ઘૂંટવું (વાર્તા) ~ શ્રદ્ધા ભટ્ટ

(“આપણું આંગણું”ની સમસ્ત ટીમ અને વાચકો વતી, નવો ઉન્મેષ લઈને આવેલી આ વાર્તાના સર્જક શ્રદ્ધાબહેન ભટ્ટનું હું જયશ્રી મરચંટ સ્વાગત કરતાં ખૂબ આનંદ અનુભવું છું. એમનો ટૂંકો પરિચય એમનાં જ શબ્દોમાં નીચે આપવામાં આવ્યો છેઃ)

“શ્રદ્ધા ભટ્ટ, ફૂલ ટાઈમ હોમ મેકર, નવરાશના સમયમાં કલાકાર. માંહ્યલાનો એ શોખ ટૂંકી વાર્તા, લઘુકથા, માઇક્રોફિક્શન લખવા સુધી વિસ્તર્યો છે. સાહિત્ય સેતુ, વાર્તા સૃષ્ટિ, નવનીત સમર્પણ, શબ્દ સૃષ્ટિ, નવચેતન, બુદ્ધિપ્રકાશ, મમતા, એતદ્દ, પરબ, વારેવા જેવા મેગેઝીનમાં શબ્દોને સ્થાન મળ્યું છે. હાલમાં યોજાયેલી જયંત ખત્રી વાર્તા સ્પર્ધામાં મારી વાર્તાને પ્રથમ ઈનામ મળ્યું છે. શબ્દની સાધના અવિરત ચાલતી રહે એ દિશામાં સતત પ્રયત્નશીલ.”

બહેન શ્રદ્ધા પાસે શબ્દોને અર્થ થકી અને અર્થને શબ્દો થકી ઉજાગર કરવાનો Synergetic – સહયોગી અને આગવો કસબ છે. આ હુન્નર પાસેથી એમણે એટલી સહજતાથી આ વાર્તામાં કામ લીધું છે એ વાર્તાના અંત સુધી આવતાં સમજાઈ જાય છે. આ વાર્તા વાંચવાની મને ખૂબ મજા આવી. મને ખાતરી છે કે આપ સૌ વાચકો આ વાર્તા અને એનાં લેખકને હાથોહાથ વધાવી લેશો.)

ઘૂંટવું (વાર્તા) ~ શ્રદ્ધા ભટ્ટ

છેલ્લા એક મહિનાથી એણે એના ઘરમાં થોડાં ફેરફારો કર્યા છે. ડ્રોઈંગ રૂમમાં સોફાની જગ્યા બદલાવી છે. એક ઇઝી ચેર મૂકાવી છે. સોફા માટે નવા ડેકોરેટિવ કુશન પણ લીધા છે. એના કવર પર પહાડ અને ઝરણાંની ડિઝાઇન દોરેલી છે.

એ રોજ કિચનમાં ઊભી રહીને આખો ડ્રોઈંગ રૂમ જોયા કરે છે. કાયમ કિચનમાં રહેતું ફ્રિજ પણ એણે હવે બહાર ડ્રોઈંગ રૂમમાં મૂકાવ્યું છે. કિચનથી ડ્રોઈંગ રૂમ અને ત્યાંથી ફરી કિચન, આખાય ઘરમાં આ બે જગ્યાઓએ એ સૌથી વધુ હરફર કરે છે.

કિચનમાં કામ કરતી વખતે ફ્રીઝમાંથી વસ્તુ લેવા ડ્રોઈંગ રૂમમાં જાય, ફ્રીઝ ઉઘાડે, વસ્તુ લે અને પછી કિચનમાં આવે. ત્યારે એને યાદ આવે કે ફ્રીઝમાંથી લીંબુ નહીં, બીજું કશું લેવાનું હતું! ફરી ફ્રીઝ પાસે જાય ત્યારે ખ્યાલ આવે કે લીંબુ પાછું મૂકવાનું છે એ તો પ્લેટફોર્મ પર જ રહી ગયું છે.

