શ્રીમદ્ ભાગવત કથા ~ સ્કંધ ત્રીજો ~ અધ્યાય અઢારમો ~ “હિરણ્યાક્ષ અને વરાહ ભગવાનનું મહાન યુદ્ધ” ~ સંકલનઃ જયશ્રી વિનુ મરચંટ

(ત્રીજા સ્કંધના અધ્યાય સત્તરમો –  “હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષનો જન્મ અને હિરણ્યાક્ષનો દિગ્વિજય ”  માં આપે વાંચ્યું કે; સનકાદિ કુમારોના અભિશાપને કારણે પ્રભુના ધામના દ્વારપાળો જય અને વિજયનું  દિતિના જોડિયા દૈત્યપુત્રો -ભાઈઓ- હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષનો જન્મ થાય છે  અને બેઉ દૈત્યો આસુરી પ્ર્કૃત્તિના હોવાથી સમસ્ત બ્રહ્માંડોને ત્રાહિમામ્ પોકારાવે છે. હિરણ્યાક્ષને લઢવું છે પણ એની આસુરી તાકાત સામે દેવો પણ લડવા તૈયાર નથી અને સમુદ્રદેવ વરુણજી પણ યુદ્ધ કરવાની ના  પડે છે અને એને કહે છે કે “ભાઈ, અમને હવે કોઈ સાથે યુદ્ધ કરવામાં રસ નથી. તું ભગવાન પાસે જા. પરમાત્મા તારી યુદ્ધની કામના પૂરી કરશે. કૂતરાઓથી વીંટળાયેલો તું રણશય્યામાં સૂઈશ, એટલું ધ્યાન રાખજે.  તારા જેવા દુષ્ટ દૈત્યરાજને હણવા ભગવાન અનેક પ્રકારના રૂપ ધારણ કરતા રહે છે, એ ભૂલતો નહીં.” એવું વરૂણજીનું વચન ન ગણકારી, મદમાં છકેલો હિરણ્યાક્ષ એને સાગરદેવ પર પોતાનો વિજય સમજીને ત્યાંથી પાછો ફરે છે. હવે અહીંથી વાંચો  સ્કંધ ત્રીજાનો અધ્યાય અઢારમો, “હિરણ્યાક્ષ અને વરાહ ભગવાનનું મહાન યુદ્ધ”)

આ અધ્યાયમાં કુલ ૨૮ શ્લોકો છે.

શ્રી સૂતજી આગળની કથા કહે છે; – મૈત્રેયજી વિદુરજીને હવે હિરણ્યાક્ષ અને વરાહ ભગવાનનો આમનોસામનો કેવી રીતે થાય છે એની કથા કહે છે.

મૈત્રેયજી બોલ્યા કે – હે વિદુરજી, સાગરદેવના આ વચનો, ‘કૂતરાઓથી વીંટાયેલો તું રણશય્યામાં સૂઈશ’ સાંભળવા છતાં અભિમાની, તે ઉદ્ધત દૈત્ય એ તેમના વચન ગણકારતો નથી. એ નારદજી પાસેથી ભગવાનની ઠેકાણું જાણી લે છે કે તે સમયે પ્રભુ રસાતળમાંથી પૃથ્વીને ખેંચીને ઉપર લાવી રહ્યા છે. આથી એ દૈત્ય, ઉતાવળો રસાતળમાં દાખલ થયો. ત્યાં પોતાની દાઢના અગ્રભાગ વડે પૃથ્વીને ધારણ કરી ઉપરના ભાગમાં લઈ જતા અને લાલ શોભાવાળાં નેત્ર વડે (હિરણ્યાક્ષની ) કાંતિ હરી લેતાં, શ્રી હરિને તેણે જોયા અને પછી મશ્કરીમાં જ તે હસ્યો.
(જ નીકળે છે, જેમ જે કે,)

