સિન્થિયા (લઘુનવલ) ~ અંતિમ પ્રકરણ: 13 ~ વળાંકે વળી ગયેલા રસ્તા ~ ડૉ. ભારતી રાજીવ રાણે
(અંતિમ પ્રકરણ)
આત્મકથાના સમાપનને દિવસે સિન્થિયાના મન ઉપર ઘેરી ઉદાસી છવાયેલી હતી. એને થયું કે, સ્મરણોને વાગોળતી વખતે, વીતેલા સમયને ફરીથી જીવ્યાં એમ કહીએ છીએ, ત્યારે ખરેખર તો આપણે આપણી વ્યથાઓને ફરી એક વાર સહેતાં હોઈએ છીએ.
સ્મરણો સુખની લહેરખીથી સહેલાવતાં-સહેલાવતાં ક્યારે આપણાં મર્મસ્થળને વિંધી નાખતાં હોય છે, ખબર પણ પડતી નથી! સ્મરણોના નામે દર્દને ફરી એક વાર જીરવવાનો સિન્થિયાને થાક લાગ્યો હતો. ચહેરા ઉપર ઊભરાઈ આવેલી દર્દની રેખાઓને મેઇકઅપમાં છુપાવીને સિન્થિયાએ આખરી એપિસોડની વાત માંડીઃ
‘વહાલાં મિત્રો, ખરેખર તો ડૉક્ટર નીરજાની વાત સાંભળ્યા પછી મને કાંઈ પણ કહેવાનું મન થતું નથી. પણ માંડેલી વાત પૂરી તો કરવી પડશે ને!
નીરજામૅમ હોંશિયાર હતાં. મારા કરતાં ઘણાં વધારે અનુભવી. તેમણે પહેલાં મને જ બોલવા દીધી. કહેવા લાગ્યાં: ‘ડોરોથી વિશે તું શું જાણવા માગે છે, એ કહેતા પહેલાં અમેના વિશે તું શું જાણે છે, એ કહે. સૌથી પહેલાં તો એ જણાવ કે તું ડોરોથીને શી રીતે ઓળખે છે?’
મને ખબર હતી, જો મારે સાચી હકીકત જાણવી હશે તો નીરજા મેડમના પ્રશ્નોના ઓનૅસ્ટ જવાબ આપવા પડશે. દિલચોરી કરવાનો મારો ઈરાદો પણ નહોતો. નીરજા મેડમને ત્યારે ખબર નહોતી, પણ હું મારા મનમાં એકદમ સ્પષ્ટ હતી. પત્રકારત્વ વિશેના મારા વિચારો તદ્દન અલગ પ્રકારના હતા.
મેં કહ્યું, ‘ઓ.કે. હું તમને બંનેને શી રીતે ઓળખું છું, ત્યાંથી મારી વાત શરૂ કરું : ‘હું જોર્ડનમાં સિરિયા સાથેના સરહદી વિસ્તારમાં વસેલા ઝાતરી નામના રૅફ્યુજી કૅમ્પમાં ‘ન્યૂ યૉર્ક વર્લ્ડ’ ન્યૂઝ પેપર માટે નિરાશ્રિતોની સ્ટોરીઝ ઉપર કામ કરી રહી હતી.
આઠ મહિનાથી ત્યાં રહેતાં-રહેતાં હું એ લોકોમાં તદ્દન ઓતપ્રોત થઈ ગઈ હતી. એવામાં મારી મમ્મીને હાર્ટ એટેક આવ્યો, ને હું ઉતાવળે અમેરિકા પાછી ફરી. ઘરે આવ્યા પછી બધું જ છોડીને મારી એકેએક મિનિટ હું મમ્મીની સેવામાં વીતાવતી.
એક દિવસ હોસ્પિટલના વેઈટિંગ રૂમમાં મારી જૂની બહેનણી અમાલિયા મળી ગઈ. ઘણા દિવસો પછી કૉલેજનું કોઈ મળી ગયું, તેથી હું ખૂબ ખુશ થઈ. અમારી કૉલેજની પેનક્લબમાં અમે મળતાં. ઊગતી લેખિકા હતી એ.
તે દિવસે એના હાથમાં ડોરોથી મેડમનો કાવ્યસંગ્રહ હતો. સંગ્રહનું નામ હતું, ‘અનકન્ડિશનલ લવ’ – બિનશરતી પ્રેમ. મને એમાં રસ પડયો. એમાંની દસેક કવિતાઓ તો હું ત્યાં જ વાંચી ગઈ.
