીનું તેલ જોઈતું હતું તો કોઈને સાબુ, કોઈને અત્તર, શરાબ તો કોઈને અફીણ જોઈતું હતું. રસિકલાલના  તો પેટનું પાણી પણ હાલતું નહોતું.

એક જાનૈયાએ મોંઘી સિનેમાની ટિકિટ માગી ત્યારે મેં પિત્તો  ગુમાવી દીધો અને રસિકલાલ પાસે જઇ સીધી ફરિયાદ કરી. ‘આ લોકો જાનમાં આવ્યાં છે કે કોઈ ભલા માણસની ઇજ્જત લૂંટવા! એક દિવસ સિનેમા ન જોય તો શું ખાટુંમોળું થઇ જશે? અને જોવું જ હોય તો ખિસ્સામાંથી દોકડાં કાઢો અને જુઓ.’

પણ રસિકલાલ તો એ જ મસ્તીના મિજાજમાં  રહેતા કહે, અરે  એ લોકો આપણાં મહેમાન છે. મહેમાન દસ જૂતા મારે તોપણ ખાઇ લેવાનાં. આ તો જીવનનો તમાશો છે, આનંદ લૂંટવા દો.

લગ્નના ત્રણ જ મહિના પછી મને ખબર પડી કે રસિકલાલનો જમાઈ સિવિલ સર્વિસ માટે ઇંગ્લેન્ડ ગયો હતો અને ત્યાં ન્યૂમોનિયામાં મરણ પામ્યો. હું સાવ હલબલી ગયો. એ છોકરાનું મોં મારી આંખ સામે તરવા લાગ્યું.

હું એમને મળવા ગયો અને સાવ ભાંગી પડ્યો. મને રડતા જોઈ રસિકભાઈ એજ સ્થિર, અવિચળ રહી નિર્દ્વંદ્વ ભાવથી કહે,

‘અરે તમે તો  રડતા બાળકને શરમાવશો કે? બાળક મીઠાઈ ના મળે તો રડે અને રડવાથી કદાચ એને મીઠાઈ મળી પણ જાય, પણ તમે તેવી વસ્તુ માટે રડો છો કે જે ક્યારેય ન મળવાની નથી. અરે, અહીં બેશરમ બની જીવો. માર ખાતા જાવ પણ મૂછ નીચી ન થવા દો. ઈશ્વર તો દયાળુ છે ભલા એ નિર્દયી કઈ રીતે થાય?

એ તો કૃપાળુ છે. કોઈને મારવા અને જીવાડવા એ એનો ખેલ છે. ભલે  એને ખેલ કરવા દો. ભલે એને વિપત્તિ આપીને આનંદ આવતો હોય, અહીં તો આપણે રડવું જ નથી, માર ખાતા રહો અને હસતા રહો, ખુમારી રાખતા જાવ.

રડશું તો હાર માની લેશું. એ છુપાઈને વાર કરે છે. સામો આવે તો બતાવું… મને તો કવિઓનો મિજાજ ગમે છે બિચારા કબરમાં પણ પ્રિયતમાનાં ઝાંઝરનો રણકાર સાંભળી મસ્ત રહે છે.’

આમ કહી ઉર્દૂમાં ઢગલા શેર લલકારી દીધા. જાણે કંઈ બન્યું જ નથી.

કોઈએ આવી કહ્યું, ‘તમારી દીકરી ખૂબ રડે છે. ’

તો તરત બોલ્યાં, ‘એ બેવફા માટે શા માટે રડે છે જે તને છોડીને ચાલ્યો ગયો. જો તને એને માટે સાચો પ્રેમ છે તો રોવાની જરૂર નથી. પ્રેમ તો આનંદની વસ્તુ છે. હ્રદય ન માને તો મનાવો પણ રડો નહીં. દુખી થવું એટલે ઈશ્વરનું અપમાન કરવા જેવું છે અને માનવતાને કલંકિત કરવા જેવું.’

હું એમને તાકતો રહ્યો. આ વાક્ય એમણે એવી ઉદાસીથી કહ્યું હતું કે મને સ્પર્શી ગયું. પછી એકદમ હળવો થઈ જતો રહ્યો. મનમાં એક પ્રકારની દ્રઢતા ઘર કરી ગઈ છે  જે વિપત્તિ સામે હસી શકે એજ ખરો માણસ.

થોડા સમય પછી મારી બદલી થઈ ગઈ. હવે રસિકલાલના કોઈ વાવડ મળતા નહોતા. અચાનક એક દિવસ ગુલાબી પત્રમાં નિમંત્રણ મળ્યું રસિકલાલના મોટા પુત્રનાં લગ્ન હતાં.

મેં વહુને આપવા એક સાડી ખરીદી. મનમાં હતું ઘણા દિવસે ક્યાંક જવા મળ્યું છે તો બધાંને મળીશ, લગ્નગીતો સાંભળીશ, ચટાકેદાર  જમણવારનાં જલસા કરીશ.

ટ્રેનથી ઉતરી વેઇટિંગ રૂમમાં જઈને નવો સૂટ પહેરી લીધો. મારો અનુભવ છે કે સરસ કપડાં પહેરવાથી આત્મવિશ્વાસ વધી જાય છે. ઘણીવાર જે ફાયદો દવા લેવાથી થાય છે તેવો લાભ નવો સૂટ પહેરી ખુશ થવાથી થાય છે.

જે રીતે સાપ પોતાની કાંચળી ઉતારે અને ચંચળ બની  જાય કે જેમ વસંત ઋતુમાં નવી કૂંપળોથી વૃક્ષ સુંદર દેખાવા માંડે એવો અનુભવ હું કરવા લાગ્યો.