હિરણ્યાક્ષ પછી વરાહને કહે છે કે; – “અહો, આ જંગલી પશુ અહીં જળમાં ક્યાંથી આવ્યો?” એમ હાંસી કરી તે કટાક્ષમાં ભગવાનને કહેવા લાગ્યો કે- ‘“અહો, તો શું આ જ જળગોચર ભૂંડ એટલે જલશાયી સાક્ષાત નારાયણ છે કે જેમ જેને યોગીઓ શોધ્યા કરે છે? વાહ, તો તો મને ભગવાનનાં ખરાં દર્શન થયાં! ખરેખર, આ મારું અહોભાગ્ય..!” કહીને ખડખડાટ હસે છે. (એનાં હસવાનું કારણ એ છે કે,  હિરણ્યાક્ષ તો પોતાની યુદ્ધકામના પૂરી કરવા કોઈ મહાન યોદ્ધાની શોધમાં હતો,  ત્યારે તેને એ વનગોચર પશુસામાન્ય વરાહ જોવામાં આવ્યો તેથી તે અનાદરથી અને એની તાકાતને ઓછી આંકીને હસે છે. હિરણ્યાક્ષનું આ ‘જલશાયી સાક્ષાત નારાયણ’ એવું જે નિંદાવચન -જે મેણાંના રૂપે કહેવાયું છે,- પણ તેમાંથીયે ખરી રીતે જોઈએ તો ભગવાનની સ્તુતિ નીકળે છે.)

આમ હાંસી કર્યા પછી કહે છે;  ”અલ્યા, ઓ અજ્ઞાની, આ પૃથ્વી મૂકી દે, આ પૃથ્વી તો બ્રહ્માએ રસાતળવાસી, અમને અર્પણ કરી છે. તું અહીં આવ, ઓ ભૂંડનો આકાર ધારણ કરનાર હે અધમ દેવ, મારા દેખતાં તું આ પૃથ્વીની સાથે ક્ષેમકુશળ જઈ શકીશ નહિ. તને અમારા શત્રુ દેવોએ અમારો નાશ કરવા આવો હ્રષ્ટપુષ્ટ કર્યો છે, તેથી તું કપટથી અસુરોનો નાશ કરે છે, અને જય મેળવે છે. તારામાં કેવળ યોગમાયાનું જ બળ છે. બાકી ખરી રીતે તો તું અલ્પ બળવાળો છે. ઓ મૂઢ, આજે તારો નાશ કરી હું મારા સંબંધીઓનો શોક દૂર કરીશ.”

વરાહ ભગવાનને આગળ એ વધુ ઉપહાસ કરતાં કહે છે કે, “મારા હાથે છૂટેલી આ ગદા વડે તારું  માથું ભાંગી જશે અને તું મરણ પામીશ, એટલે ઋષિઓ અને દેવો તને બલિદાન આપે છે, તેઓ સર્વે મૂળરહિત થઈ પોતાની મેળે જ આ જગતમાં હયાત નહિ રહે.”

એ પ્રમાણે, શત્રુ હિરણ્યાક્ષનાં વચનો રૂપી શસ્ત્રોથી પીડા પામતા તે ભગવાન, દાઢ ઉપર રહેલી પૃથ્વીને ભયભીત થયેલી જોઈ તે કડવાં વાક્યોની પીડાને સહન કરીને , જેમ જે મગરથી પીડાયેલો હાથી, હાથણી સાથે નીકળે તેમ જળમાંથી બહાર આવવા લાગ્યા ત્યારે સુવર્ણ જેવા પીળાં કેશવાળો અને વિકરાળ દાઢોવાળો તે દૈત્ય, જેમ મગરમચ્છ હાથીની પાછળ દોડે તેમ, જળમાંથી નીકળતા ભગવાનની પાછળ દોડ્યો અને વજ્ર જેવી  ગર્જના કરી કહેવા લાગ્યો, ‘નિર્લજ્જ, તને આમ ભાગી જતાં શરમ નથી આવતી?”

વરાહ ભગવાન કંઈ પણ જવાબ આપતા નથી અને જળની સપાટી ઉપર યોગ્ય અને સુરક્ષિત સ્થાને પૃથ્વીને સ્થાપીને તેનામાં પોતાની આધાર શક્તિનો સંચાર કર્યો. એ સમયે શત્રુ હિરણ્યાક્ષના દેખતાં બ્રહ્મા વરાહ ભગવાનની સ્તુતિ કરતાં હતા અને દેવોએ પુષ્પવૃષ્ટિ કરી.