“એબસન્ટ માઇન્ડેડ થઈ ગઈ છો હમણાં તું!” એનો પતિ એની આવી હરકતો જોઈને ચિંતા વ્યક્ત કરે છે. પણ એને ખબર છે કે એનું મન તો કેટલું એક્ટિવ છે! જ્યાં હોવું જોઈએ ત્યાં પણ અને જ્યાં ના હોવું જોઈએ એવી બાબતોમાં પણ!

એ આ વાત વિચારતી વખતે હાથમાં પકડેલા લીંબુને જોઈ રહે છે. સરસ પીળચટ્ટો રંગ છે. કાલે સાંજે જ બરાબર જોઈ પારખીને લીધા છે. એક એક લીંબુ ઉપાડીને, ચારેબાજુથી દબાવીને, ક્યાંય ડાઘ નથી એ જોઈ ચકાસીને ખરીદ્યા છે. હાથમાં પકડેલું લીંબુ એણે ફરી એક વાર ગોળ ફેરવીને જોયું.

કશોક વિચાર આવતાં ફ્રીઝમાં રાખેલ બધા લીંબુ બહાર કાઢ્યા. એક લીંબુ કાપ્યું. બહારથી એકદમ ફ્રેશ દેખાતું હતું એ અંદરથી સાવ જ સૂકાયેલું નીકળ્યું. બીજું કાપ્યું. એ તો સાવ બગડેલું. ત્રીજું લીંબુ કાપવાનું એને મન ના થયું.

એ ડાયનિંગ ટેબલ પર રાખેલા સફરજન લઈ આવી. લાલ ચટાક. ‘એકેય નબળું નથી મારી બેન. બધા એકદમ રસદાર ને મીઠા છે.’ લારીવાળાએ કહેલું. એણે એક સફરજન ઉપાડ્યું. ચપ્પુથી એક ચીર કાપી. રસદાર અને મીઠું દેખાતું સફરજન અંદરથી સડેલું નીકળ્યું. બીજું કાપ્યું. દેખાવમાં સારું હતું, ચાખી જોયું. સાવ ફિક્કું. એને ચીડ ચડી. કેમ આવું? કેટલું ધ્યાન રાખીને એ શાકભાજી અને ફળો ખરીદે છે અને એના હાથમાં આવતાં જ બધું બગડી જાય છે!

એ બધું છોડીને બહાર આવી ગઈ. ઇઝી ચેરમાં ગોઠવેલા કુશનને સરખી રીતે મૂક્યું અને ડાયનિંગ ટેબલ પર આવીને બેસી ગઈ. સોફા પર બેસીને છાપું વાંચતાં એના પતિએ એની આ ક્રિયા નોંધી. એ ઊભો થયો. કિચન પર અડધા કાપેલા સફરજન અને લીંબુ જોઈને એના પતિએ કહ્યું, “આજે ફરી પ્રયોગ કર્યો?” એણે જવાબ આપવાનું માંડી વાળ્યું. પણ એના મનમાં સંવાદ શરૂ થઈ ગયો.

‘એવું કેમ થાય કે તું સમારે એ ફ્રૂટ સારું જ નીકળે અને હું કાપુ એ બધું બગડેલું જ હોય?’

‘વહેમ છે તારા મનનો. એવું કશું નથી.’

‘મારું મન ખરાબ થઈ ગયું છે?’

‘ગમે તેમ ના વિચાર.’

એ કોશિશ કરતી, જેમ તેમ ના વિચારવાની. પણ એણે નોટિસ કર્યું હતું કે જ્યારે પણ એને પેલા દ્રશ્યો દેખાતાં અને એ વિચલિત થઈ જતી ત્યારે ત્યારે આવું થતું. રોજિંદા કામો કરતી વખતે એ અટકી જતી.