મેં અમાલિયાને પૂછયું, કોણ છે આ લેખિકા? હું એમનું નામ પહેલી વાર સાંભળી રહી હતી. અમાલિયાએ જ્યારે કહ્યું કે, એ લેખિકા તો મેમરી કેર સેન્ટરમાં પરવશ જેવાં જીવી રહ્યાં છે, અને આ સંગ્રહ એની ડૉક્ટરે પબ્લિશ કરાવ્યો છે, ત્યારે મારી નવાઈ ખૂબ વધી ગઈ.
પછીના દિવસોમાં મમ્મીની સારવાર માટે હૅસ્પિટલમાં ગાળેલા લાંબા કલાકોમાં મેં ડોરોથીનું લખાણ વાંચવા માંડયું. મને એમનું લખાણ એટલું ગમી ગયું કે, એમના વિશે વધારે ને વધારે જાણવાની ઈચ્છા મારા મનમાં જાગી. પત્રકાર ખરી ને! એટલે અમાલિયા પાસેથી માહિતી લઈને હું યાદશક્તિ ગુમાવી બેઠેલા દરદીઓના મેમરી કેર હોમ સુધી પહોંચી ગઈ.
પહેલી વાર હું એ મેમરી કેર હોમમાં ગઈ, ત્યારે મુલાકાતનો સમય અગાઉથી મેળવ્યો હોવા છતાં મારે સારી એવી રાહ જોવી પડેલી. હું હોમમાં પહોંચી, ત્યારે મને એમ કહેવામાં આવ્યું કે, મારે થોડી રાહ જોવી પડશે.
મેં જોયું કે, હોમમાં ધમાલ મચેલી હતી. યાદશક્તિ ખોઈ બેઠેલી એક સ્ત્રી કોઈક રીતે કમ્પાઉન્ડની બહાર નીકળી ગઈ હતી, અને એની શોધખોળ ચાલી રહી હતી. સામાન્ય રીતે હોમનો મુખ્ય દરવાજો કાયમ બંધ રહેતો અને ત્યાં ચોવીસે કલાક ચોકીદાર તહેનાતમાં રહેતો. આખા કેમ્પસને ઘેરતી ઊંચી દીવાલ કોઈ કૂદી શકે તેમ નહોતું, પણ એ સ્ત્રી ન જાણે કઈ રીતે ગેઇટ વટાવીને બહાર નીકળી ગઈ હતી, અને હવે તે મળતી નહોતી. પોલીસને જાણ કરાઈ રહી હતી, અને કર્મચારીઓ તેને આમતેમ શોધી રહ્યા હતા.
મને ત્યારે સમજાયું કે, પરિસ્થિતિ ધારવા કરતાં ઘણી વધારે ગંભીર હતી. યાદશક્તિ ગુમાવી બેઠેલી વ્યક્તિ પાછા ફરવાનો રસ્તો શી રીતે શોધી શકે? વળી પોતાનું નામ-સરનામું પણ ન જાણનાર કોઈને પૂછે, તો શું પૂછે?
એને રસ્તે રઝળતી મૂકી ન શકાય અને જો એ ન મળે તો એને સંસ્થામાં મૂકી જનાર સગાંવહાલાં લાખો ડોલરનો દાવો મૂકીને સંસ્થાને કોર્ટમાં ઘસડી જઈ શકે. બધા જ કર્મચારીઓ ચિંતામાં હતા, પણ મેં જોયું કે, દરદી તરીકે અંદર રહેનાર વ્યક્તિઓ બધી ચિંતાથી તદ્દન અજાણ હતી. કોરીધાકોર બેફિકરાઈ એ તમામના ચહેરા ઉપર જોઈને હું છળી ઊઠેલી.
સારી એવી વાર પછી મને ઑફિસની અંદર બોલાવવામાં આવી. મેં કહ્યું કે, યાદદાસ્ત ગુમાવી રહેલી મારી માસી માટે હું તપાસ કરવા આવી છું, એટલે મને સંસ્થાની કાર્યપદ્ધતિ સમજાવવામાં આવી તથા દરદીઓના આવાસ પણ બતાવવામાં આવ્યા.