પછી પ્રચંડ કોપવાળા ભગવાને ખડખડાટ હસીને પાછળ પડેલા સુવર્ણના અલંકારવાળા,  મોટી ગદાવાળા  સુવર્ણનું વિચિત્ર બખ્તર ધારણ કરનારા અને કટુ-વચનો થી મર્મઘાત કરનારા તે દૈત્યને નીચે પ્રમાણે કહ્યું.

શ્રી ભગવાન કહે છે કે; –
“ઓ દુષ્ટ અસુર, તું કહે છે તે સત્ય છે. ખરેખર, અમે જંગલી ભૂંડ છીએ, પણ તારા જેવા કૂતરાઓને શોધતા ફરીએ છીએ. વીર પુરુષો મૃત્યુપાશથી બંધાયેલા એવા તારી ને તેં પોતે કરેલી આત્મશ્લાઘાને ગણકારતા નથી.  હા ,અમે તો રસાતળવાસીઓની થાપણ રૂપ પૃથ્વીને હરી જનારા અને શરમ છોડીને તારી ગદાના ભયથી ભાગી આવ્યા છીએ.  યુદ્ધમાં તો માંડ માંડ તારી સામે ઊભા છીએ, કેમ કે, બળવાન સાથે વેર કરી ક્યાં જઈએ? તું પાયદળ સૈનિકોના નાયકોમાં અગ્રેસર છે તો વિચાર કર્યા વિના  તરત જ અમારાં અમંગળ માટે યત્ન કર અને અમને મારી  નાખીને પોતાના સંબંધીઓના શોકનાં આંસુ લૂછી નાખ. કેમ કે, જે પોતાની પ્રતિજ્ઞા પાળતો નથી તે અસભ્ય છે શ્રેષ્ઠોમાં બેસવાને લાયક જ નથી.”

મૈત્રેયજી આગળ આ કથા કહેતાં બોલ્યા કે; – એમ ભગવાને ખૂબ તિરસ્કાર કર્યો અને રોષથી અત્યંત હાંસી કરી. એટલે રમાડાતા મોટા સર્પની જેમ તે દૈત્ય ઉગ્ર ક્રોધ પામ્યો. તે ખિજાઈને લાંબા શ્વાસોચ્છવાસ લેવા લાગ્યો. તેની ઈન્દ્રિયો ક્રોધથી ખળભળી ઊઠી. તેણે બળથી શ્રી હરિની પાસે જઈ, તેમને ગદા મારી પણ ભગવાને યોગારૂઢ પુરુષ જેમ મૃત્યુને ચુકાવી દે, તેમ શત્રુએ છાતી પર છોડેલી ગદાનો વેગ આડા ખસી જઈને ચૂકાવી દીધો. એટલે તે દૈત્ય ફરી પોતાની ગદા લઈ વારંવાર ઘૂમાવવા લાગ્યો. ત્યારે ક્રોધાયમાન થયેલા શ્રી હરિ ક્રોધથી હોઠ પીસીને તેની સામે દોડ્યા .

પ્રભુએ પોતાના શત્રુની જમણી ભૃકુટિ પર ગદા મારી. પણ હે સૌમ્ય વિદુરજી, ગદાયુદ્ધમાં કુશળ હિરણ્યાક્ષે વચમાંથી જ પોતાની ગદા વડે  તે ગદાને મારી હટાવી. એ રીતે હિરણ્યાક્ષ અને શ્રી હરિ અત્યંત આવેશમાં આવી, જય મેળવવાની ઈચ્છાથી મોટી ગદાઓ વડે, એકબીજાને મારવા લાગ્યા. એમ પરસ્પર સ્પર્ધા કરતાં, તીક્ષ્ણ ગદાના પ્રહારોથી ઘાયલ અંગોવાળા, ઘાવમાંથી ઝરતા લોહીની ગંધથી અત્યંત વધેલા ક્રોધવાળા અને જય મેળવવાની ઈચ્છાથી જાતજાતના પેંતરાઓ અજમાવતા, એ બંનેનું તે પૃથ્વી માટેનું યુદ્ધ, ગાય માટે લડતાં બે આખલાઓના યુદ્ધ જેવું ભયંકર હતું.