થંભી જવાની આ ઘટનાનો સમયગાળો દર વખતે અલગ અલગ હોય છે, ક્યારેક બે સેકન્ડ, ક્યારેક પાંચ સેકન્ડ તો ક્યારેક અડધી મિનિટ. એનું શરીર અટકે છે, પણ મન આગળ દ્રશ્યો ભજવાયા કરે છે. અલગ અલગ દ્રશ્યો. જેમ કે, હમણાં જ થોડી વાર પહેલાં એને જે દેખાયું તે આ – એ કશા કામથી બહાર ગઈ છે. અને એનો ફોન વાગે છે. કોઈ અજાણ્યો નંબર છે.

એ ફોન ઉપાડે છે અને સામે છેડેથી સંભળાય છે : બેન, મંથન ભાઈ કોણ થાય તમારા? એમનો એક્સિડન્ટ થયો છે. અમે 108 ને ફોન કરી દીધો છે. તમે આ જગ્યાએ તાત્કાલિક પહોંચો. એને યાદ આવે છે કે એનો નંબર એના પતિના ફોનમાં લોક સ્ક્રીન પર સેવ થયેલો છે.

એનું શરીર હજુ પણ એના ઘરમાં, કિચનના પ્લેટફોર્મને અઢેલીને ઊભેલું છે, પણ એનું મન બહાવરું થઈને દોટ મૂકે છે. ઘરની બહાર, મેઈન ગેટની બહાર, સોસાયટીની બહાર….. આગળનો રસ્તો ધૂંધળો છે. કશું સ્પષ્ટ દેખાતું નથી. એ ઘાંઘી થઈને ચારેબાજુ નજર દોડાવે છે. યાદ કરવા મથે છે કે એને ક્યાં પહોંચવાનું છે?

બસ, આ ક્ષણે કલ્પના અને હકીકત વચ્ચેની ભૂંસાઈ ગયેલી ભેદરેખાનું એને ભાન થાય છે. આંખ મટકું મારે એટલી વારમાં આ ઘટના પૂરી પણ થઈ જાય છે. પાછળ રહી જાય છે, એ અને એનું આઘાતથી જડ થઈ ગયેલું શરીર.

આના પછીની તરત બનેલી ઘટના એટલે એના પતિએ જેને પ્રયોગ નામ આપેલું તે. લીંબુ, સફરજનના ટુકડા કરવા, એ જોવા કે બહારથી ફ્રેશ દેખાતી વસ્તુઓ અંદરથી પણ એવી જ તાજી છે કે નહિ? એને ખબર પણ નહોતી રહી કે ક્યારે દરેક ફ્રૂટની અંદર બહારની ફ્રેશનેસ ચકાસવાની ઘટનાને એણે પોતાના મન સાથે જોડી દીધેલી. દરેક નવા દિવસે આ પ્રયોગ થતો. એનું પરિણામ જોઈને એ મનોમન  ‘મારું મન દિવસે ને દિવસે ખરાબ થતું જાય છે.’ આ ઘડિયો પાકો કર્યા કરતી.

સમય ભાગતો જાય છે. એ ફરીથી રસોઈ કરવા લાગી જાય છે. રોટલી કરવાની છે, દાળનો વધાર બાકી છે. એ ફટાફટ કામ પતાવવામાં લાગી જાય છે. રોટલીનો લોટ બંધાતો જાય છે અને એનું મન ફરી એક દ્રશ્ય દેખાડે છે. દ્રશ્ય જૂનું છે. એ વીસેક વર્ષની હતી ત્યારનું. એ રસોડામાં ઊભી છે.

હાથ લોટ મસળવામાં લાગ્યા છે અને નજર બહારના રૂમમાં રાખેલ ફ્રીઝને અઢેલીને અદબ વાળીને ઊભેલી બીજી છોકરી પર. પેલી છોકરીએ ફ્રીઝ ખોલીને અંદરથી ટમેટું હાથમાં લીધું છે અને એ મોંમાં મૂકવા જાય છે. ‘અર્પૂ, ધોઈ તો લે પહેલાં!’ કિચનમાંથી બૂમ પડે છે.