મેં જોયું કે, સ્મૃતિલોપનાં અલગઅલગ સ્તર ધરાવતા લોકો માટે અલગઅલગ પ્રકારની વ્યવસ્થા હતી. કેટલીક રૂમો ડોરોથીમૅમની રૂમના જેવી વિશેષ સગવડવાળી હતી. એવી રૂમો સામેના પેસેજમાં તથા રૂમોમાં દરદીઓના પૂર્વજીવનની સિદ્ધિઓના, યાદગાર ક્ષણોના, તથા તેમના કુટુબનાં અન્ય સભ્યો સાથેના ફાટોગ્રાફ અને સ્મૃતિચિહ્નો મૂકેલાં હતાં.
મને સમજાવવામાં આવ્યું કે, એ ફોટા તથા સ્મૃતિચિહ્નો ક્યારેક સ્મરણનું કોઈ એક પાનું ખોલી આપતાં હોય છે, તો ઘણી વાર એ સુશોભનમાંથી પ્રગટતો પોતાપણાનો ભાવ દરદીને પોતાનો ઓરડો ઓળખવામાં મદદ કરતો હોય છે.
કેટલાક દરદીઓ પોતાનાં રોજબરોજનાં કાર્યો સારી રીતે કરી શકતાં હતાં. એમનું વર્તન સામાન્ય હતું, માત્ર તેઓનો ભૂતકાળ અંશતઃ અથવા સંપૂર્ણ રીતે ભૂંસાઈ ગયો હતો. તો કેટલાક આત્યંતિક અવસ્થાનાં દરદીઓ પોતે ખાધું, નાહ્યાં, એવું કશું જ યાદ રાખી શકતાં નહોતાં. વળી કેટલાક તો આસપાસની વસ્તુઓને પણ ઓળખી શકતા નહોતાં.
કપડાં આપીએ તો એનું શું કરવાનું એટલુંય એમને ન સમજાય! આવા દરદીઓને એમની સલામતી ખાતર સતત દેખરેખ નીચે લગભગ કેદી જેવી અવસ્થામાં રાખવા પડતા હતા. તેમની ગતિવિધિઓ પર એ જ ઓરડામાં રહેતી થોડીક વધારે સમજ ધરાવતી સ્ત્રીઓ નજર રાખતી જોવા મળતી.
મને ડોરોથીમૅમમાં રસ હતો, એટલે હું વારંવાર કોઈ ને કોઈ બહાને હોમની મુલાકાત લેવા લાગી અને હોમના સ્ટાફ સાથે ભળવા લાગી. એકાદ કાઉન્સેલર મારી સારી દોસ્ત બની ગયેલી.
એ કહેતી હતી કે, કોઈ નવીસવી કાઉન્સેલરથી દરદીને ભૂલમાં પણ જો એમ કહેવાઈ જાય કે, તમે સ્મૃતિ ગુમાવી ચૂક્યા છો, માટે એને ફરી મેળવવા પ્રયત્ન કરો, કશુંક યાદ કરવા પ્રયત્ન કરો. તો એવા દરદી ખૂબ ઉશકેરાઈ જતાં હોય છે. અથવા તો એકદમ શાંત અને નિર્લેપ થઈ જઈને કોઈ પણ જાતનો સહકાર આપવાનો ઈનકાર કરી દેતાં હોય છે.
મને આ બધામાં ખૂબ રસ પડી ગયો, એટલે જ્યારેજ્યારે સમય મળે ત્યારે હું સ્વયંસેવિકા તરીકે એ હોમમાં સેવા આપવા જતી. દરદીઓને રમતો રમાડવાની, એમની સાથે મજાક-મસ્તી કરવાની, એમને બોલવા માટે પ્રોત્સાહિત કરવાની અને એમની વાતો સાંભળવાની મને મજા પડતી.
આ બધું છતાં મારું મુખ્ય લક્ષ્ય તો ડોરોથીમૅમ જ હતાં. મારી નજર સતત એમના તરફ રહેતી. હું લાગતી-વળગતી દરેક વ્યક્તિ પાસેથી એમના વિશે જાણવા કોશિશ કરતી. મેં એ પણ નોંધ્યું કે, હું મદદ કરતી એવી સામૂહિક પ્રવૃત્તિઓમાં ડોરોથીમૅમ ભાગ નહોતાં લેતાં. એમનો મોટા ભાગનો સમય વાંચવામાં, પ્રકૃતિને માણવામાં અને નીરજા મૅડમ સાથે પસાર થતો.