હે કુરુવંશી વિદુરજી, પૃથ્વી માટે શત્રુ બનેલા તે દૈત્યનું અને માયાથી વરાહ શરીર સ્વીકારનારા  મહાત્મા શ્રી યજ્ઞમૂર્તિ ભગવાનનું યુદ્ધ જોવાની ઈચ્છાથી બ્રહ્મા, અનેક ઋષિઓ સાથે ત્યાં આવ્યા. તેમણે સૌએ જોયું કે આ દૈત્ય શૂરવીર છે અને મુકાબલો કરવામાં સમર્થ પણ છે. એવામાં એના પરાક્રમને તોડવું ઘણું મુશ્કેલ છે. ત્યારે બ્રહ્મા આદિ-વરાહરૂપ  નારાયણ ભગવાનને કહે છે કે; -હે દેવ, આ અસુર આપના ચરણ-મૂળને શરણે આવેલા દેવોનો, બ્રાહ્મણોનો, ગાયોનો તથા નિરપરાધી પ્રાણીઓનો અપરાધ કરનાર, ભય ઉપજાવનાર અને દુષ્ટ કર્મો કરનાર છે. મારી પાસેથી તેણે વર મેળવ્યો હોવાથી પોતાની બરાબરી કરે તેવા શત્રુની શોધ કરતો આ સર્વલોકમાં ભમી રહ્યો છે.  માટે હે દેવ, માયાવી, ગર્વિષ્ઠ, નિરંકુશ અને મહાદુષ્ટ આ અસુરને જેમ કોઈ બાળક (પૂંછડું ખેંચવા વગેરેથી) કોપેલા સર્પને રમાડે તેમ રમાડો નહીં.

હે અચ્યુત, આ દારુણ દૈત્ય પોતાની સંધ્યાવેળાએ પાછો વૃદ્ધિ પામે, તે પહેલાં જ તમે પોતાની માયાનો આશ્રય લઈ આ પાપીનો નાશ કરો. હે પ્રભો, લોકોનો વિનાશ કરનારી અતિ ઘોર આ સંધ્યાવેળા થવા આવી છે, તો હે સર્વના આત્મા, તમે દેવોનો વિજય કરો. હમણાં જ આ અભિજિત નામના મૂહર્તનો યોગ (મધ્યાહન સમય) જવાની તૈયારીમાં છે. (અર્થાત્  મધ્યાહન સમય જોકે લગભગ થઈ ગયો છે,  તો પણ, તેનો એક મૂહર્ત સમય હજી બાકી છે.  તેટલામાં આ દૈત્યનો આપ નાશ કરો, નહિ તો સંધ્યા સમય થતાં તેનું બળ વધશે અને મારવો મુશ્કેલ થશે.) માટે સત્વર આપના ભક્ત એવા અમારું કલ્યાણ કરવા આ દુર્જેય દૈત્યનો નાશ કરો. એક રીતે આ સારું જ થયું છે કે આ દૈત્ય પોતે જ પોતાના કાળ એવા આપની સામે આવ્યો છે.  તો હે પ્રભો! માટે યુદ્ધમાં પરાક્રમ કરી, આને મારીને સર્વ લોકને સુખી કરો અને શાંતિનું પ્રદાન કરો.

(दिष्टया त्वां विहितं मृत्युमयमासादितः स्वयम् I
विक्रम्यैनं मृधे  हत्वा  लोकानाधेहि   शर्मणि II ) २८ II આ અધ્યાયનો અંતિમ શ્લોક

ઈતિ શ્રીમદભાગવત મહાપુરાણનો તૃતીય સ્કંધનો “હિરણ્યાક્ષ અને વરાહ ભગવાનનું મહાન યુદ્ધ” ” નામનો અઢારમો અધ્યાય સમાપ્ત થયો.
શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.

II શ્રી હરિ ૐ તત્સત II

વિચાર બીજઃ 

૧. અહીં ફરી એકવાર એવો વિચાર આવે છે કે એ સમયે નક્કી કોઈ ટાઈમ મશીન જેવું હોવું જોઈએ કે જેથી અસુર અને દેવો દરેક લોકમાં કોઈ પણ રોકટોક વિના જઈ શકતા હતા.

૨. વરાહના રૂપમાં ભગવાન જે રીતે હિરણ્યાક્ષને લલકારે છે એમાં કૂટનીતિ, રાજનીતિ, યુદ્ધનીતિ અને શત્રુબોધ, આ બધાનો અહીં પુરાવો મળે છે.

 

 

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.