‘તને શિખામણ દીધા વિના ચેન ના પડે નહીં?’ પેલી છોકરી આંખો નચાવીને જવાબ આપે છે. ટમેટું હાથમાં રમાડતી કિચનમાં આવે છે. નળ ખોલવા જાય છે અને અચાનક ફરીને જવાબ આપે છે, ‘ના. હું એમનેમ જ ખાઈશ!’

“અર્પૂ, ઊભી રહે તો….” મનમાં ચાલી રહેલા ભૂતકાળના દ્રશ્યને પકડવા માટે એ વર્તમાનમાં દોડે છે. ડ્રોઈંગ રૂમમાં આવે છે. ફ્રીઝ સામે જુએ છે. ત્યાં કોઈ નથી. આખા ઘરમાં એના સિવાય કોઈ નથી. અર્પૂ – અર્પિતા એની નાની બેન, હવે સદેહે એની સાથે નથી, એનું એને ફરી ભાન થાય છે.

ફ્રીઝને કિચનમાંથી ખસેડીને ડ્રોઈંગરૂમમાં રાખવાથી, સોફાની જગ્યા બદલવાથી કે અર્પિતાને ગમતી ડિઝાઇનના કુશન કવર લગાવવાથી આ ઘર એના પિયરનું ઘર નહીં બની જાય એનો પણ એને ખ્યાલ આવે છે.

એણે રડવું જોઈએ. અર્પિતાને યાદ કરીને, પિયરના છૂટી ગયેલા ઘરને યાદ કરીને, મમ્મી પપ્પાને યાદ કરીને. પણ એ રડતી નથી. સગાઓનો અવાજ એના કાનમાં સંભળાયા કરે છે – અક્ષિતા, બેટા હવે તો બધો આધાર તારા પર જ છે. હવે તારે જ મમ્મી પપ્પાને હિમત આપવાની છે. અર્પિતા જે રીતે ગઈ, બાપ રે! ભગવાન આવું મોત દુશ્મનને ય ના આપે! તું હિમત રાખજે હો!

એણે હિમત રાખેલી. અર્પિતાનું ક્ષત વિક્ષત શરીર જોયા પછી પણ. એક્સિડન્ટ એટલો ભયંકર હતો કે….

એ કિચનમાં ગઈ. રોટલી કરવા તવી ગેસ પર મૂકી. રોટલી વણાતી ગઈ એમ એનું મન ફરી દ્રશ્યો દેખાડવા લાગ્યું. દીકરાનો સ્કૂલથી આવવાનો સમય થઈ ગયો છે. પણ હજુ સુધી આવ્યો નથી.

એ ઘરનો મેઇન ગેટ ખોલીને રાહ જોતી ઊભી છે. ત્યાં જ ફોનની રિંગ વાગે છે. અજાણ્યો નંબર. સામે છેડેથી સંભળાય છે દીકરાનું નામ, એની સ્કૂલનું નામ. નંબર ક્યાંથી મળ્યો? એના આઈ કાર્ડમાંથી, જલ્દી પહોંચોની આજીજી, એમ્બુલન્સનો અવાજ…..

એના હાથ ખાલી પાટલા પર ફરતાં રહે છે અને એ તવી પર મૂકેલી બળી ગયેલી રોટલીને તાક્યા કરે છે.

‘ખરાબ મન, ખરાબ વિચારો..’ – બેકગ્રાઉન્ડમાં આ ઘડિયો ઘૂંટાયા કરે છે.

जातस्य हि ध्रुवो मृत्यः ગીતા પાઠ વખતે મહારાજે કહેલી વાત એને યાદ આવી. અર્પિતા મરવા માટે જ જન્મેલી? એને ત્યારે પણ પ્રશ્ન થયેલો. અત્યારે પણ એ જ પ્રશ્ન ફરી થયો. એનો પતિ, એનો દીકરો – બધા શું મરવા માટે જ….

‘મારું મન ખરાબ થઈ ગયું છે.‘ ફરી એ વાક્ય ઘૂંટાય છે.