ડોરોથીમૅમ સાથે ડૉક્ટર નીરજાને હું ઘણી વાર જોતી, પણ પત્રકાર તરીકેની મારી ઓળખાણ આપીશ તો તેઓ મને વધારે કાંઈ જાણવા નહીં દે, એ વિચારે ચૂપ રહીને હું છાનીછાની ડોરોથી મેડમનું પગેરું મેળવ્યા કરતી.’
જેમજેમ હું મેમરી કેર હોમ સાથે સંકળાતી ગઈ, તેમતેમ મને મનુષ્યત્વના એક અલગ જ પાસાનો પરિચય થતો ગયો. હોમમાં વસતી સ્ત્રીઓના રિક્ત ચહેરા જોઈને પહેલી વાર સમજાયું કે, મનુષ્યના અસ્તિત્વ માટે એની સ્મૃતિઓ કેટલી મૂલ્યવાન હોઈ શકે!
રાંચો કોર્ડોવાના એ મેમરી કેર હોમમાં મને પહેલી વાર અહેસાસ થયો કે, સ્મૃતિઓના ભૂંસાવાની સાથે ઓળખ પણ ભૂંસાઈ જતી હોય છે! વિચારકો કહેતા હોય છે કે, તમે ભૂતકાળને ભૂલી જાઓ, ભવિષ્યની ચિંતા કે કલ્પના પણ ન કરો. માત્ર વર્તમાન ક્ષણને પૂર્ણતાથી જીવો, અનુભવો, અને એને જ ભોગવો.
સાંભળતાં બહુ પ્રભાવક લાગે તેવી પરિસ્થિતિનો વાસ્તવમાં સામનો થયો, ત્યારે સમજાયું કે, ભૂતકાળ અને ભવિષ્ય ગુમાવી ચૂકેલા સ્મૃતિલોપના દર્દીઓની વર્તમાન ક્ષણો કેટલી ખલીખમ હતી! વર્તમાનની ક્ષણોનો આદર કરીએ, પણ ભૂતકાળ આપણા અસ્તિત્વનો પુરાવો છે, અને સ્મૃતિઓ હયાતીની સાબિતી.
આ હકીકત મેમરી કેર હોમમાં સમજાઈ તેવી ભૂતકાળમાં ક્યારેય સમજાઈ નહોતી. હોમ સાથે સંકળાતી ગઈ તેમતેમ હું મારા ભૂતકાળ સાથે અને સ્મરણો સાથે સજ્જડતાથી જડાતી ગઈ! મને થઈ આવ્યું કે, મારે કશું ભુલવું નથી. હું ભવિષ્યની અવગણના કરી શકું, પણ સ્મરણોને નકારવાં એટલે પોતાનાં જ હોવાપણાંનો અસ્વીકાર કરવો, જે હું કરી શકું નહીં.
સ્મૃતિ વિશેની આ સમજ કેળવાતી ગઈ, તેમતેમ મૃત્યુ પામેલા મારા પ્રિયતમની યાદ તીવ્ર બનતી ગઈ. માનસિક રીતે હું એની સ્મૃતિઓ સાથે વધુ ને વધુ બંધાવા લાગી. એ મારા માટે કોઈ મૃત વ્યક્તિ નહીં, જીવતું સ્મરણ બનતો ગયો. એ મારા રોજબરોજના જીવનમાં, મારા હરેક નિર્ણયમાં, અને મનોમંથનમાં સહભાગી હોય, તેવું હું અનુભવવા લાગી.
મને થયું કે, જીવતો મનુષ્ય મનને દૂભવી શકે, પણ સ્મરણો ક્યારેય એવું કરતાં નથી. મારી આસપાસનાં યુગલો વચ્ચેની વિસંવાદિતા જોઈને ક્યારેક મારા મનમાં પ્રશ્ન થતો, કે, જે માનસિક એકત્વ એનાં સ્મરણ સાથે સધાયું તે સાથે જીવતાં એકબીજા સાથે સધાયું હોત ખરું?