સ્ટેશનથી નીકળીને મેં ટાંગો ભાડે કરી લીધો અને સીધો રસિકલાલના દરવાજે પહોંચી ગયો. દરવાજે શરણાઈઓ વાગી રહી હતી. ઘણા લોકો ઘેરો નાખીને ઊભા હતાં. મને લાગ્યું કપડાં દાગીનાનું પ્રદર્શન થઈ રહ્યું હશે. ભીડમાં બધાને હડસેલી વચ્ચે આવી જોયું તો….

હે ભગવાન! મારા સાત જનમના વેરીને પણ આવું દ્રશ્ય ક્યારેય જોવું ન પડે. વચ્ચે ઠાઠડી પડી હતી. ભરતકામવાળી ઓઢાવેલી શાલ પર ફૂલ વીખરાયેલાં પડ્યાં હતાં. સહસા મારી નજર રસિકલાલ પર પડી. ન આંખમાં આંસુ ન મુખ પર વેદના.એ જ રેશમી કૂર્તો,  વાંકી ટોપી ને ઝીણું ધોતિયું પહેરી, રંગીન કપડાં હાથમાં લઈ અંદરથી આવી રહ્યા હતા.

બધા રડી રહ્યાં હતાં. રસિકલાલ જાણે વિહ્વળતાથી ડોલતી બધી નૌકા વચ્ચે અચળ સ્તંભ સરખા ઉન્નત ઊભા હતા. મને જોઈને બોલવા લાગ્યા, ‘અરે તમે આવી ગયા?

હાથ-મોં ધોઈ આવી જાવ, આપણે જાન જોડવાની છે. બધી તૈયારી થઈ ગઈ છે. બેંડવાજાં, શરણાઈ, ડફલી વાગશે. આતશબાજી થશે. ઘોડા, હાથીની સવારી મંગાવી છે.

ભાઈ, મોટા છોકરાના લગ્ન છે, ખૂબ ધૂમધામ કરીશું. જાનનો ઉતારો ગંગાકિનારે  રાખ્યો છે.’

એ શબ્દોમાં કેટલી ભયંકર, અથાગ વેદના હતી. જાણે હાહાકાર થઈ ગયો.

લાશના મસ્તક ઉપર મેર પહેરાવી રસિકલાલ બોલ્યા, ‘ભાઈઓ રડો નહીં આ બધું તો રોજબરોજનું છે. ક્યારેક અહીં તો ક્યારેક બીજે. તમારા ચિત્કાર ઉપરવાળો ક્યાં સાંભળે છે? તમે રડતાં રહો ને એ એનું કામ કરતો રહે છે. તો પછી રડીને તમારી દુર્બળતા શા માટે દર્શાવો છો? હર્ષપૂર્વક એને કહો કે અમને દુઃખની પરવા નથી.’

આપણે પણ એને લલકારી કહીએ કે, ‘ચલાવ તારા ઘાતક શસ્ત્રો અમ પર, પણ અમે હિંમત નહીં હારીએ. સામી છાતીએ એનાં વારને ઝીલો અને હસતા હસતા કહો, તમે ડરતા નથી.’

રસિકલાલની લલકારે સૌને વિક્ષિપ્ત અને અચંબિત  કરી નાખ્યાં. એ જાંબાઝી ભરી ત્રાડ આંસુઓ કરતાં વધુ મર્મભેદી હતી. અગ્નિનો તણખો માત્ર દઝાડી જાય છે, પરંતુ જો આખો પગ જ અગ્નિમાં પડે તો બાળી નાંખે છે. રસિકલાલની વેદના ભભકતી આગ‌ સમાન હતી.

લાશ મોટર પર મુકાઈ ગઈ. મોટર ગુલાબનાં ફૂલોથી સજાવેલી હતી. કોઈ મોટેથી, ‘રામનામ સત્ય’  બોલ્યું.

રસિકલાલ રમુજી દ્રષ્ટિ નાખી બોલ્યા, ‘તમે ભૂલી ગયા લાલા. આ તો‌ લગ્નપ્રસંગ છે. આપણે માટે સત્ય જીવન છે. બાકી બધું મિથ્યા.’

વાજતેગાજતે જાન ચાલી. અન્ય જાનમાં પાંચ-પચાસ લોકો આવે પરંતુ અહીં લાખો લોકો જોડાયા હતાં. ધન્ય તમારુ કલેજું રસિકલાલ!

જ્યારે લાશ ચિતા પર મૂકાઇ ત્યારે રસિકલાલે  પોતાનો હાથ જોરથી હ્રદય પર ઠોક્યો. ક્ષણભર  માનવતાની નબળાઇએ એમનાં વિદ્રોહી આત્માને ઝંઝોડી કાઢ્યો, પરંતુ બીજી પળે એક કઠોર સ્મિત એમનાં મુખ પર ચમકી ઉઠ્યું.

માનવતા પહેલાં હતી કે હવે; એ કોણ કહી શકે?

હવે જ્યારે રજા  મળે છે ત્યારે રસિકલાલને મળવા જરૂર જાઉં છું. એના વિદ્રોહનાં થોડા લક્ષણ મેં પણ અપનાવી લીધા છે. હવે કોઈ એમના ચરિત્ર પર આંગળી ઉઠાવે તો હું સ્મિત કરી ઉઠું છું.

~ મુનશી પ્રેમચંદ
~ અનુ. માના વ્યાસ, મુંબઈ

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.