એને અવગણીને એ વિચારે છે કે અર્પિતા તો એનું સપનું પૂરું કરવા ગયેલી.

‘દીદી, મારે તો દુનિયા જોવી છે. તારી જેમ મારો વર, મારો દીકરો કરીને એક ઘરમાં પુરાઈ રહેવા હું નથી બની!’

એ હસી દેતી. ‘બહુ ડાહી! મારા માટે તો મારું ઘર એ મારી દુનિયા. આમ એક બેગ ખભે લટકાવીને ભટકતા રહેવું મને ના ગમે. તું દુનિયા ફર અને મજાના ફોટો પાડીને અમને પણ દેખાડ. હું તો એમાં જ ખુશ!’

‘કૂપમંડૂક.’

‘ને તું? ફેર ફૂદરડી.’

અર્પિતા ફેર ફૂદરડી ફરતી ફરતી અનંત આકાશમાં ખોવાઈ ગઈ. જે જાણતું એક જ વાત કહેતું – કેવું ભયાનક મોત! આવું મોત….

તો કેવું મોત હોવું જોઈએ? એને વિચાર આવ્યો. છટ્ટ્…. એ કેમ આવા વિચારો કરે છે? ભર્યું પૂર્યું ઘર છે, પ્રેમાળ પતિ છે, દીકરો છે, છતાં…. અને બીજા કોઈના નહીં ને પોતાના જ ઘરના સભ્યોના આકસ્મિક મોતના વિચારો?

‘મારું મન ખરાબ થઈ ગયું છે.’ ઘડિયો ઘૂંટાય છે.

કિચનનું કામ પૂરું થઈ ગયું છે. હવે એ ડાઇનિંગ  ટેબલ પર બેઠી છે. બેઠાં બેઠાં એનું શરીર ધીમી ગતિએ હલે છે. પેલું વાક્ય એના કાનમાં સંભળાતું રહે છે. આ વખતે એ પણ હોઠ ફફડાવી પેલા સાદમાં સાથ પુરાવે છે. “મારું મન ખરાબ થઈ ગયું છે.” એક વાર, બે વાર, ત્રણ વાર…..વાક્ય ઘૂંટાયા કરે છે. એ હવે સ્થિર થઈ ગઈ છે. હોઠ પણ સજ્જડ બંધ કરીને બેઠી છે.

અર્પિતાના સમાચાર મળ્યા, એ પતિ સાથે ત્યાં ગઈ, બોડી ઘરે લાવ્યા, બધી વિધિ કરી. મમ્મી પપ્પાને સધિયારો આપ્યો. આ બધું જ કરતી વખતે ક્યારેય આવા વિચાર નહોતા આવ્યા અને બધું પતી ગયા પછી કેમ? એણે હિંમત રાખેલી, પણ એકાંતમાં અર્પિતાના રૂમમાં જઈને રડી પણ લીધેલું. મનોમન એને ખિજાઈ પણ લીધેલું – મારી વાત કેમ ના માની?

કેટલું કહેલું કે અત્યારે ત્યાં લેન્ડ સ્લાઇડિંગનું જોખમ છે. રહેવા દે. કેમ ના માન્યું? અર્પિતા તરફથી – નથી માનવી તારી વાત – આવો જવાબ પણ નહોતો મળ્યો.

અર્પિતા ફરવા ગઈ અને ચોથે દિવસે ફોન આવ્યો, અજાણ્યા નંબર પરથી. પપ્પાના ઘરનો લેન્ડલાઇન બંધ આવતો હતો એટલે એના નંબર પર ફોન આવેલો.