હા, મેં કરેલી આદર્શ પુરુષની કલ્પનાથી એ ઘણો નજીક હતો. સાથે જીવવા મળ્યું હોત તો અમે આદર્શ યુગલ થઈને જીવી બતાવ્યું હોત. પણ હું અને એનું સ્મરણ – એ સાયુજ્ય આદર્શ સહજીવનથી વધારે ઊંચું અને વધારે પવિત્ર હતું.
હોમ સાથે સંકળાયા પછી મને ડોરોથીમૅમ અને નીરજામૅમ વિશે થોડું-ઘણું જાણવા મળ્યું. એટલામાં એક પ્રતિષ્ઠિત ઈન્ટરનૅશનલ પ્રાઈઝનાં નૉમિનેશન્સ બહાર પડયાં. ડોરોથીમૅમનું નામ એમાં વાંચીને મનમાં થયું કે, એમના વિશે વઘારે ને વધારે જાણું અને એમનાં ઉપર એક લાંબી સ્ટૉરી અથવા એક પુસ્તક કરું, પણ મમ્મીની હેલ્થ બગડતી જતી હતી. એમને મારી જરૂર હતી એટલે લખવાની વાત પડતી મૂકીને હું મમ્મીની સેવામાં જોડાઈ.
નોમિનેશન જાહેર થયાં અને એવોર્ડ જાહેર થયો એ સમયગાળામાં મમ્મીની બાયપાસ સર્જરી થઈ ગઈ હતી. મમ્મીને ઘણું સારું થઈ ગયું હતું, એટલે અવૉર્ડ ફંક્શન કવર કરવા માટે મેં ‘ન્યૂ યૉર્ક વર્લ્ડ’ પાસે પરમીશન માગી ને હું અવૉર્ડ ફંક્શનમાં આવી.
ત્યાં ડોરોથી મૅડમ અને ડૉક્ટર નીરજાને જોયાં એ પછી પુસ્તક લખવાની ઈચ્છા ફરી જીવતી થઈ. મેં ડૉ. નીરજાની મુલાકાત માગી. નીરજા મને મળવા તૈયાર થયાં, ત્યારે મેં એમને કહ્યું, ‘હવે બધું તમારી ઉપર છે. તમે મને એમના વિશે કહો. પ્લીઝ, જેટલું બને તેટલું વધારે કહેવા પ્રયત્ન કરજો…’
મુલાકાત ગોઠવાઈ ત્યારે નક્કી તો એમ જ થયેલું કે, પહેલાં મારે મારી વાત કહેવી, પછી ડૉ. નીરજા તેમની વાત કહેશે. પણ અમારી વચ્ચેના અવિશ્વાસના ધુમ્મસને વિખેરાતાં વાર ન લાગી.
ડૉ. નીરજાએ વચ્ચે જ પોતાની વાત માંડી. હું એકચિત્તે તેમની વાતો સાંભળતી રહી. ડોરોથી મૅડમ વિશેની ઘણી બધી અંગત માહિતી મારી પાસે હતી. મેં એ નીરજા મૅડમને કહી પણ ખરી. પણ એમની તપસ્યા અને સમર્પણને જાણ્યા પછી મને મારી માહિતી ક્ષુલ્લક લાગી.
ડોરોથી મૅડમ વિશે કાંઈ પણ લખવાની કે સનસનાટી ફેલાવવાની મારી ઈચ્છા જ મરી પરવારી. ત્યારે જ મેં મનોમન નક્કી કરી લીધું કે, હું કોઈ પુસ્તક નહીં લખું. કોઈ લેખ પણ નહીં! માત્ર આ વાતમાં જ નહીં, ભવિષ્યમાં પણ ક્યારેય કોઈને અન્યાય થાય તેવું, કોઈની પ્રતિભાભંગ કરે તેવું બોલીશ કે લખીશ નહીં.
મારો એ નિર્ણય મનમાં પાકો થઈ રહ્યો હતો, સાથેસાથે મગજમાં જબરો ઉલ્કાપાત મચ્યો હતો! એક તરફ થતું હતું કે, શું મારું પત્રકારત્વ મૃત્યુ પામ્યું હતું? સત્યને સામે લાવવાનો મારો પવિત્ર વ્યવસાય લાગણીવેડામાં સરીને પોતાનો રસ્તો ભૂલી તો નથી રહ્યો ને? બહુ મનોનંથન પછી મન સ્થિર થયું. અને ત્યારે મેં અનુભવ્યું કે, ના, આ પત્રકારત્વનું મોત નહોતું, એનો પુનર્જન્મ હતો!
