ગઝલપંચમી ~ શૈલેષ પંડ્યા ‘નિશેષ’

૧. કાયમ

કેમ પવન લૈ બેઠો છે એવી રઢ કાયમ?
મારે જ ભલા ખેંચ્યા કરવાનું શઢ કાયમ?

એ આંખો પાઠ ભણાવી ગઈ માનવતાનો,
જેને ગણતો તો હું તદ્દન અનપઢ કાયમ.

કેમ કરું લીંપણ-ગુંપણ રોજ ત્વચાનગરી!
ક્યાં અકબંધ રહે છે શ્વાસોનો ગઢ કાયમ?

નક્કી અંધારા પર ખાંગી થઈ પડશે વીજ,
એક દીવો કરતો રહે છે શ્રદ્ધા દ્રઢ કાયમ.

વીંધાતા ટ્હુકાના નિસાસા જોઈને,
ચીરાતું રહ્યું છે આભ જનોઈવઢ કાયમ.

૨. છે

છે તરસના અડાબીડ રણમાં જ છે,
આંખ મારી હજી જાગરણમાં જ છે.

આંસુને સાચવી રાખું ઈચ્છા જેમ,
ચોરખિસ્સું  એવું પ્હેરણમાં જ છે.

સાંજ અમસ્તી નથી મ્હેકતી મારી કૈં,
ફૂલ જેવું કોઈ મારાં સ્મરણમાં જ છે.

ચાહે તો રહી શકે છે તું ભીનાશમાં,
એક આંખોમાં બીજી ઝરણમાં જ છે.

આવે છે આજ સ્વજનો ચરણ સ્પર્શવા,
આજ નક્કી એ નવી વેતરણમાં જ છે.

ટાંટિયાખેંચ સૌને નડી જાય છે,
બાકી મંઝિલ સૌના ચરણમાં જ છે.

સૌ એને જોઈ એના જ થઈ જાય છે,
કૈંક તો જાદુ સાચ્ચે મરણમાં જ છે.

૩. કારણ

છળકપટ ‘ને રાજકારણ,
તૂટે છે ઘર આ જ કારણ.

દીકરી કૂવો પૂરે ક્યાંક,
એ જ બસ, રિવાજ કારણ.

ગોદ માની ઉજડી ગઈ,
બાપનાં સપના જ કારણ.

ઓશીકા ભીંજાય સૌ, પણ,
અશ્રુના જુદા જ કારણ.

રોજ મેં ચૂમી ઉદાસી,
એની પાછળ સાંજ કારણ

દર્દ જીવે છે હજી દોસ્ત,
આપની કૃપા જ કારણ.

૪. એક વૃક્ષ

રોજેય મારી રાહમાં ઊભું છે એક વૃક્ષ,
ભેટી પડોની ચાહમાં ઊભું છે એક વૃક્ષ.

વરસોથી સૌને છાંયડાઓ પાતું-પાતું ખુદ,
બળબળતી કાળી દાહમાં ઊભું છે એક વૃક્ષ.

અલ્લાહ ‘ને ઈશ્વરના હસ્તાક્ષર સમું હજી,
મંદિર અને દરગાહમાં ઊભું છે એક વૃક્ષ.

સિમેન્ટ ‘ને કોંક્રીટનાં વનમાં ભૂલું પડયું,
જાણે કોઈ ગુનાહમાં ઊભું છે એક વૃક્ષ.

હા, એટલે તો લીલુંછમ્મ છે મારું સપનું કે,
આંખે નહીં, નિગાહમાં ઊભું છે એક વૃક્ષ.

જ્યારે ઘરે છત, છાપરું ખોયા, હું થયો અનાથ,
મારી સદા પરવાહમા ઊભું છે એક વૃક્ષ.

હું વ્હાલથી જ્યાં દીકરી તેડું તો લાગતું,
કોળાઈ મારી બાંહમાં ઊભું છે એક વૃક્ષ..

૫. ફકીર છે

મનમાં જ કંસ છે અને મનમાં કબીર છે,
મનમાં હશે પ્રભુ અને મનમાં જ પીર છે.

જો મન હશે તો માળવે પ્હોંચીશ પ્રેમનાં,
ને મન વિનાનો દેહ તો જળની લકીર છે.

મેલી મુરાદ ફાવશે ના કોઈ ત્યાં કદી,
જે મનમાં જીવતું હજી થોડું ખમીર છે.

મારીને મન સદા જે જીવે ખાલી શ્વાસમાં
કહેતા ફરે છે આજ એ જીવન કથીર છે.

ચાહે તું ખુશ રહે કે રહે ગમમાં તું સદા,
સહરા છે ક્યાંક મનમાં ને મનમાં જ ગીર છે.

પહોંચી શક્યા ન કોઈ પ્રભુનાં હૃદય સુધી,
એથી તો સૌ કહે છે કે ઈશ્વર બધિર છે.

શણગારતો રહ્યો હું જેને શાશ્વત ગણી,
આખર ખબર પડી કે એ મન તો ફકીર છે.

~ શૈલેષ પંડયા ‘નિશેષ’
+91 98980 16524

Leave a Reply to દેવેન્દ્ર રાવલCancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

16 Comments

  1. આસ્થાની અનુભૂતિ કરાવતો મિસરા હૃદયમાં અંકિત થઈ ગયો.
    *એક દીવો કરતો રહે છે શ્રદ્ધા દ્રઢ કાયમ.*
    બહોત ખૂબ શૈલેષભાઈ

  2. વાહ છળકપટ ને રાજકારણ
    ઘર તૂટે છે આજકારણ અદ્દભૂત શૈલેષ પંડ્યા

  3. વાહ… શૈલેષ પંડ્યા ્્્વાહ્્પાચેય ગલ….દાદ. માંગી લે એવી છે્્અમારુ ગૌરવ છો તમે

    1. આભાર બેન શ્રી…. ભારતીબેન