એ ત્યારે શાક માર્કેટમાં હતી. પૈસા આપવા પર્સ કાઢ્યું જ હતું ત્યાં ફોનની રિંગ વાગેલી. એણે ફોન ઉપાડ્યો. લોકોના કોલાહલ વચ્ચે એણે જોરથી હલ્લો કહેલું. સામે છેડેથી જે કહેવાતું હતું એ સંભળાતું તો હતું, પણ એના પર વિશ્વાસ કરવાનું મન જ નહોતું થતું! અર્પૂ, મારી અર્પૂ? પણ કેમ? એનું મન કહેવા માંગતું હતું – તમે કદાચ ખોટા નંબર પર ફોન કરી દીધો છે. એ મારી અર્પૂ ના હોઈ શકે. પણ એના મોંમાંથી શબ્દો નીકળતાં જ નહોતા. આજુબાજુના લોકો પણ પરિસ્થિતિ સમજીને પૂછવા લાગ્યા ત્યારે એ ફાટેલી આંખે બધા સામે જોતી રહેલી.

એ ત્યાંથી કઈ રીતે ઘરે પહોંચી, કઈ રીતે એના પતિને અર્પિતા વિષે ખબર પડી એની એને સુધ જ નહોતી. પણ, એ પછી એણે તરત જ જાતને સંભાળી લીધેલી. અર્પિતાને ગયે દોઢ મહિનો થઈ ગયો. બધા ધીરે ધીરે સ્વસ્થ થવા લાગેલા. એ તો પહેલેથી જ સ્વસ્થ હતી.

એને પોતાની જાત પર હસવું આવી ગયું. સ્વસ્થ માણસ પોતાના જ પરિવારના સભ્યોના મૃત્યુ વિષે વિચારે? છેલ્લા અઠવાડિયાથી એનું મન એને આવા દ્રશ્યો દેખાડી રહ્યું હતું. ક્યારેક પતિ તો ક્યારેક દીકરો. દરેકનું મોત આકસ્મિક. પહેલી વાર જ્યારે એણે આ દ્રશ્ય જોયું, એ નક્કી નહોતી કરી શકી કે જે દેખાય છે એ હકીકત છે કે કલ્પના?

હકીકત જીરવવી અઘરી અને કલ્પના હોય તો? ઘડીભર એ પોતાને આવી કલ્પના પણ થઈ શકે એ વિચારને માનવા જ તૈયાર નહોતી થઈ. એણે તરત જ રિક્ષા પકડેલી અને પતિની ઓફિસ પહોંચી ગયેલી. પતિને નજર સામે જોયો, અડીને ખાતરી કરી લીધી પછી એના જીવમાં જીવ આવેલો. પણ વાત આટલેથી પતી નહોતી. જે જોયું એ ઉઘાડી આંખે જોયેલું સપનું જ કહેવાય અને સપનામાં પોતાના જ પતિનું મૃત્યુ જોવું એટલે? આનાથી આગળ એ કશું વિચારી જ નહોતી શકી.

બસ, રોજ પ્રાર્થના કરતી કે આ ઘટના એક ખરાબ સપનાની જેમ ભૂલાઈ જાય. પણ રોજ દિવસ ઊગે ને પેલા દ્રશ્યો આંખ સામે આવી જાય. એ આખું દ્ર્શ્ય પૂરું થાય એ પછી એનું મન પેલો ઘડીયો ઘૂંટ્યા કરે, અવિરત.

‘તને ભાન છે તું શું બોલે છે? તું એમ કહેવા માંગે છે કે તું રોજ મારા અને મારા દીકરાના મોતના વિચારો….’

‘એ મારો પણ દીકરો….’

‘ખબરદાર, એને તારો દીકરો કહ્યો છે તો! કઈ મા પોતાના જ દીકરાના મૃત્યુ વિષે…. તને શું કહેવું એ જ સમજાતું નથી!’

એણે મનોમન પોતાના પતિ સાથે પણ સંવાદ કરી જોયેલો. પતિને પ્રત્યક્ષ રીતે તો કશું કહેવાની એનામાં હિંમત જ નહોતી. બીજા તો કોને કહે? જેની સાથે બધું જ શેર કરતી એ તો કોઈ અલગ જ દુનિયામાં જઈને વસી ગઈ છે.  એ અર્પિતાને ઝીણામાં ઝીણી વાત કહેતી. સામે અર્પિતાને કશું જ કહેવાની જરૂર ના પડતી. એ વિના કહ્યે અર્પિતાની વાત સમજી જતી.