એ જ દિવસે અને એ જ ઘડીએ મનમાં એવો નિર્ણય પણ લેવાયેલો કે, હું ભારત જઈશ. ત્યાં એક નવું જીવન શરૂ કરીશ. ત્યાં જ મારું કાર્યક્ષેત્ર બનાવીશ, અને મારી બાકીની જિંદગી મારા પ્રિયતમે ચાહેલી ભૂમિ ઉપર જ પસાર કરીશ. તેણે જ્યાં કામ કરવા ઈચ્છેલું, એ જ સ્થળને મારી કર્મભૂમિ બનાવીશ. જ્યારે પણ મારા વ્યવસાયમાં ગોઠવાઈશ, ત્યારે મારા માધ્યમ દ્વારા ડૉ. નીરજાના અથાગ પ્રયત્નોની અને ડોરોથીમૅમની પ્રતિભા અને મનોબળની વાત લોકો સુધી અવશ્ય પહોંચાડીશ.
બની શકે કે, દુન્યવી વળગણો ભૂંસાયા પછી પણ મનુષ્યના મનમાં વહેતા રહેતા લાગણીના પ્રવાહો વિશે તથા મનુષ્યના મનમાં ગોપિત સર્જનાત્મકતાના પુનઃસર્જન વિશે જાણવું કોઈ સંશોધકને ઉપયોગી થાય. એક વાત ચોક્કસ હતી કે, મારા કરતાં ડૉ. નીરજાનો ત્યાગ ઘણો મોટો હતો. અને એ ત્યાગનો અહેસાસ મારી જિંદગીના રસ્તાને એક નવો વળાંક આપી રહ્યો હતો.
હું જાણતી હતી કે, એક અઘરો અને અશક્ય લાગતો પ્રયોગ હું કરવા જઈ રહી હતી. મારાં મૉમ-ડૅડનો સપૉર્ટ મારું મનોબળ મક્કમ કરતો ગયો. ગોવિંદ અંકલની મદદથી હું અહીં સ્થિર થઈ શકી. પછી જે કાંઈ બન્યું, તેનાં આપ સૌ સાક્ષી છો.
ભારતની વન્ડરફૂલ ઑડિયન્સે, સૉરી! અદભૂત પ્રેક્ષકોએ મારી માણસાઈ પ્રત્યેની શ્રદ્ધાને દૃઢ બનાવી છે. સારપ પ્રત્યેનું મારું કમિટમૅન્ટ વધુ સક્ષમ બનાવ્યું છે. આપ સૌનો આભાર હું ક્યા શબ્દોમાં માનું?
બસ એક નાનકડી જિંદગી જ છે મારી પાસે! કરવા ધારેલાં કામ પાર પાડવા માટે બહુ ઓછો સમય. મારા નાનકડા પ્રયત્નથી દુનિયાને કોઈ ફરક પડશે કે નહીં, હું જાણતી નથી. હું બરાબર સમજું છું કે, મોટો ફરક પાડવાની મારી હેસિયત પણ નથી. છતાં જો થોડીક જિંદગીઓમાં, સમાજના નાના એવા કોઈ અંશમાં, જરા જેટલું પણ સકારાત્મક પરિવર્તન લાવી શકું, પ્રકાશનું એકાદ કિરણ પણ ફેલાવી શકું, તો મારી સાધના સફળ થયેલી માનીશ.
આટલા બધા દિવસો સુધી મારી વાત સાંભળવા બદલ અને સદાય મારો સાથ આપવા બદલ આપ સૌને હૃદયપૂર્વક વંદન! ફરી મળીશું, બીજી કોઈ વાત સાથે, કોઈ નવા વિચાર સાથે. આજે આપની વિદાય માગતી, આપની વિશ્વાસુ સિન્થિયાના નમસ્કાર!’
વાયોલીનની તર્જ વાતાવરણને લાગણીભીનું બનાવી રહી હતી. નીચી નમીને નમસ્કાર કરતી સિન્થિયા પર સ્ટેઈજની લાઈટ ઝાંખી થતી ગઈ, તેમતેમ સિન્થિયાની સાડી ઉપર ભરેલી જરીની ટીપકી વધુ ને વધુ ચમકતી ગઈ!
(સમાપ્ત)
વાચકોના પ્રતિભાવ આવકાર્ય છે.