મમ્મીએ પણ હમણાં આ જ વાત યાદ કરેલી – “ અર્પિતા ને સ્કૂલમાં કોઈ સાથે ઝગડો થયો હોય કે પછી ઓફિસનું કોઈ ટેન્શન હોય એ  ક્યારેય કશું કહેતી નહિ. પણ અક્ષુ ને ખબર નહિ કેમ ટેલીપથી થઈ જતી. જે દિવસે અર્પિતા અપસેટ હોય, અક્ષુનો ફોન આવ્યો જ હોય! અક્ષુ, એની પીડાની તને કેવી ખબર પડી જતી નહીં?”

આ વખતે એને ખબર નહોતી પડી. જ્યારે એની બેનને એની સૌથી વધુ જરૂર હતી ત્યારે એ એની પાસે નહોતી. ઊંચા પહાડ પરથી જ્યારે એની બેન નીચે પટકાઈ ત્યારે એણે કદાચ પોતાની મોટી બેનને યાદ કરી હશે, સાદ પાડ્યો હશે. પણ એનો પડધો ઝીલવા ત્યારે ત્યાં કોઈ નહોતું. આવું તો નહોતું થવું જોઈતું!

આવું મોત તો અર્પિતાએ માંગ્યું નહીં હોય ને?

“મારું મન બહુ ખરાબ છે.” વાક્ય ઘૂંટાતું રહ્યું. એનો પતિ, એનો દીકરો, એનું ઘર – આ બધાની હયાતી પર આ વાક્યનો કાળો રંગ ઘૂંટાતો રહ્યો. એના હોઠ સતત ફફડી રહ્યા હતા. એના હાથ હવામાં લખી રહ્યા હતા – મને મૃત્યુ મળે.

મનમાં ઘૂંટાતું વાક્ય, એના દરેક શબ્દનો ફેલાતો અને ગાઢ થતો જતો કાળો રંગ અને હવામાં લખાતું વાક્ય.

એની બંધ આંખો સામે છે કાળો મેશ અંધકાર. દ્રષ્ટિ વિહીનતાની કોઈ અગોચર ભૂમિ પર એ પગ માંડે છે. ક્યાં જશે એ નક્કી નથી કેમ કે કોઈ રસ્તો દેખાતો જ નથી. એ બસ ચાલ્યા કરે છે, દિશા વિહીન.

ધીરે ધીરે એની નજર અંધારાથી ટેવાઇ જાય છે. દૂર સુધી નજર ફેંકીને એ જોવા પ્રયત્ન કરે છે. એને કેટલીય વાર પછી ઝાંખો એવો પ્રકાશ દેખાય છે. એની ચાલવાની ઝડપ વધે છે. પેલો પ્રકાશ હવે ધીરે ધીરે ઝાંખપ છોડીને અજવાસ તરફ ગતિ કરે છે. બરોબર મધ્યમાં આવીને એ અટકે છે. એ અજવાસ તરફ જુએ છે. એને દેખાય છે અદબ વાળીને ઊભેલો એક આકાર. એની એક બાજુ છે, ગાઢ અંધકાર. બીજી બાજુ છે – આવકાર આપતો અજવાસ.

એ ઝીણી આંખે સામે જુએ છે. અદબ વાળીને ઊભેલો આકાર ઝાંખો થતો જાય છે. એ મૂંઝાય છે. એને રોકવા એ આગળ વધે છે.  “દીદી, આ જો તારી દુનિયા.” એને સંભળાય છે. ઝાંખા થઈ ગયેલા આકારને સ્થાને એને હવે એક ફેમિલી ફોટો દેખાય છે.

એની આંખો એ ફોટો જોઈને ચમકે છે. ફોટો ફ્રેમમાં નીચે લખેલું છે –

કૂપમંડુક માટે, ફ્રોમ ફેર ફૂદરડી.

****

આપનો પ્રતિભાવ આપો..

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.